બે હજાર ચોવીસ સમક્ષ/પુરાકથાનો અર્થ – સદાશિવ ડાંગે, અનુ. ધ્વનિલ પારેખ

વિવેચન-અનુવાદ

‘પુરાકથાઓનો અર્થ’ : સદાશિવ ડાંગે, અનુ. રાજેન્દ્ર પટેલ

પુરાકથા (myth)ના અર્થની શોધમાં...

છવ્વીસ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ આંદામાનની એક આદિવાસી, બોલી બો(Bo)ની અંતિમ ભાષિક વૃદ્ધાનું દેહાંત થયું. મૃત્યુ પહેલાં એ ઘર પાસેના એક મોટા વૃક્ષ નીચે બેસી રાતદિવસ ગીતો ગાતી અને કથાઓ કહેતી. ક્યારેક ખુલ્લા આકાશ તળે જઈ પોતાની ભાષામાં જાતભાતની વાતો કરતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે એ આવું શા માટે કરે છે? ત્યારે એનો જવાબ સ્પષ્ટ હતો – આપણા હૃદયમાં ઘર કરી જાય એવો હતો. એનું કહેવું હતું કે વૃક્ષ પરનાં પંખીઓ એનાં ગીતો ગાશે, અવકાશ તેની વાતો સદા સંઘરી રાખશે, એની પરંપરા, ભાષા, તેની કથાઓ અને વાતો કાળપ્રવાહમાં સચવાઈ રહેશે! આ વૃદ્ધાની શ્રદ્ધા એના શબ્દો, ભાષા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે છે. આ ઘટના પણ જાણે મનુષ્યના સર્વકાળની કથા છે. હજારો વર્ષોથી મનુષ્યના વિવિધ સમૂહો, મૌખિક પરંપરા થકી પોતાનો ઇતિહાસ, પોતાની કથાઓ, ગીતો અને રીતિ-રિવાજો, સ્મૃતિઓ દ્વારા અવગત કરાવતાં રહ્યાં છે. પ્રસ્તુત પુસ્તક વિશ્વની વિવિધ પ્રજાઓની લોકકથાઓ/પુરાકથાઓના અર્થ શોધવાનો, તે માટેની પદ્ધતિ ઊભી કરવાનો, તે અંગેના વૈજ્ઞાનિક અભિગમોનો આલેખ છે. અહીં આ રીતે જે તે સ્થળ-કાળના લોકોની શ્રદ્ધા, એમની સંસ્કૃતિની લોકકથાઓના મૂળ સુધી પહોંચવાનો, તેની વિશ્લેષણપદ્ધતિ તારવવાનો પ્રયત્ન છે. વિદ્વાન મરાઠી લેખક સદાશિવ ડાંગેએ આ ભગીરથ કામ કર્યું છે. શાસ્ત્રીય સંશોધાત્મક દૃષ્ટિકોણથી કેવી રીતે પ્રાચીન કથાવિશ્વને ખોલી આપવું તે પદ્ધતિથી પણ એ આપણને અવગત કરે છે. મૂળ મરાઠીમાં લખાયેલા આવા વિષયવસ્તુના પુસ્તકનો અનુવાદ કરવાનો પડકાર ધ્વનિલ પારેખે ઉપાડ્યો તે પણ કાબિલેતારીફ છે. ઇતિહાસ અને પુરાકથામાં એક પાયાનો ભેદ છે. ઇતિહાસ સત્ય-આધારિત હોય છે જ્યારે પુરાકથા શ્રદ્ધા પર અવલંબે છે. આ પુસ્તકમાં પુરાકથાઓના અર્થનો પદ્ધતિસર ઉકેલ શોધવાનું લેખકનું પ્રયોજન છે. પુરાકથાઓના સ્રોતની આ શોધ એમણે આધુનિક સંશોધનપદ્ધતિના ઉપયોગથી કરી છે. મૂળ ‘મિથ’ સંજ્ઞા ગ્રીક ભાષામાંથી આવી છે. આ વિષયવસ્તુ એટલું પ્રાચીન છે કે તેના તાણાવાણા ઉકેલવા માટે લેખક બે પદ્ધતિ વાપરે છે. ફંક્શનાલિઝમ (functionalism) એટલે કે પ્રયોજનવાદ અને સ્ટ્રકચરાલિઝમ (structuralism) એટલે કે સંરચનાવાદ કે બાંધણીવાદ. અહીં પુરાકથાનો અર્થ શોધવાની પદ્ધતિ સાથે, જગતભરની પુરાકથાઓને ખૂબ રસપ્રદ રીતે તપાસવામાં આવી છે. શાસ્ત્રીય પદ્ધતિએ આ પુસ્તકને પાંચ પ્રકરણમાં વહેંચવામાં આવેલું છે. મિથ : પુરાકથા અને ઇતિહાસ, પુરાકથા : સ્વરૂપ અને પ્રયોજન, વિધિરહિત પુરાકથા, સંરચનાવાદ – લેવ્હી સ્રોત, અને કેટલીક ભારતીય કથાસૃષ્ટિઓ. મિથની સંજ્ઞા અને તેની વિવિધ અર્થછાયાઓ માટે અને તેના ઇતિહાસ માટે લેખક આરંભે સ્પષ્ટતા કરે છે. પુરાવૃત્ત, પુરાકથા, ફોકટેલ, લીજેન્ડ વગેરેના નજીકના અર્થોનો નિર્દેશ કરી પુરાકથા શબ્દને સ્થાયી કરે છે. ક્યારેક તુલનાત્મક પદ્ધતિનો વિનિયોગ કરી આવી કથાઓનાં મૂળ અર્થઘટનો સુધી એ પહોંચે છે. ક્યારેક પુરાકથા રૂપક કે પ્રતીક રૂપે હોય છે, ક્યારેક સાંકેતિક રીતે કહેવાઈ હોય છે. મેક્સ મ્યૂલરે વાપરેલી તારણપદ્ધતિનો ઉલ્લેખ કરી તેના આધારે વિવિધ દૃષ્ટાંત આપી તેનો અર્થ શોધે, તારવે છે. મેક્સ મ્યૂલરે જે ત્રણ પદ્ધતિ વાપરેલી તે છે : વ્યુત્પત્તિ-આધારિત, તુલનાત્મક રીત અને લોકવિશ્વાસ-આધારિત. વિવિધ પુરાકથા દ્વારા આ પુસ્તક જાણે માનવ-સંસ્કૃતિનું પણ પગેરું શોધે છે. ઉદાહરણ તરીકે એક જાણીતી પુરાકથા લેખકે અહીં મૂકી છે. મહાભારતની કથા પ્રમાણે, એકવાર ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલો પરીક્ષિત રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો. ત્યાં એક તળાવ પાસે મધુર ગીત ગાતી સુંદર યુવતી પર તેની નજર પડી. તેના સૌંદર્ય અને કંઠથી આકર્ષાઈ રાજાએ તેને પત્ની બનવા વિનંતી કરી. યુવતીએ એક શરત મૂકી કે તેને ક્યારેય પાણીનો સ્પર્શ થવો જોઈએ નહિ. રાજાએ શરત માન્ય રાખી ને તેને મહેલમાં લઈ આવ્યો. મહેલમાં આદેશ આપ્યો કે તેની આસપાસ કદી પાણી લાવવું નહિ. અન્ય રાણીઓને એ યુવતીની સૌંદર્યકાંતિ જોઈ ઈર્ષા થઈ. રાણીઓએ અમાત્યને બોલાવી પાસેના ઉપવનમાં એક વાવ તૈયાર કરવા કહ્યું. એકવાર રાજા નવી રાણીને લઈ ઉપવનમાં શિકાર કરવા ગયો. તેમને તરસ લાગી. આસપાસ પાણી શોધતાં ત્યાં એક વાવ તેની નજરે પડી. બંને પાણી પીવા વાવમાં જાય છે. રાણી જેવી પાણીને સ્પર્શે છે તો એ અદૃશ્ય થઈ જાય છે. રાજાએ વાવનું પાણી ઉલેચી નંખાવ્યું. છેવટે દેડકાઓના રાજાએ રાણીને હકીકતથી વાકેફ કરી ને તે પાછી બહાર આવી સ્ત્રીરૂપ લઈ રાજા પાસે ગઈ. એના દ્વારા રાજાને ત્રણ સંતાનો થયાં. આ કથામાં મંડૂકરાજા કહે છે કે, આ દેડકી-સુંદરી એની જ કન્યા હતી અને તેનું નામ સુશોભના છે. એણે આ પ્રકારે રૂપ બદલીને ઘણા રાજાઓને ફસાવ્યા છે. આ કથાનો દાખલો આપી મેક્સ મ્યૂલર કહે છે, દેડકી એટલે સૂર્ય જે અસ્ત થવાની વેળાએ જળને સ્પર્શ થતાં નષ્ટ થઈ અસ્ત પામે છે. એમ અર્થઘટન કર્યું. મેક્સ મ્યૂલરને આ કથામાં સૂર્યને અનુરૂપ એવાં નામો ન મળવાથી, એ બેડકી ‘ભેકી’ એ સૂર્યની આવૃત્તિ છે તેમ કહે છે. વ્યુત્પત્તિને આધારે આવાં સમીકરણો બતાવવાં અને આવી બધી કથાઓ નિસર્ગ-કથા(natural-myths) હોય, તે કહેવું કેટલું અયોગ્ય છે તે એ જ સમયે થઈ ગયેલા એન્ડ્ર્યુ લંગે સપ્રમાણ બતાવી આપ્યું છે. એ કહે છે ‘કથામાં એકાદ નામ મેઘ, આકાશ, સૂર્ય અથવા કોઈ પ્રકારનું દ્યોતક છે એવું સિદ્ધ કરતાં આવડે તો પણ, એ કથા નિસર્ગ-કથા જ હોય એવું આપણે ન કહેવું.’ ગ્રીક, ભારતીય, બ્રાઝિલ, પેરુ, બ્રિટીશ કોલંબિયા, સ્પેનિશ, ચીન, જાપાન ઉપરાંત બાઈબલના સંદર્ભની ઘણી પુરાકથાનો ઉલ્લેખ કરી, તેના અર્થ સુધી પહોંચવાની મથામણો વિદ્વાનો દ્વારા કઈકઈ રીતે કરવામાં આવી છે, એે અંગે લેખકે અનેક સંદર્ભ-સાહિત્ય થકી અભ્યાસ રજૂ કર્યો છે. જાપાનની એક કથા આ મુજબ છે. ઈઝાનાગી અને ઈઝાનામી આદિમ ભાઈબહેન છે. એ લોકો જે ઠેકાણે હોય છે એ જગ્યા અસ્થિર હતી અને સ્થિર થાય એ માટે દેવ એમને ‘અમા-નો-તમા-બો-કો’ (એક દૈવી રત્નખચિત ભાલો) આપે છે. એ બંને પછી, ઇન્દ્રધનુષ્યના પુલ પર ઊભાં રહે છે અને તે ભાલાને સમુદ્રના પાણીમાં છેક ઊંડે સુધી છોડે છે. એનાથી એ સમુદ્રને વલોવે છે. પાણી જ્યારે ઘટ્ટ થવા લાગે છે ત્યારે તેને બહાર કાઢે છે; પણ તેના ટોચ પર લાગેલા ઘટ્ટ દ્રવ્યનાં ટીપાં પાણીમાં અહીંતહીં પડે છે. એનાથી એક બેટનું નિર્માણ થાય છે. એ પહેલો બેટ જાપાન અને એના નાના અન્ય બેટ થયા. આવી નિસર્ગનિર્મિતિની, સૃષ્ટિનિર્માણની, પુરાકથાઓ ઘણી છે. આ પુસ્તકમાં પુરાકથા પર કામ કરનારા વિશ્વના ઘણા વિદ્વાનોના મત ટાંકવામાં આવ્યા છે. જેમાંના ડબલ્યુ મેંહાર્ડટ્‌, એફ.ક્રયાઝર, મેક્સ મ્યૂલર, એન્ડ્ર્યુ લંગ, જે. જી. ફ્રેઝર, ડ્યુમેઝિલ, મેલિનોવસ્કી વગેરે વિદ્વતજનોના, સંશોધકોના મતોનો ઉલ્લેખ છે. આશરે ૧૫૦ પૃષ્ઠોના આ પુસ્તકમાં દોઢસોથી વધુ સંદર્ભનોંધો છે અને સિત્તેરથી વધુ સંદર્ભ-ગ્રંથોની યાદી છે. જાણે આ સમગ્ર પુસ્તક પુરાકથાના કથન જેવું છે. વિશ્વભરની પુરાકથાઓનો ઉલ્લેખ, તેનો તુલનાત્મક અભ્યાસ, એક જ પુરાકથાની નજીકની કથાઓ, તેમાં સમાવિષ્ટ સરેરાશ કથાનાં તારતમ્યો, તેની વ્યુત્પત્તિ, તેના સંદર્ભો પાનેપાને જોવા મળે છે. બે કારણસર પુસ્તકનું પરિશીલન કરવું જોઈએ. આપણી લોકક્થાઓના પાયામાં પુરાકથાની કેટલી બધી અસર છે તે જોવા અને વિદ્વાનોનાં અર્થઘટનો કેવી રીતે મૂકી શકાય અને તેના સંદર્ભે મનુષ્યજાતિના ઇતિહાસથી કેવી રીતે અવગત થવાય તે અનુભવ કરવા માટે પણ આ પુસ્તક જોવું જોઈએ. પુસ્તક બે રીતે વાચકને પડકારરૂપ બને છે. અનેક સંદર્ભોથી ખીચોખીચ આ પુસ્તક એક સંશોધકની દૃષ્ટિએ લખાયેલું છે એટલે વાચકે સજ્જ રહેવું પડે છે. દેશવિદેશની પુરાકથાઓનું વિશ્લેષણ વાંચતાંવાંચતાં તેની પરિભાષાઓ પણ સમજવી પડે તેમ છે. વળી મૂળ મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત છે એટલે વિવિધ સંજ્ઞાઓના અર્થઘટનો સમજવાં સરળ નથી. અલબત્ત, આવાં પુસ્તકોના અનુવાદમાં અનુવાદકની કસોટી બહુ મોટી થતી હોય છે. અહીં સ્રોત ભાષા મરાઠી છે અને લક્ષ્ય ભાષા ગુજરાતી છે. આ પુસ્તકના સંકુલ વિષયવસ્તુ(complex contain)ને કારણે અનુવાદકનું કામ વધુ વિકટ બને છે. અહીં અનુવાદની ભાષા એવી રીતે પ્રયોજાયેલી નથી જેથી ગુજરાતી વાચક સરળતાથી તેમાંથી પસાર થઈ શકે. પુસ્તક એક બેઠકે વાંચવું ખૂબ મુશ્કેલ છે. આ ભાષાંતર યોગ્ય જ હશે પરંતુ ગુજરાતી પાઠ એવો પ્રવાહી નથી જેથી વાચક પોતાની ભાષામાં પુસ્તકને માણી શકે. જો કે, પરિભાષાની મર્યાદા હોવા છતાં અનુવાદકે આવા વિષયવસ્તુને લઈને લખાયેલા પુસ્તકના અનુવાદનો પડકાર ઝિલ્યો છે તે તેમની એક ઉપલબ્ધિ છે.

[ઝેડકેડ, અમદાવાદ]