બે હજાર ચોવીસ સમક્ષ/ન હકાર, ન નકાર – ધર્મેશ ગાંધી
ટૂંકી વાર્તા
શરીફા વીજળીવાળા
હજુ વધુ સારી વાર્તાની આશા રાખી શકાય
આ સંગ્રહમાં ૨૦૧૮થી ૨૦૨૪ વચ્ચે વિવિધ સામયિકોમાં છપાયેલી કુલ ૧૮ વાર્તાઓ છે. ‘એતદ્’, ‘પરબ’, ‘નવનીત સમર્પણ’, ‘બુદ્ધિપ્રકાશ’ ઉપરાંત મમતા, જલારામદીપ, ‘વારેવા’ જેવાં સામયિકોમાં પણ આ વાર્તાઓ છપાઈ છે. ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર થયેલા આ વાર્તાકાર વાર્તાનું શાસ્ત્ર પણ બરાબર સમજે છે. વાર્તા સિદ્ધ કરવા માટે નર્યું વાર્તાતત્ત્વ ન ચાલે એની એમને ખબર છે. ૨૦૧૦ પછી લખતા થયેલા અઢળક વાર્તાકારોમાંથી જે બે-ચાર વાર્તાકારો વાર્તાસ્વરૂપ પાસે નરી મુગ્ધતાથી નહીં પણ પૂરી સમજથી ગયા છે એમાંના એક ધર્મેશ ગાંધી પણ છે. અઢારમાંથી લગભગ દસ વાર્તાઓ ચર્ચા ખમી શકે એવી હોય તો એનો આનંદ વ્યક્ત કરી શકાય. રચનારીતિની દૃષ્ટિએ મને ‘જીર્ણોદ્ધાર’, ‘ઉપર રહેતી સ્ત્રી’, ‘ઘાટબંધન’, ‘ત્રીજી બારી’ વધારે ગમી. વાર્તાતત્ત્વ અને અભિવ્યક્તિની તાજગી માટે ‘જૂના ઘરનો અજાણ્યો ખૂણો’, ‘કૃતિ’, ‘ઘાટ વિનાની ગલી’ ગમી. આપણે ત્યાં સાયન્સ ફિક્શનની વાર્તાઓ જવલ્લે મળે છે. એટલે વિષય અને ટેક્નિક બંને દૃષ્ટિએ ‘પ્રોજેક્ટ ઓ’ પણ મને ગમી. ‘જીર્ણોદ્ધાર’ વાર્તામાં સન્નિધિકરણની પ્રયુક્તિથી વાર્તાકારે પુરાતત્ત્વ વિભાગની અધિકારી મીરાંના મનની અને એના નાનપણના ગામના મંદિરની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગામના મંદિરના જીર્ણોદ્ધારની અને તૂટવાના આરે ઊભેલા મીરાંના દામ્પત્યજીવનની વાત સમાંતરે ચાલે છે. મીરાં જે ગામમાં મોટી થઈ હતી ત્યાંનું મહાકાળીનું મંદિર જર્જરિત થઈ ગયેલું. ગામલોકો મંદિરના જીર્ણોદ્ધારને બદલે નવું મંદિર બાંધી ત્યાં મૂર્તિનું સ્થળાંતર માગતા હતા. પણ પૂજારી આ મંદિરને સાચવી લેવા હઠે ચડ્યા હતા. મીરાં આ મંદિરને તોડવું કે એનું સમારકામ કરાવવું એ બાબતે નિર્ણય લેવા માટે આવી હતી. વાર્તાના આરંભે જ મીરાંના મનની દ્વિધાગ્રસ્ત સ્થિતિ વાર્તાકારે આ રીતે દર્શાવી છે : ‘મીરાં પુલની વચ્ચોવચ્ચ ઊભી હતી. કઈ તરફ જવું? પાછા વળી જવું કે આગળ વધવું?’ (પૃ.૧) આ માત્ર મંદિર તરફ જવા માટેની દ્વિધા નથી, જીવનમાં ઊભી થયેલી પરિસ્થિતિ માટેની દ્વિધા પણ છે. મંદિરનાં બધાં કાગળિયાં તૈયાર હતાં, મીરાંએ તો માત્ર સહી કરવાની હતી. મલ્હારે મોકલેલા છૂટાછેડાના કાગળ પર પણ મીરાંએ માત્ર સહી જ કરવાની હતી. મંદિર પાસે આવ્યા પછી મીરાંનું મન સતત ભૂતકાળ-વર્તમાન વચ્ચે આવન-જાવન કરે છે. આ જગ્યાએ એ રમી હતી. ચાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ મલ્હારે એનો હાથ પકડ્યો હતો. મીરાં સભાન મનથી મંદિર-પૂજારી, સ્થળાંતર વગેરે વાતો કરે છે. પણ એનું આંતરમન મલ્હાર, વકીલ, સહી વગેરેમાં ગૂંચવાયેલું છે. મંદિરના કાટમાળ જેવા જર્જરિત પૂજારીને મીરાં સમજાવે છે : ‘શું કામ જીદ લઈને બેઠા છો? ...છોડી કેમ નથી દેતા આ જગ્યા?’ પૂજારી સામો પ્રશ્ન કરે છે : ‘છોડી દેવું એ જ માત્ર નિરાકરણ છે?’ ‘વળગી રહેવું પણ નિરર્થક છે’ કહેતી મીરા પૂજારીને નવી જગ્યાએ સ્થાયી થવા કહે છે. પણ પૂજારીનો જવાબ છે : ‘આગળ વધી જવાથી માત્ર જગ્યા છૂટે છે, બેટા! સાથે જિવાયેલી જિંદગી સમેટાઈ નથી જતી.’(૩) મંદિરને સાચવી લેવા પૂજારીએ આખા ગામ સામે સંઘર્ષ વહોર્યો છે. પણ પોતાના દામ્પત્યને બચાવવા તો મીરાંએ પોતાની જાત સાથે જ સંઘર્ષ કરવાનો છે. એણે ઘણી કોશિશ કરી પણ હતી... પૂજારી કહે છે : ‘કહેવાય છે કે શરૂઆતનાં વર્ષોમાં નિયમિત સફાઈ થતી, રંગરોગાન થતાં, સાથિયા પુરાતા, પણ ધીમેધીમે...’(૪) પૂજારીની મંદિરને લગતી દરેક વાત મીરાં મલ્હાર સાથેના સંબંધો બાબતે લાગુ પડતી અનુભવે છે. એમની શરૂઆત પણ રંગીન જ હતી. પણ હવે મંદિરનો કેસ પતાવી એણે જલદી નીકળવું હતું. મલ્હારે કરેલી ડાયવોર્સની અરજી પર સહી કરવાનો નિર્ણય એ લઈ ચૂકી હતી. મીરાં આ ગડમથલમાં અટવાયેલી હતી ને પૂજારી પૂછે છે : ‘તને એવું નથી લાગતું, મીરું, કે હજી એક તક મળવી જોઈએ? જર્જરિત મંદિર સંપૂર્ણપણે તોડી પાડીને આગળ વધી જવું એ જ એકમાત્ર ઉપાય બચ્યો છે?’(૫) મીરાંની બંને જાત હવે તુમુલ સંઘર્ષ ખેલી રહી છે અને મીરાં વકીલને ફોન કરે છે : ‘આજે નહીં આવી શકું... મલ્હારને મળવા જાઉં છું.’ મંદિરકેસના રિપોર્ટમાં અગાઉના લખાણને છેકીને મીરાં લખે છે : ‘પૂજારીની અડગ આસ્થા અને મંદિરનો મજબૂત પાયો જોતાં એવું તારણ નીકળે છે કે જીર્ણોદ્ધારની જરૂર છે!’(૬) એક તૂટવા જઈ રહેલું દામ્પત્ય મંદિરના જીર્ણોદ્ધારની વાતે બચી જાય એમાં કોઈ ઈશ્વરી આસ્થા નહીં પણ પૂજારીની વાતમાંથી નીકળતા બીજા અર્થે પ્રેરેલી સમજણ છે. સન્નિધિકરણની પ્રયુક્તિ એકદમ કારગત નીવડી છે. આટલી સરસ વાર્તામાં વારંવાર ‘અંદરવાળી મીરાં, બહારવાળી મીરાં’ એમ લખવાને બદલે સરોજ પાઠકની ‘ન કૌંસમાં, ન કૌંસ બહાર’માં છે એવી કોઈ રચનાપ્રયુક્તિની મદદ લીધી હોત તો વાર્તા યાદગાર બની જાત. ‘ઘાટબંધન’ વાર્તા ૭૫ વર્ષના મુરલીધરની છે. પત્નીનાં અસ્થિ ગંગામાં પધરાવવા, દીકરા-વહુ સાથે આવેલા મુરલીધરના મનમાં ઘાટ પર બેઠાંબેઠાં ચાલીસ વર્ષ પહેલાંનો ઘટનાક્રમ ઝબકે છે. જે રીતે અત્યારે યશ એમને ઘાટ પર બેસાડી, પત્ની સાથે પ્રસાદ લેવા ગયો છે એ જ રીતે ચાલીસ વર્ષ પહેલાં પોતે પિતાને પત્ની પાસેે બેસાડીને ગયા હતા. યશ એની પત્નીને દાદાના ખોવાઈ જવાની, પપ્પાની પીડાની વાત કરી રહ્યો છે એની સમાંતર ક્ષણે ઘાટ પર બેઠાંબેઠાં મુરલીધર જાતને કહે છે : ‘શુદ્ધિકરણનો સમય થઈ ગયો છે.’ એમને નજર સામે દેખાય છે : ૩૫નો મુરલી પિતા તરફ જતો હતો ને પત્નીએ હાથ પકડીને રોકેલો : ‘ક્યાં સુધી સાચવીશું આપણે આ ડોસાને?’(૨૭) પત્ની જબરદસ્તી એમને જુદી જ દિશામાં દોરી ગયેલી. મુરલીધર જાણે છે કે યશ કદી એવું નહીં કરે. પ્રાયશ્ચિત્ત કરવું હશે તો નિર્ણય જાતે જ લેવો પડશે. અને એ ઊભા થઈ સાધુઓના ઝુંડમાં નીકળી પડે છે. આ ઘાટ પર પિતા સાથેનું બંધન પત્નીએ છોડાવેલું. આજે એના પ્રાયશ્ચિત્તરૂપે પોતે દીકરા સાથેનું બંધન તોડીને નીકળી પડે છે. ‘ત્રીજી બારી’ની નાયિકા એવી તો અભાગી છે કે એને સુખી કરવા મથતું દરેક જણ કમોતે મરે છે. સાવ નાની ઉંમરે એના માટે થઈને દેવું કરતા પિતાને એણે બારીમાંથી જોયેલા, ફાંસો ખાઈને લટકતા. વર્ષો પછી પોતાને સુખી કરવા જુગાર, દારૂના રવાડે ચડી ગયેલા પતિએ કોઈની કતલ કરી. એને છેલ્લીવાર જેલની બારીમાંથી જોયેલો. પિતાની જેમ જ પતિનું લટકતું, તરફડતું શરીર એની નજર સામે તરવર્યા કરેલું. દીકરો યશ ભણવામાં હોશિયાર. રોજ એને કહેતો : ‘મોટો થઈને તને ખૂબ ખુશ રાખીશ’(૫૮) સાઈકલ પર નિશાળે જતી વખતે એના ગળાની આરપાર સળિયો નીકળી ગયો. ઑપરેશન તો થઈ ગયું પણ કોઈ એને દીકરા પાસે જવા નથી દેતું. દીકરાને જોવા તલપતી માને કોઈએ કહ્યું પછવાડેની ત્રીજી બારીએથી તું એને જોઈ શકીશ. પછવાડેના જુગુપ્સક ગંદવાડામાં ચાલતી સ્ત્રીએ બે બારી વટાવી, પણ ત્રીજી બારી પાસે એ અટકી ગઈ. જેણેજેણે એને ખુશ રાખવાની જવાબદારી લીધી એ દરેક... ને દીકરાને અલપઝલપ જોઈ લેવાની એની તાલાવેલી ઓચિંતી જ ટૂંટિયું વાળવા માંડી.(૫૯) ને એ ફસડાઈ પડી. હૉસ્પિટલની પછીતની મૂર્છા ઉડાડી મૂકે એવી નર્સની બૂમ પણ એના કાનમાં પ્રવેશી ન શકી. ત્રીજી બારી સુધી એ નથી પહોંચી શકતી. એની આંખ એકાદ ક્ષણ માટે ઊઘડી હોત તો એ નર્સની આંખોમાં ત્રીજી બારીનું પ્રતિબિંબ જોઈ શકી હોત. એ પ્રતિબિંબ શું કહેત એ અધ્યાહાર રાખીને લેખકે વાર્તાને બચાવી લીધી છે. સન્નિધિકરણની પ્રયુક્તિનો ઉપયોગ ‘ઉપર રહેતી સ્ત્રી’ વાર્તામાં પણ સરસ રીતે થયો છે. બંને સ્ત્રીઓની જિંદગીની વણસંતોષાયેલી ઇચ્છાઓ સમાંતરે વ્યક્ત થઈ છે. નીચેવાળી સ્ત્રી મોડી સાંજે ઉપર જતી સ્ત્રીને જુએ છે : ‘ઉઘાડી પીઠ! સપાટ ગોળાકાર નાભિ! સ્લીવલેસ બ્લાઉઝ! અને કમરની છેક નીચે પહેરેલી સાડી!’(૧૭) આવા લોકો સજ્જનોની વસ્તીમાં ન ચાલે –એવા ગુસ્સાથી શરૂ થયેલા નીચેવાળીના વિચાર પોતે ક્યારેક આવી દેખાતી, આવાં કપડાં પહેરતી – એ વિચાર પર જઈ ચઢે છે. પણ હવે તો એ ભક્ત તરીકે ઓળખાતા અનિકેતની પત્ની છે. અગિયારસ, અમાસ, મોટી પૂનમ... આનો કોઈ અંત જ નહોતો અને એ અધૂરી જ રહેતી. ઉપરવાળી સ્ત્રીને લાલ ચકામાવાળી પીઠ કરતાં એક મિનિટ નીચેવાળીના બારણે ઊભા રહી અગરબત્તીની સુવાસ લેવી, ઘંટડીનો રણકાર સાંભળવો ગમે છે. એને નીચેવાળી સ્ત્રી નસીબદાર લાગે છે પણ અગરબત્તી-ઘંટડી-માળાથી ત્રાસેલી નીચેવાળી સ્ત્રીને પરફ્યુમની સુવાસની, શરીરના સંતોષની ભૂખ છે. વાર્તાકારે વચ્ચે આવ્યા વગર બંને સ્ત્રીઓની અધૂરી રહેવા સર્જાયેલી ઇચ્છાઓને વ્યક્ત થવા દીધી છે. ‘કૃતિ’, ‘જૂના ઘરનો અજાણ્યો ખૂણો’ અને ‘ઘાટ વિનાની ગલી’ પણ નોંધ લેવી પડે એવી સારી વાર્તાઓ છે. હું અહીં એક જ વાર્તાની વાત કરીશ. ‘ઘાટ વિનાની ગલી’ વાર્તાના નાયકની દીકરી પિહુ અને એની બેનપણી સારિકા કાયમ સાથે ને સાથે જ રમતી. બંનેનાં સપનાં પણ સરખાં જ. જીવનરસથી ઊભરાતી બંને બેનપણી એક દિવસ ગાયબ થઈ ગઈ. સમય વીતવાની સાથે બંનેનાં મા-બાપે એ બંનેનું ગાયબ થવું સ્વીકારી લીધું. પણ અચાનક વર્ષો પછી એક દિવસ સારિકાના પિતા મિઠાઈ લઈને આવે છે. દીકરી પરદેશ છે અને નિયમિત પૈસા મોકલવાનો વાયદો કર્યો છે. વાર્તાનાયક નિરાશ થઈ વિચારે છે, મારી પિહુ ક્યાં? ઘરે આવી ચડેલા એક મિત્રે પિહુનો ફોટો જોઈને કહ્યું કે એણે પિહુને સાધ્વીરૂપે કુંભમાં જોઈ હતી. એમની દીકરી સાધ્વી તો ન જ થાય એવું જાણતા પિતા દીકરીને શોધવા કુંભમાં ભટકી રહ્યા છે. આંખ-મન થાક્યાં છે દીકરીને શોધીને. કુંભથી દૂર નગરની ગલીઓ તરફ વળેલા પિતા જે ગલીમાં પ્રવેશે છે ત્યાંના રંગ-ઢંગ-સુગંધથી વાચક સમજી જાય છે. પીઠ પાછળથી બોલાવતી, ખેંચતી એક યુવતીને જોઈ પિહુના પિતા સ્તબ્ધ થઈ જાય છે. એ સારિકા હતી. રડતીરડતી હાથ જોડીને એ વિનંતી કરે છે ‘પ્લીઝ, પપ્પાને નહીં...’ હવે પિતા વિચારે છે : ‘નહિ, પિહુ અહીં થોડી જ હોય? એ તો સાધ્વી જ બની ગઈ હશે! હંમેશા એવું ઓછું હોય કે જ્યાં સારિકા ત્યાં જ પિહુ!’ પિહુનું શું થયું એ અધ્યાહાર રાખતા સર્જકનો સંયમ ગમે. ‘ક્ષિતિજ’ અને ‘પ્રોજેક્ટ ઓ’ બંને સાયન્સ ફિક્શન છે. પણ વાર્તા તરીકે ‘પ્રોજેક્ટ ઓ’ વધારે પ્રભાવક બની છે. વાર્તાના આરંભે ટેલિસ્કોપથી આકાશ નિહાળતી ડોશીના જમણા હાથે લટકતો બ્રેસલેટ ધ્રુવનો છે એ પ્રથમ વાચને ચૂકી જનાર ભાવકને બીજા વાચને વાર્તા વધારે ગમશે. મંગળ ગ્રહ પર જઈ પોતાની માને અને ધરતીમાને ‘હેલો’ કહેવાની તીવ્ર ઇચ્છા ધરાવતો ધ્રુવ સ્પેસવૉક દરમિયાન સ્પેસસૂટમાં કશીક ખરાબી થવાને કારણે યાનમાં જીવતો પાછો નથી આવતો. મંગળ ગ્રહ પર ઑક્સિજનની માત્રા તપાસવા થનગની રહેલો ધ્રુવ, પૃથ્વી પરથી લવાયેલા ઑક્સિજન સુધી પહોંચે એ પહેલાં જ દમ તોડી ચૂક્યો હતો.(૩૭) યાન પરના વિજ્ઞાનીઓ એ વાતે મૂંઝાયેલા છે કે ધ્રુવના શરીરનું શું કરવું? ન યાનમાં રાખી શકાય, ન મંગળ પર મૃતદેહને દફનાવી શકાય. અવકાશમાં તરતો મૂકી દેવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી. ધ્રુવની દોસ્ત નિહારિકાને ધ્રુવના આમ ક્ષણમાં ચાલ્યા જવાની પીડા તો છે પણ એની મોટી મૂંઝવણ એ છે કે એ ધ્રુવની માને શો જવાબ દેશે? ‘કુંડળીધારકને મંગળનો દોષ છે’ એવું ધ્રુવ માટે કહેવાયું હતું. એટલે જ માએ લાલ રંગના પરવાળાના રત્નને એના હાથે બાંધ્યું હતું. ધ્રુવના સમાચારે માને કાયમી ધોરણે મુક્ત કરી દીધાં એટલે નિહારિકા જવાબ આપવામાંથી બચી ગઈ. ડોશી થઈ ગયેલી નિહારિકા ચાલીસ વર્ષ પછી પણ રોજ રાતે આકાશમાં મીટ માંડીને વિચાર્યા કરે છે કે ધ્રુવ શું અનંતકાળ સુધી અંતરિક્ષમાં ચક્કર લગાવતો રહેશે? ધ્રુવ પ્રત્યેનો નિહારિકાનો પ્રેમ પ્રમાણી શકતો ભાવક એની સ્વસ્થતાને વખાણી શકે છે. ‘અનુસંધાન’ સારી શક્યતા બતાવીને પછી નબળી થઈ ગઈ છે. ‘હે રામ’ એકદમ સરેરાશ વાર્તા છે. ‘હોનારત’ વાર્તાતત્ત્વ માટે ગમે પણ નાટકના બે દૃશ્ય વચ્ચે ૩ કલાકના ગેપ માટે શેઠને મિટિંગમાં મોકલવા જેવી પ્રયુક્તિ જરાય ગળે ન ઊતરે એવી છે. ‘કાટમાળ તળે રોશની’ વાર્તામાં વાર્તાકાર એક કરતાં વધારે બાબતે થાપ ખાઈ ગયા છે. પરિણામે વાર્તા ધરતીકંપની પણ નથી બની શકી અને તૂટેલાં લગ્નજીવનની પણ નથી બની શકી. કથનરીતિનો ગૂંચવાડો પણ છે. પ્રેમપત્રો લખનારો પતિ લગ્ન પછી તરત બીજીને ચાહી બેઠો? ‘બિલ્વપત્ર’ વાર્તાતત્ત્વ માટે ગમે પણ વાર્તાની સૌથી નબળી કડી એની કથનરીતિ છે. ધારો કે સંયમ, અનુરાગ અને અવનીના વિચારો કે વાત સીધા આપણા સુધી પહોંચે છે તો અનુરાગ તો મૃત્યુ પામ્યો છે. એની વાત આપણા સુધી પહોંચાડવા માટે લેખકે પત્ર કે ડાયરી જેવી કોઈ પ્રયુક્તિની મદદ લેવી ન પડે? વિવિધ વિષય અને રચનાપ્રયુક્તિઓની મદદથી ચુસ્તીથી વાર્તા કહી શકનાર સર્જકની ભાષા- અભિવ્યક્તિની તાજગી અનેક વાર્તાઓમાં ગમી જાય એવી છે. પણ એમણે ‘રજકણ એની આંખમાં પેસી ગઈ’ (૧) કે ‘વૈરાગ્ય લઈ લીધું હતું’ (૯૯) જેવા વાક્યપ્રયોગો બાબતે સભાનતા કેળવવી રહી. પહેલા જ વાર્તાસંગ્રહમાં આઠથી દસ સારી વાર્તાઓ આપનાર વાર્તાકારને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
[ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ]