બે હજાર ચોવીસ સમક્ષ/અવળી ગંગા તરી જવી છે – લલિત ત્રિવેદી
કવિતા
પારુલ ખખ્ખર
અવળી ગંગામાં સવળી ડૂબકી
લલિત ત્રિવેદી આપણી ભાષાના નોંધપાત્ર કવિ છે. લગભગ અર્ધી સદીથી તેઓ સાતત્યપૂર્વક ગઝલ-સર્જન કરી રહ્યા છે. તેમની પાસેથી ‘પર્યંત’, ‘અંદર બહાર એકાકાર’, ‘બીજી બાજુ મેં જોઈ નથી’, ‘બેઠો છું તણખલાં પર’ નામે ચાર ગઝલસંગ્રહો બાદ આ ‘અવળી ગંગા તરી જવી છે’ નામનો પાંચમો સંગ્રહ મળે છે. સાલ ૧૯૭૦થી શરૂ થયેલી તેમની કાવ્યસફર ૨૦૨૪ સુધી પહોંચે છે ત્યારે કવિ બે ઘડી થોભીને આ સફરનું સરવૈયું કાઢે છે. ક્યાંથી નીકળ્યા, ક્યાંથી પસાર થયા, ક્યાં પહોંચ્યા અને ક્યાં પહોંચવું છે તે વિચારે છે. પ્રથમ ત્રણ પ્રશ્નોના ઉત્તર તો તેમના અગાઉના સંગ્રહોમાંથી જ મળી ગયા છે પરંતુ ચોથા પ્રશ્નના ઉત્તર માટે તેમણેે એક ગંતવ્યસ્થાન નક્કી કર્યું. કવિએ ગૌમુખથી નીકળેલી ગંગાને ગંગાસાગર સુધી તો પહોંચાડી છે, હવે એ જ ગંગાને ફરી ગૌમુખ સુધી લઈ જવા માટે ‘યુ ટર્ન’ લેવાનું એ નક્કી કરે છે. કવિ જાણે છે કે અવળી ગંગા તરવી એટલે કે ઉદ્ગમ સુધી પહોંચવું, સર્વમાંથી સ્વ તરફ પહોંચવું. કવિ જાણે છે કે પોતાની આ ધખના એમને કેવુંકેવું વિતાડશે! ઉદ્ગમ ઊંચાઈ પર છે, ત્યાંથી નીકળવું અતિશય સહેલું છે પરંતુ ત્યાં પહોંચવું અતિશય અઘરું છે. સામા પ્રવાહે તરવાનું છે. વળી આ પ્રવાસ અંદર કરવાનો છે. પ્રણ આકરું છે છતાં કલમના ટેકેટેકે તેઓ ગંતવ્યસ્થાને પહોંચશે તેવો એમને ભરોસો છે. પ્રસ્તુત સંગ્રહમાં સમાવાયેલી ૧૦૨ ગઝલો વાંચતાં ભાવકને પણ ભરોસો બેસે છે કે જો કવિએ કહ્યું તે પ્રકારે જઈએ તો અવળી ગંગા ચોક્કસ તરી શકાય છે. પ્રથમ પાના પરની ગઝલના મત્લા પરથી જ પુસ્તકનો ઉપાડ અને ઉઘાડ થતો અનુભવી શકાય છે. જુઓ..
‘ઝળઝળિયાંનાં ટીપાં જોડી અવળી ગંગા તરી જવી છે,
નદિયુંને હેમાળે લાવી અવળી ગંગા તરી જવી છે.’
સરેરાશ માણસની સિલકમાં થોડાક વસવસા, થોડાક અભાવો, થોડાક ડૂમા અને થોડાંક ઝળઝળિયાં સિવાય બીજું શું હોય? કવિની સિલકમાં પણ એ જ છે અને જે છે તેને જ સાથે લઈને તેઓ અવળી ગંગા તરવાનો નિર્ધાર કરે છે. અને તૈયારી આદરીને કહે છે...
‘હોશોહવાસ ઠાલા અળગા કરી તો રાખું,
આ કામળી ને ખાલા અળગા કરી તો રાખું.
કવિએ એ જગાએ જવાનું નક્કી કર્યું છે જ્યાં સામાન્ય રીતે કોઈ જતું નથી તેથી ત્યાં કેડી, પરબ, ઉતારા કે સથવારા નથી માત્ર જાત સાથેની જાતરા છે.
‘સબરબત્તીની ઝીણી સેર જ્યાં લઈ જાય જાવું છે,
ખડાઉમાંથી ઝરતી ખેર જ્યાં લઈ જાય જાવું છે.’
કવિએ ‘જાવું છે દશ અજાણી’ નામની એક સંઘેડાઉતાર ગઝલ લખી છે.
દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા,
રહી જાય ના નિશાણી જાવું છે દશ અજાણી.’
અહીં વિરોધાભાસ અલંકારનો ઉપયોગ કરી કહેવાયું છે કે અગ્નિ છાંટીને ખૂણેખૂણા ઠારવા છે. ભવ છાંટીને સૌનું ઋણ ઉતારવું છે. અહીં કવિએ ‘છાંટ’ શબ્દના બન્ને અર્થોનો ઉપયુક્ત વિનિયોગ કર્યો છે. અગ્નિને પાણીની જેમ છંટકોરવાનો છે અને એમાં સારુંનરસું બધું જ સ્વાહા કરવાનું છે. જ્યારે ભવ માટે ‘કાટછાંટ’વાળા છાંટનો ઉપયોગ કરીને કહ્યું છે કે તમામ દ્વંદ્વોને કાપીકૂપીને, યોગ્ય રીતે નિકાલ કરીને, તમામ ઋણ ઉતાર્યા બાદ એક પણ નિશાની બાકી ન રહી જાય એ રીતે જવું છે. કવિ અગમની સફરે જતાં પહેલાં જાતને ‘સબૂર’ કહીને રોકી પાડે છે પોતાની છેલ્લી સંપત્તિ કોઈને સોંપવા વિશે વિચારે છે તેથી કહે છે –
જોગંદરો કી બસ્તી, યે ભસ્મ કી જિયાફત,
તિરશૂલ કી વિરાસત સોંપુ તો કોને સોંપુ?’
કવિની ઝોળીમાં શું શું છે? જોગંદરો સાથેની દોસ્તી, ભસ્મની જાહોજલાલી અને ત્રિશૂલનો વારસો. અહીં તિરશૂલ એ ત્રિશૂલ નથી, ત્રણ શૂલ અર્થાત્ આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા ત્રિવિધ તાપની વાત છે. કવિને આ બધું જ કોઈને સોંપવું છે પણ કોઈ સાચો કદરદાન મળે તેની રાહમાં અને અસમંજસમાં હોવાથી કવિ કહે છે ‘સોંપું તો કોને સોંપું?’ આ આખી ગઝલ નિરાંતે માણવા જેવી છે. કવિને લાગે છે અંદર જવું, અવળું જવું અઘરું છે પરંતુ ગૂંચવાયું છે તેને ઉકેલીએ અને બંધ છે તેને ઉઘાડીએ તો ગુપતની સફર સરળતાથી માંડી શકાશે.
‘ખાંપા ઉકેલવા છે, ઝાંપા ઉઘાડવા છે,
કે માંડવી છે જોગી, ઝીણી સફર ગુપતની’
કવિએ ‘વિપતેશ્વર’ને સંબોધીને એક અદ્ભુત ગઝલ લખી છે. આખા જીવનનું સરવૈયુ ખોલીને નિરાંત જીવે એકએક કર્મનો હિસાબ માંડે છે. જીવ જ્યારે શિવથી છૂટો પડ્યો ત્યારે મૃત્યુલોકમાં જવા માટે ડરતો હતો ત્યારે શિવે વચન આપેલું ‘હું તને સંભાળીશ’ અને જીવે સામું વચન આપેલું ‘હું તમને સંભારીશ’ સમય જતાં જીવ વચન ભૂલી ગયો પણ શિવ પોતાનું વચન નિભાવતા રહ્યા.. અંત સમયે જીવ કહે છે :
‘ફોગટ સંગે ફાવટ ભારી
વિપતેશ્વર, મમ સંકટ ભારી.
આ ગઝલમાં કવિએ ચોખવટ કરી છે કે મેં ખોટા લોકો સાથે સંગત કરી, મેં ભાતભાતનાં કાવતરાં કર્યા, મેં ત્વચાની તરસ ભાંગવામાં જ જીવન પસાર કર્યું. મારાં અવળચંડાં કૃત્યોને કારણે જ જાહોજલાલી વચ્ચે પણ હું સુખની નીંદર માણી શક્યો નથી. પૂરા એકવીસ શેરની આ ગઝલમાળામાં કવિએ પરોવેલો એક એક શેર મોતી સમો છે. સાવ સરળ છંદમાં ગૂંથાયેલું આ જીવનદર્શન અઘરા-અઘરા પ્રશ્નોનું સમાધાન કરી આપે છે. કવિ ચાલતાંચાલતાં ચકાસે છે કે હું બરાબર રસ્તે જ છું ને? ત્યારે એક આંચકાજનક પરિણામ મળે છે કે તેઓ હજુ તો ઝાંપે જ ઊભેલા છે. કશે જવાયું જ નથી.
ઉકલી ગયેલી ગાંઠે? દાણાદૂણીના કાંઠે?
કે દેહડીના દાપે? ઊભો છે કેમ ઝાંપે?
માણસ અંદરની સફર આદરે ત્યારે ક્યાંક્યાં અટકે છે? એક તો ધીરજ નથી, જીવતરની ગાંઠો ખૂલી નથી, દાણા-દૂણીની જંજાળમાંથી બહાર નીકળાયું નથી, દેહ તો કેવળ દાપૂ કરવામાં જ વપરાયો છે તો ઝાંપાથી આગળ કેમ નીકળી શકાય? હળવીફૂલ બાની, સડસડાટ વહાવી જતો ભાવ અને અંદરનાં અજવાળાં પ્રગટાવતાં રૂપકો વડે આ ગઝલ ભારેખમ અર્થને હાનિ પહોંચાડ્યા વગર હૃદયસોંસરી ઊતરી જાય તેવી થઈ છે. અંદરની આ સફરમાં કોઈ ગેબી મદદ એમનો હાથ ઝાલીને આગળ થાય છે ત્યારે કવિ બોલી ઊઠે છે.
‘લગાડી ઠેઠની લગની મદદ પહોંચાડી છે એણે,
ખડાઉ થઈ જવા પગની મદદ પહોંચાડી છે એણે.
જે જે વ્યક્તિ સ્વને મારગ ચાલે છે એને મદદ મળે જ છે. કવિ જાતને તાપવા એક ધૂણી ધખાવીને બેઠા છે કવિનું બેસવું પણ કેટલું અર્થસભર હોય! તેઓ કહે છે...
તો બેઠાં એમ જાણે કે અડાયા છાણા પર બેઠાં
અધૂરું શું રહી ગ્યું કે પછી હું ને ભસમ બેઠાં
પોતાને જ ઉદ્દેશીને એક મરશિયું લખીને કવિએ પોતાનો કાન આમળ્યો છે.
‘તારા વિનાય ચકલી ન્હાય, તારા વિનાય સવાર થાય,
તારા વિનાય ઝાઝું જિવાય, હાય રે લલિત ત્રિવેદી હાય!’
ગાગરમાં ગંગા સમાવવાના પ્રયત્ન રૂપે ગઝલની પંક્તિઓ મૂકવાની લાલચ રોકીને હવે આપણે સંગ્રહની અન્ય વિશેષતાઓ વિશે પણ વાત કરીએ. કવિએ પરંપરાગત શબ્દોમાં નાનકડો હસ્તક્ષેપ કરીને એ જ શબ્દોને વિરાટ અર્થમાં પ્રયોજ્યા છે. જેમ કે... સબરબત્તી, જીવાસળી, તરસવતી, સબદાપર, મનરાવન, ભસમાવળી, ખબરબત્તી, ઝંખાવાત, તનસર, જીવાબત્તી, મન્નપૂર્ણા, તરસાટન, ટશરવંતી, માંહ્યવટુ, તનઘટ, વગેરે. આ શબ્દો નવી સુગંધ અને નવા સ્વાદ સાથે આવિષ્કાર પામ્યા છે. આ શબ્દો પ્રયોગનું આળ લીધા વગર ભાળ આપતા બની રહ્યા છે. કવિએ અપના ધૂણા અપની ધખ્ખ લઈને કવિતા માંડી છે પરંતુ એ ઇતિહાસને, પરંપરાને, પુરાણને અને વિજ્ઞાનને સાથે લઈને ચાલે છે તેથી તેમની કવિતામાં મીરાં, નરસિંહ, અખો, કબીર, ગાલિબ, કાલિદાસ, સૂરદાસ, તુલસીદાસ, વાલ્મીકિ છે; શબરી, કેવટ, લલદે, ભરથરી, પિંગળા, સતી લોયણની સાથોસાથ આદમ અને ઇવ પણ છે. કવિએ સામાજિક નિસબતની ‘એ જગા છે આ’ ગઝલ લખીને ગરીબજીવીની કથા કહી છે. તે ઉપરાંત ગાંધીજી, રેંટિયો, પત્રકાર, વાઇસરોયને પણ યાદ કર્યા છે. કવિ અવનવા શબ્દોની સાથોસાથ રૂઢિપ્રયોગો, કહેવતો, જાણીતી ઉક્તિઓ અને ક્યાંક ફિલ્મી ગીતોની પંક્તિઓ વડે પોતાની વાત રજૂ કરવાનો કસબ જાણે છે. તેમના આ કસબમાં ભાવ એ રીતે ગૂંથાઈને આવ્યો છે કે કશું જ કૃતક કે ભારેખમ લાગતું નથી. થોડાંક ઉદાહરણો જોઈએ...
- ચલ ઓઘડિયા અપને ગાંવ,
- રામ રસાયન તુમ્હરે પાસા,
- ને વચ્ચેવચ્ચે તેત્રીસ પૂતળીનો એમાં છે મારગ
- મગચોખા કેમેય ચડ્યા નહિ,
- તરસવતીના તીરે હે જી ઝીણી મુરલિયા બાજે
- વાપરવા દીધાં ખનખનિયાં... ઘેલી માથે ઘડો મૂક્યો
- પ્રતીતે ઝગવેલ રૂ છું સાહેબ!
કે જૈસે મંદિર મેં લૌ દિયેકી
આખા સંગ્રહમાંથી રેવાલ ચાલે પસાર થઈને, મનગમતા પડાવની ઝાંખી કરાવીને અંત સુધી પહોંચતી વખતે એક બે વાતો કહેવાનું મન થાય છે કે ઠેરઠેર વેરાયેલી જોડણીની ભૂલો પહાડ જેવી ખટકે છે. કવિએ ખમીસ, આગ, ચૂલો, સોનીડો, પાણિયારુ, પરબ, રૂ, પૂણી, ધૂણી જેવા શબ્દોનો વખતોવખત ઉપયોગ કરીને પુનરાવર્તનનો દોષ વહોરી લીધો છે. ક્યાંકક્યાંક છંદનું ઢીલા પડવું અને ક્યાંક લયનું ચુકાઈ જવું ખટકે, પરંતુ કવિએ એવી દમદાર ગઝલો આપી છે કે આ બધું વિસારે પાડીને સંગ્રહને માણવો ગમેે. આ કાવ્યો વાંચ્યાનો આનંદ હવામાં ‘ઓમ’ લખનાર કવિની જ પંક્તિઓથી વ્યક્ત કરવાનું મન થાય છે –
‘પણિયારે તરબોળ કલમથી,
સખદખમાંથી જડ્યા ઇલમથી,
લખ્યું હવામાં ઓમ રસિકડાં!
જલસેથી રસપાન કર્યા છે!
કવિતાનું રસપાન કરાવનાર આ સંગ્રહને આવકારું છું.
[રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ]