બે હજાર ચોવીસ સમક્ષ/સંસ્પર્શ અને વિમર્શ – રમણ સોની
વિવેચન
કિશોર વ્યાસ
સહૃદય સંસ્પર્શ, વિદ્વત્તાસભર વિમર્શ
અખબારોમાં પ્રતિ સપ્તાહે પ્રગટ થતા સ્તંભોનું લખાણ પણ ગંભીર અભ્યાસ હોઈ શકે છે એની પ્રતીતિ આ પુસ્તક કરાવે છે. લેખકે ‘ગુજરાતમિત્ર’માં ૨૦૨૨-૨૩ દરમિયાન સો ઉપરાંત નવ-પ્રકાશિત પુસ્તકોની સમીક્ષાઓ કરી હતી. એમાંથી એમણે તારવેલી (અરધીથીએ ઓછી) સમીક્ષાઓ ‘સંસ્પર્શ’ નામે અહીં ગ્રંથસ્થ કરી છે. નવાં પ્રગટતાં પુસ્તકોને તરત પ્રતિભાવનો સ્પર્શ મળવો જોઈએ એ એમનું પ્રથમ અને અતિ મહત્ત્વનું પ્રયોજન હતું. બીજો વિભાગ ‘વિમર્શ’ નામે, સાહિત્યપરંપરા વિશેના દીર્ઘ લેખોનો છે, જે આ પુસ્તકનો વિશેષ ધ્યાનપાત્ર અંશ બને છે. ‘ગુજરાત મિત્ર’ જેવા અખબારી માધ્યમમાં નિયમિતપણે સમકાલીન પુસ્તકોની સમીક્ષા કરવાની થઈ ત્યારે સમીક્ષકે સભાન રહીને ‘નર્યો સપાટી પર ફેલાતો પરિચય નહીં પણ પુસ્તકના અંતરંગને પ્રગટ કરી શકતી, કૃતિનો સંસ્પર્શ આપતી’ એની સમીક્ષાત્મક ઓળખ રજૂ કરવાનો આગ્રહ સેવ્યો છે. (જુઓ નિવેદન). વ્યાપક વાચકવર્ગ પણ નવપ્રકાશિત પુસ્તકોના મર્મને આસ્વાદી શકે એ માટે અખબારમાં પ્રાપ્ત થયેલી નિયત જગા એક પડકાર ઊભો કરતી રહેતી હોય છે. મહત્ત્વનાં પુસ્તકો વિસ્તાર માગે એવું એનું વિત્ત હોવા છતાં એનાં તમામ રસસ્થાનોને ટૂંકમાં પણ સચોટપણે વ્યક્ત કરી શકાય તેમ નબળાં સ્થાનો તરફ અંગુલિનિર્દેશ કરી રસિક અને વિદગ્ધ વાચકોનું ધ્યાન ખેંચી શકાય, એવી સમતોલ સ્થિતિ સરજવામાં સમીક્ષક સફળ રહ્યા છે. ‘સંસ્પર્શ’ વિભાગમાં ૪૭ જેટલી સમીક્ષાઓમાં પુસ્તકોના સ્વરૂપનું વૈવિધ્ય છે. અહીં કાવ્યસંગ્રહો (બાળકાવ્યસંગ્રહો પણ ખરા), વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, ઉપરાંત સમીક્ષકની નજર કલાસ્વરૂપનાં પુસ્તકો ભણી, કોશ અને શિક્ષણવિષયક પુસ્તકો તરફ પણ ગઈ છે. ‘અમે તો પંખી પારાવારનાં’ અને ‘ગ્રીક પુરાકથા કોશ’ની સમીક્ષા આના દૃષ્ટાંતરૂપ છે. કોઈપણ સમીક્ષક પાસે સહૃદયતા, સજ્જતા, રસિકતા અને લાઘવ હોય તેમ છતાં આજના પરિપ્રેક્ષ્યમાં કૃતિના મહત્ત્વ અંગેનો સુચિંતિત સ્વર પણ ભળતો રહેતો હોવો જોઈએ. એણે કરેલી ટીકા કે એનો ઉમળકો પ્રતીતિ જન્માવનારાં હોવાં જોઈએ. અહીં વીનેશ અંતાણીની ત્રણ દીર્ઘ વાર્તાઓના સંગ્રહ ‘દરિયો રણ પહાડ’ વિશે વાત કરતી વેળાએ સમીક્ષકનો પ્રતિભાવ એક જ પેરેગ્રાફમાં સમગ્ર હાર્દને પ્રગટ કરી આપનારો બન્યો છે – ‘વાર્તાઓ પ્રલંબ છે પણ લંબાવેલી કે ખેંચેલી નથી. પહેલી બે તો ચુસ્ત અને સઘન છે. દરેક વાર્તામાં આટલો લાંબો કથનપ્રવાહ, વચ્ચે કોઈ ફુદડીઓ કે આંકડાની ખલેલ વિના અસ્ખલિત ચાલે છે. કોઈપણ વાર્તામાં કથાસંકલનની કે પાત્રવિધાનની કે કથનરીતિની વાત તો અંદર ડૂબકી મારીને ઉપર આવ્યા પછીની હોય છે, એટલે સૌથી પહેલો આનંદ તો નિમજ્જનનો ને અંદર સેલારા મારવાનો હોય – જો વાચક વાર્તા પૂરી થયા પહેલાં જ બહાર આવી ગયો તો વાર્તા ગઈ! (પૃ. ૩૭) વાચકને પરિભાષામાં ફંગોળવાને બદલે કોઈપણ રચનાની વિશેષતાને રજૂ કરવા સમીક્ષક પ્રવાહી ભાષાને ખપમાં લઈ સોંસરવી ગતિએ સર્જકકૌશલને પ્રગટ કરી આપે છે એ ઘણું નોંધપાત્ર છે. આ સમીક્ષાઓને અપાયેલાં શીર્ષકો પણ માર્મિક છે. જેમ કે ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સમીક્ષાશીર્ષક છે ‘વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી’. પછી લેખના આરંભમાં, ‘આજની અલ્પપ્રાણ અને નિષ્પ્રાણ કવિતાઓની ગિરદી’ વચ્ચે પોતાની કેડી પર ચાલનારા બે-ચાર સ-પ્રાણ કવિઓમાંના એક તરીકે ઉદયન ઠક્કરનો સર્જકવિશેષ લેખક ચીંધે છે. સમીક્ષાને અંતે લખે છે : ‘મને વિચાર આવે છે કે થોડાક સહૃદયો હોય ને એક સાપ્તાહિક આસ્વાદસભા હોય તો ઉદયનના આ સંગ્રહનું એકએક કાવ્ય લઈને નિરાંતે એકેએકના નકશીકામને ખોલતી વાત કરું એવી સક્ષમ ને સશક્ત કવિતા છે આ.’ (પૃ. ૫) સમીક્ષક સબળ કૃતિની વાત કેવી રીતેભાતે કરી શકે છે એનો આ નમૂનો છે. સંગ્રહની રચનાઓના છંદો તપાસવા સુધીનો ઉદ્યમ પણ આટલી ટૂંકી સમીક્ષામાં થવા પામ્યો છે. વાચકને સાથે લઈ ચાલવાની રીતિ પણ સમીક્ષાઓને ગતિ આપવામાં નિમિત્ત બનતી રહી છે. જેમ કે ‘કેવું લાગે છે આ કવિતામાંથી પસાર થતાં?’ (‘શાહીનું ટીપું’, રમણીક સોમેશ્વર), ‘તો, સંગ્રહમાં પ્રવેશીએ’ (‘ઝાકળનાં મોતી’, વજેસિંહ પારગી). સમીક્ષક ગુજરાતી ભાષાસાહિત્યના સંનિષ્ઠ અભ્યાસી છે. સંશોધન, સંપાદન અને વિવેચનમાં છ દાયકાથી નિસબતે જોડાયેલા રહ્યા છે, વળી ‘પ્રત્યક્ષ’ અને ‘સંચયન’ જેવાં સામયિકોના સંપાદનમાં એમણે જીવ રેડેલો હોવાથી સમીક્ષા કેવી હોવી જોઈએ એ એકથી વધારે વાર એમને કહેવાનું થયું છે. અગાઉ કરેલી સમીક્ષાઓ ઉપરાંત એમનું આ પુસ્તક પણ સમીક્ષા કરવા પ્રવૃત્ત થનારા નવસમીક્ષકોને માટે હાથપોથી બને એવું છે. આ સમીક્ષાઓમાં સાહિત્યવિષયક મહત્ત્વનાં તારણો સૂત્રાત્મક કથનો રૂપે આગળ તરી આવે છે એ એમના આજ સુધીના અભ્યાસનું પરિણામ છે, જેમ કે : – ‘કલ્પનપ્રધાન કવિતાના વૈભવમાં ક્યારેક, અજાણ્યેય એક ભયસ્થાન આવી જતું હોય છે. કેલીડોસ્કોપિક સીમિત વૈવિધ્ય અને બદ્ધ રહી જતાં આવર્તનો. – સંવેદનની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ જે વ્યક્ત થાય છે એ રચનારૂપ ન પામે તો એ નર્યો ઉદ્ગાર બની રહે છે.’ – વાંચતાંવાંચતાં પણ કાવ્ય સંભળાવું જોઈએ. આવાં વિધાનો સમીક્ષાને ફલક પરથી ઊંચકી લઈને નવો આયામ આપવામાં મદદરૂપ થાય છે. મોટાભાગની સમીક્ષા બે પાનમાં અને વધુમાં વધુ ત્રણ પાનમાં થયેલી હોવા છતાં અહીં કશું ચુકાતું નથી. સર્જકની કે રચનાની ખાસિયતોમાં ઊંડાણભરી ચર્ચાઓની સાથે, આ રચનાની પ્રસન્નતા આડે આવતી દીવાલોની ઓળખ પણ એ સારી પેઠે અને શબ્દો ચોર્યા વિના કરાવે છે. ‘કલાઐશ્વર્ય અને કલાસંહિતા’ (નિસર્ગ આહીર) પુસ્તકમાં ‘રાગમાલા – ચિત્ર, સંગીત અને કવિતાની ત્રિવેણી’ લેખમાં મુકાયેલાં સુંદર ચિત્રો, રાગવર્ણનો અંગે તેઓ આનંદ વ્યક્ત કરે છે, પણ અહીં મધ્યકાલીન કવિતાની પંક્તિઓ કવિનામો વિના નિર્દેશ પામી છે એ કારણે વાચકની જિજ્ઞાસા સહેજ અધૂરી રહી જતી એમને જણાઈ છે. વળી, ‘કવિતાનાં અપૂરતાં દૃષ્ટાંતોથી આ ત્રિવેણી અપર્યાપ્ત રહે છે’ એમ કહીને સુંદરમ્ અને રાજેન્દ્ર શાહનાં રાગિણીમાળાનાં ઉત્તમ કાવ્યોની પણ એ યાદ દેવડાવે છે. સાહિત્યના બહોળા પટના વાચનમનનથી આવા સંદર્ભો આવી શક્યા છે. ધ્વનિલ પારેખના ‘રંગતત્ત્વ’ નામના વિવેચન- પુસ્તકની વાત કરતાં ‘સમીક્ષાઓ સારી છે, પણ પરિચયાત્મક વધારે છે. એમના લેખોમાં જે ચિકિત્સક દૃષ્ટિ છે એ અહીં નથી’ એેવું વિધાન કર્યા પછી ‘આપણે ત્યાં વક્તવ્યલેખો હોય કે સામયિકોમાં પૂર્વે પ્રગટ થયેલા લેખો હોય, એને પુસ્તક કરવા ટાણે લેખકમિત્રો ફેરવાચનમાં કે સંમાર્જનમાં જતાં નથી કે છેલ્લા મુદ્રિત રૂપનું પ્રૂફ જોવાની જરૂર પણ જોતાં નથી એ કારણે વાચકોને અનેક છાપભૂલોનો સામનો કરવો પડે છે’ – આ નિરીક્ષણ સૌ લેખકમિત્રો માટે છે અને એ ઊંડી ભાષાનિસબતને પ્રકાશિત કરનારું છે. આવા દોષોને એમણે ઉદાહરણ આપીઆપીને રજૂ કરેલા હોવાથી એવાં મંતવ્યો સાધાર રહે છે અને સમીક્ષાને ધાર આપવામાં મદદરૂપ બને છે. ‘વિમર્શ’ વિભાગમાં છ દીર્ઘ અભ્યાસલેખોનો સમાવેશ થયો છે. સાહિત્યપરંપરાના જુદાજુદા છેડાને સ્પર્શ કરતા આ લેખો અભ્યાસીઓને તો બરાબર પણ સાહિત્યપ્રવેશ કરનારા કોઈ જિજ્ઞાસુ વિદ્યાર્થીને પણ રસ પડી જાય એવી પ્રસાદિકતાથી લખાયા છે. ‘મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય’ એ પ્રવેશક અભ્યાસલેખ આપણા મધ્યકાલીન સાહિત્યની રિદ્ધિસિદ્ધિનું દર્શન કરાવે છે. આ સાહિત્યના સમગ્ર સમયગાળાના કવિઓ અને એમની કાવ્યશક્તિના વિશેષો અહીં જોવા મળે છે. ધર્મ-સૂત્ર, સાંપ્રદાયિક ઉદારતા, સમ-ભાવ જેવા મુદ્દાઓને કારણે મધ્યકાળના આરંભથી ઊજળી થતી આવતી વાણીની પ્રસન્નતા અહીં પ્રગટ થઈ છે. ‘મધ્યકાલીન કવિતાનું આ ઐશ્વર્ય બંને અર્થમાં છે – ઈશ્વરપરાયણના અર્થમાં અને, ઐશ્વર્યમય વ્યાપ તથા ઊંડાણના અર્થમાં. એમ બંને રીતે એ સમૃદ્ધ છે’ એ વિધાન મધ્યકાલીન કૃતિ અને સર્જક જોડાજોડ તેઓ કરતા ગયા છે. મૂળ તો આ લેખ એમના ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ (૨૦૨૩) ગ્રંથની સંપાદકીય ભૂમિકારૂપ લખાયેલો છે એટલે અહીં મુદ્રિત કરતી વેળાએ લેખનું અંતિમ વિધાન ‘તો હવે, એ વિવિધ નાદવાળી ને શીતોષ્ણ પ્રવાહી મધ્યકાલીન કવિતા-સરિતામાં નિમજ્જન કરીએ!’ – એ અહીં વધારાનું, બલકે અપ્રસ્તુત બની જાય છે, કેમ કે અહીં કોઈ કવિતા-સરિતા નથી! એ જ રીતે પૂર્વે વ્યાખ્યાન રૂપે બોલાયેલાં લખાણોમાંથી સંબોધનો અને એવી વિગતો ગાળીચાળી નાખવી જોઈતી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભે જોવા મળતી વિરલ વિદ્યાનિષ્ઠા અને ભાષાનિષ્ઠાનો એક સુબદ્ધ ચિતાર આપતા લેખમાં દુર્ગારામ મહેતાજીથી લઈને સુધારક યુગના ચાલક બની રહેલા દલપતરામ-નર્મદે અને ઇચ્છારામ સૂર્યરામે કરેલાં ભવ્યોજ્જ્વલ કાર્યોની સમીક્ષા થઈ છે. એ સુધારકો તો ખરા જ, પણ એ સાથે એમણે ટાંચાં સાધનો છતાં, અનેક પડકારો વચ્ચે વિદ્યાતારને જીવંત રાખવાનો પુરુષાર્થ કર્યો એની ઝાંખી આ લેખની પ્રાપ્તિ છે. જો કે અહીં નવલરામનો સંદર્ભ છે પણ એ આછો અને ઓછો છે એમ કરસનદાસ મૂળજીને એમના લાયબલ કેસ કે ઇંગ્લૅન્ડ પ્રવાસ બાબતે અહીં યાદ કરી શકાયા હોત. આ લેખ વાંચતાં વાચકના ચિત્તમાં આજે આપણે ભાષાખેવના અને વિદ્યાનિષ્ઠામાં ક્યાં છીએ એ અંગે સતત તુલના થતી રહે છે. આરંભે લેખકે આપણી આજની સ્થિતિનું આકરું નિદાન કર્યું છે એ આ બાબતને દૃઢાવે છે. સાંસ્કૃતિક સંચલનોનો વિમર્શ, વિરલ વિદ્યાકાર્યો માટે અનિવાર્ય બનતો પુરુષાર્થ, સામયિકોની સામગ્રી, વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની મથામણો, ભાષાની લિખિત અને મુદ્રિતરૂપની શુદ્ધિનો આગ્રહ, જોડણીની એકવાક્યતા, અંધકારમાં રહેલા સમાજની કેળવણી જેવા સંખ્યાબંધ મુદ્દાઓ છતાં આ લેખ રસાળ શૈલીએ લખાયેલો હોવાથી સુગ્રથિત બન્યો છે. વિશિષ્ટ ગીતરચનાઓ થકી જેની કવિમુદ્રા બંધાવા પામી છે એવા કવિ માધવ રામાનુજની સમગ્ર કવિતાની ચર્ચા કરતા લેખમાં પણ લેખકે કાવ્યસ્વરૂપોના બંધિયાર ખાનાંમાં જવાને બદલે કવિવિશેષ પર રહીને ચર્ચાને જીવંત રાખી છે. કવિને સાધ્ય એવો લય, શબ્દસહજતા, કલ્પનો અને છંદસિદ્ધિ સાથે ગીતકવિતા ઉપરાંત અન્ય સ્વરૂપોમાં જોવા મળતી પ્રાસાદિકતાની ચર્ચા ઉદાહરણો સાથેે કરવામાં આવી છે. કેટલાંક મનોહર કાવ્યોનો આસ્વાદ આપવા સુધી તેઓ ગયા છે. અને ‘અનહદના એકાંત’ જેવા સંગ્રહમાં દેખાતી મર્યાદાઓને એમણે ઠાવકી ભાષામાં સૂચવી પણ દીધી છે! આ વિભાગમાં ‘વ્યવહાર ભાષાનાં ઉચ્ચારણો અને છંદનો ઉચ્ચારણ લય’ લેખ ઘણો જુદો પડી જાય છે. ગુજરાતી ‘અ’ના લેખન અને ઉચ્ચારણની વિલક્ષણતા, અક્ષરમેળ છંદોનું લેખન-પઠન અને શ્રવણ જેવા મુદ્દાઓની વિગતસભર આવી ચર્ચા કરી શકનારા અભ્યાસીઓ આપણે ત્યાં બહુ ઓછા છે. છંદોબદ્ધ કાવ્યોમાં આવી જતાં લયનાં વ્યવધાનો, શ્રુતિ સંવાદના પ્રશ્નો જેવા ભારઝલ્લા વિષયને ઉદાહરણો આપતા જઈને અને શક્ય એટલી પરિભાષાને હળવી કરતાં જઈને નોંધ્યા છે એથી છંદોનો આ અભ્યાસ રૂઢિગત લાગવાને બદલે છંદોની લાક્ષણિકતાઓને પ્રગટ કરતો લાગે છે. છંદની વિશિષ્ટ આલેખરેખાને પ્રમાણતો આ લેખ છંદ-અભ્યાસનો બહુ મહત્ત્વનો લેખ છે. ‘અનુવાદ, અનુવાદક અને વાચક’ લેખમાં અનુવાદનાં રૂપો વિશેની પ્રારંભિક ચર્ચામાં અનુવાદની વિભાવના અને પરંપરાની ઝાંખી આપતાં વિવેચક આપણા પહેલા અનુવાદક ભાલણને સ્મરે છે. અનુવાદો એ કોઈપણ ભાષાની સાહિત્યસંપદાનો જ એક ભાગ હોય છે જે સાહિત્યજગતને સમૃદ્ધ કરે છે એવી સ્થાપના કરીને અનુવાદનું મહત્ત્વ એમણે આંકી આપ્યું છે. અનુવાદકની સજ્જતા, અનુવાદની પ્રક્રિયા, અનુવાદનું કાર્ય જેવા મહત્ત્વના અંશોની ચર્ચા વેળાએ અનુવાદકની જવાબદારીને એમણે આગળ કરી છે. અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ એમ કહીને વાચકની સજ્જતા પર ભાર મુકાયો છે. આ લેખ અનુવાદક્ષેત્રનો એક મહત્ત્વનો સંદર્ભલેખ બને છે. આ પુસ્તકનો અંતિમ લેખ વિવેચક-સંપાદક-સંશોધક-અનુવાદક લેખે જાતપ્રવાસની અને જાતે ઊભાં કરેલાં ધોરણોના આગ્રહની કેફિયતરૂપ છે. વાચક આ આનંદયાત્રાનો ભાગીદાર બનતો ચાલે છે. વિદ્યાતપની આ ખેપને એમણે ‘પરસેવા પર પવનની લહેરખી’ એવું શીર્ષક આપીને પ્રગટ કરી છે જેમાં આનંદ અને ધન્યતાનો ભાવ પ્રગટ થયો છે. વળી એમાં આપણી સાંપ્રત સાહિત્યસ્થિતિ વિશેની ચિંતાના તંતુ પણ વણાતા ચાલ્યા છે. કોઈપણ સાહિત્યરસિકને સ્પર્શી જાય અને પ્રેરકતા જન્માવે એવું આ લેખનું રૂપ બંધાવા પામ્યું છે. વિવેચન-પ્રવૃત્તિ વિશે એમનો એક સરસ દૃષ્ટિકોણ અહીં મુકાયો છે – ‘હું માનું છું કે વિવેચન બીબાઢાળ કે એકસૂરીલું કે નર્યું પાંડિત્યપરસ્ત(એકેડેમિક) ન જ હોવું જોઈએ’ લેખકનો આ સ્પષ્ટ મત પુસ્તકનાં પાનેપાને ચરિતાર્થ થયેલો જોઈ શકાય છે. આ પુસ્તકની કોઈપણ સમીક્ષા વાંચો કે અભ્યાસલેખને જુઓ, એમાં અભિવ્યક્તિની પારદર્શકતા, માર્મિકતા અને સ્પષ્ટ નિરીક્ષણો સાંપડશે. એ એમની પ્રબળ સાહિત્યખેવનાનાં નિદર્શક બની રહે છે. એ રીતે પણ આ પુસ્તક તરફ આપણું ધ્યાન ખેંચે છે. સુઘડ અને આકર્ષક મુદ્રણ, પ્રત્યેક સમીક્ષા સાથે મુકાયેલી પુસ્તકની તસવીર, પુસ્તકની સંપૂર્ણ વિગતો અને અંતે આપેલી સૂચિને કારણે પણ આ પુસ્તક શાસ્ત્રીય અને વાંચવું ગમે એવું બન્યું છે.
[ઝેન ઓપસ, અમદાવાદ]