બીડેલાં દ્વાર/2. ભૂખ્યું પેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
2. ભૂખ્યું પેટ


કડવાશને વધુ ઘાટી કરનાર બીજો પ્રસંગ આવી પહોંચ્યો. સૂરતમાં રહેતા અજિતના એક શ્રીમંત સગા પોતાની ચારેક અવિવાહિત પુત્રીઓના સગપણની શોધમાં પાટનગરની ઊડતી મુલાકાતે આવ્યા હતા. તેમના તરફથી ભત્રીજાને અને ભત્રીજાવહુને નિમંત્રણ આવ્યું.

“આપણને તેઓ શા માટે મળવા માગે છે?” પ્રભાએ અકળાઈને પૂછ્યું. “હું એમનો કુટુંબી છું માટે.” “પણ તમે તો ગરીબ છો.” “છતાં એક સગા તરીકે તેઓ બિચારા મળવા માગે છે.” “પણ મને શા માટે?” અજિત વિચારે ચડ્યો. એણે અનુમાનથી કહ્યું : “કદાચ મારું કાવ્ય-પુસ્તક પ્રગટ થયું છે તેની ખુશાલીમાં તેઓ સાહિત્યનું સન્માન કરવા જ તેડાવતા હશે.” “તેઓ સંસ્કારી છે?” “મહેનત તો કરે છે. ઘેરે ચિત્રકારો, કવિઓ, નવલિકા-લેખકો વગેરેનો સ્ટાફ વસાવે છે. દેશના નામાંકિત વિદ્વાનો આવે છે ત્યારે તેઓ તેમને ત્યાં જ ઊતરે છે.” “હું તો નહિ આવું.” પ્રભાએ કહ્યું : “મારાથી ત્યાં ઊભું જ નહિ રહેવાય.” પછી તો અજિત એકલો ઊપડ્યો. એ જ તાજમહાલ હોટેલમાં, જ્યાં એક તંત્રીએ એને ચમત્કાર-નમસ્કારનું પ્રવચન સંભળાવેલું, ત્યાં એણે પોતાના પડછંદ ને રુઆબદાર કાકાને જોયા, અડીખમ કાકીને મળ્યો, અને ચાર કુમારિકાઓને જોઈ. અનિર્વચનીય માધુરી એ ચારેયનાં મોં પર રમી રહી હતી : તેમના દેહમરોડની બંકી રેખાઓ, એમના સૌંદર્યનું લાલિત્ય, એમના ગુલાબી ઝાંય પડતા ચહેરા, એમનાં કુમાશદાર વસ્ત્રો, એ પોશાકથી મંદ મંદ મહેકતી મીઠી ખુશબો અને એમને ઘેરી વળેલું પ્રશાંતિનું વાતાવરણ : એ બધાએ અજિતના કવિત્વને હલાવી નાખ્યું : આ હા! હું પણ આ જ સમૂહમાં જન્મેલો. મને પણ આવી કોઈ કન્યા જીવનસખી તરીકે સાંપડી હોત ને! આ ચારેયમાંથી તો કાવ્ય જ નીતરી રહ્યું છે. પછી તત્કાળ એણે આવા વિચારોને જતા કર્યા. મારો જીવનમાર્ગ તો મેં બહુ વખતથી પસંદ કરી લીધો છે. ને હું ક્યાં નહોતો જાણતો કે એ માર્ગે ફૂલોની બિછાત નથી પાથરેલી? આખો વખત આ કુમારિકાઓની પાસે સાડીઓનાં ને શાલોનાં ‘પૅકેજ’ આવતાં રહ્યાં. તેમની વાતોનો વિષય મોટરો ને હીરામોતીનો જ હતો. તેમની તકરાર મહાબળેશ્વર જવું કે માથેરાન, એ જ હતી. આ વાતાવરણમાં કટુતાને વેગળી રાખવાનું કામ અજિતને માટે શક્ય નહોતું. એના વિચારો નાના બાળકને લઈ જાહેર બગીચામાં સૂનસાન આંટા મારતી એકાકિની પત્નીમાં રમતા હતા. એ સ્ત્રીની આશાઓને પોતે ધૂળ મેળવી હતી. પાર્થિવ સમૃદ્ધિના પિયરખોળામાંથી એ સ્ત્રીને પોતે આત્મિક સ્વર્ગની લાલચો આપી સેરવી લીધી હતી. આજે ક્યાં છે એ સ્વર્ગ? મનોરાજ્યની મહેલાતો તો જમીનદોસ્ત થઈ ગઈ હતી. રવિવાર હતો. કાકાસાહેબનું કુટુંબ બપોરનો ‘મેટિની’ ખેલ જોવા જતું હતું. મોટરમાં એક જગ્યા વધારાની હતી, એટલે તેમણે અજિતને પણ સાથે આવવા કહ્યું. પોતાને એક વાર ધંધા વગરનો કહીને થોડીક લોન પણ ન આપનાર આ કાકાને અજિતે નાટકશાળાની ટિકિટ-બારી પર રૂ. 100ની એક નોટ મૂકતા, ‘બૉક્સ’ની ટિકિટો ખરીદતા જોયા. અજિતને એક માનસિક આશ્વાસન મળ્યું. આ લોકો કેવા પ્રકારના કલાસાહિત્ય માગે છે તેનો આજે હું મખમલની ગાદીમાં પડ્યો પડ્યો નિરાંતે અભ્યાસ તો કરી શકીશ! ‘રત્નનગરની રાજકુમારી’ નામનો એ ખેલ હતો. દેખીતી રીતે જ એ લોકપ્રિય નાટક હતું. નાટકશાળા ઠાંસોઠાસ ભરપૂર હતી. એના મુખ્ય એક્ટર માસ્તર ગાંડાલાલને માસિક રૂ. 800નો પગાર કે રૂ. 1000નો, એ વિશેની ચર્ચા ચાલતી હતી. અત્યારે માસ્તર ગાંડાલાલ એક એ.ડી.સી.ના પોશાકમાં હાથમાં દારૂની પ્યાલી, ને સાચેસાચ દારૂના નશામાં ચકચૂર બની અર્ધબેભાન અવસ્થાનો પાઠ ભજવતો, ગાતો ગાતો, આંખોના ઇશારાથી, હાથની ચેષ્ટાથી ને ચહેરાની વિકૃતિઓ કરી કરી ભાગેડુ રાજકુંવરી સાથે પ્યાર કરતો રજૂ થયો હતો. રાજકુંવરી ઘડીભર એના પ્રેમનાં ચુંબનો ઝીલતી ને બીજી ઘડીએ એનો તિરસ્કાર કરીને એને તમાચા મારતી હતી. એ પ્યારના પારાયણની વચ્ચે વારંવાર નર્તકીઓનું ટોળું નૃત્ય કરવા આવતું હતું. પ્રત્યેક નૃત્યમાં એમના પોશાકોનું પરિધાન ઉત્તરોત્તર વધુ ને વધુ અસભ્ય બનવાની ચાલાકી દાખવતું હતું. વળી અવલથી આખર સુધી હાસ્યરસની એક પણ સાચી ઉક્તિ વગર માસ્તર ગાંડાલાલના હરેક વાક્ય પર તેમજ રાજકુંવરીના હરેક તમાચા પર આખો પ્રેક્ષકસમૂહ ભયાનક હસાહસ કરતો ‘આફરીન આફરીન’ના બૂમબરાડા પાડતો હતો. જે ચેષ્ટાઓ અજિતને શરમભારે ચગદી રહી હતી તે જ નફ્ફટ પ્રેમચેષ્ટાઓ પર કાકાશ્રી અને કાકીશ્રીની ચાર કુમારિકા પુત્રીઓ મોકળું હાસ્ય વરસાવી રહી હતી. સંસ્કારના સંપૂર્ણ વિનાશની આ સાબિતીઓ અસહ્ય બનતાં પોતાને શરીરે ઠીક નથી કહીને અજિત બહાર નીકળી ગયો, ને ખેલ ખતમ થતાં સુધી બહાર ચોગાનના બાંકડા પર જ બેસી રહ્યો. કાકા-કુટુંબ બહાર નીકળ્યું. કાકાની મોટી પુત્રી, જે તાજેતરમાં જ પરણનાર હતી તેણે અજિતને પૂછ્યું : “હવે તમને કેમ છે? અમારી સાથે જમવા રોકાશો ને?” પૂછતાં પુછાઈ ગયું, પણ પૂછનારના મનમાં તરત આ કુટુંબી ભાઈના પોશાક બાબત અકળામણ ચાલી રહી. બીજી તરફથી પોતાના પિતરાઈ પર કરુણા પણ થતી હતી. અજિતના મનમાં પણ બે લાગણીઓ અફળાઈ : એક લજ્જા, ને બીજી પેટની ક્ષુધા. આખરે ક્ષુધા જીતી ગઈ. મગરૂબીને દફનાવી દઈને એ રેસ્ટોરાંમાં સૌ સાથે ભોજન જમવા ઊપડ્યો. ખાણાના મેજ પર એક બીજો પણ પરોણો નિમંત્રાઈ આવેલ હતો. એ હતા એક કૉલેજના વિજ્ઞાનના પ્રોફેસર. વિલાયતની ઉપાધિ લઈ આવેલ એ યુવાન અધ્યાપકની વક્તૃત્વશક્તિ વિખ્યાત હતી. હજામતના લપેટા વડે લીસી લપટ બનેલી એની મુખમુદ્રા હતી : એના ગાલો પર ગુલાબી લાલી રમતી હતી. એની રીતભાતમાં અનેરા માર્દવે લેપાયેલી સભ્યતા હતી. વાર્તાલાપ કોણ જાણે કયે માર્ગે માંસાહાર ને વનસ્પતિ આહારના વિષય પર આવી પહોંચ્યો. પ્રોફેસર પોતે માંસાહારી હતા, માંસાહારના પ્રેમી હતા, તેની સામે તો અજિતને કશો જ વાંધો નહોતો. કાકાની એક પુત્રીએ પૂછ્યું : “ડૉક્ટર ભટ્ટ, આજે તો તમને અહીંનું ખાણું ફિક્કું ફચ લાગતું હશે.” “ફિક્કાશનો તો આમાં સવાલ જ નથી.” એમ કહીને પ્રોફેસરે પોતાને વિષે સ્પષ્ટીકરણ કર્યું : “માંસાહાર હું કાંઈ સ્વાદને ખાતર નથી કરતો. સ્વાદ તો ગૌણ વસ્તુ છે. માંસાહાર એ મારે માટે તો ‘લાઇફ’ પ્રત્યેનો એક ‘ફંડામેન્ટલ ઍટિટ્યૂડ’ છે, વિજ્ઞાનની જ એક દૃષ્ટિ છે, કહો કે જીવનદૃષ્ટિ છે.” અજિત આભો બન્યો. તે પ્રોફેસરે વાત આગળ ચલાવી : “કુદરતનું — કહો કે ઈશ્વરનું — જ આ એક નિર્માણ છે : વનસ્પતિ-આહાર આપણાથી — મનુષ્યોથી — પૂરતા પ્રમાણમાં લઈ શકાતો જ નથી. એનાં પોષક તત્ત્વો ઓછાં, ને એનો જથ્થો વધુ પડતો, એટલે કુદરતે એવું નિર્માણ કર્યું કે વનસ્પતિને જથ્થાબંધ પ્રમાણમાં ખાઈને પશુઓએ પોતાનાં શરીરમાં એ પોષક તત્ત્વો અલ્પ જથ્થામાં ‘કોન્સેન્ટ્રેટ’ કરી લેવાં. આવી રીતે પશુઓનાં માંસમાં ‘કોન્સેન્ટ્રેટ’ થયેલાં તત્ત્વો મનુષ્યની સાથે વધુ નજીકનો સંબંધ ધરાવનારાં બને છે. એટલે વનસ્પતિનાં ‘ક્રૂડ’ સ્થિતિવાળાં તત્ત્વો કરતાં પશુઓનાં માંસમાં પડેલાં તત્ત્વો આપણા ખોરાકને માટે વધુ બંધબેસતાં ને સુગમ છે. કુદરતે જ મનુષ્યો માટે કરેલી એ કરામત છે.” અત્યાર સુધી ચૂપ બેઠેલો અજિત હવે ન રહી શક્યો. એણે કહ્યું : “ડૉક્ટર, મને લાગે છે કે એ જ વિચાસરણીને તમે એક પગલું આગળ લઈ જશો.” “એક પગલું આગળ એટલે?” પ્રોફેસરે એના તરફ ફરીને પૂછ્યું. “મને લાગે છે કે તમે મનુષ્યાહારી બની જશો.” જમતા મંડળને મોંએ અજિતના આ શબ્દોએ ચૂપકીદી ચાંપી. તે પછી પ્રોફેસર બીજા વિષયો પર વળી ગયા, ને બોલતી વખત અજિત તરફ છૂપી અકળામણ અનુભવતો એકાદ દૃષ્ટિપાત નાખતા રહ્યા. પ્રોફેસરના દૃષ્ટિપાતો અજિતે દીઠા નહિ. એનું ચિત્ત કામે લાગ્યું હતું. એના વિચારો ચક્ર પર ચડ્યા હતા. સર્જનની એને વેદના ઊપડી હતી. દુનિયા પર વેર લેવાની ઘોળાઈ ઘોળાઈ તીવ્ર બનેલી પ્યાસે ‘મનુષ્યાહારી’ ‘માનવભક્ષી’ શબ્દ પકડી લીધો. અહીં દીઠા માનવભક્ષીઓ : આ રહ્યા એ અઘોરીઓ : ભોજન પરથી એ સીધો બાગમાં ગયો. એક અકથનીય, કારમા પુસ્તકની એણે યોજના વિચારી લીધી. ‘આદર્શ અઘોરીવાદ’ : ‘ઉન્નત મનુષ્યાહાર’ : એ હતું એની નૂતન કૃતિનું નામ. પ્રભાતે એણે પ્રભાને આ વાત કરી : ભયંકર ચીસ પાડીને પ્રભા બોલી : “ન લખો, ન જ લખો, એ કોઈ નહિ જ છાપે.” “ફિકર નહિ. છતાંય હું લખીશ, મરવું પડે તોપણ લખીશ.” ને એકાંતે બેસીને એણે વાર્તા આ રીતે શરૂ કરી : એક હતો મશહૂર વિજ્ઞાનશાસ્ત્રી. એણે આ પ્રકારના નવા વાદનું પ્રતિપાદન આદર્યું : ભાજીપાલો ઊગે છે. ને જડ વસ્તુઓમાંથી ખોરાક ખેંચે છે! હરણાં ને બકરાં ભાજીપાલો આરોગીને એનાં ખોરાકતત્ત્વોને ઉચ્ચતર પોષણની બીજી ભૂમિકામાં લઈ જાય છે. મનુષ્ય એ હરણાંબકરાંને ભક્ષીને પોષક તત્ત્વોનું એથીય વધુ ઊંચું રસાયણ બનાવે છે. હવે એ પછી એક વિશેષ ભૂમિકા છે. મનુષ્યદેહમાં સંઘરાએલું એ પોષક તત્ત્વ માનવાહારને માટે આદર્શ ભોજન છે. અઘોરવાદ કોઈ ઉટાંગ વસ્તુ નથી. પણ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિક્રમનું ધાર્મિક પ્રતિપાદન છે, વગેરે વગેરે. આ આખી શોધ એણે વિદ્વાન વૈજ્ઞાનિકોની એક સભા સમક્ષ ધરી દીધી. પણ એ વાતથી વૈજ્ઞાનિકો કંપી ઊઠ્યા. ફજેતીનો પાર રહેશે નહિ એવા ભયે આખી શોધ પર મૌન ફરી વળ્યું. છતાં વિચાર-બીજ તો વવાઈ ચૂક્યું હતું. એક યુવાને આ વિચાર ઉપાડી લઈને સંશોધન કર્યું. એણે દખણાદા દરિયાના પ્રદેશ પર જઈ ‘રીસર્ચ’ આદરી. એણે પ્રતિપાદન કર્યું કે એક માનવજાતિને ખાઈ જઈને જીવતી એક બીજી માનવજાતિ વધુ બુદ્ધિમંત ને બલિષ્ઠ બનતી આવેલ છે. ઉત્તરોત્તર એમનાં બુદ્ધિ ને બળ વિકસતાં આવ્યાં છે. પોતાના પ્રતિપાદનને એણે છપાવી ખાનગી પ્રચાર કર્યો. થોડા જ વખતમાં એને એક ધનપતિનું તેડું આવ્યું. પાટનગરના એ બુલંદ પૂંજીપતિ વૃદ્ધ, જર્જરિત અને ટાલિયા બની ગયા હતા. એણે યુવાન સંશોધકની સાથે ચર્ચા કરી. એને ગળે ઘૂંટડો ઊતરી ગયો. થોડા જ કાળમાં આ જરાગ્રસ્ત ધનપતિએ નવયૌવન અને નૂતન ઉત્સાહની પ્રાપ્તિ કરી. એણે નવજીવન મેળવ્યું. જગતને એવું કહેવામાં આવ્યું કે આ નવશક્તિ તો એણે વ્યાયામો ને આસનો કરી કરીને મેળવી હતી. આ ખુલાસો જાહેર પ્રજા પચાવી ગઈ. કોઈનું ખાસ ધ્યાન ન ગયું કે આ બુઢ્ઢા પૂંજીપતિને એકાએક અનાથ બાલ-આશ્રમો ઉઘાડવાનો શોખ ક્યાંથી લાગી પડ્યો હતો. તો કોઈએ ન પૂછ્યું કે આ પૂંજીપતિની ઓલાદ એકાએક આટલી ઝડપથી કયો ધંધો કરીને નવે નિધિઓનું સ્વામીત્વ મેળવી શકી. વિલક્ષણ અફવાઓ ને સંદેહો શરૂ થયાં. નવીન કવિતાકારોનાં કાવ્યોમાં આવી ટકોરો થવા લાગી. એક સમાજવાદી અખબારે એક કલ્પિત રેસ્ટોરાંનું ભોજન-પાત્ર બનાવીને તેમાં માનવ-ભક્ષણની કેટલીક વાનીઓ ઢાંકી, ને આખરે એક યુવાન કવિએ પોતાના નવા કાવ્યગ્રંથમાં આ ભયાનક ભેદનો પરપોટો ફોડી નાખ્યો. એ પુસ્તકને દબાવી દેવા કારમા પ્રયત્નો થયા, પણ તે નિષ્ફળ ગયા; આખરે એ યુવક પર મુકદ્દમો ચાલ્યો. આ ‘નૂતન વિચાર : ન્યુ આઇડિયા’નાં દર્શન કરતી જનતા સ્તબ્ધ બની. ‘નૂતન વિચાર’ ઘણો આગળ વધી ગયો હતો. નવયૌવનપ્રાપ્તિ માટે ઉત્તરોત્તર વિશેષ સંસ્કારી, વીર્યવંત અને તેજસ્વી પ્રજા સરજાવવા કાજેનો આ માનવ-ભક્ષણનો વાદ શાસકવર્ગનો તો ધર્મ બન્યો હતો, રાજ્યનો ગુપ્ત મંત્ર બન્યો હતો, વિદ્વાનોની સંજીવની વિદ્યા બન્યો હતો. એ નૂતન સંજીવની વિદ્યાનો બચાવ કરનારાઓ ખડા થયા. પ્રજાએ જો જીવવું હોય તો આ એક જ માર્ગ છે, એનો વિરોધ કરનારા કેવળ લાગણીવેડાના જ કીટ-જંતુઓ છે, વેદિયા ને વેવલા છે — રાષ્ટ્રને અને જાતિને જ્વલંત બનાવવા ખાતર આ બડી કુરબાની જ છે! પછી તો પ્રોફેસરોએ ઝુકાવ્યું : અર્થશાસ્ત્રનો જ આ એક વિષય બન્યો. નિરર્થક લાગણીવેડા વેગળા મૂકીને તેમણે આંકડાસિદ્ધ પ્રતિપાદન કર્યું કે અત્યારના જમાનામાં ઉદ્યોગોની અંદર જ વાર્ષિક સરેરાશ દસ લાખ મનુષ્યો ખપી જાય છે. પચાસ લાખ ઓરતો વેશ્યાવૃત્તિ પર જીવે છે. વીસ લાખ બાળકોને આજીવિકા રળવી પડે છે. એક કરોડ માનવીઓ રોટી વિના રહે છે. એના મુકાબલે આ ‘નવો વાદ’ કેટલો બધો માનવતાયુક્ત, પ્રામાણિક અને ખુલ્લેખુલ્લો છે! કેટલો સ્વચ્છ અને કરકસરિયો છે! કંગાલિયતના ગર્તમાં પડેલા નીચલા થરના બેકારોને પહેલી જ વાર આ પ્રકારે સમાજોપયોગી ધંધો આપી શકાશે. પ્રજનન અટકાવવાની જરૂર નહિ રહે. ગરીબોને પણ પ્રજોત્પત્તિની તડામાર વૃદ્ધિ કરવાનો અને એ માર્ગે સમાજના ઉપયોગી અંગ બનવાનો દરજ્જો મળશે. કોમોની કોમો, જાતિઓની જાતિઓ, ગામડાંનાં ગામડાં વંશવૃદ્ધિના અભાવે લુપ્ત થઈ રહેલ છે. તેની રાષ્ટ્રના શાસકોને મૂંઝવતી સમસ્યાઓનો અંત આવશે, વગેરે વગેરે. ‘નવીન વાદ’ની તો જાણે કે દાવાનળ-ઝાળો પ્રસરી. દેશભરમાં એ હવા વાઈ ગઈ. પ્રગતિશીલો હતા તેઓ તો પૂરા જોરથી સભા-સંમેલનો મારફત આ વાદનો પ્રચાર કરવા મંડ્યા. પણ વિચારમંદ પ્રજાએ કિકિયારણ કર્યું. તેઓએ ‘ધર્મ ભયમાં છે’ની બૂમ ઉઠાવી. ધર્મગુરુઓ પાસે દોડ્યા. ધર્મગુરુઓએ ઉત્તર દીધો કે ‘ભાઈ, આ વાતને ને ધર્મને કશી જ લેવાદેવા નથી. ધર્મને તો માણસના આત્મા સાથે ને પરભવ સાથે નિસ્બત છે. ધર્મને તમે ખોરાકની ને શરીરોની વાતમાં ન સંડોવો’.

આ પ્રકારે ચાલેલી અજિતની કલમે પોતાનોે કિન્નો પૂરી દાઝથી ઠાલવ્યો. એના અંતરની ગુહામાં જાણે મધરાતના રાની દીપડાની એકલ ત્રાડ ઊઠી હતી. એ વાર્તાની એણે પૈસા ખરચીને નકલ કરાવી. રવાના કરી પ્રકાશકોની દુનિયામાં. પછી સૌ પહેલો એ પોતાના સ્નેહી પ્રકાશક શ્રી રમણ પાસે ગયો. રમણભાઈએ પોતાના સલાહકાર વિવેચકનો આવેલો અભિપ્રાય કાઢીને વાંચી બતાવ્યો : ‘આ છોકરાને શું થયું છે!’ આ પહેલું જ વાક્ય. રમણભાઈએ પૂછ્યું : “તમને તે શું થયું છે આ?” અજિત ચૂપ બેઠો. ‘ખરું કહું? મને પેટ પૂરતું ખાવા નથી મળતું’ એ જવાબ છેક એને હોઠે આવીને પાછો વળ્યો. પોતે જ ભોંઠો પડ્યો. પોતાને જ વિમાસણ થઈ ચૂકી હતી કે મેં કેવળ ભૂખના માર્યા આવી કિન્નાખોર અને માનવદ્વેષી કૃતિ ઘસડી કાઢી છે. મારું આ જગત પર જન્મવું એવા ઘૃણિત કામ માટે નથી થયું. એણે ચૂપચાપ પેલી ‘ઉન્નત અઘોરવાદ’ની હસ્તપ્રત પાછી લઈને એનાં ચિરાડિયાં કર્યાં. નિરાશાના કાળા અંધકારનું એ સંતાન એને લજવનારું લાગ્યું. પોતાનો વિશ્વપ્રેમ પરનો વિશ્વાસ પુનર્જીવિત કરીને એ પાછો વળ્યો.