બે હજાર ચોવીસ સમક્ષ/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

‘બેહજારચોવીસસમક્ષ’

૨૦૨૪માં પ્રકાશિત ગુજરાતી સાહિત્યગ્રંથોની સમીક્ષાઓનું આ પુસ્તક ‘બેહજારચોવીસસમક્ષ’ આપની સામે રજૂ કરતાં ખૂબ હર્ષની અનુભૂતિ થઈ રહી છે. આ પુસ્તકને સંપાદક તરીકે આપણી ભાષાના એક યોગ્ય સંપાદક અને વિદ્વાન સાહિત્યકાર શ્રી રમણ સોની મળ્યા એ પરિષદ માટે સદ્‌ભાગ્યની વાત છે. આ પુસ્તક દ્વારા બે બહુ મહત્ત્વની વિશેષ સિદ્ધિઓ પણ હાંસલ થઈ છે : ૧. થોડા નવ-લેખકો પણ અહીં સમીક્ષાક્ષેત્રમાં પ્રવેશ પામ્યા છે. ૨. સમીક્ષાનાં પુસ્તકોમાં બાળસાહિત્યનાં પુસ્તકોની બહુધા અવગણના થતી હોય છે, જ્યારે અહીં કાળજીપૂર્વક ખ્યાલ રાખીને એનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવ-લેખકો માટે સંપાદકશ્રી કેવી સરસ નોંધ લખે છે! : ‘ચર્ચા-માર્ગદર્શનના શ્રમ પછી તૈયાર થયેલી નવ-લેખકોની સમીક્ષાઓને આ સમીક્ષાવાર્ષિકની એક વિશેષ ઉપલબ્ધિ ગણું છું.’ સંપાદકશ્રીના આ સંપાદનના સમગ્ર અનુભવના નિચોડ સમા આ શબ્દોને અહીં ટાંકવાનો લોભ હું જતો નથી કરી શકતો – ‘એક બાબતે મને ઊંડી પ્રસન્નતા થઈ છે. લગભગ દરેક સમીક્ષકમિત્રે નિખાલસ, સ્પષ્ટ અભિપ્રાય નોંધ્યા છે. ઘણાં સૂઝ-શ્રમપૂર્વક કેટલાંકે પોતાની વિષ્લેષક દૃષ્ટિ પણ પરોવી છે. લેખક/વ્યક્તિ નહીં પણ કૃતિ/પુસ્તક પર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એટલે ૨૦૨૪ના ગુજરાતી સાહિત્ય-વિચાર-જગતનો મહદંશે નરવો કહી શકાય એવો આલેખ ઊપસ્યો છે.’ સંપાદકશ્રી રમણ સોનીની આ પ્રસન્નતામાં ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રસન્નતા પણ આ પ્રકાશન-કાર્યમાં ઉમેરાઈ છે. સંપાદકશ્રી રમણભાઈ અને પુસ્તકનિર્માણમાં સહયોગી સૌ મિત્રો માટે પણ આ અવસરે ખૂબ આદર, આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ પુસ્તકની e-Edition એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થવાની છે એ માટે પરિષદ વતી મિત્ર અતુલ રાવલનો પણ આભાર માનું છું.

—ભિખેશ ભટ્ટ