બે હજાર ચોવીસ સમક્ષ/કાશ્મીરની ભીતરમાં – જયંત ડાંગોદરા

પ્રવાસ

‘કાશ્મીરની ભીતરમાં’ – જયંત ડાંગોદરા

ભારતી રાણે

સમયની તસવીર ઝીલતું પ્રવાસવૃત્તાંત

કાશ્મીર નામ સાંભળતાં જ એક તરફ દાલસરોવરમાં તરતા શિકારા, હિમાચ્છાદિત પર્વતો તથા એમાંથી વહી આવતાં ઝરણાં, જેલમનો ધસમસતો પ્રવાહ, ફુવારા ઊડાડતા બગીચા અને પવનમાં લહેરાતાં કેસરનાં ખેતરોનું ચિત્ર મનઃપટ ઉપર ઊપસી આવે. અને તે સાથે જ સિક્કાની બીજી બાજુની જેમ એ સોહામણા પ્રદેશ સાથે ક્રૂરતાથી જોડાઈ ગયેલું આતંકવાદના ઊઝરડાઓનું પણ સ્મરણ થઈ આવે. ગુજરાતી સાહિત્યમાં કાશ્મીરના સૌંદર્ય વિશેની ઘણી રચનાઓ તથા પ્રવાસવર્ણનો છેક કલાપીના સમયથી આજ સુધીના સાહિત્યકારો તરફથી મળ્યાં છે, પરંતુ આતંકવાદની વ્યથાકથા કહેતું પ્રવાસકથન આ પુસ્તકને વિશિષ્ટ સ્થાનનું અધિકારી બનાવે છે. આ પ્રવાસ એના પ્રયોજનથી જ અલગ તરી આવે છે. સર્વોદયની પ્રેરણાથી લેખક ૨૩ માર્ચ ૨૦૧૦થી ૬ એપ્રિલ ૨૦૧૦ સુધી કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેઓ એને ‘મૈત્રી પ્રવાસ’ કહે છે, અને પ્રસ્તાવનામાં પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહે છે કે, ‘સાવ ભિન્ન એવા બે પ્રદેશની પ્રજા વચ્ચે મૈત્રીભાવનું ઝરણું વહેતું રહે એવો ભાવ એ પ્રવાસના મૂળમાં અપેક્ષિત હતો... અહીં કાશ્મીરના સૌંદર્યની વાત છે તો એની પીડાનું આલેખન પણ છે.’ આમાં એક વાત ઉમેરવાનું મન થાય કે, સમગ્ર પુસ્તકમાં એ પીડાની વાત સર્જકે અત્યંત તાટસ્થ્યથી કરી છે. ‘ટિકિટ આવી ગઈ છે’ – શીર્ષકવાળા પહેલા પ્રકરણથી, ‘આવજો કાશ્મીર... આવજો જમ્મુ...’ એવા છેલ્લા પ્રકરણ વચ્ચે કુલ સત્તર પ્રકરણોમાં વહેંચાયેલું આ પુસ્તક આપણને ઘરથી ઘર સુધીની યાત્રા કરાવે છે. ક્લાસરૂમમાં ટીંગાડેલા દેશના નકશાને જોઈ-જોઈને મનમાં પાંગરેલાં પ્રવાસનાં સપનાંથી માંડેલી આ વાત આ યાત્રાના એમને મળેલા પ્રસ્તાવથી માંડીને વતન અંબાડામાં જઈને કરેલી પૂર્વતૈયારીઓ; કાશ્મીરની વાસ્તવિકતાઓ તથા એ પ્રદેશ પ્રત્યેના લોકોના અભિગમને કારણે ભદ્રાવડીમાં તથા બોટાદમાં પત્નીનો તથા મિત્રોનો પ્રતિભાવ; અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અપાયેલી સૂચનાત્મક અભિમુખતા શિબિરના કલાકોની વાત; અને પછી અમદાવાદથી શરૂ થતી જમ્મુની રેલયાત્રાની તથા જમ્મુથી શ્રીનગરની ટૅક્સીની યાત્રાની વિગતે વાત લેખકે પહેલાં પાંચ પ્રકરણોમાં કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, લેખકની રસાળ શૈલીને કારણે આ વાતો નીરસ બનતી નથી. બળબળતી લૂ વચ્ચે કરેલી રેલયાત્રાને લેખકે સરસ શબ્દોમાં વર્ણવી છે : ‘બારીબહારનાં દૃશ્યો બદલાતાં રહે છે પણ ઝાંઝવાનો પડદો આંખને ત્યાં સુધી પહોંચવા નથી દેતો. એક પછી એક સ્ટેશન આ ઝાંઝવામાં ઓગળતું રહે છે.’ (પૃ. ૧૫) ‘આંખ ખૂલી ત્યારે અમારું ગતિમાન ઘર રણની ધૂળથી લથબથ હતું. અમે પણ ધૂલિસ્નાન કરેલી ચકલીઓ જેવા થઈ ગયેલા. (પૃ. ૧૭) બિયાસ નદીની વાત પણ ઋગ્વેદના સંદર્ભ સાથે અને સરસ વર્ણન સાથે અહીં થઈ છે. લેખક પોતાના મિત્રોને કહે છે કે, ‘ગામમાંથી કોઈ દ્વારકાધીશની જાતરાએ જાય, ત્યારે આખું ગામ સાજન-માજન સાથે વળાવવા જાય, તો હું તો આપણાં ગામનો પહેલો માણસ છું જે કાશ્મીરના પ્રવાસ માટે ભાગ્યશાળી થયો છું.’ તો જવાબમાં મિત્રો કહે છે કે, ‘તું કાંઈ જાતરાએ થોડો જાય છે – રખડવા જાય છે રખડવા. નવરો... ફૂલ નવરો... નવરો ધૂપ. એટલે તબલાં અને વાજિંત્રોનું માન તને ન હોય.’ (પૃ. ૩) પત્નીના પ્રતિભાવ વિશે લેખક કહે છે કે, ‘હું એકલરામ થઈને ક્યાંક ભાગી ન જતો હોઉં એવો ભાવ કવિતાના ચહેરા પર હતો.’ લેખક આ જ પ્રકરણમાં કબૂલે છે કે, ‘આમ જુઓ તો મને પણ કાશ્મીરના આતંકગ્રસ્ત વિસ્તારમાં ઘૂમવાનો છું એની ખબર ન હતી.’ એ પછીનાં પ્રકરણોમાં વર્ણવાયેલી એ વિસ્તારમાં ઘૂમવાની, સ્થાનિક લોકો સાથે સધાયેલ સંપર્કોની અને વિવિધ પરિસ્થિતિઓના સામનાની વાતો રોચક સાથે દિલધડક છે. કાશ્મીરની મહેમાનગતિને લેખકે ઘણી વાર સૌરાષ્ટ્રની મહેમાનગતિ સાથે સરખાવી છે. એમની કાળજી લેનારમાં કેટલાક ભૂતપૂર્વ આતંકવાદીઓ હતા, જેમણે પોતાનાં બાળકોના ભવિષ્ય માટે શરણાગતિ સ્વીકારી હોય અને હથિયાર હેઠાં મૂકીને સજા ભોગવી છૂટ્યા હોય. તો કેટલાક એવા હતા, લેખકનું પહેલવહેલું સ્વાગત કરનારા તથા પછી પણ એમના ઘરે રાખનારા, સાથે ફરનારા અને સતત કાળજી લેનારા; લાગણીથી બંધાઈને મિત્ર બની જનારા પીપલ્સ રાઈટ્‌સ મૂવમેન્ટના અબ્દુલ કદીર તેમાંના એક. નાગરિક સમાજ ગઠબંધનના ખુર્રમ પરવેઝ જેવા બીજા કેટલાક, જેમના મનમાં વિદ્રોહની આગ છે તો ખરી, પણ જીવતા રહીશું તો સંઘર્ષ ચાલુ રાખી શકીશું – એમ વિચારીને વિદ્રોહ મનમાં અકબંધ હોવા છતાં હિંસા છોડીને અહિંસક માર્ગ અપનાવ્યો હોય. ધ્યાન ખેંચે તેવી સુખદ બાબત એ છે કે, અંગત વિચારસરણી ગમે તે હોય, જેમને પણ જૂથની યજમાનગીરી સોંપાઈ તેમણે સૌએ બહુ જવાબદારીપૂર્વક તેમની સલામતી સાચવી. પણ એમ કરવામાં કેટલી વીસે સો થયા, તે જાણવા આ પ્રવાસકથા વાંચવી પડે. વિવિધ વિચારસરણીવાળા લોકો સાથે થયેલ ચર્ચાની વાત લેખકે કરી છે. મિલિટરી પ્રત્યેના પ્રજાના અભિગમની, મિલિટરી પ્રત્યેની નફરત પ્રજામાં જળવાઈ રહે, તે માટે ફેલાવવામાં આવતી અફવાઓની વાત અહીં થઈ છે. સામાન્ય માણસ, જેને મિલિટરી કે મિલિટન્ટ કોઈ સાથે રહેવામાં રસ નથી, માત્ર શાંતિથી જીવવું છે, તેવી આમજનતાની સૂડી વચ્ચે સોપારી જેવી અવસ્થાની વાત ‘જીએ તો કૈસે’ નામના પ્રકરણમાં સહૃદયતાથી થઈ છે. લેખકે બધું જ લોકો સાથેના સંવાદો અને વાતવાતમાં મળેલી સમજ તરીકે મૂક્યું છે. પોતાનો અભિપ્રાય ભાગ્યે જ આપ્યો છે. આમ કાશ્મીરની ભીતરમાં ડોકિયું કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ વૃત્તાંતમાં પરખાય છે. સાથે એક નાનકડી ટકોર કરવાનું મન થાય કે, જેટલી નિરાંતે સફરની તૈયારીની અને મુસાફરીની વાતો થઈ એટલી જ નિરાંતે અને થોડાક વધારે વિસ્તારે કાશ્મીરમાં ગાળેલા દિવસોની વાત થઈ હોત, તો વધારે ગમ્યું હોત. આતંકી ઘટનાઓથી ટી.વી.માં વારંવાર ચમકતા સ્થાન બારામુલાની મુસાફરી કરતાં રસ્તામાં ટ્રાફિક જામ છે. આર્મીના જવાનોથી ઠસોઠસ ભરેલા ખટારાઓમાં ચારેય તરફ ચાર જવાનો સ્ટેનગનનું નાળચું તાકીને સાવધાનની મુદ્રામાં ઊભા છે. લેખકને થાય છે, જરૂર ક્યાંક મોટી બબાલ થઈ હોવી જોઈએ. પણ સ્થાનિક લોકો તો એ પ્રત્યે સાવ ઉદાસીન. એમને મન તો આ રોજની વાત! રસ્તામાં જહાંગીરે પોતાની આત્મકથામાં વર્ણવેલી મનમોહક જેલમ અને વેરીનાગમાંથી નીકળતાં પારદર્શક ઝરણાં છે, પણ લેખક કહે છે, ‘આ સૌંદર્ય સમયના પ્રવાહ સાથે એટલું તો દૂષિત થતું ગયું છે કે આજે તો માત્ર જેલમ જ નહીં આખો પ્રદેશ એ નિર્ભેળ સૌંદર્યની ચિરપ્રતીક્ષામાં બેઠો હોય, એવો ઉદાસ નજરે પડે છે. બારીબહાર અત્યારે જે દેખાય છે તે જેલમ અહીંની પ્રજા જેને જુલમનો પર્યાય ગણે છે તેવી આર્મીના જવાનોથી ઘેરાયેલી પડી છે.’ (પૃ. ૩૧) બારામુલાના રસ્તે ભગવાન ગૌરીશંકર અને સુગંધેશનાં દર્શન લેખકને રળિયામણો પ્રદેશ છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોનું સ્મરણ કરાવે છે. અને શબ્દો સરે છે : ‘ક્યાં પેલા ઘંટ, નગારાં, બીલીપત્રો, બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારાતા મંત્રો, મહિમાગાન કરતાં સ્તોત્રો, ને કળશ પર ફરફરતી ભગવી ધજાની જાહોજલાલી અને ક્યાં વિષાદપૂર્ણ એકલતામાં ગૂંગળાઈ ગયેલું દેવત્વ! ઈશ્વર પણ પોતીકા લોકો વગર બાપડો થઈ જતો હશે?’ (પૃ. ૩૪) બારામુલામાં કદીરભાઈના ઘરે સ્વાગતમાં આત્મીયતાથી મહેમાનગતિ થઈ રહી હતી, ત્યાં જ યજમાનોના મોબાઈલ ઉપર સૂચનાઓ આવવા લાગી. યજમાનોના ચહેરા ઉપર ચિંતા અંકાઈ. સૌના રહેવાના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો. પછી શું થયું તે લેખકના જ શબ્દોમાં સાંભળીએ : ‘કોઈએ કહ્યું કે આપણી નજીકમાં જ પથ્થરબાજી ચાલી રહી છે! અમારા ચહેરાઓ પ્રશ્નાર્થ અને આશ્ચર્યચિહ્નમાં ફેરવાઈ ગયા! થોડી ક્ષણો પહેલાં મહેમાનગતિનો લુત્ફ ઉઠાવી રહેલા અમે ધડામ કરતા વાસ્તવિકતાની ધરતી પર પટકાયા. અમે ક્યાં છીએ તેનું ભાન થતાં જ આંખે જાણે અંધારાં આવી ચડ્યાં!’ (પૃ. ૩૭) પ્રવાસ અનેક પ્રકારના જોખમો વચ્ચેથી પસાર થાય છે. બારામુલામાં અને શોપિયાનમાં વિરોધ પ્રદર્શનનાં ધરણાંમાં, સભાઓમાં, સરઘસોમાં, દર શુક્રવારે નમાજ પછી થતી નારેબાજી વચ્ચે, મશાલ સરઘસમાં, વગેરે સંજોગોમાં મૂંગા પ્રેક્ષક તરીકે ભાગ લેવાનો ઉપક્રમ ગોઠવાયો હતો. તેમાં કેટલાક પત્રકારોને, અલગતાવાદી ચળવળના આગેવાનોને, મદરેસાના મૌલવીને, વગેરેને મળવાનું થયું, તેની વાત લેખકે કરી છે. એક તરફ લશ્કર અને બીજી તરફ આતંકવાદીઓ, બંને વચ્ચે સૂડી વચ્ચે સોપારીની અવસ્થામાં જીવતી પ્રજાનો આર્તનાદ – ‘જીએ તો કૈસે!’ પ્રકરણમાં આબાદ ઝીલાયો છે. આખા જૂથની કાશ્મીરયાત્રાના પ્રયોજન તરફ શંકાની નજરની, કોઈ એજન્ડા હશે તો જીવતા પાછા નહી જાવ – એવી એમને મળેલી ખુલ્લી ધમકીની વાતો લેખક નોંધે છે. પ્રવાસ દરમિયાન ક્યાંક અજાણ્યાં લોકોની કબરોનું કબ્રસ્તાન જોવા મળે છે, એની વાત લેખકે હૃદયદ્રાવક શબ્દોમાં કરી છે. ‘ઘરેથી કમાવા નીકળેલો માણસ સાંજ પડે ‘અનનોન કબર’ થઈ જાય એ કલ્પનાથી જ શરીરમાં કંપારી વછૂટી જાય છે! માતા-પિતા, બાળકો અને સગાંવહાલાંની આંખોમાં વર્ષો સુધી આકાશની શૂન્યતા માળો બાંધીને બેસી જાય અને જેની પ્રતીક્ષાનો ક્યારેય અંત ન આવે એવી અનેક અકથ્ય કથાઓ આ કબ્રસ્તાન સંઘરીને બેઠું છે.’ લેખકે જોયું કે, આટલા દિવસોમાં જોયેલી બધી હલચલમાં સ્ત્રીઓ ક્યાંય ભાગ લેતી જોવા મળતી નહોતી. શોપીયાનમાં એ ખોટ પણ પુરાઈ ગઈ. ત્યાં એક દિવસ માત્ર સ્ત્રીઓનાં ધરણાંનો કાર્યક્રમ હતો, તેના સાક્ષી બનવાની તક લેખકને મળી. તેઓ લખે છે : ‘અફરાતફરી થાય એ પહેલાં જ અમે તો મસ્જિદની અંદર પહોંચી ગયા છીએ. બહાર સભા ચાલી રહી છે. નારા એ જંગ ઉગ્ર બનતો જાય છે. સ્ત્રીઓનો એ બુલંદ અવાજ મસ્જિદમાં બેઠાંબેઠાં અમારા કાનના પડદા તોડી રહ્યો છે. શોપિયાનની નારીઓનો આ અવાજ જાણે આખીયે ઘાટીને ઘેરતો ચોમેર ફરી વળ્યો છે.’ (પૃ. ૮૩) શોપિયાનથી પાછાં ફરતાં એક જગ્યાએ સખત નારેબાજી અને ઉશ્કેરાટનો માહૌલ જોવા મળે છે. દિલ્હીમાં કોઈ કાશ્મીરી યુવાનના એન્કાઉન્ટર થયાના સમાચારથી સર્જાયેલો ઉશ્કેરાટ. લેખકને અહેસાસ થાય છે કે યુવાનના લોહીનો બદલો લેવા તરસ્યાં થયેલાં ટોળાં સામે પોતે કેવા નરમ લક્ષ્ય હતા! : ‘ફરી હૃદયના ધબકારાએ ગતિ પકડી. આખા માહોલમાં અમે સોફ્ટ ટારગેટ હતા. કાશ્મીરી યુવાનના બદલામાં કાંઈ પણ બની શકે એવી દહેશતે અમારા મોતિયા મરી જાય છે.’ (પૃ. ૬૮) બારામુલામાં વનમાં, ગુલમર્ગની બરફ આચ્છાદિત સૃષ્ટિમાં, જેલમને કિનારે, ઘરોના બગીચામાં ખીલી ઊઠેલાં ગુલાબોમાં, અનેક સ્થળોમાં કુદરતનું સાન્નિધ્ય પણ મળ્યું. લેખકનો પ્રકૃતિપ્રેમ તથા કાશ્મીરનું નરવું સૌંદર્ય બંને અહીં સુપેરે વ્યક્ત થયાં છે. બારામુલાના વન વિશે લેખક કહે છે : ‘એક તરફ આવી ઉત્તુંગતા છે તો બીજી બાજુ નાજુક નમણાં મશરૂમ પોતાનું વજૂદ સાબિત કરવા ભાતભાતની રંગછટાઓ યોજે છે. ચાંદરણાં જેવાં સફેદ ફૂલો પણ પોતાની ઘંટડી વગાડ્યા કરે છે વનદેવીના મંદિરમાં. ને રચાતી જાય છે એક અદ્‌ભુત સૃષ્ટિ!’ (પૃ. ૫૧) પરંતુ પ્રકૃતિને હિંસાનો વિષાદ એવો તો ડંખી ગયો છે કે, સૌંદર્યને ગ્રહણ લાગી ગયું હોય, તેવું અનુભવાય છે. પ્રવાસનાં પ્રયોજનો પૂરાં થાય છે. ડર અને આતંકનો માહૌલ છોડીને હવે પ્રકૃતિને માણવાનો સમય આવ્યો છે. વૈષ્ણોદેવીની જાતરા કરીને પછી ઘરે પાછાં ફરવાનું છે. પણ કાશ્મીરમાં બનેલી ઘટનાઓનો બોજો એટલો મોટો છે કે, પ્રવાસીનું મન કશામાં લાગતું નથી. એ તો કહે છે કે, ‘થેલાઓ અને સૂટકેસો કરતાં મનનો ભાર વધારે છે. ...બસ હવે હાંઉ! ક્યાંક નથી જવું હવે, થાક લાગ્યો છે. ભરપૂર થાક લાગ્યો છે... કાશ્મીર અને જમ્મુની આ મહેમાનગતિને મનની મંજૂષામાં સાચવીને મૂકી દઉં છું. એનું સ્મરણ મારી જીવનભરની મૂડી બની રહેવાનું છે.’ (પૃ. ૧૧૨) કાશ્મીરને આવજો કરીને લેખક ઘર ભણી પ્રયાણ કરે છે, ત્યારે ભાવકના મનમાં પણ હાશકારો થાય છે. સમયના આલેખ સમાન આ પ્રવાસવૃત્તમાંથી પસાર થતાં આગવો અનુભવ અને અનુભૂતિ પ્રાપ્ત થયાં. લેખકને હાર્દિક અભિનંદન.

[કૃતિ પ્રકાશન, વીરમગામ]