બે હજાર ચોવીસ સમક્ષ/ભૂમિસૂક્ત – હિમાંશી શેલત

નવલકથા

‘ભૂમિસૂક્ત’ : હિમાંશી શેલત

મોહન પરમાર

સંવેદનકથા, પણ કર્મશીલ સર્જકની

સમાજનાં અનિષ્ટો સામે વિદ્રોહ-આક્રોશ વ્યક્ત કરતી આ નવલકથા છે. એ આઠ પ્રકરણોમાં વહેંચાયેલી છે. એ એકસૂત્રી નથી. જુદીજુદી ભાવભંગિઓ અને પાત્રોના મનોગતમાં વહેંચાયેલી છે. નવલકથાનાં મોટાભાગનાં પાત્રો કર્મશીલ છે. અહીં કાંઈક મેળવવાની લાલસા નથી. સમાજની સાંપ્રત સ્થિતિને સુચારુ બનાવવી છે. હરપળે માનવી રહેંસાતો આવ્યો છે. સામૂહિક ચેતના જાણે નામશેષ થતી ચાલી છે. આ પીડાના અંકોડા આ નવલકથામાં મળતા ભળાય છે. સમાજમાં એટલાં બધાં અનિષ્ટો વધી પડ્યાં છે કે એને નાથવા માટે રાજસત્તા કે ધર્મસત્તા પાંગળી સાબિત થઈ છે. માનવીય ચેતનાનું હનન થઈ રહ્યું છે. એની સામે અવાજ ઉઠાવવો પડે. આ નવલકથા આવા જ વિષયને સ્પર્શે છે. માનવચેતના માટે જિંદગીભર ઝઝૂમતા કર્મશીલોની આ કથા છે. કથામાંડણી રૈખિક નથી. ક્યાંક આત્મકથન તો ક્યાંક સર્વજ્ઞકથન દ્વારા કૃતિની આંતરચેતના ઘડાઈ છે. છત્તીસગઢના બસ્તરનાં જંગલોમાં વાતાવરણની અસરને કારણે પતંગિયાંની બદલાતી સ્થિતિ જોવા જવાનું તો માત્ર એક આધારબિન્દુ છે. તે નિમિત્તે આખી કથા ઊઘડે છે. લતિકા આ નવલકથાની નાયિકા છે. એના નિમિત્તે બીજાં પાત્રોની હરફર થતી ભળાય, આવાં પાત્રો લતિકાની અનુપસ્થિતિમાં પણ સમાજનિષ્ઠા દાખવતાં દેખાય છે. લતિકાને જીવનમાં કાંઈક કરવું છે. સામાજિક વિસંગત સ્થિતિઓની સામે સમતા-બંધુતા કેળવાય તેની એ આગ્રહી છે. ઘણીબધી દોદળી સ્થિતિઓ સામે એની નારાજગી વાચક તૂટકતૂટક પામતો જાય છે. પ્રદૂષણ કરતી ફેકટરીઓ સામે એ અણગમો દાખવે છે. દર્દીઓની સેવા અને રાહતકાર્યોમાં અગ્રેસર રહે છે. એના પિતા આદર્શવાદી છે. પુત્ર વિદેશ, માને પુત્રનો વિયોગ, પણ લતિકા માનો આધાર. કુટુંબ સાથેના લગાવને કારણે એની સમાજસેવામાં રુકાવટ આવે છે. ઘણાં સમાજલક્ષી કામ કરવાં છે, અકારણ એનાથી થઈ શકતાં નથી. આ પીડા કાંઈ ઓછી નથી. કથાનો પ્રારંભ ‘દેવાંગનાની નોંધ’ પ્રકરણથી થાય છે. પહેલા અને છેલ્લા પ્રકરણ વચ્ચેનું જોડાણ લતિકાસંદર્ભે છે. છેલ્લા પ્રકરણ ‘મહાનગર’માં લતિકાની દ્વિધાત્મક સ્થિતિને પ્રથમ પ્રકરણમાં સમર્થન મળતું જણાય છે. દેશની સાંપ્રત સ્થિતિ ક્યારેક સંવાદરૂપે તો ક્યારેક પાત્રોના મનોગતમાં ઊપસતી ભળાય છે. બસ્તરનાં પતંગિયાં જોવા નીકળેલી લતિકાની સાથે મદન, સુજોય અને દેવાંગના છે. તો એમને લેવા આવેલા, વર્ષોથી તે પંથકમાં કામ કરતા મંગળ અને સીબુ પણ છે. પ્રત્યેક પ્રકરણમાં દેશમાં વધતો જતો હિંસાચાર અને એની સામે કર્મશીલોની કાર્યશૈલી સતત પડઘાતી રહે છે. પ્રથમ પ્રકરણમાં, દેવાંગનાને લતિકાની ચિંતા છે. કોઈને જાણ કર્યા વિના એ ક્યાંક ચાલી ગઈ છે. ઘરનું કામ કરવાવાળાં બધાંને આગોતરો પગાર લતિકાએ ચૂકવી દીધો છે. લતિકાનો ભાઈ અમર વિદેશમાં છે. દેવાંગના એને જાણ કરે છે પણ હવે એનો સંબંધ લતિકા સાથે પહેલાં જેવો રહ્યો નથી. બસ્તરવાળો પ્રોજેક્ટ પડતો મૂકીને દિલ્હી આવ્યા પછી લતિકા કયાં ગઈ છે તેની તપાસની વિગતો આ પ્રકરણમાં ઉપલબ્ધ છે. લતિકાની કોરી ડાયરીનાં બેત્રણ પાનાં એના અવસાદ સાથે સંબંધ ધરાવે છે. દેવાંગનાએ તે પાનાંની અછડતી વિગતો પણ આપી છે. પ્રથમ પાના પર કેમીકલવાળા પાણીનો નિર્દેશ, બીજા પાનામાં પપ્પાનું હિંમતપૂર્વકનું સમર્થન, ત્રીજા પાનામાં દક્ષિણ ગુજરાતના પલસાણાની અંદરના ગામમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપદ્રવ અને ઉત્પાદન સંદર્ભે નારાજગી, પોલ્યુશન બાબતે ઘેરી ચિંતા, પરંપરા અને ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલા પ્રસંગો સામે નારાજગી હોવા છતાં મનમાં થોડી ફડક છે. દેવાંગનાની નોંધમાં એક અગત્યની વિગત મળે છે : ‘એમ નહિ માનતાં કે જીવતાં જવા દઈશું. ગમે ત્યાં, ગમે ત્યારે...’ લતિકાનું સલામત અને તાણમુક્ત માર્ગે જવાનું કારણ આ હોઈ શકે. પણ એવો આત્મદ્રોહ લતિકા ન પણ કરે. કેમ કે દુન્યવી વિસંગત સ્થિતિ સામેનો એનો આક્રોશ એને એમ ન થવા દે. લેખિકાએ દેવાંગનાની નોંધમાં કથાનાયિકાના જીવનની રેખાઓ ખેંચ્યા પછી એના ગામની અને મહાનગરમાં આવ્યા પછીની સ્થિતિનો ફોડ પાડ્યો છે. ગંદકી, વિદેશ જવાની હોડ, બુલેટ ટ્રેનને કારણે ખેતીની જમીનની બરબાદી, વૃક્ષોનો વિનાશ, વગેરે વિષયો ખૂલતા જાય છે. આ નવલકથાનો મુખ્ય આશય દેશની દોદળી સ્થિતિ સામે કર્મશીલોની સક્રિયતા બતાવવાનો છે. લતિકાનો ગામ સાથેનો અનુબંધ એના પૂર્વજીવનને અવગત કરે છે. લતિકા પ્રદૂષણ અને એની અસર અંગે સંશોધન કરતી ઑફિસમાં કામ કરે છે. અમર લતિકાનો ભાઈ, વિદેશ જવાની વાતો, ગામના વિકાસમાં વિદેશમાં વસતા સ્વદેશીઓનું યોગદાન – પણ લતિકાને આ બધામાં રસ નથી. વર્ષો પહેલાંનાં દૃશ્યોનું સ્મરણ એને સતાવી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ સાથે એને કઠે છે, ગામમાં ઘરડાંબુઢ્‌ઢાં સિવાય ખાસ કોઈ નહિ, થોડાંઘણાં બાળકો ખરાં પણ એય સ્કૂલમાં રવાના થાય. પપ્પાના દોસ્ત જયશંકરની મુલાકાત, એમનો દીકરો ભાગેન્દ્ર કેલિફોર્નિયામાં – બે વર્ષે આવે – ગામમાં ઓછું રહે – કાકા-કાકી વિદેશનાં વખાણ કરે ત્યારે લતિકા વિદેશને વખોડે – આ બધા પ્રસંગે લતિકાની વિદેશ જવાની અરુચિ, વૃક્ષોનું છેદન, ગામના કાયાપલટમાં નાશ પામેલી અસલ ઓળખ એને સતાવે છે. પણ લતિકાનો મહાનગર સાથેનો અનુબંધ એની કર્મશીલતાને સ્પષ્ટ કરે છે. ગ્રામજીવન અને નગરજીવનમાં આવેલાં પરિવર્તનો મનુષ્યની બદલાની ફિતરતને કારણે છે. વિદેશ ગયેલો મનુષ્ય કઈ રીતે સંવેદનહીન બને છે તે અમરના પાત્ર દ્વારા સિદ્ધ થયું છે. લતિકાની મમ્મીને કેન્સર છે. અમરને ત્યાં વિદેશ જવાની મમ્મી ના પાડે છે. અમર પાસે માને મળવાનો સમય નથી. પંદર દિવસ પછીની ટિકિટ કઢાવી છે. તે દરમિયાન બાનું મૃત્યુ થાય છે... અમર આવતો નથી... લતિકા મોટો બ્રેક લેવા વિચારે છે. ખાલી ખાલી ટૂરમાં જવાનું એના સ્વભાવને અનુકૂળ નથી. ત્યાં એને બસ્તરવાળો પ્રોજેક્ટ મળી જાય છે. પિતા મહાદેવભાઈની ઇચ્છા નથી કે લતિકા પોતાનાથી દૂર થાય. છતાં મને-કમને મંજૂરી આપે છે. સાથે મદન, દેવાંગના અને સુજોય જવાનાં છે. અહીં અખિલનો ઉલ્લેખ આવે છે. અખિલ લતિકાનો મિત્ર છે. ભારતમાં ભવિષ્ય એને ઊજળું જણાતું નથી : ‘ના, મારે ત્યાં જ જવું છે. અહીંની સિસ્ટમ સાથે માથાં નથી અફાળવાં, ને મળે છે ઍડમિશન ત્યાંની બેસ્ટ યુનિવર્સિટીઝમાં. મારે બ્રિલિયન્ટ સ્ટુડન્ટસ સાથે સમય ગાળવો છે, અને શાઈન-આઉટ થવું છે. આ દેશની દિશા મારી નથી, માય ડ્રીમ્સ આર ડિફરન્ટ..! (પૃ. ૩૪) પણ લતિકાને દેશ છોડવાનું પસંદ નથી. અખિલે ગોઠવેલી પાર્ટીમાં અખિલના કાકા-કાકીનું વિદેશી વલણ લતિકાને કઠે છે : ‘તમે અહીં રહીને શું કરી નાખ્યું આટલા વરસોમાં જરા બતાવો તો ખરાં! અમનેય જોવું ગમશે તમારું કામ.’ અખિલની જિદ સામે લતિકાની વિચારધારા સામા છેડાની છે. ‘ખોટો તો નહોતો એ. પણ મનગમતો દેશ બનાવવો પડે. ખપી જવું પડે થોડા લોકોએ, એવા લોકો જે વિચારી શકે છે, જેમની પાસે આદર્શો માટે ખુવાર થવાની તાકાત છે, ને થોડાં સપનાં’ (પૃ. ૩૭) અખિલના પ્રેમમાં હોવા છતાં દેશ માટે લતિકા પોકળ સમાધાન નથી કરી શકતી. બસ્તરનાં પતંગિયાં જોવા જવાનો પ્રોજેક્ટ મળ્યો ને પછી કૃતિનાં પડ ખૂલતાં જાય છે. એ એવા વિસ્તારમાં જઈ રહ્યાં છે જ્યાં નકસલવાદીઓનો ત્રાસ છે. જનજીવન વિખરાયેલું છે. એ ત્યાં જવા માટે રેલવે સ્ટેશને આવી છે. મહાદેવભાઈ મૂકવા આવ્યા છે, સાથે વ્રજવિહારીજી પણ... પ્લેટફોર્મનાં દૃશ્યો અંકિત કરવામાં લેખિકાની સર્જનકુનેહ સાચે જ ધ્યાનપાત્ર છે. આ દૃશ્યો વ્યર્થ નથી. તેનું સંધાન નવલકથાની કથા સાથે છે. લતિકા પ્રાણીપ્રેમી છે. સાપ પકડવાની કળા એને હસ્તગત છે. ટ્રેનમાં બેઠા પછી લતિકાના સાક્ષીભાવે પછીનાં દૃશ્યોની રેખાઓ ખેંચવામાં કરકસરયુક્ત ગદ્યનો વિનિયોગ સકારણ થયો છે. આગળ જતાં ટ્રેનનું ઊભા રહેવું, કોઈ માણસનું ભાગવું, ને પોલીસનું પાછળ પડવું, ‘ઐસા તો હોતા હૈ કભી કભી યહાઁ; કયા હૈ કી પૂરા ઇલાકા.. નોટ સેઈફ! સમટાઇમ્સ ઈટ ઈઝ સો... ડેન્જરસ...’ અહીં જ આ વિસ્તારની ભયાવહ સ્થિતિનો આલેખ લેખિકાએ આપી દીધો છે. આવા વિસ્તારમાં લતિકા જઈ રહી છે. મંગલ ધમતરીથી બધાંને ડોગર લઈ જાય છે. ડોગર જતાં પ્રકૃતિનું વર્ણન અને પરિવેશનાં નિરીક્ષણોમાં રહેલી તાદૃશતા સૂક્ષ્મ ગદ્યનું પરિણામ છે. ડોગરમાં ત્રણ ઓરડીઓમાં રહેવાનું છે. નહાવા-ધોવાની સગવડ ખરી, પણ બીજી અગવડો, તેમાંય મચ્છરો અને જીવાતનો ત્રાસ પણ વેઠવો પડે. હેતુ પાર પાડવા માટે મુશ્કેલીઓ વેઠવાનું કર્મશીલો માટે કાયમનું છે. ડોગરથી નીકળ્યા પછી રસ્તામાં અનેકરંગી પતંગિયાં દેખાય છે. પણ બ્લૂ ડોરથી જાણીતાં પતંગિયાંની શોધ બાકી હતી. પલટાતા હવામાનની જીવસૃષ્ટિ પર શી અસર થાય છે તે જોવું હતું. અહીં આવ્યા પછી પ્રભાસનો પરિચય થાય છે. માનવ-અધિકાર માટે એ કામ કરતો હતો. ઘણાં વર્ષો આ વિસ્તારમાં એનાં કામ ચાલે છે. લતિકા વગેરેએ એનું નામ પહેલીવાર સાંભળ્યું. પણ અહીનાં લોકો એને પ્રભાસસર તરીકે ઓળખે છે. સિબુના કહેવા મુજબ : ‘ગઢચિરોલી તક જાતે હૈ, મેડિકલ કેમ્પ, બચ્ચોંકી પઢાઈ, આગે પઢનેવાલે સબ કો મદદ, ઓરતોં કે વાસ્તે સિલાઈકામ કે કિલાસ... કોરટ કચેરીવાલે મામલે. સબ મેં હેલપ...’ સરપંચ પણ પ્રભાસસરના પ્રભાવમાં. લૉ ભણેલો, પોતાનું ભણતર આ પછાત વિસ્તારમાં કામે લગાડવા માગતો હતો. અહીં તો જાણે ઝાડેઝાડે અને પાનેપાને એક જ નામ... ચારેય જણ એને મળે છે. પ્રભાસ સાથેની વાતચીત દરમિયાન દેવાંગનાની આંખમાં આંસુ ઉભરાય છે. એને અમોલ યાદ આવે છે. અમોલ સાથેના પ્રસંગોએ એને વિહ્‌વળ કરી મૂકી છે. ‘અમોલ-દેવાંગના’ પ્રકરણમાં ઘણા સર્જનાત્મક અંશો પડેલા છે. દેવાંગનાનો અમોલ પ્રત્યેનો નિર્મળ પ્રેમ આ કૃતિ માટે મહત્ત્વની ધરી છે. સુચારુ વ્યવસ્થા માટે ખપી જવાનું મોટું ઉદાહરણ અમોલ છે. ધીમેધીમે અમોલની વિગતો ખૂલતી જાય છે. અમોલ આસામમાં જોરહાટના ચાના બગીચામાં કામ કરતા મજૂરો માટે સરકારી યોજનાઓના લાભની જાણકારી તથા એમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખતો હતો. મનોરમા નામની સ્ત્રીની હત્યા થાય છે ત્યારે અમોલ મણિપુર જાય છે તે વખતે દેવાંગનાનો પરિચય થાય છે. તે દરમિયાન આઝાદખાન નામના વિદ્યાર્થીની હત્યાનો કિસ્સો અમોલને ઉશ્કેરે છે. આઝાદખાન જેવા અનેક કિસ્સાઓ સામે અમોલ જંગે ચડે છે. સંગઠન ઊભું કરે છે. દેવાંગના પણ આ સંગઠનમાં જોડાઈ છે. રાત્રે નવ વાગ્યે મિટિંગમાં ગયેલો અમોલ પાછો ન આવ્યો. આ આઘાત દેવાંગના જીરવી શકતી નથી. એની માનસિક યંત્રણા કોઈના પણ હૃદયને વલોવી નાખે તેવી છે. દેવાંગનાની મૂક સંવેદના અભિવ્યક્ત કરવામાં દાખવેલું સર્જક-કૌવત નજરઅંદાજ કરવા જેવું નથી. જેમજેમ કથા આગળ વધતી જાય છે તેમ તેમ આ ચારેય કર્મશીલોનાં પૂર્વજીવનની વીગતો પણ ખૂલતી જાય છે. મદનને ઓસ્ટ્રેલિયા જવાનું દબાણ છે. પણ તેનું મન માનતું નથી. મદનને મોટું આકર્ષણ હતું બેધડક પ્રવૃત્તિનું. એમ.બી.એ. હોવા છતાં નોકરી નથી કરવી. અત્યાચાર, ભ્રષ્ટાચાર અને હિંસાચાર સામે લડવાની વૃત્તિ. અન્યાયને ચૂપચાપ વેઠી લેવાનું મદનના સ્વભાવમાં નહોતું. એટલે પોતાના સ્વભાવને અનુકૂળ પ્રવૃત્તિની શોધ કરી. ફોટોગ્રાફર સુજોયનો પરિચય ખપ લાગ્યો. સુજોય હોટલોની આસપાસ ગંદકીના ફોટોગ્રાફ લેતો. હિમાલય અને ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જીલિંગ વગેરેમાં ગંદકી સામે ઝુંબેશ, કુદરતને આવી ગંદકીથી કનડગત થાય તે સામે આક્રોશ, મંદિરોમાં ટોળેટોળાં ઊભરાય તે સામે પણ વાંધો. મદન એની સાથે જોડાયો. બસ્તર વિસ્તારમાં આ ચારેય જણને જુદાજુદા અનુભવો થાય છે. જે એમની કાર્યશૈલીને અનુરૂપ છે. ‘જનજાગૃતિ મિશન’ની ધૂણી ધખાવીને બેઠેલો પ્રભાસ કે એની સાથે સંકળાયેલા સમાજસેવીઓની કર્મરીતિ બધાંના આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં થતી તમામ પ્રવૃત્તિઓમાં રહેલું જોખમ લતિકાના અદલબદલ થતા માનસને સંકોરનું રહે છે : ‘અહીં તો ગીચ જંગલ-ઝાડીમાં ખોવાઈ જવાની વાત. ભોંયમાં દટાઈ જવાની કથા. કેટકેટલાં વિપરીત પરિબળો સાથે બાથ ભીડવાની જરૂર પડે. જેમને માટે ખપી જવાનું હોય એ સમુદાય સુધ્ધાં ક્યારેક શત્રુની ગરજ સારે. વહીવટીતંત્રની ખફગી વહોરી લેવી પડે કારણ કે એમની ભૂલચૂક સામે આંગળી ચીંધવી પડે, અથવા બૂમરાણ મચાવવી પડે. એ દરમિયાન કંઈ પણ થઈ શકે. જે અમોલ સાથે બન્યું એવું કંઈ પણ. જીવ ગુમાવવો પડે, દુર્ગાપ્રસાદની પેઠે મગજની સમતુલા ખોઈ બેસવાની દશા આવે, સાવ એકલાં પડી જવાય... જીવનના ઉતરાર્ધમાં પ્રવેશી ગયાં હોઈએ, ત્યારે શું?’ (પૃ. ૧૦૬) લતિકાની આ ભીતિ ક્યારેક એને હતોત્સાહ પણ કરી મૂકે છે. જગદલપુર જવાનું છે, તે પહેલાં સત્યભાભાનો પરિચય થાય છે. સત્યભાભા જે પ્રોજેક્ટમાં કામ કરે છે તેની વિગતોથી લતિકા અવગત થાય છે. શૌકત અને માધવી આસામમાં, અરુણા અને કુલદીપ ગુજરાતમાં કામ કરે છે. ખાડામાં પડેલા સમુદાયને બહાર ખેંચી કાઢવાનું જોર આ લોકોમાં હતું. લતિકાના મનમાં જાગતા પ્રશ્નો ‘એ તારાથી થયું? તેં કર્યું એવું કશું?’-માં રહેલો અભાવ એની જાગૃતિનું કારણ બને છે. તો દેવાંગનાને અમોલની સ્મૃતિ સતાવી રહી છે. અમોલનો હજી પત્તો નથી. દેવાંગનાના મનમાં ચાલતી અટકળો એને હતાશા તરફ ધકેલે છે. તો વ્રજબિહારીજીએ લતિકાને લખેલા પત્રમાં પપ્પાને જમણા હાથે ઇન્જરી થઈ છે તેવું જાણી લતિકા ચિંતાતુર, પાછા ફરવાનો વિચાર કરે છે. પણ દૂરના ગામેથી પાછાં ફરી રહેલાં પચ્ચીસ-ત્રીસ શ્રમજીવીઓને નકસલ માનીને ટાસ્ક ફોર્સે પતાવી દીધાં. પાછા ફરવાને બદલે એ ઘટનાસ્થળે જવાનું નક્કી કરે છે. પ્રભાસ તો ત્યાં પહેલેથી સેવામાં લાગેલો છે. પ્રભાસ જે નીડરતાથી હરફર કરી રહ્યો હતો તે જોઈને લતિકાને પોતાની એક્ટીવીટી માટે જાગતો સંદેહ જુઓ : ‘પોતે કેમ વિવાદથી, સંઘર્ષથી પાછી પડતી હતી. વિચારધારા તો એનીયે પ્રભાસના ખ્યાલો સાથે મેળ રાખે એવી, વારસો પણ એવો જ મળેલો પાપા-માનો, શું ખેંચી રાખતું હતું પાછળ? કેમ પેલો ઉન્માદ અનુભવાતો નહોતો?’ (પૃ. ૧૨૫) પ્રભાસની જબરજસ્ત જિગર લતિકાને નવા આયામો તરફ જવા પ્રેરિત કરે છે : ‘કાંઈક એવું કામ કરવું છે કે જેથી જિંદગી જીવવા જેવી લાગે. પણ કેવું? અત્યારે તો જઈએ પાછા, પછી કરું વિચાર શાંતિથી અને પાપાની સલાહ લઈને. હજી ત્રીસેક વર્ષ ખૂબ કામ કરી શકાય. કરવું જ છે. રીસર્ચનું નહિ, કંઈક ઠોસ, સૉલિડ.’ (પૃ. ૧૨૯) લતિકાના પપ્પાને ઇન્જરી થઈ છે અને સુજોયના જર્નાલિસ્ટ દોસ્તને ગોળી વાગી છે. પાછા જવા માટે ચારેય જણે મન મનાવી લીધું છે. સત્યભામાને તો મળાયું પણ પ્રભાસને મળાયું નથી. લતિકાના મનની ગડભાંજ : ‘આવીશ, પાછી. કોઈ નવો પ્રોજેક્ટ લઈને. પતંગિયાં નહિ તો બીજું કાંઈક... તે સામે સત્યભામા સુઝાવ આપે છે : ‘અમારી સાથે કામ કરવા આવી જાવ ને તમે બધાં! અહીં તો પ્રવૃત્તિઓ ભોંયમાંથી ફૂટી નીકળે છે, થોકબંધ...’ જે હેતુથી આવ્યાં હતો તે પાર પડ્યો નથી. પણ આ એમની હાર નથી. અહીં આવ્યા પછી જે જોયું અને અનુભવ્યું તે સંચિત મૂડી ગમે ત્યારે તો એમને કામ લાગશે જ. નવેસરથી કોઈ જુદી દિશા તરફ જવાનો માર્ગ મળશે. નીકળતી વખતે દેવાંગનાના મનમાં અમોલની સ્મૃતિ સળવળ્યા કરે છે. દેવાંગનાની સંવેદનાને લેખિકાએ વળ ચડાવ્યો છે. દેવાંગના સંદર્ભે ઘણી જગ્યાએ સર્જનાત્મક ગદ્યનો વિનિયોગ લેખિકાની તે પરત્વેની સૂઝનું પરિણામ છે : ‘સપાટ સ્વર દેવાંગનાનો. અમોલની ગેરહાજરીનું રહસ્ય કારી ઘા એને માટે. મૃતદેહને જોયો હોય, વળગીને વિદાય આપી હોય હૈયાફાટ રડીકકળીને, તો એ દિવસો જતાં રુઝાતો જાય. આ તો આવી જીવંત હસ્તી રાતોરાત અલોપ, કોઈ વાવડ નહીં. નિશાની નહીં, સંદેશ નહીં, જાણે એ હતી જ નહીં આ ભોંય પર.’ દેવાંગનાની આ પીડા એની એકલીની નથી, આ બધાં કર્મશીલોની છે. સુજોયના પત્રકારમિત્ર કોમામાં છે. એના સ્વસ્થ થવાના ચાન્સ ઓછા છે. તો આ બાજુ લતિકા પણ પપ્પાના મૃત્યુને કારણે હતાશ છે. પપ્પા સાથેનો અનુબંધ એને સતાવી રહ્યો છે. પપ્પાના મૃત્યુ ટાણે ભાઈ અમરનો માત્ર ઈમેઇલ... નહિ આવી શક્યાનો વસવસો. મિત્ર અખિલ લતિકાને અભ્યાસ-અર્થે વિદેશમાં બોલાવે પણ લતિકા સિફતપૂર્વક એની અવગણના કરે. બસ્તરમાં ગયાં તે ઉદ્દેશ પાર પડ્યો નથી. છતાં ત્યાંથી કર્મશીલોની કાર્યશૈલી સતત લતિકાના સ્મરણમાં છે. દુર્લભ પતંગિયાંનું પહેલું લક્ષણ વિલુપ્ત થવું તે છે. તો કર્મશીલોનું પણ પહેલું લક્ષણ વિલુપ્ત થવું તે છે. ‘એમ તમે જોવા આવો, અને એ હાજરી પુરાવવા આવી જાય ઊડતાંઊડતાં, એમ થોડું બને?’ કર્મશીલોનું પણ એવું છે. લતિકાના જીવનની અવઢવ અને તેમાંથી ઉત્પન્ન થતો જીવનનો અર્થ – લેખિકાએ એને ‘શુભ્રકીર્તિ’ એવું નામ આપીને એની વ્યાખ્યા અંકિત કરી છે. પણ લેખિકાએ લતિકાની અવઢવમાં રહેલી માનવસહજ ચેષ્ટાને આમેજ કરીને તટસ્થતા જાળવી છે. અખિલ સાથે એ વિદેશ જઈ શકી નથી. ઘડીકમાં વિદેશનો વિરોધ તો ઘડીકમાં વિદેશની તરફેણ – આ અનિર્ણયાત્મક ક્ષણ લતિકાને પજવી રહી છે. ‘આવી જા! આવતી રહે!’ તેવો અખિલનો આગ્રહ અને તે સામે લતિકાની આંતરચેતના ફંટાતી રહે. કૃતિનો આ અર્થ સીમિત રાખવો યોગ્ય નથી. ઘણાબધા અર્થોથી આ કૃતિનું પોત બંધાયું છે. લતિકાની દ્વિધામાં રહેલું ગાંભીર્ય : ‘પારિજાત ફૂલોની પથારી હેઠળની માટીમાં ભીનાશ હજીય અકબંધ છે.’-માં રહેલો સંકલ્પ તે તેનો મંત્ર... ‘ભૂમિસૂક્ત’ પ્રથમવાર વાંચી જિજ્ઞાસાવશ. મારાંં સમકાલીન નવલકથાકાર કેવી પ્રયુકિતઓ દ્વારા કમાલ કરે છે તે જોવા માટે. પછી આ લેખ કરવાનું ઇજન મળ્યું એટલે ફરીથી ઝીણવટપૂર્વક વાંચી ગયો. આખી કૃતિ માટે તો નહિ કહું, પણ મને ઘણી જગ્યાએ એમની કમાલ દેખાઈ છે. આ નવલકથા ચોક્કસ હેતુ સાથે લખાઈ છે એટલે એની અરૂઢ રચનારીતિને કારણે વ્યવધાનો ઊભાં થયાં છે. ક્યાંક એની ચાલ ખોડંગાતી-લડખડાતી લાગે તો ક્યાંક વેગીલી પણ લાગે. ભાષાનો વિનિયોગ વૈવિધ્યસભર છે. ક્યાંક વસ્તુસંકલના કે કથનરીતિમાં સ્વરૂપગત વાનાં ન પણ સચવાયાં હોય, પણ ‘ભૂમિસૂક્ત’ ભૂમિ પર ભજવાઈ રહેલાં નાટકોના પ્રતિકારરૂપે હોઈ, બધી જગ્યાએ ભાષાનું પોત અદલબદલ થયા કરે છે. આઠ પ્રકરણોમાં મદન, સુજોય, દેવાંગના, લતિકા કે અન્ય પાત્રોના જીવન અને કાર્યની વીગતો સર્જક સરસ રીતે સંપડાવી શક્યાં છે. એમના અભિયાનને અનુરૂપ અન્ય પાત્રો પણ જોડાતાં રહે છે. આવાં પાત્રોની વિશિષ્ટતાઓ કે મુશ્કેલીઓ પ્રત્યક્ષ થાય છે. નવલકથાના ઉઘાડમાં નવીનતા છે. ક્યારેક કૃતિની સંરચના પ્રયોગલક્ષી લાગે. પણ નાવીન્યપૂર્ણ અભિગમ દાખવવા જતાં કૃતિની આંતરત્વચા જોખમાઈ છે. કેટલીક જગ્યાએ ચોટદાર વર્ણનો છે. તો કેટલીક જગ્યાએ સંવાદોમાં રહેલું તર્કબદ્ધ ચિંતન કૃતિની ધાર તેજ કરવામાં કારગત નીવડે છે. ઘણા લેખકો કૃતિને અઘરી બનાવવા માટે અવતરણચિહ્નોનો ઉપયોગ ટાળે છે. હિમાંશીબેન તો સરળ શૈલીમાં સ્વકીય તાકાત ભેળવીને સૂક્ષ્મતા લાવવાનાં માહિર છે. એમણે અવતરણ-ચિહ્નોનો ઉપયોગ કેમ નહીં કર્યો હોય તેનું મને આશ્ચર્ય થાય છે. અવતરણો નહીં મૂકવાના કારણે કેટલુંક લખાણ કૃતક લાગે છે. સમગ્ર કૃતિમાંથી પસાર થતાં લાગ્યું છે કે આ કૃતિ સાંપ્રત સમયની દેશની હાલકડોલક સ્થિતિને સ્પષ્ટ કરે છે. એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે સાંપ્રત સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં વપરાતી સઘળી રીતરસમોનો વિનિયોગ અહીં થયો છે. જે આશય લઈને લેખિકાએ આ સર્જન કર્યું છે તેમાં એમને અનાયાસ સફળતા મળી છે. આવી નવલકથાઓ ખૂબ જ ધીમી ગતિએ વાચકોના અજ્ઞાત મનમાં પ્રવેશતી હોય છે. એમાં લેખકની શાખ પણ મોટું કારણ બનતી હોય છે. આ કૃતિ વખણાશે અને એની ચર્ચાઓ પણ થતી રહેશે. એના સૌંદર્યલક્ષી આયામો કરતાં એના વસ્તુવિધાનની તપાસ વિશેષ થશે કેમ કે વસ્તુનાવીન્ય આ કૃતિને સદોદિત રાખે છે. એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે બલિષ્ઠ વિષયવસ્તુની આડશે સ્વરૂપગત મર્યાદાઓ ઢંકાઈ જતી હોય છે. પણ આ કૃતિનો શિથિલ રચનાબંધ સુજ્ઞ વિવેચકોને બેશક કઠશે. તોય સુજ્ઞ વાચકોને એમાંથી પસાર થવાનું ગમશે તેનું કારણ એ કે આ કૃતિ એમના માટે જ છે.

[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]