બીડેલાં દ્વાર/અનુવચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અનુવચન


સાહિત્યકારનું, એટલે કે સર્વ પ્રદેશોના કલાકારનું, જીવન મોટે ભાગે સમરાંગણ સમું હોય છે. ખરું જોતાં તો પ્રત્યેક માનવીના જીવનમાં સંગ્રામો મંડાયા હોય છે. પણ સમરાંગણે સમરાંગણે વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓ પડેલી છે. સૂક્ષ્મ સંકુલ ઊર્મિઓ જોડે કામ લેનારો કલાકાર વ્યવસાયમાં, લગ્નસંસારમાં, જીવન પ્રત્યેનાં એકોએક વલણમાં, પોતાની નિરાળી જ લડાઈઓ લડી રહ્યો હોય છે. ને એની લડાઈઓ ઉપર કાળલેખ લખાયો હોય છે — મોટે ભાગે તો પરાજયનો.

એવી ખાસ વિશિષ્ટતાઓના આકર્ષણે ખેંચાઈને જ મેં અમેરિકન ગ્રંથકાર અપ્ટન સિંકલેરનું પોતાના જીવન-સંસાર પરથી ઉઠાવેલું વારતાપુસ્તક તપાસી જોયું ને તેમાંથી ‘બીડેલાં દ્વાર’ એવા મથાળા નીચે ‘જન્મભૂમિ’ દૈનિકના શનિવાર-અંકોમાં પૂર્વાર્ધ આલેખ્યો હતો; ઉત્તરાર્ધ તો હજુ હમણાં જ લખાયો. અપ્ટન સિંકલેર પ્રચારવાદી ગ્રંથકાર છે, લડવૈયા છે, કલમને શસ્ત્રે સામાજિક સમરાંગણો લડે છે; પણ એ સાચો કલાવિધાની નથી. એની પોતાની પત્નીએ જ કબૂલ કર્યું છે કે શિલ્પી તરીકે અપ્ટન સિંકલેર ‘ધ સિંગિંગ જેઇલ-બર્ડ્ઝ’ સિવાય ક્યાંય પોતાની કલાને સાચવી શક્યો નથી. અમેરિકામાં અને યુરોપ ખંડની ભૂમિ ઉપર પુસ્તકોની પ્રશંસાઓ કયા ધોરણે થાય છે તે અહીં બેઠે સમજી શકાય તેમ નથી. અપ્ટન સિંકલેરના આ દળદાર પુસ્તક ‘લવ્ઝ પિલ્ગ્રીમેજ’ને ‘એક મહાન નવલકથા’ જેવા શબ્દો વડે સાતમે આકાશે શી ખૂબીઓના જોરે ચડાવી દેવામાં આવ્યું છે તેની મને સમજ નથી પડી. લેખકે પોતાના જીવનના નાનામોટા, ગણનાયોગ્ય તેમજ ક્ષુદ્ર, તમામ અનુભવોનો સંગ્રહ કરીને, બેશક પ્રભાવપૂર્ણ ભાષામાં, અહીં ભંડારિયું ભર્યું છે. મેં એ છસો ઉપરાંત પાનાંમાંથી 260 જેટલાં પાનાંનો જ સંભાર ઉતારી મારી કથાને ખતમ કરી છે. ને આથી વધુ તારવવાની જરૂર પણ નથી તેની મને ખાતરી થઈ છે. ‘લવ્ઝ પિલ્ગ્રીમેજ’ને એના પ્રકાશકોએ ‘એ નોવેલ’ કહી છે, ‘એ સ્પ્લેન્ડીડ વર્ક ઑફ આર્ટ’ કહી છે. એ મંતવ્ય સાથે સંમત થઈ શકાતું નથી. પણ જૅક લંડન નામના લેખકે તો એટલે સુધી પ્રશસ્તિ ઢોળી છે કે એ ચોપડી અદ્વિતીય છે; ‘ઈટ સ્ટેન્ડ્ઝ અલોન: ધેર ઇઝ નોે બુક લાઇક ઇટ’ એ ચોપડી અદ્વિતીય છે, એનો કોઈ જોટો નથી. જૅક લંડનની આ પ્રશસ્તિને એક જ દૃષ્ટિએ જોઈ શકાય, કે અમેરિકામાં લેખકની આસપાસ જે સંજોગો છે તેનું આવું વફાદાર નિરૂપણ કોઈ બીજે ઠેકાણે નહિ થયું હોય. બીજી એક પ્રશસ્તિ આવી છે: ‘ઈટ ઈઝ શ્યોરલી યોર ગ્રેટેસ્ટ બૂક ઍન્ડ વેરી નીઅર્લી વન ઑફ ધ ગ્રેટ બૂક્સ ઑફ ધ વર્લ્ડ’. કોણ જાણે! પણ તે પછીનો ઉત્તરાર્ધ સત્યની વધુ નજીક છે — ‘યુ ગિવ વૂઇંગ, મૅરેજ, પ્રેગ્નન્સી, બર્થ ઇન ગ્રેટ ક્લાસિક લાઈન્સ :’ તમે સંવનનને, લગ્નને, ગર્ભાધાનને અને પ્રસવને ભવ્ય બાનીમાં આલેખ્યાં છે.’ આ અભિપ્રાય મને માન્ય છે. વારતાઓમાં, ખાસ કરીને ‘મહાન વારતા’માં, જે જે વિશાળ લીલાભૂમિ પર રમણ કરતાં પાત્રો-ઘટનાઓનું એક કેન્દ્રસ્થ કથાપ્રસંગની ચોયફરતું ગૂંથણ જોઈએ, અનેક તાણાવાણાના છૂટક છૂટક ભાગોની ગૂંથણી સાથે ઊઠતો અખંડરૂપી વણાટ જોઈએ, તે આમાં નથી. આ તો ફક્ત એક ઊર્મિવંત અને આદર્શભક્ત યુવાનના જીવનપ્રવાહ પર પ્રતિબિમ્બિત થયેલા છૂટક છૂટક અને પસાર થઈ જતા પ્રસંગોની પરંપરા છે. ‘નોવેલ’માં તો વણાટ હોય; અહીં તો પરોવેલાં મોતીની માળા છે. માળા તરીકે એ સુંદર છે. પણ એમાં મોતીની સંખ્યા તેમજ જાતો ભરચક હતી તે ઘટાડીને મેં ફક્ત થોડાં પણ શોભીતાં મોતીની મેળવણી કરી છે. સંવનન, લગ્ન, ગર્ભાધાન અને પ્રસવ : એ તો પહેલા ખંડમાં જ આવી જાય છે; ખરા અનુભવો બીજા ખંડમાં છે. કોઈના દોષ વગર ઊભી થતી કલાકારના દંપતીજીવનની વિષમતાનો આ ચિતાર વેધક છે. પૃથક્કરણમાં સત્યપરાયણતા છે, પણ સર્વ પ્રસંગોના મેર સમો તો છે પત્નીના અન્ય પ્રણયી પ્રત્યે કલાકારના ઉદાર વલણવાળો અંતિમ પ્રસંગ. આત્મવિસર્જનની એ ભાવના આ કથાના પાત્ર અજિતની અન્ય સર્વ ધૂનોના ગર્ભમાં રહેલી આદર્શનિષ્ઠતાને અજવાળી આપે છે. અસલ પુસ્તકની ત્યાં જ થઈ જતી પૂર્ણાહુતિ મને કલાત્મક લાગે છે, કેમ કે એ જ પરાકાષ્ટા છે — જીવનની તેમજ લેખનની. મેં પણ મારા સંક્ષિપ્ત પુસ્તકને ત્યાં જ વિરામ લેવરાવ્યો છે. એની પછી આગળ લખવું એ મૂળ પુસ્તકનો ભારી દ્રોહ ગણાત. ‘ધીસ ઈઝ જનરલ, યુનિવર્સલ, ટૉપિકલ : ઈટ ઈઝ ધ વર્કિંગ ઑફ લાઈફ સીન બાય ઍ મૉડર્ન ટેમ્પરામેન્ટ’ : બધા વિષયોનું આમાં થયેલું આલેખન સર્વગમ્ય છે, સર્વને પ્રતીતિકર છે ને લાક્ષણિક છે. માનવીની જીવનલીલાનું નૂતનયુગી સ્વભાવદૃષ્ટિએ થયેલું આ નિરીક્ષણ છે.’ આ ઉદ્ગારો ‘લવ્ઝ પિલ્ગ્રીમેજ’ માટે ઉચ્ચારનાર વ્યક્તિ આ પુસ્તકને યોગ્ય રૂપમાં સમજી શકેલ છે. મને પણ આ અનુભવો સાર્વજનિક, સૌને લાગુ પડી શકે તેવા, ગુજરાતમાં પણ મોજૂદ જોઈએ છીએ તેવા લાગવાથી મેં ગુજરાતના ભાવનાભક્ત કલાકાર અજિતને ઊભો કર્યો. મૂળે ગ્રંથકર્તાનું પોતાની છત્રીસ વર્ષની વયે લખેલું આ લખાણ ઉંમરની દૃષ્ટિએ જોઈએ તો એમાં વિચારપ્રાબલ્ય અને વાણીપ્રાબલ્યનો સુમેળ નિરાશ ન કરે તેવો છે. ‘બીડેલાં દ્વાર’માં મૂળના અનુભવોને વફાદાર રહેવાનો યત્ન કર્યા છતાં તેનું ગુજરાતી જીવનને બંધબેસતું સંયોજન કરવામાં નવા જ આનુષંગિક પ્રસંગો આણવા પડ્યા છે. ને મને સંતોષ છે કે શ્રી સિંકલેરને જે કહેવાનું છે તેનો ભાવ મેં બદલ્યો નથી, તેમ તેનું જોશ મેં તોડ્યું નથી. રૂપાંતરો કરવામાં મારો પ્રયત્ન મૂળ લેખકની કૃતિને રજૂ કરવાનો નથી હોતો, પણ આપણા પ્રાંતીય સંસારને સમાન અનુભવો દ્વારા રજૂ કરવાનો હોય છે. એથી વિશેષ કશું જ કહેવાનું નથી. આ પુસ્તકના કાગળોના બે રંગો જુદા પડતા જણાશે. એટલી વિકૃતિને માટે લેખક પોતે જ જવાબદાર છે. પ્રકાશકોએ કાગળોનો ભેળસેળ કર્યો હોવાની શંકા કોઈ આણશો નહિ. હકીકત એ છે કે પહેલા 80 જેટલા પાનાં છપાઈ ગયાં પછી તરત જ હું નવું લખાણ તેની સાથે ચાલુ રાખીશ એવી મારી ગણતરી, અન્ય રોકાણોના વિક્ષેપને લીધે, ખોટી પડી. મૂળ પુસ્તકનો દરિયો ડોળવાની ક્રિયા બહુ અઘરી પડી, (આ કરતાં તો મૌલિક લખી કાઢવું ઘણું સહેલું!) વિક્ષેપો વધતા ચાલ્યા, નવું લખાણ લાંબા લાંબા ત્રણ સમયગાળામાં પસાર થઈને ટુકડે ટુકડે જ ઉતારી શકાયું. પ્રકાશકોની ધીરજની આવી કસોટી, કોઈ બીજો ઓછો ખમતીધર પ્રકાશક હોત તો, વધુ પડતી આકરી ગણાત. શ્રી આર. આર. શેઠનો હું આ ધીરજ બદલ આભાર માનું છું.

રાણપુર : તા. 22–7–’39 ઝવેરચંદ મેઘાણી