બે હજાર ચોવીસ સમક્ષ/પાણીનો અવાજ – રાજેશ અંતાણી
ટૂંકી વાર્તા
નિરુપમ છાયા
ખળખળ વહેતાં, ક્યાંક અવરોધાતાં ‘પાણીનો અવાજ’
રાજેશ અંતાણીએ લેખનકાર્ય તો કૉલેજકાળથી શરૂ કરેલું. એ કાળથી જ વિવિધ સામયિકોમાં એમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. અને તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પડાવ’ ૧૯૮૨માં પ્રગટ થયો. આમ સર્જનક્ષેત્રે એમનો પ્રવેશ ૧૯૮૨થી યે પહેલાં થઈ ચૂક્યો હતો. એટલે એવું કહી શકાય કે ગુજરાતી સાહિત્યના આધુનિક કાળમાં સર્જક તરીકે એમનો ઉદય થયો અને અનુ-આધુનિકકાળમાં તેમનો વિકાસ થયો. એથી જ એમના સર્જનમાં અનુઆધુનિક કાળનો પ્રભાવ વિશેષ જણાય છે. ધીરેન્દ્ર મહેતાએ એક પરિસંવાદ(૧૯૮૩)માં ગુજરાતી સાહિત્યમાં ‘કચ્છના સર્જકોનું પ્રદાન’ વિષય પર આપેલા વક્તવ્યમાં કહ્યું હતું, ‘(કચ્છના કેટલાક) સશક્ત લેખકો પણ ડૉ. જયંત ખત્રીના પ્રભાવ હેઠળ જ લેખન શરૂ કરી શક્યા છે. અને છતાં એમને વિકસવામાં કશો વાંધો આવ્યો નથી... વીનેશ અને રાજેશ આમાં એકદમ જુદા તરી આવે છે. એમની વાર્તાઓની ઇમારતનું અનુસંધાન ડૉ. જયંત ખત્રીની વાર્તાકલા સાથે નથી, પરંતુ સાતમા- આઠમા દાયકાની ગુજરાતી નવલિકાની કલા સાથે છે. જો કે એમણે નમૂના દાખલ જ આ પ્રકારની વાર્તાઓ લખી છે, અત્યાર સુધી તો.’ અત્યારસુધી આ સર્જકના છ વાર્તાસંગ્રહો અને નવ નવલકથાઓ પ્રસિદ્ધ થયાં છે. ‘પાણીનો અવાજ’ તેમનો છઠ્ઠો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહમાં ૧૪ વાર્તાઓ છે. વાર્તાઓમાં જોવા મળતું વિષયવૈવિધ્ય દર્શાવે છે કે લેખકે ઊંડી સંવેદનાપૂર્વક સૂક્ષ્મ નિરીક્ષણ કરી, આસપાસની ગતિવિધિઓ અને આંદોલનોને ઝીલ્યાં છે. લેખકે આ વાર્તાઓમાં પારિવારિક સંબંધો, પરિવાર સિવાય પણ સહજપણે ગાઢ રીતે કેળવાતા સંબંધો, દામ્પત્ય, લગ્નેતર સંબંધો જેવા વિષયો આલેખ્યા છે. એ ઉપરાંત માનસશાસ્ત્રીય સમસ્યાને કેન્દ્રમાં રાખીને સર્જેલી વાર્તા પણ અહીં મળે છે. પહેલી કૃતિ ‘વિયોગ’માં પારિવારિક સંબંધોની વાત છે. નોકરીને કારણે પરિવારથી દૂર રહેતો હોવાથી હેમંત પુત્ર માટે આગંતુક બની રહે છે. સંબંધોમાં પણ શુષ્કતા આવી જાય છે. જો કે પત્ની શોભનાનાં પ્રેમ-લાગણી, ઉમળકો સતત વધતાં રહે છે. નિવૃત્તિ પછી હેમંતને પરિવાર સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પુત્ર વિદેશ સ્થિર થાય છે. પુત્રનાં લગ્ન થાય છે. એ દાદાદાદી બનવાનાં છે એ સમાચાર મળે છે, પણ દીકરો મા-ને – શોભનાને જ અમેરિકા આવવા કહે છે. ‘પપ્પા નહીં.’ શોભના હેમંતને બધી વાત કરે છે. ત્યારે હેમંતને થાય છે, ‘જિંદગીનાં વીતી ગયેલાં વરસો હું વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી ...વિયોગ સહન કરી શકીશ કે કેમ?’ એક રાત્રે આદિત્ય સાથે વાત થઈ કે નહીં એવું હેમંત પૂછે છે, ત્યારે શોભના હેમંતના ઉદાસ ચહેરાને જોઈ રહે છે. હેમંતને ફોનની વાત કરીને તરત જ પુત્રને કહી દે છે, ‘...હું હવે આવવા માગતી નથી.’ પતિ માટે ઊંડો પ્રેમ હોવાથી પતિને પોતાનો વિયોગ સહન કરવો પડે એવું શોભના નથી ઇચ્છતી પણ પ્રચ્છન્નપણે એવુંયે લાગે કે પુત્ર સાથેના ભાવશૂન્ય સંબંધને કારણે હેમંતને થતા વિયોગના અનુભવમાં પોતાના માટેના વિયોગનો ઉમેરો કરવા નથી ઇચ્છતી એવું તો ન હોય ને? શોભનાનો મનોભાવ સર્જકે સુંદર અને પ્રતીકાત્મક રીતે પ્રગટ કર્યો છે, ‘ઘરના મુખ્ય દરવાજા વચ્ચે અવકાશ દેખાયો.’ કૃતિ સળંગ સંતર્પક બની રહે છે. ‘હાથની કેટલીક રેખાઓ’માં એવી જ પરિવારભાવના જોવા મળે છે. પુત્રનાં લગ્ન થયાં અને પિતા નિવૃત્ત થયા પછી ધીરેધીરે એક અંતરની રેખા ખેંચાતી ગઈ. માતાપિતા માટે ઘરની હદ નક્કી થઈ જાય છે. એ હદને એ ઓળંગી શકતાં નથી. એટલે સુધી કે વહાલી પૌત્રી ઈરાને જોવા છોકરો આવે છે ત્યારે પણ નહીં. પણ ઈરા દાદાને પોતે પસંદ કરેલા છોકરાની વાત કરે છે ત્યારે દાદા ઘરમાં નક્કી થયેલી હદ ઓળંગી પુત્રવધૂને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. પરિવારને જોડી રાખતા તત્ત્વ ‘પ્રેમ’નો મહિમા કલાત્મક રીતે પ્રતિષ્ઠિત થાય છે. પરિવાર સિવાય અન્ય કોઈ રીતે ગાઢ થયેલા સંબંધો વાર્તા ‘સ્થળાંતર’ અને ‘વાસણાવાળો ફ્લેટ’માં કેન્દ્રસ્થાને છે. પાસેપાસે રહેતાં હોવાને કારણે ઘનિષ્ઠ થયેલા સંબંધો વર્ષો પછી પણ પાછલી જિંદગીને નડતી સમસ્યામાં જીવનને સરળ બનાવવા માર્ગ કાઢી આપે છે. આ રીતે માનવસંબંધોના માધુર્યને આ વાર્તાઓ ઉજાગર કરે છે. ‘સ્થળાંતર’માં વિદેશ સ્થાયી થયેલા પુત્ર-પુત્રવધૂ સાથે રહેવું અનુકૂળ નથી અને પુત્રની ઇચ્છા પ્રમાણે વૃદ્ધાશ્રમમાં જવું નથી એ સ્થિતિમાં વૃદ્ધ દંપતીને વર્ષો જૂના પડોશીની દીકરી મળવા આવે છે અને પોતાની સાથે રહેવા આવવા આગ્રહ કરે છે. એનો આટલો સ્નેહ એમની આંખો ભીંજવી દે છે. કોઈ ઘટનાને કારણે ઊભી થયેલી મનઃસ્થિતિ અને તેના નિવારણની વાત કરતી બે વાર્તા છે. એક વાર્તા ‘વેશપલટો’માં ચિંતાના કોઈ ને કોઈ કારણથી ચિંતાગ્રસ્ત સીમાને ક્યાંય ફાવતું નથી. અચાનક પતિનો સાઈકિયાટ્રીસ્ટ મિત્ર આવે છે અને વાતવાતમાં એને મિત્રની પત્નીની સમસ્યાનો ખ્યાલ આવે છે. એ કાઉન્સેલીંગ કરે છે, ઉકેલ પણ શોધે છે અને સીમા સહજ થઈ જાય છે. એ જ રીતે બીજી વાર્તા ‘ખાલી મેદાનમાં પડઘા’ એક પ્રિન્સીપાલ અચાનક નિવૃત્ત થઈ જાય છે અને અતડા રહે છે એમની આ મનઃસ્થિતિ પણ મનોચિકિત્સક સાથે કોઈ રીતે મળવાનું થતાં જ ઉકેલાઈ જાય છે અને હળવા બની જાય છે. સામાન્યતામાં સરી પડતી આ વાર્તાઓ ભાવકના ચિત્ત પર કોઈ પ્રભાવ પાડી શકતી નથી. ‘માલવિકા-અગ્નિમિત્ર’ દામ્પત્યજીવનમાં રહેલા અંતરને દૂર કરવા સમર્પણભાવ-સભર નિષ્ઠાની પ્રતિષ્ઠા કરે છે. બહારથી સખત દેખાતા પોતામાં જ ડૂબેલા રહેતા પતિની રુક્ષતાને ઓગાળી દેતા પત્નીના નિર્વ્યાજ પ્રેમનું કલાત્મક ચિત્રણ આ વાર્તામાં થયું છે. પ્રસંગો, ઘટનાઓ, બધું જ આ ચિત્રણને સુસ્પષ્ટ કરે છે. અંતે અગ્નિમિત્રના પ્રેમની અભિવ્યક્તિ પણ વાર્તાને એક ઊંચાઈ પર લઈ જાય છે. આ સંગ્રહમાં લગ્નેતર સંબંધોની બે વાર્તાઓ મળે છે. ‘ફ્લાઇટ’ અને ‘ધીમી ધારે વરસાદ’. પત્ની દીકરાને ત્યાં પ્રસંગ માટે જાય છે. એ ઍરપોર્ટ ગયા પછી પતિ એકલો પડે છે અને એ પોતાની કંપનીમાં કામ કરતી નિકટ આવેલી ઉષ્માને ફોન કરે છે. ઉષ્મા હજુ આવી નથી ત્યાં ફ્લાઇટ કેન્સલ થઈ છે એટલે ઘરે આવવા નીકળતી હોવાનો પત્નીનો ફોન આવે છે. પતિ ઉષ્માને ફોન કરે છે. એ ઉપાડતી નથી. પતિ દ્વિધામાં. સદંતર સપાટ, અસ્પષ્ટ, ભાવક માટે પ્રશ્નો ઊભા કરતી કૃતિ. સ્ત્રીપુરુષના પ્રણયસંબંધો સર્જકોને વાર્તા માટે પ્રિય કહી શકાય તેવો વિષય છે. આ વાર્તાસંગ્રહમાં ‘ગજણ’, ‘લીલો સંબંધ’ ‘ધડકી’, ‘પાણીનો અવાજ’ વગેરે આ વિષયકેન્દ્રી વાર્તાઓ છે. કૉલેજમાં જતી પૂનમ એના ગામમાં અવારનવાર આવતા અજયને જુએ છે અને આકર્ષાય છે. બંને મળતાં રહે છે પણ માતાપિતાને પસંદ નથી. બંનેની મુલાકાતો અટકી જાય છે. અચાનક જ એક દિવસ વરસતા વરસાદ વચ્ચે પૂનમને તેની સખી બહાર ફરવા લઈ જાય છે અને ગામમાં આવેલી બસમાં અજય મળે છે. ગામમાં રહેતાં અજયનાં ફોઈએ પૂનમનાં માતાપિતાને સમજાવી દીધાં હોય છે અને સંબંધ સ્વીકાર્ય બને છે. સમગ્ર રીતે વાર્તા સરેરાશ બની રહે છે. ‘લીલો સંબંધ’માં વીતેલા સમયનાં પ્રેમીજનો વર્ષો પછી મળે છે. સંબંધ લીલો જ છે. પણ ફરી છૂટાં પડવું પડે છે. અપેક્ષા જગાવતા ઉઘાડ પછી આ વાર્તામાં પણ કોઈ વિશેષતા મળતી નથી. અંતિમ વાર્તા ‘પાણીનો અવાજ’ વિશે પણ એવું જ થાય છે. મૃત્યુ પામેલા પતિની યાદમાં ઝૂરતી સ્ત્રીને અચાનક એક પુરુષને જોતાં જુદી જ લાગણી થાય છે. પુરુષ પણ એ સ્ત્રી તરફ ખેંચાણ અનુભવે છે. ટેન્કરમાંથી વછૂટતાં, ધક્કા સાથે બહાર પડતાં પાણીના અવાજનું પ્રતીક સ્થૂળ ઘટના જ રહી જાય છે. વાર્તાતત્ત્વને એ ઘટ્ટ બનાવી શકતું નથી. ભૂકંપ, ટેન્કર, કોઈ પ્રદેશવિશેષની ઓળખ બનવાને બદલે વાર્તામાં ઘટનાના ઉલ્લેખ પૂરતાં સીમિત રહી જાય છે. પરંતુ વાર્તા ‘ધડકી’ અનોખા રંગ અને તાણાવાણા સાથે ગૂંથાઈ છે. આ વાર્તામાં લય પણ પૂરો જળવાયો છે. સ્ત્રી જેને ઝંખે છે, જેને માટે પ્રેમપૂર્વક ધડકી બનાવે છે, એ પુરુષને પામી શકતી નથી. જેને પરણી છે એ પુરુષત્વહીન છે અને થોડાં વર્ષોમાં આપઘાત કરી લે છે. પણ સ્ત્રી તો ધડકી બનાવતી રહી, કપડાંના વેતરેલા રંગીન ટુકડાઓથી ભરતી રહી. એમ ઝંખેલા પુરુષના પ્રેમને જીવંત રાખે છે. ધડકી હૂંફનાં, હૃદયમાં ઊછળતા પ્રેમના રંગોના પ્રતીકરૂપે વાર્તાનું ચેતનવંતુ કેન્દ્રીય તત્ત્વ બની રહે છે. વાર્તાના સંવાદો અને ભાષા વાતાવરણના નિર્માણમાં મહત્ત્વનાં બની રહે છે. ‘પાણીનો અવાજ’ સંગ્રહની અમુક વાર્તાઓને બાદ કરતાં બહુધા એટલી સંતોષકારક બની શકતી નથી. કેટલાંક લક્ષણો જેમ કે ‘...સુચિત્રા બહાર આવી’, ‘પૂનમ સફાળી જાગી ગઈ’, ‘વરસાદ રોકાઈ ગયો’ જેવાં ગત્યાત્મક કે ચિત્રાત્મક ટૂંકાં વાક્યોથી પ્રારંભ, ફ્લેશબૅક ટેક્નિક, આસપાસનાં દૃશ્યો, પ્રકૃતિ વગેરેનું વર્ણન. ક્યારેક એનો પ્રતીક તરીકે ઉપયોગ, વગેરે દ્વારા નવી વાર્તાનું સ્વરૂપ જોવા મળે છે ખરું; વિષયવસ્તુના વૈવિધ્યને પણ એમાં ગણાવી શકાય. વાર્તાના પ્રારંભમાં થોડું આકર્ષણ થાય પરંતુ વાર્તાતત્ત્વનો વિકાસ એ અહીં મોટી સમસ્યા બની રહે છે. મોટાભાગની વાર્તાઓમાં વાતાવરણ, વર્ણનો, કથાકથન ઘણાં સામાન્ય બની રહે છે. ઊંડાણ આવી શકતું નથી. વાર્તાની માવજત થતાંથતાં રહી જતી હોય એવું લાગે. એને કારણે જે રસ ઘૂંટાવો જોઈએ એનો અભાવ રહે છે. પરિણામે વાર્તા પ્રાણવાન બની શકતી નથી. વાર્તાનું મહત્ત્વનું તત્ત્વ ‘વાર્તાક્ષણ’ સર્જાતું નથી. ક્યાંકક્યાંક દેખાતા મુદ્રણ કે ભાષાના દોષ પણ ટાળી શકાયા હોત. જેમ કે, ‘જયાએ બાજુમાં પડેલા સ્ટૂલને નજીક ખેંચી લીધી.’ (પૃ. ૭૦) ‘જયાના બાપુજી ભૂકંપ પછી ઘરને પાયામાંથી ઊંચકાવીને ફરી ઊભું કરાવ્યું.’ (પૃ. ૭૦) ‘વ્હોટ હેપન... (પૃ. ૨૬) [કે હેપન્ડ?], ‘ભાભી, અત્યારે હું અમિતનો મિત્ર નથી. પણ તમે સાઈકિયાટ્રીસ્ટ છું.’ (પૃ. ૨૭) આ સર્જકે અગાઉ આપેલી ઉદાહરણરૂપ બની શકે એવી વાર્તાઓનો અહીં અભાવ છે. વિષયવૈવિધ્ય હોવા છતાં એનો વ્યાપ મર્યાદિત રહે છે. સાંપ્રત સમયના ઘણા નવા પ્રશ્નો, સંબંધોની સંકુલતા, ભૌતિકતા પાછળની દોટ વગેરે જેવા ઘણા મુદ્દા વાર્તાના વિષયો બની શકે. આ બધું છતાં. આ સંગ્રહ અપેક્ષાઓ તો જગાવે જ છે. અમૃત વર્ષમાં પ્રવેશેલા સર્જક, સંજીવની પ્રાપ્ત કરી, અગાઉ આપેલી વાર્તાઓથી પણ અધિક બળકટ કૃતિઓ આપે એની રાહ જોઈએ.
[આર. આર. શેઠ, મુંબઈ-અમદાવાદ]