બે હજાર ચોવીસ સમક્ષ/અન્વેષણ – સંધ્યા ભટ્ટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિવેચન

‘અન્વેષણ’ : સંધ્યા ભટ્ટ

કિશોર વ્યાસ

જમાસિલક બરાબર, ઉધારવહી બાકી

ગુજરાતી સાહિત્યમાં ગ્રંથાવલોકનની સ્થિતિ નાજુક હોવાની વાત લંગર નાખેલા વહાણની માફક સ્થિર થઈને ઊભી છે. આપણા જમા ખાતે રહેલાં મુઠ્ઠીભર સામયિકોમાં પુસ્તકસમીક્ષાને બહુ ઓછાં પાન ભાગે આવે છે. આ થોડાંક પાનાંમાં પ્રગટ થયે જતાં, ને અઢળક નવાં પુસ્તકોમાંથી નોંધનીય જણાય એવાં પુસ્તકોની સમીક્ષા કરવી એ કેમેય પહોંચી વળાય એવું ક્ષેત્ર જ નથી. એ માટે તો ‘ગ્રંથ’ કે ‘પ્રત્યક્ષ’ જેવાં નિયમિત ગ્રંથસમીક્ષાનાં સામયિકો જોઈએ. પણ હવે એ આપણી વચ્ચે રહ્યાં નથી. વળી નવાં પુસ્તકોની સમીક્ષા કરનારો વર્ગ પણ દિન-પ્રતિદિન ઘટતો જાય છે, તો પછી કરવું શું? સુમન શાહે ‘ખેવના’ના(માર્ચ, ૨૦૦૨) અંકમાં નોંધ્યું છે કે : “અવલોકન-લેખન એક તાલીમ છે. મારા ગુરુ સુરેશ જોષી કહેતા : ‘મહિને એક લેખ કે એક અવલોકન લખજે.’ સંધ્યા ભટ્ટે આ વાતને બરાબર સાંભળી લઈ એનો અમલ કરી બતાવ્યો છે. છેલ્લા દોઢેક દાયકાથી સજ્જતા અને સક્રિયતાથી સંધ્યા ભટ્ટે પોતાની હાજરીની નોંધ સર્જન ઉપરાંત વિવેચન, સંપાદન, ચરિત્રલેખન, મુલાકાત જેવાં વિવિધ સ્વરૂપોમાં દર્શાવી છે. તેઓ અધ્યાપનક્ષેત્રમાં પ્રવૃત્ત હોવાથી વાચનલેખન સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે આથી એમનાં રસરુચિનો વિનિયોગ તેઓ લેખનમાં કરતાં રહ્યા છે. ‘અન્વેષણ’માં કુલ સત્યાવીસ લેખો છે. સમીક્ષકે આ લેખોમાં વિવિધ સ્વરૂપને લગતી કૃતિઓનાં અવલોકનો આપ્યાં છે. એમાં કવિતાસંગ્રહો અને કવિવિષયક લખાણો વિશેષ છે તેમ છતાં અહીં વાર્તા, નવલકથાને તપાસતાં લખાણો છે એમ કોરોના સમયના સાહિત્ય અંગેનો લેખ પણ છે એટલે કે સમીક્ષકે કોઈ એક-બે સ્વરૂપમાં બંધાઈને લખ્યું નથી. અહીં કેટલાક લેખો સર્જક્ના સમગ્રલક્ષી અભ્યાસો આપે છે જેમ કે મકરન્દ દવે, કિસન સોસા, રિષભ મહેતા વગેરે કવિઓની કાવ્યપ્રવૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતાં લખાણો એ કવિની વિશેષતાઓ, કવિગુણોને પ્રગટ કરે છે પરંતુ આવા સમગ્રલક્ષી અભ્યાસો અન્ય સમીક્ષાઓની જેમ ચારપાંચ પૃષ્ઠો સુધી જ ફેલાયેલા છે. એ લેખો આમંત્રણથી લખાયેલા કે વ્યાખ્યાનરૂપે હોવાથી સ્વાભાવિક છે કે એમણે સમયની મર્યાદાને ધ્યાનમાં લીધી હશે પણ જ્યારે પુસ્તકરૂપ આપવાનું થાય ત્યારે આવા લેખોને સંમાર્જિત કરવા જોઈએ અને પૂર્ણ કદના અભ્યાસો આપવાનો પુરુષાર્થ કરવો જોઈએ. લાંબાં લખાણોથી જ સર્જકને કે કવિતાને પામી શકાય એમ કહેવાનું અહીં તાત્પર્ય નથી, પણ આવાં લખાણોમાં એની વિગતે વાત કરવાની તક મેળવવી રહે, કેમ કે સમીક્ષકમાં એ સજ્જતા છે. આ અગાઉ તેઓ ‘નિષ્કર્ષ’(૨૦૧૩), ‘વિવિધા’ (૨૦૧૫) અને ‘આસ્વાદન’(૨૦૧૯) જેવા પુસ્તકસમીક્ષાના સંગ્રહો આપી ચૂક્યાં છે. આથી અપેક્ષા એ રહે કે કોઈ કૃતિની સમીક્ષા કરીએ એટલા ટૂંકા પટમાં આ સર્જકોનો અભ્યાસ સમેટવાને બદલે એનું અખંડદર્શન આપતાં લખાણો સમીક્ષક પાસેથી મળે. સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતા લેખોમાં સમીક્ષક સર્જક્ના સર્જનની વાતોને પુષ્પની કળી ધીમેધીમે પૂર્ણ રૂપ ધરતી હોય એમ કરતાં જાય છે. એ માટે સર્જક્ના સમગ્ર સર્જનને કે જીવનઘડતરની વાતોને, વિદ્વાનોનાં અવતરણોને બહુ સંયમિતરૂપે મૂકે છે. એમનું મુખ્ય પ્રયોજન તો રચનાઓના આસ્વાદનું છે. જેમ કે ‘ધીરુબહેન પટેલનું કાવ્યવિશ્વ’ એ લેખમાં તેઓ એક ટૂંકા પેરેગ્રાફમાં સર્જકપરિચય રજૂ કરે છે અને પછી તરત જ તેઓ શીર્ષક સિદ્ધ કરવા તરફ વળે છે. ધીરુબહેનના કાવ્યસંગ્રહ ‘કીચન પોએમ્સ’ને તેઓ એક પ્રકલ્પસરખો ઘટાવે છે. ભારતીય સમાજમાં રસોડું અને સ્ત્રી લગભગ પર્યાય ગણાયેલાં છે. ભારતીય સ્ત્રીઓનો રસોડા સાથે અતૂટ સંબંધ છે આથી રસોડાને તેઓ સ્ત્રીઓના ભાતીગળ ભાવજગતનું સાક્ષી લેખે છે. સ્ત્રીના અંતરંગ ભાવને પ્રગટ કરી આપતા આ સંગ્રહનાં સો જેટલાં કાવ્યોમાંથી સમીક્ષકે સંગ્રહની ચર્ચા દરમિયાન કેવળ બે પંક્તિઓનો ઉપયોગ કર્યો છે. ઢગલાબંધ પંક્તિઓને મૂકીને ‘આ જુઓ’, ‘આ જુઓ’ એમ ભોમિયાનું કામ કરવાને બદલે અંગત સાથીનું કામ સમીક્ષકે કર્યું છે. સ્ત્રીના નાનાવિધ ભાવને મૂર્ત કરતી કવિતાઓની ચર્ચા દરમિયાન તેઓ એક મહત્ત્વનું નિરીક્ષણ કરે છે કે ‘સ્ત્રીના અસ્તિત્વ-મહાલયમાં ઊંડેઊંડે એક રસોડું છે. સ્ત્રી કિશોરી હોય ત્યારે, તરુણી હોય ત્યારે કે પ્રૌઢા હોય ત્યારે રસોડું તેને કેવી રીતે પ્રત્યક્ષ થાય તેની અહીં વાત છે.’ જોકે ધીરુબહેનના બીજા કાવ્યસંગ્રહ ‘છોળ અને છાલક’ની સમીક્ષા વેળાએ સમીક્ષક છોળ અને છાલકને બદલે પંક્તિઓનું પૂર વહાવે છે! સ્ત્રીની વ્યથા, પ્રકૃતિ તત્ત્વોના કાવ્યોમાંની પંક્તિઓની બહુલતા આંખ સામે આવીને ઊભી રહી જાય છે. કિસન સોસા, મકરન્દ દવે જેવા કવિઓની સમગ્રલક્ષી તપાસ વેળાએ પણ ઉત્તમ પંક્તિઓને મૂકવાનો લોભ તેઓ ખાળી શકતાં નથી. વળી આવા સર્જકો જ નહીં, આ સંગ્રહની તમામ સમીક્ષાઓ વિધાયક સૂર ધરાવે છે. એમાંના દોષો કે ખામીઓને બતાવવાનો ચીલો એમણે છોડી દીધો છે એથી કૃતિનું કે સર્જકનું એકપાર્શ્વી ચિત્ર અહીં સાંપડે છે. મૂલતઃ આ સમીક્ષાઓનું લક્ષ આસ્વાદ તરફ વિશેષ ઢળેલું હોવાથી આમ બનવા પામ્યું છે. નિવેદનમાં તેઓ નોંધે છે કે : ‘આસ્વાદ કરતી વખતે કૃતિને વિવિધ પરિમાણોથી જોવાનું બને અને તેનો આનંદ પણ આવે.’ કોઈપણ સ્વરૂપની રચનાની સમીક્ષા કરતી વેળાએ સમીક્ષકનો આશય કૃતિને ખોલી આપવાનો અને રસચર્વણાનો છે. કૃતિ વિશે વાંચીને ભાવક પણ તેનાં વાચન તરફ વળે અને જે આનંદ પોતાને પ્રાપ્ત થયો છે તેવો આનંદ પ્રસારવાનો આ સમીક્ષાઓનો હેતુ છે, એથી એમાં વિવેચનના ભારને બદલે કૃતિનો રસ મુખ્ય બની આવે છે. મેઘાણીના ‘કલમ અને કિતાબ’ જેવા સ્તંભમાં ચર્ચાતી કૃતિ વાચકો મેળવી લઈ વાંચવાનો પ્રયત્ન કરતાં એ જાણીતી વાત છે અને એવો અનુભવ સમીક્ષકે અહીં નિવેદનમાં નોંધ્યો છે, એ પરથી કહી શકાય કે કૃતિનાં રસસ્થાનોને દર્શાવતી સમીક્ષાઓ ભાવક સુધી બરાબર પહોંચતી હોય છે. મરમી કવિ મકરન્દની કવિતા વિશેનો ઉત્તમ અભ્યાસ અહીં મળ્યો છે. આ કવિતામાં જોવા મળતો આઝાદી પછીનો ઘેરો વિષાદ અને આસપાસ જે બની રહ્યું છે એની અકળામણ, એ મુશ્કેલ સંજોગો વચ્ચે પણ કવિનો ટકી રહેલો આશાવાદ અને અધ્યાત્મ જેવી ત્રણ વિશેષ બાજુઓને તેઓ તારવે છે. આવાં તારણો લગભગ તમામ સમીક્ષામાં અહીં હાજર છે. ‘તરણાં’ કાવ્યસંગ્રહમાં કવિ મકરન્દ દવે પ્રસ્તાવના વિના જ કાવ્યોને ‘પોતીકી તાકાત પર જીવવા કે મરવા દેવાની ખુમારી દાખવે છે.’ એની નોંધ સાથે ગીતમાં જે લયવૈવિધ્ય, વિસ્મય અને બેફિકરાઈ પ્રગટ થાય છે એની ઉદાહરણ સાથેની ચર્ચા ધ્યાન ખેંચે એવી છે. કવિ મકરન્દનો ગુણ જેમ સહજતા-સરળતા છે એમ સમીક્ષકનો પણ ગુણવિશેષ બનીને અહીં આવ્યો છે. ઉષા ઉપાધ્યાયને કવયિત્રી લેખે તપાસવા ઉપરાંત સમીક્ષકે એમનાં ંવિવેચન, સંપાદન જેવાં પાસાંની પણ સૂક્ષ્મ ચર્ચા કરી છે. રિષભ મહેતા, ઝેબુન્નિસા મખ્ફીની શાયરીનો મીનાક્ષી ચંદારાણાએ કરેલો અનુવાદ, કિસન સોસા, પારુલ ખખ્ખર, લાલજી કાનપરિયા, વિકી ત્રિવેદી જેવા કવિઓના સંગ્રહોની સમીક્ષા આસ્વાદલક્ષી છે. ‘સ્ત્રીસર્જક લેખે સરોજ પાઠકનું ગદ્ય’, ‘પન્ના ત્રિવેદીની વાર્તાઓ’, ‘જયંત પાઠકની કવિતામાં પ્રકૃતિનિરૂપણ’ જેવા લેખો સર્જકેની રચનાઓમાંથી ઉદાહરણો ટાંકીને લખાયેલા હોવાથી વાચનક્ષમ બન્યા છે. પીટર બક્સલની સાત વાર્તાઓના અનુવાદ ‘અમેરિકા છે ને, છે જ નહીં’ (અનુ. રમણ સોની)નો પરિચય સમીક્ષકે ઉલટથી પણ ટૂંકમાં ‘અંગ્રેજી વાર્તા જેવી ને જેટલી મજા ગુજરાતી અનુવાદમાં આવે છે’ એમ કહીને રજૂ કરી દીધો છે. ‘બદલાતી ક્ષિતિજ’ (જયંત ગાડીત), ‘સમયદ્વીપ’ (ભગવતીકુમાર શર્મા), ‘નૈયા તું મોરી મૈયા’ (રમેશ માછી), ‘કાલપાશ’ (મોહન પરમાર), ‘હું ને કથા’ (લતા હિરાણી) જેવી નવલકથાઓની સારલક્ષી સમીક્ષાઓ અહીં એમણે આપી છે. ‘કોરોના સમયનું સાહિત્ય’ જેવો અભ્યાસ, ગૌરાંગ જાની લિખિત ‘કોરોના બિંબ-પ્રતિબિંબ’, રજની વ્યાસની આત્મકથા ‘બારીમાંથી આકાશ’, સાહિત્યક્ષેત્રે નોબલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોનું સંપાદન ‘સાહિત્યત્વ’ (સં. અદમ ટંકારવી, પંચમ શુક્લ) અને સાહિત્યસર્જકોની શિક્ષકગાથા વર્ણવતું ‘સર્જકોના સર્જક : શિક્ષક (સં. ઈશ્વર પરમાર) જેવાં લખાણો આ સંગ્રહમાં જુદાં પડી જતાં હોય એવું લાગે છે. કાવ્ય અભ્યાસ, કાવ્યસંગ્રહસમીક્ષા કે કૃતિ-અભ્યાસ જેવા શીર્ષક તળે, વિભાગો રચીને સમીક્ષકે આ લખાણોને મૂકવાં જોઈતાં હતાં. જેથી સંગ્રહ સુગ્રથિત લાગે. સમીક્ષકે અહી આર. કે. નારાયણ રચિત ‘ગાઈડ’ના હરેશ ધોળકિયાએ આપેલા અનુવાદને તપાસતાં કેવળ કથાસાર આપવાનું મુનાસિબ માન્યું છે તેમ સતીશ વ્યાસના નાટક ‘એક હતો રાજા’ની વાત પણ કેવળ પરિચયાત્મક લાગે છે. સમીક્ષકે માત્ર કૃતિનાં એક બે રસસ્થાનો દર્શાવીને કે કથાસાર કહેવામાં સંતોષ દાખવવાને બદલે એ રચનાઓની ઝીણવટથી, દલેદલને ખોલી આપતી સમીક્ષા કરવી રહે. સીમિત પૃષ્ઠોમાં પણ સમીક્ષકનો પોતીકો સૂર ઊભો થઈ શકતો હોય છે. કોઈ લેખોમાં પુસ્તકની વિગતો આગળ રજૂ થઈ છે તો કેટલાકમાં પુસ્તકની વિગતો લેખના અંતે પ્રગટ કરી છે. ‘સમયદ્વીપ’ નવલકથાની સમીક્ષામાં આરંભે ખટકતા લેખકપરિચય પછી પુસ્તકવિગતો મુકાયેલી છે અને અંતમાં પણ એ હાજર છે. પુસ્તક કરતી વેળાએ આવી નાની જણાતી ક્ષતિઓને સમીક્ષકે નિવારી લેવી જોઈએ. આ તમામ લેખો પૂર્વે સામયિકોમાં પ્રકાશિત થયા હોવા છતાં એનો પ્રકાશન-ઉલ્લેખ સમીક્ષકે ક્યાંય નોંધ્યો નથી તેમ પુસ્તકને અંતે લેખકસૂચિ કે ગ્રંથસૂચિનો અભાવ પણ ખટકે છે. ‘આજના સમયે સૂચિ એ જ ગ્રંથનો દીવો છે.’ એ ઉમાશંકર જોશીના વિધાનને વિવેચકો યાદ નહીં રાખે? ‘અન્વેષણ’નો કોશગત અર્થ તપાસ, શોધ, સંશોધન, હિસાબ તપાસવો – એવો થાય છે. અન્વેષક સંધ્યા ભટ્ટે રચાતી જતી કૃતિઓના હિસાબોને જમાખાતે જ જોયા છે. ઉધારવહી જોવાની બાકી રહી ગઈ છે.

[શબ્દલોક પ્રકાશન, અમદાવાદ]