બે હજાર ચોવીસ સમક્ષ/અબ સુખ આયો રે – શિલ્પા દેસાઈ
નિબંધ
રમેશ પટેલ ‘ક્ષ’
ટૂંકા નિબંધોમાં પ્રસન્ન હાસ્ય
શિલ્પા દેસાઈનું હાસ્યરચનાઓનું પ્રથમ પુસ્તક હતું ‘ત્યારે લખીશું શું?(૨૦૧૯). એ પુસ્તકની પ્રસ્તાવના રતિલાલ બોરીસાગરે લખેલી. તેમણે જણાવેલું કે હાસ્યક્ષેત્રે સ્ત્રીસર્જકોનું પ્રમાણ સાવ ઓછું છે. આ વાત લેખિકાને બરાબર બેસી ગઈ કે હાસ્યના ક્ષેત્રમાં જગ્યાનો પ્રશ્ન નથી! એ પછી એમને ગુજરાતી દૈનિકપત્ર ‘સંદેશ’માં હાસ્યની કોલમ લખવાનું આમંત્રણ મળ્યું. લખાશે તો ખરું ને? – એવી પ્રશ્નકુંડળીઓને અને નબળા ગ્રહોને અગિયારમા સ્થાનમાં ધકેલીને ‘સંદેશ’માં કોલમ લખવાનું શરૂ કરી દીધું. નામ પાડ્યું – ‘ત્યાં વાત પૂરી.’ એ અઠવાડિક કોલમમાંથી ચૂંટેલા હાસ્યલેખોનો શિલ્પા દેસાઈનો આ બીજો સંગ્રહ. ‘વિચારોના વઘારની સોડમ’ – અંતર્ગત લેખિકા પુસ્તકની પૂર્વભૂમિકામાં જણાવે છે કે ૭૦૦ શબ્દોની મર્યાદા હોવાથી ક્યારેક લખાઈ ગયા પછી શબ્દો કાપવા પડતા. સર્જ્યન પોતાની સર્જરી ન કરી શકે પણ સર્જકે તો પોતે કરવી જ પડે. જાણીતા સર્જક રામ મોરીનો પ્રતિભાવ આ પુસ્તકને મળ્યો છે. તેઓ હળવાશથી કહે છે કે શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર...’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજા પડી જાય. પુસ્તકમાંથી પસાર થતાં લેખિકાની કેટલીક લાક્ષણિકતાઓ પણ રસપ્રદ જણાઈ આવે છે. એમને ‘સુખાસન’(હીંચકો) અતિ પ્રિય છે. સુખાસન પર ઝૂલતાંઝૂલતાં તેઓ વિચારવનમાં વિહરે છે, આકાશદર્શન કરે છે અને વાહનોનું વર્ગીકરણ પણ કરે છે. ‘વોટેવર, યૂ નો..., અમે એટલાં ભોળાં..., વગેરે શબ્દપ્રયોગથી થતી એમની અભિવ્યક્તિ એમનો આગવો મિજાજ વ્યક્ત કરે છે. લેખિકા જાણે વાચક/ભાવક એમની સામે બેઠો હોય, એ રીતે હાસ્યલેખના માધ્યમથી વાત ચલાવે છે. હાસ્યકાર તરીકે એમની વૃત્તિ વાચકને ખડખડાટ હસાવવાની નથી, પરંતુ સતત મરકમરક મલકાવવાની છે અને તેમાં તેમને સફળતા મળી છે. ‘અબ સુખ આયો રે’ના હાસ્યલેખોમાં ડોકિયું કરીએ તો શીર્ષકલેખ(પૃ. ૨૬)માં લેખિકા ફિલ્મોમાં રસ હોય તેવી બહેનોના વ્હોટ્સએપ ગ્રુપનાં એડમિન છે. ત્રીસ મિનિટની એક વર્લ્ડબેસ્ટ ફ્રેન્ચ ફિલ્મના સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવે છે. બહેનો સજ્જ થઈને આવે છે, પરંતુ અંગ્રેજી સબટાઇટલ્સ ન હોવાની બહેનો દસ મિનિટમાં કંટાળી જાય છે, અંતે પ્રોજેક્ટર બંધ કરી, લાઇટો ચાલુ કરીને બહેનો ‘અંતાક્ષરી’ રમવાનું ચાલુ કરે છે! ‘વો સુબહ કભી તો આયેગી’માં લેખક કૌન બનેગા કરોડપતિ (KBC)ના સેટ પર જતાં પહેલાં, બચ્ચનજીને ધ્યાનમાં લેવાની બાબતો હળવાશથી સૂચવે છે. પરંતુ સ્વપ્નભંગ થતાં આંખ ખૂલી જાય છે અને બારણું ખોલતાં સામે દૂધવાળો ઊભેલો જણાય છે! ‘આશરે સેમ્પલ’(પૃ. ૩૫)માં લેખિકા પોતાના કૌટુંબિક સલાહકાર મિત્રને જણાવે છે કે – ‘આશરે રેસિપી એટલે બધું માપ આશરે લીધું હોય તે. આશરે જેટલી ચોક્કસ એક્કેય રેસિપી નથી આઈ ટેલ યૂ.’ ‘ઇન્ટરવ્યૂ આપવાની કળા’ (પૃ. ૩૮)માં ઇન્ટરવ્યૂ લેનાર ત્રણ મહાનુભાવોની લાક્ષણિકતા દર્શાવીને રમૂજ ઉત્પન્ન કરી છે. એક મેડમ સ્વેટર ગૂંથતાં હોય છે. તો એક સાહેબ છાપામાં ક્રોસવર્ડ પઝલ ભરતા હતા અને ત્રીજા સાહેબ મોબાઈલમાં કંઈક વ્યસ્ત હતા. લેખિકાને ચિત્ર-વિચિત્ર પ્રશ્નો પુછાય છે. લેખિકા ત્રણેયની સમસ્યા હલ કરે છે, પણ આગળ પ્રશ્ન પુછાય તે પહેલાં જ અમારો (લેખિકાનો) અલાર્મ બજી ઊઠે છે – અને નોકરીનું શું થયું એ ખબર પડતી નથી! ‘એક ડાઇનીંગ ટેબલ બને ન્યારા’ (પૃ. ૫૫) બહારગામથી આવેલ મિત્ર, ગોળ ડાઇનીંગ ટેબલને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહિતકારી કહે છે. લેખિકા આ અંગે વ્યંગપૂર્ણ વિધાનો કરે છે. છેલ્લે મિસ્ત્રીને નવું ટેબલ બનાવવા જણાવે છે. એ દરમ્યાન, સ્ટોરરૂમમાંથી ઢીંચણિયાં, આસનિયાં બહાર કાઢીને ટેબલને બદલે જમીન પર ચોરસ આકારમાં બેસીને જમવાનું શરૂ કરવામાં આવે છે! ‘નટુ નટુ’ (પૃ. ૮૮) હાસ્યલેખમાં ફિલ્મ RRRના ગીતને ઓસ્કાર ઍવોર્ડ મળ્યો એ અંગેની હળવી વાત છે. આ ફિલ્મના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલિજીનો (કાલ્પનિક)ઇન્ટરવ્યૂ લઈને લેખક વાચકને મલકાવે છે. ‘નમસ્તે એલિયન’ (પૃ. ૯૧)માં લેખિકા પત્ર દ્વારા એલિયનને મળે છે! તો વળી, ‘નાચું મૈં આજ છમ છમ’ (પૃ. ૯૫)માં સકુબાઈની મેસેજ યાત્રા અને અંગ્રેજીનો પ્રયોગ પણ રસપ્રદ છે. ‘બા, બટા ને બલૂન’ (પૃ. ૧૦૬)માં બલૂન-પ્રવાસની વાત છે. વિમાનમાં સહપ્રવાસી બટાભાઈ એમની બા સાથે બિલકુલ ગ્રામીણ શૈલીમાં સંવાદ કરતા હોય છે. લેખિકાને બટાભાઈ સાવ સાધારણ લાગે છે. લેખિકાને થાય છે કે બટાભાઈને સીટબેલ્ટ પહેરતાં પણ આવડતું હશે કે કેમ? પરંતુ બટાભાઈ જ્યારે ઍરહોસ્ટેસને બોલાવીને ફાંકડા અંગ્રેજીમાં બોલીને પાણીની બોટલ મંગાવે છે, ત્યારે લેખિકાના વિસ્મયનો પાર રહેતો નથી! ‘બિલ gets રોટી’ (પૃ. ૧૧૫)માં લેખિકા છાપાંમાં નાનકડો ફોટો જુએ છે. બિલ ગેટ્સ હાથમાં રોટલી પકડીને ઊભેલો છે. જોડે કોઈ વીસેક વરસનો બાબો પણ હાથમાં રોટલી પકડીને ઊભેલો હોય છે. વિગતમાં જતાં લેખિકાને ખબર પડી કે એ બાબાએ બિલભાઈને રોટલી વણતાં શીખવેલું. અનુસંધાનમાં, લેખિકાને કૂકીંગ કલાસ કરવાનો વિચાર આવે છે! ‘મહેમાં જો હમારા હોતા હૈ’ (પૃ. ૧૨૮)માં મહેમાનની સરભરા કરવા વિશેના વિચારો વાંચીને લેખિકાને એક બિઝનેસ સ્ટાર્ટઅપનો વિચાર આવે છે. વિદેશી મહેમાન આપણે ત્યાં આવે તો એની સરભરા કરવા વિશેના એક્સલુઝિવ ક્લાસ શરૂ કરવા અંગેની હળવી વાત આ લેખમાં છે. ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ (પૃ. ૧૫૫)માં લખે છે – ‘અમે તો પાર્લરમાં જઈને ટીપટોપ તૈયાર થવામાં માનતાં જ નથી, કારણ કે બ્યુટિશિયન લાખ પ્રયત્ન કરે તોય અમારા દેખાવમાં ખાસ ફરક પડતો નથી. પાર્લરમાં તૈયાર થઈને આવ્યા પછીય અમારે કહેવું પડેલું કે અમે પાર્લરમાં ખર્ચો કરીને આવ્યા છીએ. તો બેબીના પપ્પાએ કંઈ બોલ્યા વિના સહેજ અમથું સ્માઇલ આપેલું, અમને ખાતરી છે કે એ કટાક્ષ જ હતો. (પૃ. ૧૫૭) સમગ્ર રીતે જોતાં, ‘અબ સુખ આયો રે’ના મોટાભાગના હાસ્યલેખો ભાવકના ચહેરા પર સતત સ્મિત ફરકાવતા રહે છે. લેખિકાની ભાષા સરળ અને સહજ છે. પરિવારનાં તમામ સભ્યો આ હાસ્યલેખોને મજાથી માણી શકે તેવી લેખિકાની રજૂઆત છે. લેખિકાના હાસ્યલેખોમાંનાં કેટલાંક હળવાં વિધાનો આનંદપ્રેરક છે. જેમકે – ‘આવી ઇવેન્ટ હોય એટલે ફરજિયાત અંગ્રેજી જ બોલવાનું એવા અમારા ગ્રુપનો ડિસ્ક્રીપ્શનમાં લખેલો રૂલ છે. શું છે કે એમ કરતાં કરતાં જ અંગ્રેજી બોલતાં આવડી જાય’ (અબ સુખ આયો રે, પૃ. ૨૭) ...‘રસોઈ શૉની ખીચડી લેન્ગવેજ અમે ખાસ પ્રિફર નથી કરતાં. એના કરતાં આપણે તો આશરે રેસિપીઓ જ સારી.’ (આશરે સેમ્પલ, પૃ. ૩૬) ‘...ફોન નહીં વાપરવાનું જ્યારથી નક્કી કર્યું છે ત્યારથી દુનિયા સુંદરતમ ભાસવા લાગી છે.’ (એકવાર અમેય, પૃ. ૫૨) ‘... વોટેવર, ઠંડી કે વરસાદની પરવા કર્યા વિના અમે અમને આવેલા શુભપ્રસંગોના લગભગ દરેક આમંત્રણને પૂરતું માન આપીને હાજરી તો પુરાવેલી જ. જમણ જાય ને સગું દુભાય એવું ડબલ નુકસાન ન પોસાય, હવે મોટા ભાગે લગ્નોમાં ‘માલા મામા/તાતાના લધનમાં જલુલ જલુલ હાજલી આપશો’ વાળી ટહુકાની સાથે ‘બ્લેસિંગ્સ ઓન્લી’ની લીટીય જોવા મળે છે. સાલું આપણને એમ થાય કે કંઈ ભેટ આપ્યા સિવાય આપણાથી જમાય જ કેમ?’ (બ્લેસિંગ ઓન્લી, પૃ. ૧૨૩) આ સંગ્રહની કેટલીક મર્યાદાઓ પણ છે. દૈનિક૫ત્રની કોલમમાં ફરજિયાત લખવાનું હોવાથી કેટલાંક લખાણો તૈયાર કરવાં જ ૫ડે છે. સંગ્રહમાં Bluetick વાપસી, ચિટી ચિટી બેંક બેંક, જય બચ્ચન, તલસાંકળી કાગડો અને બીજી વાતો, ધોનીની સાક્ષીએ કહ્યું કે, બચ્ચનજીને ખુલ્લો પત્ર, ભરેલી બેગો ખાલી કરતાં – વગેરે લેખો લેવાની જરૂર નહોતી. એ નિર્વિવાદ છે કે કોઈપણ સર્જકનાં તમામ સર્જન ઉત્તમ હોઈ શકે નહિ. શિલ્પા દેસાઈએ જે આપ્યું છે તે પણ, રામ મોરી જણાવે છે તેમ, દુઃખ ભરેલા સાત દરિયાની વચ્ચે દેવદૂત જેવા સુખના ટાપુનો હાશકારો અવશ્ય આપે છે.
[આર. આર. શેઠ, અમદાવાદ]