બે હજાર ચોવીસ સમક્ષ/ગુરુદત્તઃ ત્રિઅંકી શોકાંતિકા– અરુણ ખોપકર, અનુ.અશ્વિની બાપટ
વિવેચન-અનુવાદ
ઉર્વીશ કોઠારી
થોડું રસકેન્દ્રી, ઝાઝું પાંડિત્યગ્રસ્ત વિવેચન
માંડ ૩૯ વર્ષની વયે વિદાય લેનાર ગુરુદત્ત (૧૯૨૫ –૧૯૬૪) મૃત્યુના છ દાયકા પછી પણ ભાવપૂર્વક યાદ કરાતા અને ચર્ચાતા રહ્યા છે. તેમની ફિલ્મકળા અને તેમનું અંગત જીવન પુસ્તકો, દસ્તાવેજી ફિલ્મો અને ગંભીર અભ્યાસનો, ચર્ચાનો વિષય બન્યાં છે. ગુરુદત્તે ઘેરી અને હળવી એમ બંને ઝાંયની ફિલ્મો બનાવી. તેમાંથી ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહિબ, બીબી ઔર ગુલામ’—એ ત્રણેય ગંભીર ફિલ્મો ગુરુદત્તની અને હિંદી ફિલ્મઉદ્યોગના ઇતિહાસની ઉત્તમ કૃતિઓ ગણાઈ. (‘સાહિબ, બીબી ઔર ગુલામ’ના નિર્દેશક તરીકે ફિલ્મના સંવાદલેખક અબરાર અલવીનું નામ હોવા છતાં, નિર્દેશન પર ગુરુદત્તની સ્પષ્ટ છાપ હતી.) એ ત્રણ ફિલ્મોને કેન્દ્રમાં રાખીને, ગુરુદત્તની સર્જનકળાનું વિવેચન ફિલ્મનિર્દેશક અને વિદ્વાન અધ્યાપક તરીકે જાણીતા અરુણ ખોપકરે મરાઠીમાં કર્યું હતું. તેનો અશ્વિની બાપટે કરેલો ગુજરાતી અનુવાદ એટલે ‘ગુરુદત્ત : ત્રિઅંકી શોકાંતિકા.’ લેખકે આરંભે ગુરુદત્તની ફિલ્મો સાથેની તેમની અંગત સફરના ઉતારચડાવ નોંધતાં લખ્યું છે કે પહેલી વાર આ ત્રણે ફિલ્મોએ તેમને ‘તદ્દન અભિભૂત’ કરી નાખ્યા હતા. ઘણાં વર્ષ પછી સિનેમાના વિદ્યાર્થી તરીકે ત્રણે ફિલ્મો જોઈ ત્યારે તેમની પર ‘પહેલાં જેવી અસર થઈ નહીં.’ થોડાં વર્ષ પછી ફિલ્મ-ફેસ્ટિવલમાં ત્રણે ફિલ્મો ‘ફરી વિસ્મિત થઈ સંપૂર્ણ સભાનપણે, ધ્યાનપૂર્વક’ જોઈ અને ત્રણે ફિલ્મોને જોડતી અનેક કડીઓ-બાંધતાં અનેક સૂત્રો તેમના ધ્યાન પર આવ્યાં. ત્યાર પછી ગુરુદત્ત પરની એક ફ્રેન્ચ પુસ્તિકા વાંચી. ફિલ્મો જોયા પછી અને પુસ્તિકા વાંચ્યા પછી ‘ચિત્રપટની પ્રતિમાઓ’ [ફિલ્મની દૃશ્યાવલિ] તેમને અર્ધજાગ્રત અવસ્થામાં ઘેરી વળતી હતી. તેના પગલે આવેલા વિચાર અને મનમાં ઊઠતા સવાલના જવાબ મેળવવાની પ્રક્રિયામાંથી આ પુસ્તક નીપજ્યું. પુસ્તકનાં પ્રકરણનાં નામ તેની વિશિષ્ટ સામગ્રીનો અંદાજ આપનારાં છે : દૃષ્ટિક્ષેત્ર, વેદનાની પ્રતિમા, પડછાયાઓના પ્રદેશમાં, નાદ-રૂપ, તણાયેલો અવકાશ અને ધરબાયેલા પડછાયાઓ, રોકાયેલો અંધકાર અને થોભેલો કાળ, ઐતિહાસિક ચોકડી [ફ્રેમ] અને પ્રતિમાનું વિકેન્દ્રીકરણ... પુસ્તકના અંતે પરિશિષ્ટ તરીકે ગુરુદત્તની બે જૂની મુલાકાતો અને વહીદા રહેમાનનો ગુરુદત્ત વિશેનો લેખ પણ મૂકવામાં આવ્યાં છે. આરંભે ગુરુદત્તનો અછડતો પરિચય આપ્યા પછી ‘આત્મવિનાશ’ પ્રત્યેના ગુરુદત્તના તીવ્ર આકર્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અગાઉ જણાવેલી ત્રણે ફિલ્મોમાં એ ભાવ પ્રગટ થાય છે એવી નોંધ છે. (પૃ. ૨૨) આગળ ભાર દઈને કહેવામાં આવે છે કે ત્રણે ફિલ્મો આત્મવિનાશની ફરતે જ રચાઈ છે. (પૃ. ૩૭) આ મુદ્દાને ત્રણે ફિલ્મોના કેન્દ્રીય ધ્વનિ તરીકે રજૂ કરવામાં એક મહત્ત્વનું પગથિયું ચુકાઈ ગયું હોય એવું ત્રણે ફિલ્મો – ખાસ કરીને, ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ – ફરીથી જોતાં લાગે. અલબત્ત, એટલી સ્પષ્ટતા કે આ ફિલ્મો ફરી જોવાની બાબતમાં હું અરુણ ખોપકરે વર્ણવેલા ત્રણ તબક્કામાંથી બીજા તબક્કામાં છું. એક સમયે આ ફિલ્મોનો, ખાસ કરીને ‘પ્યાસા’નો, અત્યંત ઘેરો પ્રભાવ પડ્યો હતો, જે વર્ષો સુધી રહ્યો. પરંતુ થોડા સમય પહેલાં ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ ફરી જોતાં, તેમની તમામ દૃશ્યકળા-સંગીતકળા અને નિર્દેશનકળા માટેના પ્રેમાદર છતાં, બંનેની કથામાં વહેતો આત્મદયાનો પ્રવાહ અકળાવનારો લાગ્યો. લેખકે જે ‘આત્મવિનાશ’ની – પ્રચલિત શબ્દમાં કહીએ તો, આત્મઘાતી વૃત્તિની – વાત કરી છે, તે સતત અને ઘણી વાર અકારણ ટપક્યા કરતી આત્મદયાનો આખરી તબક્કો છે, એવી લાગણી તે ફિલ્મો જોતીવખતે મનમાં ઊગતી હતી. કવિને કે ફિલ્મકારને – ટૂંકમાં, કળાકારને ગમે તેટલા અવ્યવહારુ કે ગેરવાજબી થવાનો, તેમ છતાં દુનિયા પાસેથી આદરમાનની અપેક્ષા રાખવાનો અને પોતાની વર્તણૂકનાં માઠાં પરિણામ આવે ત્યારે, જરા પણ આત્મચિંતન કર્યા વિના, દુષ્ટ દુનિયાને ગાળ દેવાનો અધિકાર છે – એવો ધ્વનિ ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં સતત સંભળાયા કરે છે. ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ની વાત અલગ છે. તે બિમલ મિત્રની નવલકથા પર આધારિત હોવાથી, તેનાં કથાતત્ત્વો ઘણી હદે અંકાયેલાં છે. એટલે, ઐયાશ જમીનદાર પતિની ઉપેક્ષા પામેલી છોટી બહુ મીનાકુમારીની કરુણ સ્થિતિ ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ના ગુરુદત્તના પાત્ર કરતાં ઘણી વધારે પ્રતીતિજનક અને સ્વાભાવિક લાગે છે. પુસ્તકમાં ગુરુદત્તની દૃશ્યો ઝડપવાની કળા, છાયાપ્રકાશનો ઉપયોગ, પડછાયાનો ઉપયોગ, દૃશ્યોનું સંયોજન, ગીતોનું ચિત્રણ – આ બધી ખૂબીઓની વિશદ ચર્ચા વિશ્વસિનેમાની કૃતિઓના અને વિશ્વસાહિત્યના અનેક સંદર્ભો લઈને પાંડિત્યપૂર્ણ ઢબે કરવામાં આવી છે. તે ફક્ત મસાલા ફિલ્મોના જ નહીં, સારી ફિલ્મોના સજ્જ ભાવકો માટે પણ દુર્બોધ નીવડી શકે. અલબત્ત, સિનેમાની કળાના બાકાયદા અભ્યાસી તેમાંથી વિચારભાથું તારવી લે એવું બને. પુસ્તકમાં ચર્ચા દૃશ્યસામગ્રીની હોવાને કારણે, વિષયો સાથે સંબંધિત તસવીરો ઠેરઠેર મૂકવામાં આવી છે. ચાલતી ફિલ્મને રોકીને પડદા પરથી લેવાયેલી તસવીરોમાંથી ઘણી તેની મૂળભૂત મર્યાદાને લીધે કે છપાઈની મર્યાદાને લીધે, પ્રભાવક નીવડી શકતી નથી. તેમ છતાં, વાચકે ફિલ્મો જોઈ હોય તો તેના મનમાં એ તસવીરો મૂળ દૃશ્યસ્વરૂપે જીવંત થઈ શકે છે અને ચર્ચાના મુદ્દા સાથે તેનું સંધાન પણ થઈ શકે છે. ત્રણે ફિલ્મો વિશે અરુણ ખોપકરનાં કેટલાંક નિરીક્ષણ માર્મિક અને તેમની ઊંડી સમજનાં પરિચાયક છે. ‘પ્યાસા’માં રહેમાનની ભૂમિકા વિશે તેમણે લખ્યું છે, ‘સભ્યસમાજનો માણસ લોભ અને મત્સરને કારણે કઈ રીતે ખલનાયકના સ્તરે પહોંચી જાય છે તે ગુરુદત્તે કુશળતાપૂર્વક દર્શાવ્યું છે. આ પાત્રના વ્યક્તિચિત્રણની સફળતા માટે અડધો શ્રેય રેહમાનના અભિનયને ફાળે જાય છે.’ (પૃ. ૧૫૪) ‘નિસર્ગની અવગણના’ શીર્ષક ધરાવતા પ્રકરણ (પૃ.૧૦૧–૧૦૬)માં નિસર્ગચિત્રણ રોમેન્ટિક કળા માટે મહત્ત્વનું છે તે સમજાવ્યા પછી, લેખકે સવાલ ઊભો કર્યો છે કે ‘રોમેન્ટિક કળાના પ્રભાવ નીચે હોવા છતાં ગુરુદત્તના ચિત્રપટમાં નિસર્ગનું ચિત્રણ આટલું અલ્પ પ્રમાણમાં શા માટે?’ (પૃ. ૧૦૩) ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાનાં કેટલાંક કારણ પેચદાર શબ્દોમાં લખ્યા પછી લેખકે નોંધ્યું છે, ‘ઋત્વિક ઘટક અને ગુરુદત્ત ઘણી રીતે સરખા છે, પણ તેમની વચ્ચે એક મોટો ફરક છે તે આ. ઋત્વિક ઘટકની શ્રેષ્ઠતા આખરે તેમની વિશાળ જીવનદૃષ્ટિમાં છે. જીવનદૃષ્ટિથી આવેલી તાકાતથી તેમણે ક્ષોભનાટ્યને મહાકાવ્યની કક્ષાએ પહોંચાડ્યું.’ (પૃ. ૧૯૯) એટલે જ, ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’નાં છૂટાંછૂટાં તત્ત્વોની મહત્તા સ્થાપિત કર્યા પછી પણ, લેખકનો ચુકાદો છે : ‘ગુરુદત્તની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ એટલે સાહિબ, બીબી ઔર ગુલામ.’ (પૃ. ૧૯૯) ત્રણે ફિલ્મોની ચર્ચા પછી ગુરુદત્તની હળવી-વ્યાવસાયિક ફિલ્મો વિશેનું પણ એક પ્રકરણ છે. તેમાં ગીતોનું વિશિષ્ટ ચિત્રાંકન કરવાની ગુરુદત્તની વિશેષતાની વધુ ચર્ચા થઈ છે. સાથોસાથ, ઉદયશંકરના શિષ્ય હોવાને કારણે બંગાળ અને બંગાળી ભદ્રલોક સંસ્કૃતિની તેમણે ઝીલેલી અસરોનું પણ સવિસ્તર વિશ્લેષણ છે. સ્વાભાવિક રીતે જ, લેખકે ફિલ્મના એકેએક પૂરજા અલગ કરીને તેમના વિશ્લેષણનો અને સૌંદર્યદર્શનનો ઉપક્રમ રાખ્યો હોવાથી, ફિલ્મની એકએક ફ્રેમના ગંભીર અભ્યાસી નહીં એવા ભાવકને સમગ્રપણે દેખાતાં કથાપ્રવાહ અને પાત્રાલેખનનાં મોટાં ગાબડાંનો અહીં અછડતો જ ઉલ્લેખ છે. પારિભાષિક શબ્દો અને એવી જ આબોહવામાં કરાયેલું વિશ્લેષણ ધરાવતા પુસ્તકનો ગુજરાતી અનુવાદ કઠણ જ હોવાનો. મૂળ મરાઠી પુસ્તક કેટલું વાચનક્ષમ છે તેનો ખ્યાલ નથી, પણ ગુજરાતી અનુવાદમાં ઠેકઠેકાણે પ્રાસાદિકતા અને પ્રવાહિતાનો અભાવ વરતાય છે. ઘણાં વાક્યો ક્લિષ્ટ, દુર્બોધ કે ભદ્રંભદ્રીય બન્યાં છે. કેટલાંક ઉદાહરણ : ‘દૃક્ શ્રાવ્ય પ્રતિમાઓમાંથી કાવ્ય સાથે સ્પર્ધા કરતું ‘કાગઝ કે ફૂલ’માં આ ક્ષણ કથાનકે અલૌકિક અવકાશમાં લઈ જનાર સન્માનિત ક્ષણ છે.’ (પૃ. ૯૭) ‘સામાન્ય કલાકારની કૃતિમાં સમાજને જ્ઞાત હોય તેવાં પ્રતીકોને લઘુલિપિની જેમ વાપરવાનું વલણ દેખાતું હોય છે.’ (પૃ. ૪૭) ‘પોતાની થીજેલી પ્રતિમાના પરિઘને કારણે પોતાની જાતને નિરંતર બદલતા રહેવાનું સ્વાતંત્ર્ય ગુમાવી દેવાને સાર્ત્ર ‘કુશ્રદ્ધા’ કહે છે.’ (પૃ. ૬૧) બીજી તરફ, ‘એનો મિત્ર એને ફુટાવે છે’ [કાઢી મૂકે છે] એવો પ્રયોગ પણ ક્યાંક વાંચવા મળી જાય છે. (પૃ. ૧૧૦) છૂટથી વપરાયેલા શબ્દ ‘પ્રતિમા’નો ગુજરાતીમાં રૂઢ અર્થ જુદો છે. અહીં તે ‘ઇમેજ’ના અર્થમાં વપરાયો હોય એમ લાગે છે. જેમ કે, ‘ખળભળાટ કર્યા વિના શાંત વહેતાં પાણી જેવું સંગીત સચિન દેવ બર્મને ‘સુજાતા’માં રચ્યું, પણ ‘વક્તને કિયા’માં તેમના સંગીતને તેટલી જ સૌમ્ય અને શાંત પ્રતિમાઓનો સાથ પણ મળ્યો.’ (પૃ. ૯૮) અનુવાદ મરાઠી જેવી ભગિની ભાષામાંથી થયો હોવાથી કેટલાક મરાઠી શબ્દો કે પ્રયોગો સીધેસીધા આવી ગયા હોય એવું પણ લાગે છે. વ્યાવસાયિક નિર્દેશકો માટે ‘ગલ્લાભરુ’ જેવું વિશેષણ મૂળ મરાઠી હોય કે તેનો અનુવાદ, પણ તે વાંચતાં ખટકે છે. (‘ગલ્લાભરુ’ને બદલે ‘બજારુ’ જેવો વિકલ્પ કદાચ વધુ યોગ્ય ગણાય.) ‘જલદ ગતિમાં કોરસ નાટ્યવિષયનું ભાષ્ય કરે છે.’ (પૃ. ૯૪) એ વાક્યમાં ‘જલદ’ મરાઠીનો અવશેષ લાગે છે. (‘ફાસ્ટ પેસેન્જર’ ટ્રેન માટે મરાઠીમાં વપરાતો શબ્દ છે ‘જલદ લોકલ’) ગુજરાતીમાં, કોરસની ગતિ ઝડપી બને છે, એવું વધારે સહજતાથી કહી શકાય. ‘ફ્રેમ’ માટે પ્રયોજાયેલો શબ્દ ‘ચોકડી’ ગુજરાતીમાં બંધબેસતો લાગતો નથી. છેલ્લા એક-બે દાયકામાં અંગ્રેજીમાં ફિલ્મ વિશેનાં પુસ્તકોનો વરસાદ વરસી રહ્યો છે. મરાઠીમાં પહેલેથી ફિલ્મવિષયક આત્મકથાઓથી માંડીને અભ્યાસલેખો સુધીનો વ્યાપ ધરાવતાં પુસ્તકોની પરંપરા રહી છે. અરુણ ખોપકરનું મૂળ પુસ્તક એ વૈવિધ્યમાં માનભર્યું સ્થાન ધરાવનારું હશે, પરંતુ તેનો ગુજરાતી અનુવાદ પુસ્તકને એક નજરે જોવાથી ઊભી થતી અપેક્ષા પૂરેપૂરી સંતોષી શકતો નથી, તે સખેદ નોંધવું રહ્યું. અભિવ્યક્તિનું અઘરાપણું ભાષાને ક્લિષ્ટ ન બનાવે ત્યાં પણ અઘરી અને સંકુલ બનાવે છે. એવી ભાષા સહેતુક, વિશ્લેષણની ગંભીરતાને ઉજાગર કરવા માટે પ્રયોજાઈ હોય તો તે વિશે કંઈ કહેવાનું નથી. પુસ્તક વિવિધ વિષયોનાં નાનાં પ્રકરણોમાં વહેંચાયેલું હોવાથી, ગુરુદત્તના પાકા પ્રેમીઓ બધું અવગણીને, ફક્ત તસવીરોના આધારે, વચ્ચેવચ્ચે જેટલા મુદ્દામાં-લખાણમાં રસ પડે તેટલું વાંચીને પણ પુસ્તકનો આનંદ લઈ શકે છે.
[નવભારત, અમદાવાદ]