બે હજાર ચોવીસ સમક્ષ/સંકેત, સાહિત્ય અને સિનેમા – જાવેદ ખત્રી

સિનેમા-અભ્યાસ

‘સંકેત, સાહિત્ય અને સિનેમા’ : જાવેદ ખત્રી

અજય રાવલ

એક ગંભીર વિમર્શ : સાહિત્ય અને સિનેમાનો

આધુનિકતા અને અનુઆધુનિકતામાં સંકેત અને સંકેતવિજ્ઞાનનો ઘણો મહિમા થયો. દેશ અને દુનિયાના આ ક્ષેત્રના વિદ્વાનોએ એનો વિસ્તાર અર્થનાં વિશ્લેષણો કરી વિવિધ શાખાઓમાં નવાં અર્થઘટનો આપ્યાં. અધ્યાપક જાવેદ ખત્રી અંગ્રેજી સાહિત્યના સ્નાતક અને ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. થયેલા છે તેમના રસના વિષય માધ્યમ, સંકેતવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન-નૃવંશશાસ્ત્ર અને પ્રત્યાયનસિદ્ધાંત છે. આ વિષય પર ત્રણ અંગ્રેજી પુસ્તકો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. એમનાં અભ્યાસનાં ક્ષેત્ર સંકેતવિજ્ઞાન, ફિલ્મ થીયરી, લોકપ્રિય સંસ્કૃતિ, વગેરે છે. આ વિષય પર ગુજરાતી ભાષામાં એમના લેખો અને સંશોધનપત્રો સામાયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે. લગભગ દોઢ દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયેલા આવા – સંકેત સાહિત્ય અને સિનેમા વિશેના – ૧૪ લેખોનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે. આ લેખો ખાસ તો સિનેમા અભ્યાસ, સાહિત્ય અને સિનેમાનું રૂપાંતર, લોકપ્રિય સંસ્કૃતિ અને તેની સામાજિક સાંસ્કૃતિક અને દાર્શનિક અસરોની શોધ કરે છે, આ વિષયનો ગંભીર વિમર્શ અહીં જોવા મળે છે. તેથી આ પુસ્તકમાં સાહિત્ય, સિનેમા અને ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓ અને રસિકોને રસ પડશે. આ લેખો આ વિષય-ક્ષેત્રનાં સંશોધનો માટે પણ ઉપયોગી થશે. આ પુસ્તકના લેખો બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક, સિનેમા અને ચિત્રકલા અને બે, ભાષા અને સાહિત્ય. અહીં સાહિત્ય અને સિનેમામાં સંકેત તેનાં સૂક્ષ્મ સ્તરો અને સાહિત્ય સાથે સિનેમામાંં સંકેતનો વિનિયોગ કઈ રીતે થાય છે એની શોધ સિનેમા વિશેના નવ લેખોમાં થયેલી જોઈ શકાય છે, આ હેતુથી અહીં ગુજરાતી, હિન્દી અને વિદેશી – ૨૪ ફિલ્મોની સંદર્ભો સાથે વાત થયેલી છે. જો કે, સિનેમાની વાત કોઈ એક હેતુ માટે નથી. એ તો એકાધિક સંદર્ભે જુદાજુદા લેખોમાં થયેલી છે, જેમ કે, ‘ધુળકી તારી માયા લાગી’ ફિલ્મ ‘રાઠવા’ આદિવાસીઓની ઓળખ કઈ રીતે ઊભી કરે છે એ તપાસે છે, તો ‘મેરે અપને’માં સદ્‌ગુણોથી સુશોભિત નાયક કેમ જોવા મળતો નથી એની પડપૂછ કરે છે, તો ‘લગે રહો મુન્નાભાઈ’ ‘ગાંધીવાદ’ને એક સંકેત તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે એની શોધ સાથે ફિલ્મમાં ‘ગાંધીગીરી’ પર જ આપણું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરાયું એની તપાસ રોલાં બાર્થના ‘મીથ ટુ ડે’ના આધારે થઈ છે. મોટા ભાગે અહીં લોકપ્રિય ફિલ્મોની વાત વિશેષ થયેલી છે. બીજા ભાગમાં ભાષાકેન્દ્રી લેખો છે. ભાષાનો હથિયાર તરીકે ઉપયોગ હોય, કે પછી, ભાષાનો સામ્રાજ્યવાદ સાથે શો સંબંધ છે, વર્તમાન સમયમાં ભાષા એ શાસન કરવા માટેનું સર્વોત્તમ માધ્યમ કેવી રીતે છે, કે પછી, ગુજરાતી કેમ મરી રહી છે એ વાત ‘હાથી-ભાષા’ વડે કહેવાઈ છે અને ‘ધ ડિજિટલ બાઈડ’ લેખમાં જાહેરાતની ભાષા વિશે વિચાર થયો છે. આગળ નોંધ્યું એમ, સિનેમા વિશેના લેખમાં વિવિધ દૃષ્ટિએ અભ્યાસ થયો છે. ‘ધુળકી તારી માયા લાગી’ રાઠવાસમાજ પર ભાર મૂકી એને વેચી શકાય એવી વસ્તુ બનાવતી લોકપ્રિયતાનું વ્યાકરણ ખોલી આપે છે. ધર્મ, દારૂનું સેવન, રાઠવી બોલી, વસ્ત્રો, સંગીત વાદ્ય, ટીમની નૃત્ય, હાટ વગેરેની ઉદાહરણ સાથે વાત કરી છે તો વર્ગભેદ અને સત્તાના દૃષ્ટિકોણથી સિનેમાને જોઈને એમનું નિરીક્ષણ છે કે એ, ‘રાઠવાસમાજ સાથે જોડાયેલાં મોટાભાગનાં પાસાં વિશે વાત કરે છે. પરંતુ તેમની રોજબરોજની મુશ્કેલીઓ વિશે મૌન સેવે છે.’ ( પૃ. ૧૨) એમાં લેખકની સંવેદના પ્રગટ થાય છે. વિપ્લવ અને ફિલ્મો : એક અવલોકન-માં વિપ્લવ- આધારિત ત્રણ ફિલ્મો ‘શતરંજ કે ખિલાડી’, ‘મંગલ પાંડે – ધ રાઈઝિંગ’, ‘ઝૂનુન’-ને દૃષ્ટાંત તરીકે લઈ વિપ્લવના મૂલ્ય વિશે વાત કરવામાં આવી છે અને સામ્પ્રત સમયે વિચારધારા, ધર્મ, રાજ્ય, જાતિ, ભાષાના વાડાંઓ વચ્ચે વિપ્લવ એટલે સામાન્ય જનતાની સ્વતંત્રતાની ઇચ્છા એવો ઇતિહાસબોધ આપણી જવાબદારી અને કર્તવ્ય એવો કાકુ ધ્યાનપાત્ર છે. ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે, જે તે ફિલ્મ વિશેનાં કેટલાંક નિરીક્ષણ મહત્ત્વનાં છે. જેમ કે, ‘ભવની ભવાઈ’ અસાઈત ઠાકર અને બર્તોલ બ્રેખ્તને સમર્પિત. આ એક ફ્રેમ ફિલ્મને ગુજરાતી અને વૈશ્વિક નાટ્ય-પરંપરાથી જોડી દે છે. (પૃ. ૩૩) તદુપરાંત, ફિલ્મ ‘જુલ્મ કરનાર અને જુલ્મ સહેનારના સંદર્ભમાં જોવા માટે પ્રેરે છે. (પૃ. ૩૪) ‘દેવદાસ’થી ‘દેવ.ડી.’ સુધી (અનુ)આધુનિકતાના માર્ગે ફિલ્મને કૃતિસંદર્ભે મૂલવતો લેખ છે. શરદબાબુની કથા દેવદાસમાં અંતે દેવ બેભાન છે પણ દેવ. ડી. ફિલ્મ કેવી રીતે દેવ પ્રત્યાયનના યુગમાં ‘સભાન’ થાય છે. અનુરાગ કશ્યપે કરેલું કથાવાચન અને વિશ્લેષણથી ‘દેવ. ડી.’ અલગ પડે છે. સત્તા અને સંસ્થા : ‘અભુ મકરાણી’થી ‘મિર્ચ મસાલા’ સુધી અને રૂપાંતરની પ્રકિયા : ધાડના સંદર્ભે – એ બન્ને લેખ ફિલ્મ-રૂપાંતરને દર્શાવતા મહત્ત્વના અભ્યાસ છે જે લેખકની સૂઝના પરિચાયક છે. બોયુમના સિદ્ધાંતોને ચર્ચી (૧) દર્શક એક વાચક : વિવિધ અર્થઘટન, (૨) ફિલ્મ નિર્દેશક એક વાચક : વફાદારીને પ્રશ્ન, (૩) દૃષ્ટિકોણ, (૪) શૈલી અને વલણ, (૫) રૂપકો અને પ્રતીકો (૬) સ્વપ્નો, વિચારો અને આંતરિક ક્રિયાઓના આધારે વાર્તામાંથી ફિલ્મ કેવી રીતે રૂપાંતર પામે છે એ ઉદાહરણ સાથે કહેવાયું છે. ફિલ્મ સત્તા અને સંસ્થાના સંબંધોની વાત કરે છે, એને કેવી રીતે પડકારે છે એવું અર્થઘટન મળે છે. તો, રૂપાંતરની પ્રકિયા : ધાડના સંદર્ભે એ દીર્ઘ લેખ ભાષાંતર- રૂપાંતરની પ્રકિયા રોમન યાકોબ્સનના આધારે કરીને સંકેતવિજ્ઞાનની રીતે ફિલ્મ ફક્ત ભાષાનો વિનિમય ન રહેતા, તેના દૃશ્ય-શ્રાવ્ય સંકેતો અર્થ મહત્ત્વનો બને છે એની વિગતે વાત કરે છે, તો, રૂપાંતરની પ્રકિયા વિશે વિસ્તૃત છણાવટ કરે છે એમાં એ-ચાવ-વુ(E-chou,Wu)ના હવાલેથી અગત્યની વાત કહી છે એ છે : ‘રૂપાંતરને વફાદારીના દૃષ્ટિકોણથી જોઈશું ત્યાં સુધી આપણે એને એક ગૌણ પ્રકિયા તરીકે જ જોઈશું. [...] જ્યાં સુધી આપણે આ સરખામણીમાં રહીશું અને વફાદારીના પ્રશ્નની જ વાત કરીશું ત્યાં સુધી રૂપાંતરિત કૃતિ હમેશાં second-hand જ કહેવાશે.’ (પૃ. ૧૧૩) પછી ધાડ ફિલ્મના રૂપાંતરને અને પ્રતીકોના વિનિયોગને એ રસપ્રદ રીતે મૂકી આપે છે. અકુતાગાવાના ‘રાશોમાન’થી કુરોસાવાના ‘રાશોમોન’ તરફ – એ લેખ વિશ્વવિખ્યાત જાપાનીઝ ફિલ્મની રૂપાંતરની પ્રકિયાને બારીકાઈથી અવલોકે છે. કેવી રીતે અકુતાગાવાની બે વાર્તાઓના આધારે ફિલ્મ દિગ્દર્શક કુરોસાવા એમાં ફેરફાર કરે છે મૂળ વાર્તા વિવિધ પાત્રો દ્વારા ઘટના વાચકો સમક્ષ મૂકાય છે. વાચકે જ ન્યાયાધીશ બની નક્કી કરવાનું છે, જ્યારે ફિલ્મમાં દિગ્દર્શક કુરોસાવા કઠિયારાનું કથન ઉમેરે છે જે કોર્ટની બહાર છે અને નિર્ણાયક પણ. આખી રૂપાંતરની પ્રકિયા વિશે ઉદાહરણ સાથે વાત એ લેખનું મહત્ત્વનું અંગ છે તો સમાપનમાં ભાષા અને અર્થઘટન વિશે આ મંતવ્ય જુઓ : ‘કોઈપણ અનુભવ કે દૃષ્ટિકોણ રજૂ કરવા માટેનું એકમાત્ર માધ્યમ છે ભાષા. અને આ ભાષા એક સામાજિક રચના છે. ‘ભાષા’ શબ્દ અહીં વ્યાપક અર્થમાં લેવો, જે દૃશ્ય અને શ્રાવ્ય બંને પ્રકારના સંકેતોનો સમાવેશ કરે છે. વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભાષા તટસ્થ નથી, તો પછી એના દ્વારા ‘રજૂઆત’ પામેલા અનુભવો અને દૃષ્ટિકોણ કઈ રીતે તટસ્થ હોય? ‘રાશોમોન’ ફિલ્મ એક સાથે ઘણા બધા મુદ્દા આપણી સામે મૂકે છે સૌથી મહત્ત્વની વાત છે, ‘સત્ય’ની પ્રકૃતિ. દરેક વ્યક્તિની પોતાની એક આવૃત્તિ છે, જે તેની માનસિક અને સામાજિક પરિસ્થિતિ પર આધારિત છે. લૂંટારાનું એક સત્ય છે જ્યારે સામુરાઈનું બીજું એક સત્ય છે. દરેકનું સત્ય સ્વાર્થથી રંગાયેલું છે. કઠિયારાનું છેલ્લું કથન પણ આવા જ કોઈક સ્વાર્થથી સંચાલિત હોય, કદાચ એણે જ પેલી કીમતી કટારો ચોરી હોય. ફિલ્મ આપણે સાંભળી- જોઈને સમજવાની શક્તિ અને સામેવાળી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાની આપણી વૃત્તિ સામે પ્રશ્નાર્થ મૂકે છે.’ (પૃ. ૭૧) સિનેમા વિશેના અભ્યાસલેખો આ પુસ્તકનો મોટો ભાગ રોકે છે. તો એનાં નિરીક્ષણો અને તારણો પાછળ ભાષાવિજ્ઞાનની અને સંકેતવિજ્ઞાનની પીઠિકા ઉપકારક બની છે. સ્ટ્રીટ આર્ટ : ધ સિટીસ્કેપ નામનો લેખ પ્રણબ ચક્રબોર્તીના સાત ચિત્ર શ્રેણી પૈકી એક ચિત્રની વાચના થકી વડોદરા શહેરની વાચના છે. અહીં રસપ્રદ વાત ચિત્રકારની છે એમ લેખકની પણ છે બન્નેની શોધ ક્યાંક મળે છે ક્યાંક એને ભેદે છે નગરી તો મળે છે પણ ચિત્રકારે સંસ્કાર તો ચિત્રોમાં જ શોધવાનું શરૂ કર્યુ! ‘સિટીસ્ક્રેપ’ કરનારાં રાજકીય પરિબળો, એમના ઇશારે નાચતા સંચાર માધ્યમો, કલાકારોના અવાજરૂપી ચિત્રોને દબાવતી સત્તાની સામે ચિત્રકાર તો ચિત્ર મૂકે એ ચિત્રના વિષય, રંગો, સંયોજન, એની પ્રતીકયોજનાને ખોલતાં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે, ‘આ કેવો વિકાસ છે જે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જ સીમિત છે, સેવાઓ અને સુવિધાઓ વિનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોના માટે? જે જીવન-તરેહ માણસના જીવનમાંથી તેની માનવતા જ ઝૂંટવી લે તો જીવીને કામ શું?’ (પૃ. ૯૦) લેખકે અહીં ફૂકોના અવસાનની સાલ સાથે પોતાના જન્મની સાલ ૧૯૮૪ને સાંકળીને વૈશ્વિક ઘટનાઓને મૂકીને ફૂકો અને જ્યોર્જ ઓરવેલને કાલ્પનિક સવાલો કર્યા છે. એ નિમિત્તે સામ્પ્રત સવાલો રજૂ કર્યા છે. યુદ્ધ અને આતંકવાદ, કોમી તોફાનો, ડિગ્રી આપવાનો વ્યવસાય જ કરનાર સેલ્ફ ફાયનાન્સ શિક્ષણ, કોર્પોરેટ લોકશાહી વગેરેના વાતાવરણમાં કલાકારો, દર્શકો, વિવેચકોની જવાબદારી વધી જાય છે. કલાકારની સાથે જે સરસ પ્રશ્નોત્તરી છે એેમાં ચિત્ર-સંદર્ભે વાત છે. ચિત્રનિમિત્તે વાસ્તવિક અને કાલ્પનિક શહેર વિશેની વાચના ફક્ત કોઈ એક શહેર વિશે ન રહેતાં અન્ય શહેરો સુધી પણ વિસ્તરે છે. બીજા ભાગમાં ભાષા-સાહિત્ય વિશેના ચિંતનાત્મક લેખો છે એ મુખ્યત્વે ભાષાની પ્રકૃતિ, એના ઉપયોગ, શાસનનું ઉત્તમ માધ્યમ વગેરે મુદ્દાઓ ચર્ચે છે. સંક્ષેપમાં જોઈએ સામ્રાજ્યવાદ અને ભાષા અમેરિકન ફિલ્મ Apocalylto, અને બ્રિટિશ ફિલ્મ Sleeping Dictionary-માં તેમજ આઈડિયા મોબાઇલ નેટવર્કની જાહેરાત વડે સંસ્થાનવાદના વિકાસ અને પરિવર્તનને બતાવીને, ભાષાની ભૂમિકાની ચર્ચા થઈ છે. અંતે તારણ છે કે કોઈ પણ રાજનૈતિક રીતે શક્તિશાળી ભાષા ફક્ત લોકભાષાઓને મારી જ નથી નાખતી, પરંતુ સાથોસાથ તે સામાજિક અને ઓળખને લગતા કેટલાય પ્રશ્નો ઊભા કરે છે. (પૃ. ૮૫) ધી ડિજિટલ બાઈડ માર્શલ મેકલુહાનના કાલ્પનિક ઇન્ટરવ્યૂ નિમિત્તે સંચાર માધ્યમોના વિકાસની હળવી રમૂજી શૈલીમાં ગંભીર રજૂઆત છે. જાહેરાતની માયાજાળની મીમાંસા છે. પુસ્તકને અંતે સંદર્ભ ફિલ્મો અને સંદર્ભ ગ્રંથોની શાસ્ત્રીય રીતે થયેલી સૂચિ છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર ચિત્રકાર પ્રણબ ચક્રબોર્તીનું સ્ટ્રીટ આર્ટ શ્રેણીનું એક રંગીન ચિત્ર મુકાયું છે, આ ચિત્ર વિશે લેખ એમાં હોવાથી એ માત્ર સુશોભન ન રહેતાં ઉપકારક બની રહે છે. તો, અહીં મૂકાયેલી ફિલ્મ-ચિત્રની છબીઓ ઉપયોગી સંદર્ભ પૂરો પાડે છે. પુસ્તકમાં જોડણીદોષ, મુદ્રણદોષ, વ્યાકરણદોષ, અયોગ્ય શબ્દપ્રયોગ ઘણી જગ્યાએ રહી ગયા છે એ આ મુજબ છે. જેની પૂર્તિ કૌંસમાં દર્શાવ્યા મુજબ કરવી રહી. ૦ જોડણીદોષ સત્યજીત – પૃ. ૨૮ (સત્યજિત); પ્રતિકાત્મક-૬૮ (પ્રતીકાત્મક); નિર્જિવ – ૭૭ (નિર્જીવ); શિખ-મિત્ર-૭૮ (શીખ-મિત્ર); પત્નિઓ ૪૧, ૧૨૩, ૧૨૭ (પત્નીઓ); પીછીઓ – ૯૩ (પીંછીઓ); જિજ્ઞાશા – ૨૩ (જિજ્ઞાસા) વગેરે ૦ એક જ નામની અલગ જોડણી : મેકલોહાન-(૪૭); મેકલુહાન-(૭૪) ૦ મુદ્રણદોષ : વર્ગભેગ પૃ. ૧૨ (વર્ગભેદ); સહરા-૩૭ (સહારા); પ્રતીકાત્મ-૭૧(પ્રતીકાત્મક) ૦ વિગતદોષ : અસાઈત ઠાકોર પૃ. ૩૩, ૩૪ (અસાઈત ઠાકર); આધુનિક સાહિત્ય સંજ્ઞાકીય કોશ-૧૩૬ (આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ) ૦ વ્યાકરણદોષ : બીજો ચપ્પલ – ૧૭ (બીજું ચપ્પલ); મોટું સ્ટુડીઓ – ૩૬ (મોટો સ્ટુડીઓ); ગર્વ હતું – ૬૨ (ગર્વ હતો) ૦ અયોગ્ય શબ્દપ્રયોગ : કેહવાતા -૧૬ (કહેવાતા); પેહલું-૬૧ (પહેલું); ચેહરો-૬૩, ૧૦૬ (ચહેરો) વગેરે સંકેત, સાહિત્ય અને સિનેમાના આ પુસ્તકમાં થયેલો ગંભીર વિમર્શ આપણી માધ્યમ સમજને ,લોકપ્રિય સંસ્કૃતિ અને સિનેમા રૂપાંતર તથા સિનેમા વિષયક સમજને વિકસાવવામાં મદદરૂપ બની રહે છે, અને આ દિશાના અભ્યાસીઓ સંશોધકોને ઉપકારક બની રહે છે. આ પુસ્તકને આવકારીએ.

[ખુશ્બૂ પ્રકાશન અમદાવાદ]