બે હજાર ચોવીસ સમક્ષ/તળેટીનું અંધારું – અજય સોની

ટૂંકી વાર્તા

‘તળેટીનું અંધારું’ : અજય સોની

બિપિન પટેલ

બંધ બારણાની તિરાડમાંથી આવતા અજવાસની વાર્તાઓ

લેખકના આ બીજા સંગ્રહ ‘તળેટીનું અંધારું’ની વાર્તાઓમાં પણ, એમના પહેલા વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’માં હતાં એવાં આવર્તનો, સંકેતો, ઉપમા અલંકારનો ભરપૂર વિનિયોગ તો છે, પણ આ વાર્તાઓ વાચકને પૂરેપૂરી વાંચવાનું મન થાય એવી છે, વાર્તાના અંતે લેખકે તાકેલું પાત્રોનું સંવેદન પમાય છે, અને વાચક જો સતર્ક રહે તો વાર્તાના મર્મ સુધી પહોંચી શકે છે. આ વાર્તાઓમાં લેખક વધારે સંખ્યામાં સ્ત્રીઓનાં દુઃખ, વિવશતા, પ્રતિકાર અને ક્યાંક સમાજની સલાહ સ્વીકારી સહન કર્યે જાય છે, એવાં પાત્રો રચ્યાં છે. લેખક પરકાયાપ્રવેશ કરી સ્ત્રીઓનાં સંવેદનને પામે છે. આ જૂથની કેટલીક વાર્તાઓ તપાસીએ : દાઝ : મુખ્ય પાત્ર નબુ પતિના મેરિટલ રેઈપથી શારીરિક અને માનસિક દુઃખ વેઠે છે. એની દીકરી ઉષાની હાલત પણ એવી જ. એક તો ગરીબ ઘર, પતિની મારઝૂડ અને અધૂરામાં પૂરું ઘરમાં બીજા પુરુષને ઘાલીને ઉષાને કોમોડિટી, ચીજ બનાવી દીધી છે. એ બંનેની સરખામણીમાં પાડોશમાં રહેતી સરિતા મરાઠણ સુખી દેખાય છે. રોજ નવીનવી સાડીઓ પહેરે છે. પતિનાં વખાણ કરવામાંથી ઊંચી નથી આવતી. દેખીતી સુખી આ સ્ત્રીની પતિ સાથેની ચણભણ નબુએ સાંભળી છે. રાત તો સહુ સ્ત્રીઓની જેમ એની પણ ઓછી પીડાદાયક નથી. એકવાર સરિતા મરાઠણ દાઝમાં એના પતિનું ખૂન કરે છે. લેખક સંયમપૂર્વક ખૂનના કારણમાં નથી જતા. વાર્તા ખરેખર નબુના મનમાં રચાય છે. એને વિચાર આવે છે કે, એની દીકરી ઉષાએ એના પતિને મારી નાખ્યો હોત તો? ખાટલામાં ઘોરતા કરશનને આમ જ પતાવી દેવાનું એને મન થાય છે. વાર્તાના અંતે, મધરાતે ઢીંચીને આવેલો કરશન નબુ પર બળજબરી કરે છે. તે પછી નબુએ ‘આગઝરતી આંખે કરશનના માથે જોયા કર્યું. અંધારામાં એનો હાથ એક વસ્તુ પર સ્થિર થયો. આંખમાં ચમક આવી. દાંત પરસ્પર ભિડાઈ ગયા. એ ઝડપથી ઊભી થઈને કરશનના ખાટલા બાજુ વળી, હાથમાં પકડેલા દસ્તાની પકડ મજબૂત બની.’ અને અંતે નબુને ‘ઉષાનું કાળું પડી ગયેલું મોં યાદ આવતાં દસ્તો પકડેલો હાથ વધુ સખ્તાઈથી વીંજાય છે. ખાટલા પરનું ગોદડું ઘડીકમાં લાલાશ પકડી ગયું.’ છેલ્લો ફકરો આ વાર્તાનો પ્રાણ છે, ‘નબુ નિરાંતે ખાટલાની ઇસ પર માથું ઢાળી દે છે. બંધ બારણાની તિરાડમાંથી આવતા અજવાસ બાજુ જોતાંજોતાં એની આંખો મીંચાઈ ગઈ.’ બંધ બારણાના અંધારામાં ભીંસાતી, દુઃખી સ્ત્રીઓ સારુ અજવાસ બનતી કેટલી સરસ વાર્તા! આ વાર્તાની મુખ્ય બે સ્ત્રીઓ પીડા વેઠીને બેસી રહેનારી નથી, એ તો પ્રતિકાર કરશે. પણ, આટલી સરસ વાર્તાનું શીર્ષક ‘દાઝ’ રાખીને લેખકે વાર્તાને ખોલી દીધી છે. બગીચાનો માળી : વાર્તાના બીજા ફકરામાં જ, સતત કસુવાવડ થતાં બાળક વગરની સ્ત્રીની વેદના પરખાય છે. વાર્તાના શીર્ષકમાં જ વક્રોક્તિ છે. માળી બધાં વૃક્ષ-છોડને ઉછેરે, એને અંકુર ફૂટે ત્યાંથી ઘરડાં થાય ત્યાં સુધી જોયા કરે. ઘેર ન લઈ જઈ શકે. બગીચાનો આ માળી બાળક રમી શકે, અથવા બાળકની અનુભૂતિ કરાવે તેવી ચીજવસ્તુઓ, નાનકડા બૂટ, રમકડાં લઈ જાય. રાતે બગીચાનો દરવાજો બંધ કરતાં એને ક્યારેક દોડતા નાના બાળકના પગ દેખાય, એની પાછળ દોડતી મા, હવા સાથે હાલરડાની એક કડી તરતી આવે. આ વાર્તામાં બાળક વગરની સ્ત્રીના વેરાન જીવનનું અસહ્ય દુઃખ, પુરુષના નાના બાળકનાં રમકડાં ભેગાં કરવાની ક્રિયામાં પડઘાય. આમ સ્ત્રીના દુઃખમાં પુરુષની સામેલગીરી એ વાર્તાનું જમા પાસું છે. ઓરડાની દીવાલનાં ધાબાં, પટારાની પેટીનો ઠંડો સ્પર્શ, બૂટ પગ સાથે દોડશે એવો આભાસ, આ બધાં વાક્યો બંનેની વેરાન જિંદગીનો અવસાદ ઘેરો કરે છે. રમકડાં ભેગાં કરવાની એના પતિની નિરર્થક પ્રવૃત્તિ પર સ્ત્રી કૃત્રિમ ગુસ્સો કરે છે. આમ બાળક વગરનું નીરસ જીવન વેંઢારતી સ્ત્રીની પીડા પુરુષની બની રહે છે, તે અનેકવાર ખપમાં લેવાયેલા નવા વિષયને નવી રીતે કહે છે અને આખરે વાર્તા એની કહેવાની જુદી રીતથી જ રસપ્રદ થતી હોય છે. ઉગારો : સુવાવડ અને કસુવાવડથી થાકેલી કમાની વહુને વેણ ઊપડે છે ત્યારે કાશીડોશી જોર કરવા કહે છે ત્યારે બોલી ઊઠે છે, ‘માંયમાંથી હિમ્મત રાખું! શરીરની પત્તર ખંડાઈ ગઈ છે. હવે તો કંઈક માપ હોય કે નહીં.’ એ જ કમો વાર્તામાં એમ પણ બોલે છે કે, ‘ભગવાન આ ફેરે તો સવળી સાંજવણ દઈ દે એટલે જાન છૂટે.’ વાર્તામાં કાશીડોશી પણ, ‘આશાપુરા આ ફેરે તો લાજ રાખી દે એટલે બસ. આપણે ત્યાં મોટાભાગનાં કુટુંબોમા પુત્રરત્નની રાહ જોવામાં, સ્ત્રીના ચળાઈ જતા દેહની પરવા કર્યા સિવાય છોકરીઓ જણ્યે જાય કે કસુવાવડ થવા દે. આ વાર્તામાં અંતે લેખક પણ, ‘પુત્ર જન્મતાં કાશીડોશીના ચહેરા ઉપર ફેલાતા સંતોષની છાયા કમાની વહુના ચહેરા પર દેખાઈ’ લખીને પ્રચલિત માન્યતાને થપ્પો મારે છે. અનેકવાર ખપમાં લેવાયેલા આ કથાનકને કશું નવું, નવી રીતે કહેવાનું ન હોય તો વાર્તા લખવાનો વ્યાયામ અજય જેવા નીવડેલા લેખકે શા માટે કર્યો હશે! ધ્રૂજતું પાણી : આ વાર્તામાં લેખકનો કૅમેરા, હમણાંથી સતત ફાટી નીકળતાં કોમી રમખાણો પર મંડાય છે. અત્યારના સમયમાં હિન્દુ-મુસ્લિમ પરસ્પર અવિશ્વાસ, એકબીજાનો ભય, છતાં માનવતામાં શ્રદ્ધા રાખનારનો ટકી રહેતો વિશ્વાસ, અંતિમવાદી પિતા દ્વારા તૂટે છે. વર્ષોથી એમની સોના-ચાંદીની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો મુસલમાન મુઝફ્ફર એની પત્ની અને બાળકીને ઝનૂની ટોળાંથી બચાવવા શેઠને ત્યાં મૂકી જાય છે. શેઠથી છૂપાં, શેઠાણી અને એનો દીકરો (આ વાર્તાનો કથક) એ લોકોને પ્રેમથી આવકારે છે. શેઠને જાણ થતાં ગુસ્સામાં મા-દીકરાને ધમકાવે છે. પેલી મુસલમાન સ્ત્રી અને બાળકીને ઘરમાં ઘાલ્યાં તેથી રોષે ભરાઈને ગમે તેમ બોલે છે. એમાં બહાર, એમનો પગ ટાંકીને જોસથી અથડાય છે. આ ટાંકીનો ઉલ્લેખ લેખકે કેમ કર્યો હશે તે અંતે સમજાય છે. બંગાળી મુસલમાન કારીગર એની બીબી અને દીકરીને ન જોતાં ઉશ્કેરાઈને શેઠના ગળા પર છરો મૂકીને ગુસ્સામાં ન બોલવાનું બોલે છે. ત્યાં જ ‘ટાંકીનું ઢાંકણું ધીરેથી સરક્યું. જાણે પાતાળમાંથી નીકળતી હોય એમ મુઝફ્ફરની પત્ની અને બાળકીએ માથું ઊંચક્યું...’ આમ સુખાંતમાં પરિણમતી વાર્તા અવાસ્તવિક નથી લાગતી. એક પણ વધારાનો શબ્દ લખ્યા સિવાય, વેગીલો ઘટનાક્રમ, વાંચતાં અદ્ધરજીવ રાખતી, માનવતામાં અર્ધો વિશ્વાસ ડગાવી, વિશ્વાસ દૃઢ કરતી, અકસ્માતે, એમની બીક અને ચપળતાથી બચી જતાં બે પાત્રો, કોમી રમખાણની પૂરા તાટસ્થ્યથી, પક્ષીલ થયા વગર લખાયેલી વાર્તા માટે લેખકની પ્રશંસા કર્યા વગર ન રહી શકાય. રેતીમાં ખૂંપેલું મોરચંગ : રણના ભૂંગામાં રહેતી સ્ત્રીઓનું અસ્તિત્વ એમના ઝરખ જેવા પુરુષોથી કચડાતા રહેવામાં જ છે, એવું વાતાવરણ રચવામાં લેખકે ભાષા અને વર્ણનનો સરસ વિનિયોગ કરી લાંબા સમય સુધી યાદ કરવી પડે તેવી વાર્તા રચી છે. રોમત અને મજીદ પતિ-પત્ની છે. ભૂંગાની બીજી સ્ત્રીઓની જેમ રોમત પણ ભરત ભરે છે. એક સાહેબ ભૂંગામાં રહેતી સ્ત્રીઓ વિશે અભ્યાસ કરવા આવ્યો છે. ભૂંગામાં રહેતી આ બાઈઓને સાહેબની નવાઈ નથી, કારણ સાહેબો આવે, વાતો કરે અને થોડા દિવસમાં જતા રહે. આ નવો સાહેબ તો મહિનાથી રહે છે, અને વધારે પણ રોકાય. એને અને રોમતને નેડો થઈ ગયો છે એવો સંકેત વાર્તામાં મળે છે. મજીદ અમુક દિવસ ગુમ થઈ જતો એમ આવી પણ ચડતો. આવે એવો ઝરખ જેવો રોમતના નામની રાડો નાખતો ભૂંગામાં પેસે અને રોમતનું આવી બને. થોડા દિવસ પછી મજીદ એક ખેપ વખતે ફસાતાં ફસાતાં બચી ગયો. એને સાહેબ પર વ્હેમ ગયો કે એણે માહિતી આપી દીધી છે. એ રોમતના દેખતાં ધારિયું લઈને સાહેબને પતાવવા પહોંચી જાય છે. પણ તે પહેલાં સાહેબ નાસી જાય છે. હંમેશ કરતાં પણ આજે મજીદ રોમત પર વધારે ક્રૂરતાથી વર્તે છે. હેવાનની જેમ રોમતને ભોંય પર પછાડી શરીરસંબંધ બાંધે છે. ‘ગાંડફટો ભાગી ગયો. નકાં આજ મજીદની મરદાનગી જોઈ લેત, જઘનાનાં નસીબ ઊજળાં હશે.’ મજીદનું આ વાક્ય સાંભળતાં જ રોમતના તેવર બદલાઈ ગયા. ‘રોમતની બંધ આંખોમાં ચમક આવી. નિર્જીવ પડેલા હાથ વડે એણે મજીદના ખારાપાટ જેવા ઉજ્જડ વાંસાને બાથમાં લીધો, જાટકાથી એવી ઊથલ મારી કે મજીદ ભોંય પર આવી ગયો. કમરે લટકતા કમખાનો ઘા કર્યો. મજીદના ખભા જોશભેર પકડ્યા. મજીદનું શરીર ઢીલું પડ્યું. પોતાના પર ઝૂકી પડેલી રોમતને જોઈને મજીદની આંખોમાં અચરજ ડોકાયું. રોમતે મજીદના વાળની મૂઠી ભરીને તેને ઉપર ખેંચ્યો. મજીદ બેશુદ્ધ બનીને પીલુની લૂમો ખાવા લાગ્યો. રોમતે ઝાટકાથી મજીદને નીચે પટક્યો. નીચે પડેલા મજીદની માથે બેઠેલી રોમત ભદ્‌દું હસી પડી. મજીદને કાંઈ સમજાયું નહીં. શરીરમાં વાવડો ભરાયો હોય એમ રોમત વિજયી અદાથી ડોલવા લાગી. પરસેવે રેબઝેબ હાંફતી, રોમતને થયું જાણે તે પીલુના ઝાડ નીચે ઊભી છે અને સાહેબ મોરચંગ વગાડી રહ્યા છે. ત્યાં જ ચિક્કાર ઘેરાયેલું આભ મુશળધાર વરસી પડે છે.’ આમ, સતત કચડાતી રોમત, એનો તાર કંઈક સંધાયો છે એ સાહેબ બચી જતાં વીરાંગના બની જાય છે. સદીઓથી જેનું દમન થયું છે, તેનો આ ક્ષણે વેશ બદલાય છે, રોલ રિવર્સ થાય છે. વાર્તાની આ Epiphanic, એટલે કે ઉઘાડની ક્ષણ લેખકે આબાદ પકડી છે, જાણે એ સ્ત્રી હવે અબળા નથી રહી, એ ધારે તો પુરુષજાતને ઊથલ મારી શકે છે. આટલી સરસ વાર્તામાં લેખક – ‘નીચે પડેલા મજીદની માથે બેઠેલી રોમત ભદ્‌દુ હસી પડી’ (‘ભદ્‌દું’ પણ નહીં) – ત્યાં અટકી ગયા હોત તો? પણ વાર્તા જે રૂપે મુકાઈ છે તે ઓછી મહત્ત્વની વાત નથી. આ વાર્તા સાહિત્યરસિકોને જરૂર ગમશે. આ સિવાય અન્ય વાર્તાઓની પણ ચર્ચા કરી શકાય, પરંતુ વિસ્તારભયે માત્ર નોંધ લઈને સંતોષ માનીએ. ‘પડછાયાના ટુકડા’ વાર્તામાં ‘સમયનું અસ્તિત્વ ક્યારેક અસમય જેવું લાગે છે.’ વાર્તાના આ વાક્યમાં રહેલો ભાવ પડછાયાના ટુકડામાં પડઘાતો, વિસ્તરતો વિસ્તરતો મધુકાન્ત નામના મુખ્ય પાત્રને વીંટળાઈ જાય છે, અને આ પડછાયો એમને માત્ર વીંટળાઈ નથી જતો પણ એમનામાં સમાઈ જાય છે. તેથી વાર્તામાં પડછાયો એમની છાયા નથી બની રહેતો, પરંતુ એમનામાં જ સમાઈ જઈને એમની એકલતાભરી જિંદગી એમના અસ્તિત્વનો ભાગ બની જાય છે. સંગ્રહની શીર્ષક વાર્તા ‘તળેટીનું અંધારું’માં, બક્ષીની ગદ્યશૈલીની યાદ અપાવે તેવું ગદ્ય લખવા છતાં બક્ષીમાં આવી જતા હિન્દી-ઉર્દૂ શબ્દોથી લેખક કાળજીપૂર્વક દૂર રહ્યા છે. અપવાદરૂપ ‘ધુંધ’ અને ‘હસીં’ શબ્દો આવી ગયા છે. વાર્તાનાયક લેખક છે. એ પહાડોની ‘મહેર’ નામની હોટલમાં જ રોકાય છે. આ વખતે નવલકથા પૂરી કરવાનો એનો ઇરાદો છે. એમાં બે પાત્રો, નાયક અને કોષા. તે સિવાય દારૂની શોપ પર બેસતાં આન્ટી, અને હવે આન્ટીની જગાએ બેઠેલી અજાણી છોકરી. આ ત્રણેય સ્ત્રીઓ એનાથી દૂર ને દૂર ચાલી જાય છે. આ ત્રણેય પાત્રો સરખા સ્વભાવનાં છે. આન્ટી માંદગીને કારણે લેખકથી દૂર થઈ જાય છે, નવલકથાની નાયિકા કોષા પણ અચાનક અદૃશ્ય થઈ જાય છે. અને આન્ટીની શોપ પર બેઠેલી અજાણી સ્ત્રી, આન્ટીના લેખકને લખેલા પત્રની સૂચના પ્રમાણે ‘લેખકને વળગીને જોરથી ભીંસ દે છે. લેખકના બંને હાથ તેની ફરતે વીંટળાઈ વળ્યા. હાથમાંથી સિગારેટ પડી ગઈ. ગઈકાલે પીધેલી વ્હીસ્કીનો નશો એકાએક શરીરમાં વહેવા લાગ્યો.’ આ સ્ત્રી પણ નોકરી છોડીને તળેટીમાં રહેલા પોતાના ઘેર જતી રહે છે. લેખકની એકદમ નજીક આવેલાં પાત્રો દૂર જતાં રહે છે ત્યારે લેખકને પહાડોથી ઘેરાયેલી હોટલમાં, બહાર ચાલવા જાય ત્યારે દેખાતો પ્રકૃતિનો વૈભવ, ધુમ્મસ, અંધારું આશ્વસ્ત કરે છે. માનવની પ્રકૃતિમાં શ્રદ્ધા એને કદી છેહ દેતી નથી. ‘તળેટીનું અંધારું’ સંગ્રહમાં અજય સોની એમનો ઇલમ – જરૂર પડતી વિગતો, કથા-ઘટના બાદ નથી થતાં, ગદ્યનો વેગને કારણે એમનો વાચક હોંશથી એમની વાર્તાઓ પાસે આવશે એવી વાર્તાઓ રચવામાં સફળ રહ્યા છે.

[ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ]