બે દેશ દીપક/મૃત્યુના પડછાયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૃત્યુના પડછાયા

‘ભાઈઓ, મેં તમને મારું વસિયતનામું લખી લેવા માટે બોલાવ્યા છે. પોતાના ચાર આત્મજનોને પાસે બોલાવીને બિમાર સ્વામીજીએ અંતરની વાત કહી. પણ સ્વામીજીની દૃષ્ટિ જ્યારે ભવિષ્યના લેખ ઉકેલતી હતી, ત્યારે આ બિચારાઓ વર્તમાનને ય પૂરો વાંચી ન શક્યા. તેઓ બોલ્યા કે “મહારાજ, દાક્તર કહે છે કે હવે કશો ડર નથી, હવે તો તમને સત્વર આરામ થઈ જશે.' ‘ભાઈ! દાક્તર તો ઐાષધિથી શબને પણ જીવતાં કરી શકે. પરંતુ મારી અંદરથી એવો અવાજ નથી ઊઠતો કે હવે હું બેઠો થઈ શકીશ. માટે વસિયતનામું લખી લો તો સારું.” પણ સ્વજનોએ વાત રોળી ટોળી નાખી. પછી એમના પુત્ર શ્રી ઈંદ્ર એમને મળવા ગયા એટલે બેંકમાં જે કાંઈ થોડા રૂપિયા પડ્યા હતા તેની વ્યવસ્થા સંબંધમાં સ્વામીજીએ સૂચના દઈ દીધી અને પછી કહ્યું: ‘આ દેહનો કશો ભરોસો નથી ભાઈ! હું બચું તો ઠીક છે, નહિ તો એ કામ તું કરજે, મારા ઓરડામાં આર્ય સમાજના iતિહાસની સામગ્રી પડી છે એને સાચવી લેજે, અને વખત કાઢીને જરૂર ઈતિહાસ લખી નાખજે. એક બીજી વાત પણ કહી દઉં છું. સમાજનો iતિહાસ લખવામાં મને પણ spare (માફ) ન કરતો હો! મેં મોટી મોટી ભૂલ કરી છે. તને તો ખબર છે કે હું શું કરવા ચાહતો હતો અને ક્યાં જઈ પડી ગયો!' આટલું કહેતાં તે સ્વામીજીનું હૃદય ભરાઈ આવ્યું અને પોતે ચુપ થઈ ગયા. વધુ ન બોલી શકયા. આંખો બંધ કરી દીધી.

  • * *

‘સ્વામીજી!' દાક્તર સુખદેવે કહ્યું ‘આપની તબિયત હવે સારી છે હો! થોડા દિવસમાં તો આપ ઊઠીને ચાલવા લાગશો. બે જ દિવસમાં હું આપને રોટલીની છૂટ આપીશ.' ‘દાક્તર સાહેબ,' સ્વામીજીએ જવાબ દીધો, ‘આપ સહુ એમ કહો છો, પરંતુ મારું શરીર હવે સેવાને લાયક નથી રહ્યું. આવા રોગી શરીરથી દેશનું કશું યે કલ્યાણ નહિ થઈ શકે. હવે તો એક જ ઈચ્છા છે કે બીજો જન્મ લઈને નવા દેહે આ જીવન-કાર્યને પૂરૂ કરી શકું.”

  • * *

સ્વામીજીના મૃત્યુ પહેલાં બે દિવસ પર પંડિત દીનદયાલ શર્માએ આવીને મશ્કરી કરી ‘સ્વામી, મારાથી માલવિયાજી એક વર્ષ મોટા અને એમનાથી આપ એક વર્ષ મોટા છો, હજુ અમારે બન્નેને તો બહુ જ કામ કરવું છે, અને આપ કાં મોક્ષની આટલી જલદી તૈયારી કરવા લાગ્યા?' ‘પંડિતજી!' સ્વામીજીએ કહ્યું ‘આ કલિયુગમાં હું મોક્ષની જરીકે ઈચ્છા નથી રાખતો. હું તો કેવળ એટલું જ માગું છું કે આ ફાટેલો અંચળો બદલીને નવું શરીર ધારણ કરું. હવે તો આ શરીરથી સેવા નહિ થઈ શકે. ઈચ્છા તો એટલી જ છે કે ફરીવાર આ જ ભારતવર્ષમાં જન્મ લઈને દેશની સેવા કરું.'

  • * *

મૃત્યુને દિવસે જ, એક જ પહોરની આવરદા બાકી રહી હતી ત્યારે રાજા રામપાલસિંહજીનો તાર, તબિયત કેમ છે તેની પૃચ્છા કરતો આવી પહોંચ્યો. જવાબમાં સ્વામીજીએ લખાવ્યું કે ‘હવે તો નવો અવતાર ધરીને શુદ્ધિનું બાકીનું કામ ખલ્લાસ કરવાની જ અભિલાષા છે.' એ રીતે અવસાનદેવનાં પગલાંનાં ધબકારા એ ભવિષ્યદર્શીના કાનમાં સંભળાતા હતા. સહુ અજાયબ થતા હતા કે જીવનભરના મહાન આશાવાદીને અંતરે આજે આ નિરાશાનો ધ્વનિ ક્યાંથી? પરંતુ એ નિરાશા નહોતી, કાળના પડદા વીંધતી દૃષ્ટિ હતી.