બે દેશ દીપક/ધર્મવીરને છેલ્લી વદના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધર્મવીરને છેલ્લી વદના

કોમી અવિશ્વાસ અને પરસ્પર વિનાશનો એ દાવાનળ પ્રસરતો પ્રસરતો ૧૯૨૬ માં વર્ષની સંધ્યાએ જાણે કે ઘડીવાર ઓલવાઈ ગયો છે. કલકત્તામાં પરસ્પરનાં લોહી રેલાવીને થાકેલા હિન્દુ-મુસ્લિમો જાણે કે ઐક્ય કરવાની ગુપ્ત વેદના અનુભવે છે. પ્રજા ગૌહટી મહાસભાની યાત્રાએ મળી છે. તે વખતે ૭૧ વર્ષના સંન્યાસી શ્રદ્ધાનંદજી બિમારીમાં પથારીવશ પડ્યા છે. કેસરીસિંહ જાણે પાંજરે પૂરાયો છે. સંત મુસ્લિમ ડો. અન્સારીજી એની સારવાર કરે છે. મહાસભાને એ સંદેશો મોકલે છે કે ‘હું ઐક્ય કરવા માટે વિનવું છું.' ડીસેમ્બરની ૨૩ મી તારીખની સાંજ પડતી હતી. એની સારવાર કરનારા સેવકો આખી રાત ઉજાગરાથી થાકીને આજુબાજુ ઝંખ્યા હતા. એ વખતે અબ્દુલ રશીદ નામનો એક ૪૫ વર્ષનો, મૌલવી જેવો દેખાતો મુસલમાન સાંજના ચાર વાગે કાળદૂત સમો આવીને ઊભો રહ્યો. કહે કે મારે શ્રધ્ધાનંદજીની સાથે મુલાકાત કરવી છે. ધર્મસિંહ નામનો સેવક બોલ્યો કે ‘સ્વામીજી બિમાર છે, પછી આવજો.' બન્ને વચ્ચે રકઝક ચાલતી હતી એવે સ્વામીજી સંડાસમાંથી ચાલ્યા આવતા હતા. એણે પૂછ્યું: ‘ધર્મસિંહ, શું છે?' ‘મહારાજ, એક મુસલમીન મુલાકાત કરવા આવ્યા છે.' ‘આવવા દેને ભાઈ! રોકે છે શા સારૂ?' ધર્મસિંહ ઘણો અચકાયો. એ માણસના ચહેરા પર એણે કોઈ આફતના ભાવ ઉકેલ્યા. પણ સ્વામીજીના અતિથિધર્મ સામે એ નિરૂપાય બન્યો. ખૂની અંદર આવ્યો. સૌમ્ય વાણીમાં સ્વામીજીએ એને કહ્યું કે ‘ભાઈ! આજ તો હું કમજોર છું. તમારી દુવાથી મને આરામ થઈ જશે. પછી બેલાશક તમે ધાર્મિક ચર્ચા કરવા પાછા આવજો.' અબદુલ ર.–મને પ્યાસ લાગી છે, પાણી પિલાવો. ધર્મસિંહ એને પાણીની કોટડીમાં લઈ ગયો. પાણી પાઈને એ ગ્લાસ મૂકવા ગયો. એકલા પડેલા અબ્દુલે પોતાના ખિસ્સામાંથી રીવોલ્વર ખેંચી. બિછાનામાં સૂતેલા વૃધ્ધ સ્વામીજી ઉપર એણે ગોળી છોડી : એક બાર! બીજો બાર! અને સ્વામીજીની છાતી વીંધીને રૂધિર ધસવા લાગ્યું. ધર્મસિંહ દોડ્યો. ખૂનીની કમર પર બાઝી પડયો. પણ ખૂનીના હાથ છૂટા હતા. હજુ એ અતૃપ્ત હતો. એણે ત્રીજી ગેાળી છોડી. પછી ચેાથી! સ્વામીજીની જીવન-લીલા સંકેલાઈ ગઈ. શ્રધ્ધાનંદજીના પ્રશાન્ત દેહ પર જાણે કે જગજ્જનનિનો કરૂણાળુ હાથ ફરવા લાગ્યો. એ મૃત્યુંજયના મોંમાંથી અરેરાટી કે વેદનાનો એક ઊચ્ચાર પણ નહોતો નીકળ્યો. દરમિયાન ધર્મસિંહ અને અબ્દુલ રશીદ વચ્ચે તો ઝપાઝપી જામી પડી. ખૂનીએ પોતાના હાથ છૂટા હોવાથી પાંચમી ગોળી ધર્મસિંહ પર છોડી. વીર ધર્મસિંહનો પગ ખેાટો પડી ગયો. એમાંથી લોહી ધધખવા માંડ્યું. બીજો હોત તો બેહોશ બનત, પણ સ્વામીભક્ત ધર્મસિંહે યુદ્ધ ન છોડ્યું. કોલાહલ થઈ ગયો. બને જણા પટકાયા, ત્યાં તો ધર્મપાલ નામનો ગુરૂકુલનો બહાદૂર સ્નાતક દોડ્યો આવ્યો. ખૂનીએ છઠ્ઠો બાર કરવા ઘોડો દાખ્યો. પણ દૈવગતિથી ગોળી ન વછૂટી. ધર્મપાલે એને અરધી કલાક સુધી ચાંપી રાખ્યો. પોલીસ અધિકારી આવી પહોંચ્યા, ખૂનીની જુબાની લીધી. એણે એકરાર કર્યો કે ‘હા, એ કાફરને મારીને હું બેહિસ્તમાં જઈશ. મને ત્યાં હુરમ મળશે!' પા કલાકમાં દાવાનળને વેગે દિલ્હી નગરીમાં આ સમાચાર પ્રસરી ચૂક્યા. લાખો હિન્દુઓનો માનવ-સમુદ્ર સ્વામીજીના નિવાસસ્થલની ચોગમ છલકવા લાગ્યો. એક જ ઉચ્ચાર-અને કતલ ફાટી નીકળત. હિન્દુઓની વેદના તે ઘડી મુસ્લિમ કોમ પર શું શું ન કરી શકત! પણ નેતાઓએ વારી રાખ્યા કે ‘સાવધાન! સમય ગુમાવશો નહિ. વીરમૃત્યુને શોભે તેવી રીતનું વર્તન કરજો!' મેદની શાંત પ્રાર્થનાને પંથે ચડી ગઈ. સ્વામીજીના મૃતદેહની સ્મશાનસ્વારીની તૈયારી થઈ. તા. ૨૫ મીના પ્રભાતે બે લાખ નરનારીઓ ભજનકીર્તન કરતાં, ઝાલરો બજાવતાં સ્વામીજીને દહન દેવા ભેળાં થયાં. ચક્રવર્તીઓ પણ ઈર્ષા કરે એવું એ અંતિમ માન હતું. સ્વામીજીને ઉઘાડે મુખે આસન પર બેસાડવામાં આવ્યા હતા. અને જનતા એમની સમાધિસ્થ કાયાના છેલ્લાં દર્શન લેતી હતી. નિશાળો ને કોલેજો બંધ થઈ હતી. પ્રજાએ હડતાળ પાડી. માનવસાગરની ભરતી વધતી ગઈ, વાહનવ્યવહાર અટકી પડ્યો. પ્રત્યેક રેલગાડીમાંથી પ્રજાજનોની પ્રચંડ સંખ્યા ઠલવાતી ગઈ. અગીઆર વાગે સવારી ચાલતી થઈ. શેરીએ શેરીએ ને માર્ગે માર્ગે, મકાનોના માળા પરથી આર્ય માતાઓ પુષ્પના પુંજો વરસાવી રહી હતી. કોટ્યાધિપતિઓ અને અકિંચનો, તમામ આ મૃત્યુને માન દેવા પડખોપડખ ઊભાં હતાં. પથ્થરો ફેંકાયા કેટલાક છોકરાએાએ સવારી દરમ્યાન બે વખત સ્વામીજીની પાલખી પર પથ્થરના ઘા કર્યા. પોલીસે તેને પકડ્યા. પણ પ્રજાએ પોલીસને વિનવણી કરી કે ‘છોડી દો. આજ સ્વામીજીના મૃત્યુ નિમિત્તે કોઈને પીડન ન હોય!' એ પરથી એમને મુકત કરવામાં આવ્યા. ૧૧થી પોણા પાંચ બજ્યા સુધીની આ સવારીમાં ફક્ત આ સિવાય અન્ય કશોય ઉપદ્રવ ન મળે. આખે માર્ગે પુષ્પોની અવિરત વૃષ્ટિ ચાલુ હતી. અને મૃતદેહના મુખમંડલ પર જાણે હમણાં જ બેાલશે એવી જીવન્ત ભવ્યતા છવાઈ રહી હતી. જાણે કે એ તો મૃત્યુ મરી ગયું હતું, સ્વામીજી નહોતા મર્યા. પાંચ વાગે મૃતદેહ સ્મશાનભૂમિ પર પહોંચ્યો અને લાખો મર્ત્યજનોની વંદના સ્વીકારતો સ્વીકારતો એ ક્ષત્રિવર શહીદીનો મુગટ માથે ધરીને ચિતાની જ્વાલાએાના રચાયેલા સ્વર્ગસિંહાસન પર ચડી અદૃશ્ય થયો. ક્ષત્રિવીર પથારીમાં પડ્યાં પડ્યાં મૃત્યુને શરણ થવામાં યુગયુગો થયાં જે માનહાનિ સમજે છે, તે માનહાનિમાંથી આ ક્ષત્રિયને પણ વિશ્વંભરે બચાવી લઈ વીરમૃત્યુને વરવાનો સુયોગ આપ્યો. સીત્તેર વર્ષના એ સમરાંગણની આ રોમાંચકારી કથા, એવા મૃત્યુ થકી ન વિસરાય તેવી બની ગઈ. માતાઓ બચ્ચાંને ખેાળામાં સુવાડી પયપાન સાથે સીંચે અને પારણાંની દોરી તાણતી બહેનો હાલરડાંમાં ગાય, એવી ઘણી ઘણી વીર ગાથાએામાં આ મૃત્યુ ઉમેરો, નેાંધાવે છે.