બે હજાર ચોવીસ સમક્ષ/વાલ્મીકિરામાયણે અરણ્યકાણ્ડમ્ – અનુ. વિજય પંડ્યા
કવિતા : અનુવાદ
: અનુ. વિજય પંડ્યા
રમણ સોની
એક ભગીરથ અનુવાદકાર્ય : ધવલ પટમાં થોડાંક કાળાં ટપકાં
વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે (પ્રાચ્ય વિદ્યામંદિરે) વિદ્વાન સંપાદકોના વર્ષોના સ્વાધ્યાયતપ પછી, ‘રામાયણ’નાં અનેક રૂપો અને પાઠોમાંથી ‘વાલ્મીકિરામાયણ’ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરીને પ્રકાશિત કરી(ઈ.૧૯૯૨) એ એક ઉત્તમ યશસ્વી ઘટના હતી. એ પછીનાં થોડાંક વર્ષોમાં, સંસ્કૃતના કર્મઠ વિદ્વાન વિજય પંડ્યાએ એ સમીક્ષિત આવૃત્તિના સર્વ કાંડોના ગુજરાતી ગદ્ય-અનુવાદનું કામ આરંભ્યું ને હવે પૂરું કર્યું – એ પણ એવી જ એક યશસ્વી ઘટના છે. અનુવાદિત ખણ્ડો સમયેસમયે, (અનુસંધિત છતાં) સ્વતંત્ર ગ્રંથો તરીકે પ્રકાશિત થતા ગયા છે એમાં ‘अरण्यकाण्डम्’(ખંડ-૩) ઈ.૨૦૨૪માં પ્રકાશિત થયો છે એથી એ ગ્રંથને આ સમીક્ષા-વાર્ષિક માટે સમીક્ષ્ય ગણ્યો છે. ગ્રંથના નિવેદનમાં વિજય પંડ્યાએ એક સરસ વાત કરી છે : ‘મને વાલ્મીકિ રામાયણમાં, [એના] પ્રત્યેક કાણ્ડમાં, [એની] પ્રત્યેક કણ્ડિકામાં, સંસ્કૃતના વહેતા અનુષ્ટુપ છંદમાં સૌંદર્ય દેખાય છે.’ મૂળ સંસ્કૃત પાઠ(text) અને ગુજરાતી અનુવાદને, સામસામે પાને, સાથેસાથે મૂકવાની પરિપાટી સાચવીને અનુવાદકે ગુજરાતી પાઠના આસ્વાદની સાથે જ મૂળ પાઠનેય આસ્વાદવાની – ને અનુવાદને સરખાવવા, ચકાસવાની – સુવિધા રચી છે. અનુવાદપૂર્વે, વિજયભાઈએે સમગ્ર રામાયણ વિશે તથા અરણ્યકાણ્ડ વિશે, નાનાંનાનાં ૧૧ પ્રકરણો/ઉપશીર્ષકોમાં વિભાજિત, સો ઉપરાંત પાનાંનો પ્રાસ્તાવિક લેખ કર્યો છે એ સર્વજનભોગ્ય ઉપયોગી ભૂમિકા રચે છે. ક્યાંક ચર્ચા-આસ્વાદલક્ષી આ લેખ દ્યોતક પણ બન્યો છે. આરંભે, રામાયણનો કાવ્ય-મહિમા નિર્દેશીને એમણે દરેક કાંડનો સંક્ષિપ્ત પરિચય મૂક્યો છે. એ પછીનું, ‘સંસ્કૃત સાહિત્યમાં રામાયણ’ એ પ્રકરણ અગત્યનું છે. દેશ-વિદેશના અનેક વિદ્વાનોના મતોથી સમર્થિત આ આલેખ ઉત્તમ છે. પણ પ્રો. પંડ્યા જેવા વિદ્વાન પાસેથી હજુ વધુ અપેક્ષા રહે છે. અહીં જેવો રામાયણ-મહિમા ઉપર તરી આવે છે એવું મૂલ્ય-અંકન પણ તરી આવવું જોઈતું હતું. ‘આદિ કવિ વાલ્મીકિ’ ઉપશીર્ષકથી એમણે બાલકાંડ-ઉત્તરકાંડ અને પુરાણોને આધારે વાલ્મીકિની પૂર્વકથા – લોકોક્ત કથા આલેખી છે. એ સર્વ-જન-પરિચય માટે ઉપયોગી છે, પણ વિદ્વાન અનુવાદકે છેલ્લે, આવી બધી ઉત્તરકાલીન અને લોકોક્તિથી ગૂંથાયેલી કથાઓની અશ્રદ્ધેયતાનું નિરાકરણ કરવું જરૂરી હતું. ‘રામાયણ : ઇતિહાસ અને ઐતિહાસિકતા’ પ્રકરણમાં લેખકે તારવ્યું છે કે રામાયણમાં પહેલો બાલકાંડ અને છેલ્લો ઉત્તરકાંડ પાછળથી ઉમેરાયેલા છે એટલે સાતે કાંડનું રામાયણ એ ‘પ્રચલિત રામાયણ’ છે પરંતુ, આશરે ત્રીજી સદી પૂર્વે રચાયેલું, બીજાથી છઠ્ઠા કાંડ સુધીનું રામાયણ એ ખરું, ‘આદિ રામાયણ’ છે. રામાયણની કથા ને એનાં પાત્રો એ ઐતિહાસિક છે કે કવિકલ્પના – એની પ્રો. પંડ્યાની ચર્ચા ને નિષ્કર્ષ ઘણાં દ્યોતક છે. એ કહે છે કે, ‘ખરેખર તો, આ સર્વ વાતને કવિની કલ્પનાની પેદાશ ગણી લેવી જોઈએ. [...] યુદ્ધ પણ ઘણુંખરું કાલ્પનિક લાગે છે, વાસ્તવિક નહીં. એટલે લંકા પણ, ભલે વાસ્તવિક જગતનો એક ટાપુ હોય પણ કવિએ ઘણુંખરું કાલ્પનિક ચિત્ર દોર્યું છે.’ પોતાના આ મતને લેખકે હસમુખ સાંકળિયાના ‘પુરાતત્ત્વ અને રામાયણ’થી સમર્થિત કર્યો છે. અને કહ્યું છે કે, રામાયણકથાનું આલેખન એ કાવ્યનું, કવિકલ્પનાની ઉત્કૃષ્ટતાનું સૌંદર્ય છે, ઐતિહાસિક કથાનું નહીં. ‘રામાયણની આધારસામગ્રી’ની તથા ‘રામાયણના સાહિત્યસ્વરૂપ’ની ચર્ચા કરતી વખતે, ‘મહાભારત’ની પહેલાં રચાયેલા ‘રામાયણ’નું લેખકે વિશેષ ગૌરવ કર્યું છે : ‘મહાભારત ઘણું કરીને ઇતિહાસ છે અથવા વેદ જેવો શાસ્ત્રગ્રંથ કે સ્મૃતિગ્રંથ છે. જ્યારે રામાયણ પ્રાયઃ શુદ્ધ કાવ્ય છે એટલે આર્ષ કાવ્ય સંજ્ઞા રામાયણને બંધબેસતી છે.’ (અરણ્યકાણ્ડમ્, પૃ. ૫૨) ‘રામાયણ’ની કાવ્ય તરીકેની ઉત્તમતા સ્વીકારીએ ત્યારે પણ પ્રશ્ન એ થાય કે ‘રામાયણ’નો મહિમા કરવા માટે ‘મહાભારત’ને ‘ઇતિહાસ’ કે ‘સ્મૃતિગ્રંથ’ તરીકે ન્યૂન કરી શકાય? ‘મહાભારત’ની વિવિધ અને પ્રભાવક ઘટનાઓનું, એનાં વિલક્ષણ ને પ્રતિભાશાળી પાત્રોનું, એ પાત્ર-સંબંધોની સંકુલતાનું કથા-કાવ્ય-મૂલ્ય શું ઓછું છે? ‘વ્યાસોચ્છિષ્ટં જગત્ સર્વમ્’ એવું જે કહેવાયું છે એમાં માનુષ્યિક કથાનું એક સર્વવ્યાપ્ત બહુપરિમાણી જીવંત ચિત્ર ઉદ્દીષ્ટ છે. અહીં ઉમાશંકર જોશીનો, જગતકાવ્યો વિશેનો મત ટાંકવો અપ્રસ્તુત નહીં ગણાય. એમણે કહ્યું છે કે, ‘મનુષ્યહૃદયના પ્રબળ રાગાવેગોની તાંડવલીલા નિરૂપવામાં જેઓ સહજપણે સિદ્ધહસ્ત હોય એવા ત્રણ કવિઓ થઈ ગયા છે : મહાભારતકાર વ્યાસ, ગ્રીક મહાકવિ હોમર અને અંગ્રેજ નાટ્યકાર શેઈકસ્પિયર’ (“મહાભારત એક ધર્મકાવ્ય”, ‘શ્રી અને સૌરભ’(૧૯૬૩), પૃ. ૯). પ્રો. પંડ્યાએ પ્રકરણાંતે ‘રામાયણ’ને ‘કાવ્યગ્રંથ તરીકે એકમેવ-અદ્વિતીયમ્’ કહ્યો છે, ત્યાં એમણે એનું મૂલ્યાંકનનિષ્ઠ મજબૂત સમર્થન કરવું જરૂરી હતું. પ્રો. પંડ્યાની વિદ્વત્તાનો પરિચય ‘રામાયણમાં મુખ્ય પ્રક્ષેપો’ પ્રકરણમાં થાય છે. દરેક કાંડના પ્રક્ષેપોની વાત કરીને એ તારવે છે કે ‘રામાયણમાં જે મહત્ત્વની પ્રક્ષિપ્ત સામગ્રી છે એ ‘અવતારવાદ’ સાથે સંબંધ ધરાવે છે.’(પૃ. ૫૫) અને લેખક યુદ્ધકાંડમાંના એક શ્લોકનો હવાલો આપીને યોગ્ય જ કહે છે કે, (‘વાલ્મીકિ રામાયણ’ના) ‘રામ અવતારી પુરુષ નહીં પણ મનુષ્ય છે – ‘आत्मानं मानुषं मन्ये रामं दशरथात्मजं’ (યુદ્ધકાંડ, સર્ગ ૧૧૭, શ્લોક ૧૧) પણ પછીનું આશ્ચર્ય એ છે કે લેખક ‘અરણ્યકાંડ કથાસાર’ પ્રકરણમાં, અનુવાદના અંશો ટાંકીટાંકીને, બહુ વિસ્તારિત સાર આપે છે. જ્યારે આગળ આખો અનુવાદ જ વાંચવાનો છે ત્યાં, અહીં આવો સાર કોને માટે? લેખક-અનુવાદકના મનમાં સર્વજનભોગ્યતાનો ખ્યાલ પડેલો છે એથી આ, નિર્દેશોથી ચાલી શક્યો હોત એવો પરિચય પ્રસ્તારી બન્યો છે. અને એ પછી આવતું, અરણ્યકાંડનો આસ્વાદ કરાવતું ઉત્કૃષ્ટ પ્રકરણ કથાવિગતોને પણ સરસ રીતે આવરી લે છે, એ કારણે પણ, ઉપર કરેલા ‘કથાસાર’ની ઉપયુક્તતા ઘટી જાય છે. આ પ્રકરણ-૧૦નું શીર્ષક ઘણું આકર્ષક અને સાર્થક છે : ‘પછી શું થયું?’ના પ્રશ્નો જગવતી ઘટનાઓથી ભરપૂર અરણ્યકાંડ : એક આસ્વાદમૂલક નોંધ.’ સરસ. રામાયણમાં, વનપ્રવેશથી સીતાહરણ સુધીની કથા આલેખતો ‘અરણ્યકાણ્ડ’ ઘટનાપ્રચુર છે ને વાલ્મીકિની કથા-સંકલન-શક્તિનો ને કવિત્વશક્તિનો પરિચાયક છે. [‘રામાયણ’ને આપણે ‘રામ-અયન’ એ રીતે ઘટાવીએ તો આ કાણ્ડમાંનું અરણ્ય-અયન મૂળ કાવ્યનામ ‘રામાયણ’ને પણ સાર્થક કરે છે.] આ પ્રકરણમાં પ્રો. પંડ્યાની સૌંદર્યદૃષ્ટિનો ને રસ-પરખ-શક્તિનો હૃદ્ય પરિચય મળે છે. આસ્વાદ માટે એમણે જે રસ-સ્થાનો પસંદ કર્યાં છે એ પણ માર્મિક છે. જોઈએ : રામ-સીતા-લક્ષ્મણના આ વન-પ્રવેશમાં સુંદર પ્રકૃતિ અને મનોહર આશ્રમોનો – અને ઋષિઓનો – સુભગ પરિચય થાય છે. તો એની સાથે જ, એમને વિચિત્ર રાક્ષસો સાથે લડવાનું પણ આવતું રહે છે. એ યુદ્ધો રામને ક્રુદ્ધ કરે છે ત્યારે સીતાને થાય છે કે આને લીધે રામના સ્વભાવમાં ‘અકારણ ક્રૂરતા’ (विना वैरं च रौद्रता) પ્રવેશી જવી ન જોઈએ. એથી એ રામને પ્રેમથી (કાન્તાસમ્મિત?) સમજાવે છે, ને ચેતવે પણ છે, એકાદ પ્રાચીન આખ્યાયિકા પણ કહે છે. પરંતુ પછી કહે છે કે, ‘હું આ તમને સ્નેહથી ને આદરથી યાદ કરાવું છું, શિખામણ આપતી નથી.’ (स्नेहाच्च बहुमानाच्च स्मारये त्वां, न शिक्षये) આવાં વૃત્તાન્તોની આસ્વાદ્ય વાત કહીને લેખક કહે છે કે આ આલેખન ‘કવિનું કથાગૂંથણી પર જડબેસલાક પ્રભુત્વ દર્શાવે છે.’ (પૃ.૮૫). (અહીં ‘જડબેસલાક’ શબ્દ ઉચિત કે સુભગ લાગતો નથી. એને બદલે, ‘સબળ’ કે ‘અપ્રતિમ’ જેવો કોઈ ઉચિત શબ્દ યોજી શકાયો હોત.) વાલ્મીકિએ યોજેલા અલંકારોની આસ્વાદક નોંધ લઈને લેખક, ૧૫મા સર્ગમાંના હેમન્ત ઋતુના વર્ણનમાંથી મનોહર દૃશ્યો રજૂ કરે છે. આ સર્ગના પહેલા ૨૪ શ્લોકોમાં લક્ષ્મણમુખે મુકાયેલું એ હેમન્ત-વર્ણન લેખકને ‘સમસ્ત સાહિત્યમાં અનુપમ લાગે છે.’ એમાંથી લેખક કેટલાંક દૃષ્ટાંતો નોંધે છે એમાંનું એક સાચે જ અનુપમ છે – ‘હિમ અને ઝાકળથી ઢંકાયેલાં કિરણોવાળો સૂર્ય દૂર હોવા છતાં, નજીક આવેલા ચન્દ્ર જેવો લાગે છે.’ (૧૫.૧૮) મારીચને એક વાર તો રામના પ્રતાપી શૌર્યનો પરચો મળેલોે છે એટલે, સીતાહરણ માટે છળ કરવા રાવણ મારીચની મદદ માગે છે ત્યારે ભયત્રસ્ત મારીચ કહે છે – ‘હે રાવણ, ડરી ગયેલો હું હજારો રામને જોઉં છું. આ સમગ્ર અરણ્ય જ મને રામમય લાગે છે.’ (૩૭.૧૫) સીતાનું હરણ થયું, એ પછી વનમાં વૃક્ષેવૃક્ષે ફરતા ને સીતા વિશે પૃચ્છા કરતા ને વિલપતા ‘ઉન્મત્તાવસ્થાના રામનું ચિત્રણ તો ડૉ. પંડ્યા કહે છે કે, અનુગામી પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એક અનુકરણીય ઉદાહરણ બની ગયું છે.’ (પૃ. ૯૧) આ આસ્વાદમાં લેખકે બતાવ્યું છે કે, કદમ્બ, બિલ્વ, અર્જુન વગેરે સાથેના સીતાના પ્રીતિભાવ અને સખ્યને કેવાં ઉપમાનોથી વિરહત્રસ્ત રામ આલેખે છે. (જેમ કે, यदि ताल त्वया दृष्टा पक्वतालफल-स्तनी... વગેરે) અને અગાઉ કહ્યું એમ અહીં પણ લેખક તારવે છે કે, રામની કલ્પાંતભરી ઉન્માદાવસ્થા રામનો એક ‘અવતારપુરુષ’ને બદલે ‘ખરેખર મનુષ્ય’ તરીકેનો અનુભવ આપે છે. આ પ્રાસ્તાવિક લેખ પછી પરિશિષ્ટમાં લેખકે કેટલાક ‘સહૃદય ભાવકો’ના અભિપ્રાયો મૂક્યા છે. નરેન્દ્ર પંડ્યા લખે છે કે, ‘માતૃભાષામાં સમીક્ષિત આવૃત્તિનો અનુવાદ એ શ્લોકોને લોકો સુધી પહોંચાડવાનો સાર્થક પ્રયત્ન છે.’ (પૃ. ૧૦૫) જશવંત રાવલ કહે છે કે, ‘વાલ્મીકિની આ રચના વાંચ્યા વિના અવતાર એળે જાય.’ (પૃ. ૧૦૬). એમ થાય છે કે આવા ભાવક-ઉદ્ગારો આગળ અટકવાને બદલે પ્રો. પંડ્યાએ થોડાક વિદગ્ધ વિદ્વાનોના પ્રતિભાવો પણ મૂકવા જોઈતા હતા.
૦
હવે અનુવાદ
સંસ્કૃતભાષા સમાસબહુલ અને મહદંશે મુક્ત અન્વયવાળી છે. કવિતામાં તો એનું રૂપ વધુ સંકુલ બને એ સ્વાભાવિક છે. એટલે એના વાક્યવિન્યાસની ભાત ગુજરાતીના વાક્ય-વિન્યાસથી અલગ પ્રકારની છે – ખરેખર તો કોઈપણ બે ભાષાઓના વાક્યવિન્યાસની ભાત જુદીજુદી રહેવાની. એટલે અનુવાદકે લક્ષ્ય ભાષાના વાક્યાન્વયને જ લક્ષમાં રાખીને ચાલવું પડે. એ પ્રક્રિયા, અલબત્ત, મથાવનારી હોય છે. વિજય પંડ્યા સંસ્કૃતના ઉત્તમ વિદ્વાન છે એટલે એમનો આ અનુવાદ ઘણુંખરું તો મૂળને બરાબર ગ્રહણ કરનારો અને સંસ્કૃત કવિતાને શક્ય એટલી પ્રાસાદિકતાથી ગુજરાતીમાં અવતારી શકનારો બન્યો છે. પરંતુ જ્યાં ગુજરાતી ભાષાનો વાક્યવિન્યાસ જળવાયો નથી ત્યાં ગુજરાતી અનુવાદ અસહજ બન્યો છે ને ત્યાં અર્થસંક્રમણ ધૂંધળું બન્યું છે. આપણે પહેલાં એમના સહજ, પ્રાસાદિક અનુવાદનાં થોડાંક દૃષ્ટાંતો જોઈએ : હેમન્ત ઋતુના વર્ણનના, ઘણા શ્લોકોના અનુવાદો હૃદ્ય બન્યા છે :
अवश्यायनिपातेन किंचित्प्रक्लिन्नशाद्वला।
वनानां शोभते भूमिर्निविष्टितरुणातपा।।
(સર્ગ ૧૫; ૨૦)
(અનુ.) ઝાકળના પડવાથી કિંચિત ભેજવાળાં બનેલાં વનોની ઘાસવાળી ભૂમિ સવારના રાતા તડકાથી શોભે છે. રામવિલાપના એક જાણીતો શ્લોકનો અનુવાદ –
वृक्षाद् वृक्षं प्रधावन्स गिरींश्चापि नदान् नदीम्।
बभूव विलपन् रामः शोकपङ्कार्णप्लुतः।। (૫૮.૧૧)
[રામ] એક વૃક્ષથી બીજા વૃક્ષ તરફ, પર્વતો અને વહેળાઓથી નદી તરફ દોડવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરતા રામ શોકસાગરના પંકમાં ડૂબતા ગયા. હવે, મૂળ સંસ્કૃત વિના, એ જ સર્ગમાંથી, રામની સંભ્રમ સ્થિતિનું વર્ણન– હે કમલસમાં નયનો ધરાવનારી પ્રિયે, તું કેમ દોડી જાય છે? તને મેં જોઈ લીધી છે. વૃક્ષની પાછળ પોતાને ઢાંકી દઈને મારી સાથે તું કેમ વાત નથી કરતી? (૫૮.૨૩) સરસ! પરંતુ આ અનુવાદમાં, કેટલીક જગાએ શબ્દક્રમની, દૂરાકૃષ્ટ અન્વયની, યોગ્ય શબ્દ-ચયનની તકલીફો રહી ગઈ છે – એ નિવારી શકાઈ હોત. હેમન્તવર્ણનનો આ શ્લોક જોઈએ. અર્થગ્રહણ માટે, મૂળ સંસ્કૃત પાઠ, સમાસ-મુક્ત કરીને ઉતારું છું :
मयूखैः उपसर्पद्भिः हिमनीहार-संवृत्तेः।
दूरम् अभ्युदितः सूर्यः शशाङ्क इव लक्ष्यते ।। (૧૫.૧૮)
(અનુ.) હિમ અને ઝાકળથી ઢંકાયેલાં કિરણોવાળો નજીક આવે તો દૂર ઊગેલો સૂર્ય ચંદ્ર જેવો દેખાય છે. આ અનુવાદને થોડાક અન્વયફેરથી સહજ કરી શકાયો હોત – હિમ અને ઝાકળથી ઢંકાયેલાં કિરણોવાળો સૂર્ય દૂર ઊગેલો છે એ નજીક આવેલા ચંદ્ર જેવો દેખાય છે. અથવા – દૂર ઊગેલો સૂર્ય, હિમ-ઝાકળથી ઢંકાઈને નજીક આવેલાં કિરણોને લીધે, ચંદ્ર જેવો લાગે છે. હવે આ અનુવાદ જોઈએ. મારીચ રાવણને ચેતવે છે – ‘હે રાવણ, સર્વ રાક્ષસો અવશ્ય વિનાશ પામશે જેમનો, હે રાજા, દુર્બુદ્ધિ, સ્વેચ્છાચારી, કર્કશ તું રાજા છે’ (૩૯.૧૫) આ કઢંગા થયેલા અનુવાદને, થોડાક જ અન્વયફેરથી, સહજ કરી શકાયો હોત – ‘હે રાવણ, જેમનો રાજા તારા જેવો દુર્બુદ્ધિ, સ્વેચ્છાચારી, કર્કશ છે એ સર્વ રાક્ષસો અવશ્ય વિનાશ પામશે.’ ક્યાંક ઉચિત શબ્દચયન થયું નથી. ત્યાં અનુવાદ અર્થના ગૌરવવાળો બન્યો નથી. રાવણ જટાયુને હણે છે એ વર્ણન – ‘પછી કુપિત થયેલા પરાક્રમી રાવણે સીતાને છોડી મૂઠીઓથી અને ચરણોથી ગીધરાજને રોળી નાખ્યો.’ (૪૯.૩૪) કુપિત, પરાક્રમી, ગીધરાજ એવી પદાવલીમાં ‘મૂઠીઓથી’ જેવા શબ્દો ગોઠવાતા, બંધબેસતા નથી. ‘ચરણોથી.. રોળી નાખ્યો’ એ પણ સદ્ય અર્થબોધ કરાવતો નથી. ખરેખર તો – ‘પછી કુપિત થયેલા પરાક્રમી રાવણે સીતાને છોડીને મુષ્ટિપ્રહારથી અને ચરણપ્રહારથી ગીધરાજને રોળી નાખ્યો’ – એવો અનુવાદ સુભગ બન્યો હોત. મૂળમાં મુષ્ટિભ્યાં અને ચરણાભ્યાં છે એ કાવ્ય-અન્વય છે. એનાથી સૂચિત તો થાય છે મુષ્ટિપ્રહાર આદિ. ક્યાંક એવું લાગે છે કે મૂળ સંસ્કૃતની સંકુલ રચનામાંથી વાક્યાન્વયને મોકળાશવાળો કર્યો હોત તો અનુવાદ સહજ બન્યો હોત. સંદર્ભ છે સર્ગ-૧માં, દણ્ડકારણ્યના આશ્રમમાં રામનો પહેલો પ્રવેશ – ‘આવા તપસ્વીઓના આશ્રમસમૂહને રાઘવે જોઈ, તે મહાતેજસ્વી પોતાના મહાન ધનુષ્યની પણછ ઉતારી ત્યાં પહોંચ્યા.’ (૧.૮) ‘આશ્રમસમૂહને રાઘવે જોઈ’ એ અનુવાદિયું લાગે છે. શબ્દક્રમની મુશ્કેલીઓ પણ ટાળી શકાય એવી છે. એટલે, ખરેખર તો, – ‘તપસ્વીઓના આવા આશ્રમસમૂહને જોઈને એ મહાતેજસ્વી રાઘવે પોતાના મહાન ધનુષની પણછ ઉતારી અને (પછી એ) ત્યાં પહોંચ્યા/પ્રવેશ્યા.’ એવો પ્રવાહી અનુવાદ શક્ય હતો. ક્યારેક અનુવાદ વધુ ક્લિષ્ટ અને વિખરાયેલા અન્વયવાળો પણ બન્યો છે. જેમ કે, સીતાને શોધતા રામ – ‘વેગપૂર્વક ધસી જતાં અને ઘૂસી જઈ, ચારે તરફથી પર્ણકુટીને રઘુનન્દન તપાસવા લાગ્યા.’ (૫૮.૪) અનુવાદ મૂળને બરોબર અનુસરતો, કહો કે સન્નિષ્ઠ અને ‘વફાદાર’ છે. પ્રો. પંડ્યાએ એકેએક ક્રિયારૂપ, નામરૂપ, અવ્યયાદિની ઝીણવટને ગ્રહીને, વિદ્વત્-પરિશ્રમથી અનુવાદ કર્યો છે એનું મૂલ્ય ઓછું નથી પણ અનુવાદને ગુજરાતીની સ્વાભાવિક પ્રવાહિતા સાચવવાનું એમનાથી, ઘણે ઠેકાણે, બની શક્યું નથી. રામાયણ જેવા પ્રલંબ, વિવિધ કાણ્ડોના અનેક સર્ગો ને એના અનેક શ્લોકોમાં વિસ્તરેલા મહાકાવ્યનો અનુવાદ હાથ ધરવો ને એને સંકલ્પ અને ધૃતિપૂર્વક પાર પાડવો એ નાનીસૂની સિદ્ધિ નથી. થોડાંક સ્ખલિત સ્થાનોને, કાળાં ટપકાંને, બાદ કરતાં આ અનુવાદ આવકાર્ય અને અભિનંદનીય છે.
[પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ]