બે હજાર ચોવીસ સમક્ષ/અનરાધાર – પારુલ બારોટ
ટૂંકી વાર્તા
નિવ્યા પટેલ
અનરાધાર તો નહીં, પણ સર્જકતાના થોડા છાંટા
પારુલ બારોટે બાળસાહિત્ય અને કવિતાક્ષેત્રે પ્રદાન કર્યું છે. ખાસ તો આજે જ્યારે કવિઓનો મોટો વર્ગ સૉનેટ જેવા કાવ્યસ્વરૂપથી દૂર રહે છે ત્યારે એમણે બે સૉનેટસંગ્રહ પણ આપ્યા છે. ‘અનરાધાર’ એમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. પ્રસંગને મલાવીને રજૂ કરવાની કહેણી એમની પાસે છે. શિષ્ટ ગદ્ય અને બોલી પર પણ એમની પકડ છે. જે વાર્તામાં ગ્રામીણ પરિવેશ છે ત્યાં બોલીનો વિનિયોગ સહજપણે થયો છે. સમાજના વિવિધ વર્ગો વિશેનાં ઝીણાં નિરીક્ષણો પણ તે કરી શકે છે. તેમ છતાં વાર્તાનું શિલ્પ ઘડવામાં હજુ તે ઊણાં ઊતરે છે. સંગ્રહમાં ૧૫ વાર્તાઓ છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં પ્રથમ સંગ્રહ હોઈને અનરાધાર સર્જકતાનો અનુભવ સ્વાભાવિકપણે થતો નથી પરંતુ સર્જકતાના થોડા છાંટાથી વાચક ચોક્કસ ભીંજાય છે. સંગ્રહની ‘અનરાધાર’ વાર્તામાં લગ્નેતર સંબંધની મોહિનીમાં પત્ની અને પુત્રીને તરછોડતા પુરુષના કારણે પિતાથી તરછોડાયેલી માને સ્વજનો વચ્ચે લાચાર જોઈ હોવાથી સલોનીને પ્રેમ, પુરુષ, લગ્ન હવાઈ શબ્દો લાગે છે. અજાણતાં જ એના જીવનમાં એક ક્ષણ એવી આવી કે આ કુંઠિતતા હટી ગઈ. પાત્રના જીવનમાં આવેલી આવી ક્ષણનું પ્રતીતિકર નિર્વહણ વાર્તાને રસપ્રદ બનાવે છે. ‘વિટંબણા’ વાર્તામાં સવારથી સાંજ લગી પતિ, બાળકો અને સસરાના સતત કામ, કામ અને કામમાં અટવાયેલી ગૃહિણી ઉષ્માને વડછકા ભરતો પતિ અજય અડધી રાતે ઊંઘવા ન દે ત્યારે એની થતી દયનીય દશાનું ચિત્ર છે. ઘરેલુ કામ અને થોડીક બહારની જવાબદારીઓ વચ્ચે કચડાતી ઉષ્માની વ્યથા અહીં પ્રગટ થાય છે. ‘આંખનાં કમાડ ઉઘડ્યાં’થી શરૂ થતી વાર્તામાં પીડા રાતના અંધારામાંય પૂરી થતી નથી. ‘મુક્તિધામ’ અરૂઢ પરિવેશની વાર્તા છે. સ્મશાનમાં અંતિમક્રિયા કરનાર કુટુંબના દીકરા મયંક સાથે પ્રેમલગ્ન કરનારી નિરુ ત્યાંનો પરિવેશ જોઈ હેબતાઈ જાય છે. અભાવો વચ્ચે જીવતો પરિવાર છતાં પણ એની પ્રસૂતિ હૂંફથી કરાવે છે, ત્યારે દેહની સાથોસાથ માનસિક યંત્રણાની પીડામાંથી તે મુક્ત થાય છે. સાસરી ખરા અર્થમાં મુક્તિધામ બની રહે છે. ‘લાજ’ વાર્તામાં મધુ નિઃસંતાન હોઈને સાસુ ટોક્યા કરતી, એનો પતિ કેશવ કામ કરવા જતી મધુ પર વહેમાય છે. એક દિવસ વાત વધુ વણસે ને સાસુ વાંઝણી વાંઝણી કરે ત્યારે મધુ કહી દે છે કે – ‘દૂધમાં મૉરવણ નાખીએ તો દહીં થાય, હમજ્યાં?’ અને શાંતિથી કામે નીકળી જાય છે. લાજ સાચવતી સ્ત્રીનો શાંત પ્રતિભાવ સૂચક છે. આ વાર્તા, વાર્તા કરતાં લઘુકથા વિશેષ લાગે છે. ‘રંગ’ વાર્તામાં વહુને પીડા આપતી સાસુને પોતાની દીકરી સાસરે વળાવી પછી એને પડતી આપદાઓના કારણે વહુ વૈભવી ભણી કૂણી પડી છે. જ્યારે દીકરીએ આત્મહત્યા કરી ત્યારે નિરાધાર સાસુ ચંચીબાને એ જ વહુ માની જેમ સાંત્વના આપે છે! ભારતીય કુટુંબોની રોજની રામાયણ ‘રંગ’ વાર્તાનો વિષય છે. અહીં સાસુનું પરિવર્તન પ્રતીતિકર બન્યું છે. ‘કર્મ’ વાર્તામાં વહેમીલા પતિના કારણે કાયમ રીબાતી સુજાતાને એકવાર બપોરે નજીક રહેતા પપ્પાના મિત્ર ધીરજલાલ મળવા આવેલા અને તાકડે જ એનો પતિ મૂકેશ આવી ગયો. શરમ રાખ્યા વિના મૂકેશે સુજાતાને ખખડાવી, ધીરજલાલને અપમાનિત કરી કાઢી મૂક્યા. થોડા દિવસ પછી પરિવારના સહુને ગુમાવી બેઠેલા ધીરજલાલનું મૃત્યુ થયું ત્યારે સુજાતાને દીકરી માનીને પાંચ લાખનો ચેક આપતા જાય છે ત્યારે મૂકેશ પસ્તાય છે. ભાવનાના પ્રચુર રંગે રંગાયેલા પ્રસંગો અહીં છે. વાર્તા મજૂબત વાર્તાક્ષણ વિનાની રચના લાગે છે. આવી જ રીતે ‘ચડઊતર’માં માત્ર પ્રસંગ છે કંપવા થયેલ સસરા અશોકભાઈને પુત્રવધૂ જ્યોતિ નોકરી દરમ્યાન સસરાએ એક નિર્દોષ આદિવાસીને ચોર કરીને ફોરેસ્ટ ઑફિસર હોઈને મારેલો એની યાદ આપે છે. આમાં વાર્તા જેવું છે શું – એવો પ્રશ્ન થાય. ‘જમ’ વાર્તામાં દલિત-સવર્ણની પ્રેમકથા છે. માલુ-માલતી ગામના દલિતની દીકરી. ભણવામાં સારી, સહાધ્યાયી માધવ સાથે મૈત્રી થઈ. માધવના મુખી બાપનો ગામમાં ડારો. તેથી માલુનાં મા-બાપ માલુને ચેતવે. પણ પ્રેમની અનુભૂતિમાં એ ન ગણકારે. માધવ શહેરમાં ભણવા જાય પણ માલુને ભૂલ્યો નથી. પાવો વગાડતો માધવ માલુમાં ગળાડૂબ. એકવાર નિયતસ્થળે માલુ ગઈ તો ત્યાં માધવના બદલે એનો બાપ માલુ પર બળાત્કાર કરત પરંતુ માધવ આવી પહોંચે (ફિલ્મી દૃશ્ય). બેઉની ઝપાઝપીમાં માધવ નદીમાં ડૂબી જાય, બાપને લકવો થઈ જાય, માલુ ગાંડી થઈ જાય. એક માત્ર સાક્ષી આંબો વેડાઈ જાય! અત્યંત મેલોડ્રામેટિક વાર્તા. વાર્તાક્ષણ જેવું અહીં કંઈ જ નથી. માત્ર એક પ્રસંગનિરૂપણ. ‘આરાધના’ વાર્તામાં ખીલે બાંધેલી ગાય નામે દેવી નાયિકા રેવતીની માને કાળોતરો ડંખે એ પૂર્વે કાળોતરાને મારી નાખે છે, પણ ગળે જોર પડ્યું હોવાથી દેવી મરી જાય છે. આવી લોકકથાની ચમત્કારિક ઘટનાને ‘વાર્તા’ કહી શકાય તેમ નથી. વાર્તામાં વર્ણન ખૂબ જરૂરી પણ વર્ણન આવડે એટલે વાર્તા આવડે જ એવું નથી એની પ્રતીતિ આ વાર્તા કરાવે છે. ‘હાંસડી’ વાર્તામાં અખૂટ ગરીબાઈમાંથી કલેક્ટર બનતો કાનજી બાપે આપેલી હાંસડીની સાક્ષીએ એક પછી એક ગરીબગુરબાંનાં કામ કરે! આમાં વાર્તા ક્યાં છે? આવા પ્રચુર ભાવનાસભર પ્રસંગોની હારમાળાથી વાર્તા બનતી નથી. ટૂંકી વાર્તા તો કરકસરભર્યું સ્વરૂપ. જ્યારે અહીં બે પ્રસંગો કાઢી નાખો કે આવી દયા-માયા દાખવતા બે પ્રસંગો ઉમેરી દો કશોય ફેર પડતો નથી! ‘મુમતાજ આપા’ વાર્તા હિન્દી ધંધાદારી ફિલ્મોમાં જોવા મળતી વારાંગનાના જીવન જેવી જ મેલોડ્રામેટિક છે. લેખિકાને ક્ષણના મહાભારતમાં રસ નથી, તેથી નવલકથાની ઢબે વાર્તા લખે છે! લોકપ્રિય કથાઘટકોને વાર્તામાં લાવવામાં કોઈ પ્રશ્ન નથી પરંતુ વાર્તામાં ક્યાંય કરતાં ક્યાંય અત્યંત કટોકટીની પળ ગેરહાજર હોય ત્યારે વાર્તા અસરકારક પ્રસંગનિરૂપણ બનીને રહી જાય છે. આજની યુવાપેઢીના ક્ષણિક મોહસંબંધોનો એક પ્રસંગ ‘લૉકેટ’માં છે. મેલોડ્રામેટિક વાર્તા પાત્રનાં આંતરમથામણો સાથે તાલ નથી મિલાવતી. તેથી તકલાદી સંબંધની મજબૂત નહીં પણ તકલાદી વાર્તા બની રહે છે. ‘મોગરાનું ફૂલ’ વાર્તામાં અહંકારી, ઝઘડાખોર, બેકાર પતિ પીયૂષ નોકરી કરતી પત્ની ઊર્મિને ત્રાસ આપે પરંતુ પોતાને લાસ્ટ સ્ટેજનું કેન્સર નીકળતાં પત્ની પાસે જ દયા ઝંખે છે! આ વાર્તા પણ પ્રસંગનિરૂપણ બનીને જ રહી જાય છે. તો ‘ઝંઝાવાત’ વાર્તામાં શંકાશીલ પતિ પત્નીને ખબર ન પડે એમ પુત્રી હેલીને DNA ટેસ્ટ કરાવે ત્યારે પત્ની રેવતીને અવિશ્વાસની આવડી મોટી ખાઈ ખટકે એ ખરેખર વાર્તાક્ષણ છે પરંતુ પ્રસ્તારના કારણે વાર્તાક્ષણ બુઠ્ઠી થઈ જાય છે. વચગાળામાં દીકરીનું મૃત્યુ કેટલું બિનજરૂરી છે! ‘સમર્પણ’ વાર્તામાં ત્રણ દીકરીને જન્મ આપ્યો પરંતુ ત્રણેય મરી ગઈ! જમની ચોથીવાર ગર્ભવતી છે. દારૂડિયો પતિ દીકરો જ ઇચ્છે છે. છતાં દીકરી થતાં જમનીને મારે છે. જમની દીકરીને લઈ ઘર છોડવાનું નક્કી કરે છે. પડોશી ભીખો અને ગોમતી જમનીના પતિ પશલાને સમજાવે છે. જમની રોકાઈ જાય છે. વાર્તા બનતી નથી. હવે સંગ્રહમાં જ સંગ્રહની વાર્તાના આસ્વાદો મૂકવાનું ચલણ વધ્યું છે જે અહીં પણ જોવા મળે છે. લેખિકાની ૧૫ વાર્તાઓમાંથી ૧૪ વાર્તાના આસ્વાદો અહીં મુકાયા છે. એમાંય ‘હાંસડી’ જેવી વાર્તાના તો બે આસ્વાદો છે! એ આસ્વાદકોમાં પ્રફુલ્લ રાવલ, ગુણવંત વ્યાસ, કેશુભાઈ દેસાઈથી લઈને કોશા રાવલ, રમણ માધવ જેવાં, જાણીતાં- ઓછાં જાણીતાં નામ છે. જો કે મોટાભાગના આસ્વાદો પ્રશસ્તિપત્રો જ છે. સમગ્ર સંગ્રહમાંથી પસાર થયા પછી એમ કહી શકાય કે વાર્તા સિદ્ધ કરવા માટે લેખિકાએ અનરાધાર સાધના કરવી પડે એમ છે.
[ઝૅડકૅડ પબ્લિકેશન, અમદાવાદ]