બે હજાર ચોવીસ સમક્ષ/રૂહ – માનવ કૌલ, અનુ. વિરાજ દેસાઈ

નવલકથા-અનુવાદ

‘રૂહ’ : માનવ કૌલ, અનુ. વિરાજ દેસાઈ

વીનેશ અંતાણી

કાશ્મીરના આત્માની ખોજ

માનવ કૌલ ‘રૂહ’ની પ્રસ્તાવનામાં કહે છે : ‘આ એ પુસ્તક છે જે મારે કદીય લખવું નહોતું. હું એ વાતથી પૂરેપૂરો વાકેફ હતો કે હું ખરેખર આ લખી રહ્યો નહોતો. આ પુસ્તકના લેખનની પ્રક્રિયા એક માયાજાળ સમાન હતી – હું કો’ક મુસાફરીમાં રહેલ એક પ્રવાસી હતો કે જે પ્રવાસના મારા અનુભવોની નોંધ કરી રહ્યો હતો.’ (પૃ. ૮) આગળ જતાં લખે છે – ‘આ એ એક એવી કાલ્પનિક દુનિયા છે કે જેમાં એક લેખક પોતાની જાતને પ્રવાસ કરતાં જુએ છે – એવો પ્રવાસ કે જે મોટેભાગે આંતરિક છે, એક એવા પ્રવાસીનો પ્રવાસ કે જે પોતાનાં બાળપણનાં જીવંત ચિત્રો એકઠાં કરવા મથી રહ્યો છે.’ (પૃ. ૯) ‘રૂહ’નો હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થયો પછી માનવ કૌલે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં જણાવ્યું હતું કે એ બીજાં સ્થળોનો પ્રવાસ કરતા હતા, પરંતુ જન્મસ્થળ કાશ્મીરની જાણે અવગણના કરતા હતા. એક દિવસ એમણે કાશ્મીર જવાનું નક્કી કર્યું. પ્રવાસ શરૂ કર્યો ત્યારે એમના મગજમાં ઘણી બાબતો સ્પષ્ટ નહોતી. કાશ્મીર છોડ્યું ત્યારે એમની ઉંમર નાની હતી, પરંતુ ત્યાં ગયા પછી એમને ઘણું યાદ આવવા લાગ્યું. જૂનાં દૃશ્યો ચિત્તમાં ઝબૂકી જતાં ત્યારે એ માતાને ફોન કરીને પૂછતા. માનવ કૌલે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે : ‘સારું થયું કે મેં એ પ્રવાસ કર્યો અને એક પુસ્તક લખી શકું એટલી બધી માહિતી મળી.’ ‘રૂહ’નો એક ઉદ્દેશ વાચકો સુધી કાશ્મીરની સુગંધ પહોંચાડવાનો છે. માનવ કૌલે નાનપણમાં જોયેલા કાશ્મીર અને હવે બદલાયેલા કાશ્મીરની સુગંધ અલગ છે. એમણે તે બે સમયની સુંગધોની વચ્ચે વાસ્તવની ભૂમિ પર ઊભા રહી કલ્પનાગંધી પ્રવાસકથા આપી છે. ‘રૂહ’ પ્રવાસકથારૂપે આત્મકથનાત્મક નવલકથા છે. લેખક પોતે જ નવલકથાનો કથક છે. એ વતનમાંથી ઉચ્છેદાઈ જવાની કેવળ અંગત પીડાનું બયાન કરતો નથી. કાશ્મીરમાં બનેલી અનેક ઘટનાઓને પણ નિરૂપે છે. કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા પંડિતો અને ત્યાં જ રહેતા લોકોના વીતકોનું સામૂહિક ચિત્ર આ નવલકથામાં મળે છે. કાશ્મીરી પંડિતો વિરુદ્ધ ફાટી નીકળેલા આતંકવાદને કારણે એમણે વતન છોડી પોતાના જ દેશમાં શરણાર્થીઓની જેમ રહેવું પડ્યું, તો કાશ્મીરમાં જ રહેતા લોકોએ પણ ઘણું વેઠવું પડ્યું છે. કથક કોઈનો કે કશાયનો પક્ષ લેતો નથી. એને બધાંમાં રહેલી અધૂરપનો ખ્યાલ આવતો જાય છે, ‘રૂહ’માં ‘અમે’ કે ‘તેઓ’ જેવા ભેદ નથી. બધાં જ પરિસ્થિતિનાં ભોગ બન્યાં છે એ પ્રકારનું આલેખન છે. લેખક આ કથામાં શું કરવા માગતા નથી તે વિશે સ્પષ્ટ છે – ‘જો તમે આ પુસ્તક કાશ્મીરના રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક અને કોમી મુદ્દાઓને સમજવા માટે વાંચી રહ્યા હો તો તમને નિરાશા સાંપડશે.’ (પૃ. ૩૦) તેમ છતાં એમાં કાશ્મીરની ડહોળાયેલી પરિસ્થિતિના મૂળમાં રહેલાં કેટલાંક ઐતિહાસિક કારણોની વિગતો જાણવા મળે છે. પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું એ પાછળ આતંકવાદી હુમલા મોટું કારણ છે, પરંતુ એમના પ્રત્યેના દ્વેષ માટે કેટલાંક સામાજિક કારણો પણ કથકને દેખાયાં છે. એક વૃદ્ધ કાશ્મીરી પંડિત કથકને કહે છે – ‘આપણે અસંવેદનશીલ હતાં. મુસ્લિમ દૂધવાળો ઘરે દૂધ આપવા આવે ત્યારે એનું વાસણ આપણા વાસણને અડકવું ન જોઈએ. ઘરમાં મુસ્લિમ નોકર હોય તો તે રસોડામાં ન પ્રવેશી શકે. જો એક ટાંગામાં પંડિત પહેલેથી બેઠો હોય તો એક મુસ્લિમ તેની બાજુમાં ન બેસી શકે.’ (પૃ. ૧૪૬) કથક એના જૂના અને નવા મિત્રો, પરિચિતો અને અજાણ્યા લોકોને મળે છે. એમની સાથેની વાતચીતો અને પોતાના અનુભવો નોંધતો રહે છે. એમાંથી એના દૃષ્ટિકોણમાં સમગ્ર પરિસ્થિતિ વિશે એક પ્રકારની તટસ્થતા કેળવાતી જાય છે. કાશ્મીરનાં વિવિધ સ્થળોની મુલાકાત અને સ્થાનિક લોકોના અનુભવો જાણ્યા પછી કથકનું તારણ છે – ‘આ મારું કાશ્મીર નથી. આ કોઈનુંય કાશ્મીર નથી. આ ફક્ત કાશ્મીર છે કે જેનું અસ્તિત્વ તેના જાજરમાન કુદરતી સૌંદર્ય થકી છે પરંતુ એમાં માનવતાનો કોઈ અંશ નથી.’(પૃ.૧૬૨) એક સંવેદનશીલ કથકને સમજાયેલું આ સત્ય હૃદય-વિદારક અને વાસ્તવિક છે. કૃતિનું કેન્દ્ર પણ એમાં છે. એ કારણે ‘રૂહ’ વિશિષ્ટ નવલકથા બની છે. કાશ્મીર છોડીને માનવ કૌલનો પરિવાર મધ્ય પ્રદેશના હોશંગાબાદ શહેરમાં રહેવા આવ્યો. તે સમય એમના માટે અત્યંત વિકટ હતો. બાળપણનું ઘર અને ત્યાંનાં મિત્રો ભૂલી શકાતાં નહોતાં અને નવી જગ્યામાં એમને કોઈ સ્વીકારતું નહોતું. ‘અમે અહીં બહારનાં જ હતાં. અમને સંબોધીને બોલાતાં તેમનાં બધાં વાક્યો ‘બિચારાં’ શબ્દથી જ શરૂ થતાં. મને ખૂબ નાની ઉંમરે એ સમજાઈ ગયું હતું કે હું ક્યાંયનો નથી.’ (પૃ, ૬૧) મોટા થયા પછી પણ એ બીજા લોકો માટે બહારની જ વ્યક્તિ રહે છે. ઓળખ ગુમાવી દેવાની કટોકટી ‘રૂહ’માં પ્રતિબિંબિત થઈ છે. કાશ્મીરની ચા, કાહવા, વાનગીઓ, પોશાક, ભાષા, લગ્નની રીતરસમો વગેરેની સાથે ચૌદમી સદીની કાશ્મીરી સંત કવયિત્રી લાલ દેદની કાવ્યપંક્તિઓના ઉલ્લેખો દ્વારા કથક એનાં મૂળ શોધવાનો પ્રયાસ કરે છે. કથકના પિતા પોતાની કાશ્મીરી ઓળખ ક્યારેય ભૂલ્યા નહોતા. વિસ્થાપિત થયા પછી એમણે કાશ્મીરને પોતાની ભીતર ભરી દીધું હતું અને ઘણાં વર્ષો સુધી કાશ્મીર પાછા ફરવાની આશા છોડી નહોતી. એમણે હોશંગાબાદના ઘરમાં જૂના કાગળો, સરકારી-બિનસરકારી દસ્તાવેજો તાળું મારેલા કબાટમાં સાચવી રાખ્યા હતા, એમના માટે એ બધું પોતે કાશ્મીરી છે એના પુરાવા હતા. વતનમાં પાછા ફરવાનું સ્વપ્ન ભંગ થતું લાગ્યું ત્યારે એમણે કાશ્મીરની યાદ અપાવે એવું બધું જ હંમેશને માટે કબાટમાં બંધ કરી નાખ્યું. ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કર્યું. કથક પિતાની આ વેદનાનો સાક્ષી હતો. પરંતુ એને સમજી શકતો નહોતો. એને લાગતું કે પિતાનું કાશ્મીર અને એનું કાશ્મીર અલગ છે. વતન કાશ્મીર વિષે પંડિતોની બે પેઢીમાં આવી ગયેલા અંતરનું કારણ આપતાં કહે છે : ‘પંડિતોની નવી પેઢીએ જે કંઈ પણ બન્યું તેના વિશે ફક્ત સાંભળ્યું જ છે, જેમને ખરેખર અનુભવો થયા છે તેઓ કાં તો ખૂબ વૃદ્ધ છે અથવા તો મૃત્યુ પામ્યા છે.’ (પૃ. ૮૭) પ્રવાસ દરમિયાન કથક કાશ્મીરને પિતાની નજરે જોવા લાગે છે અને કાશ્મીરના બધા વૃદ્ધો એને પિતા જેવા લાગે છે. પિતા અને કાશ્મીર એકમેકના પર્યાય બની જાય છે. પિતાએ પોતાનું કાશ્મીર ક્યાંક દાટી દીધું હતું પરંતુ કથકે તો એને કચડવાનું શરૂ કરી દીધું હતું. કદાચ એ કારણે એ કાશ્મીરની મુલાકાતે જવાનું ટાળે છે. તેમ છતાં એની બેચેની સતત અકળાવે છે. ‘હું કોઈ પણ જગ્યાએ લાંબા સમય સુધી શાંતિથી બેસી શકતો નહોતો... મને સતત લાગતું હતું કે મારે કશુંક કરવાનું છે, કો’કને મળવા જવાનું છે, પરંતુ મને કશુંય યાદ આવતું નહોતું. જો મારા પિતાજી જીવિત હોત તો એમને ફોન કરીને પૂછત કે આપણે ક્યારે કાશ્મીર પાછાં ફરીશું?’ (પૃ. ૨૧) જોકે પિતા જીવિત હતા ત્યારે એમણે પુત્રના એ પ્રશ્નનો જવાબ આપવાનું હંમેશાં ટાળ્યું હતું. કૃતિ ભૂતકાળ અને વર્તમાનમાં સમાંતર ચાલે છે. પ્રવાસમાં કશુંક અલગ બને કે કશુંક નવું દેખાય તે સાથે કથક ભૂતકાળમાં સરી પડે છે. વર્તમાન પ્રવાસ પહેલાંના પ્રવાસમાં રૂહ નામની યુવતી એની સાથે કાશ્મીર આવી હતી. વર્તમાન પ્રવાસમાં રૂહાની મળે છે. રૂહાનીની હાજરી કથકને રૂહની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. નાયકના વીતેલા જીવનમાં એ બંને યુવતીઓનું સ્થાન નહોતું અને ભવિષ્યમાં પણ એવું કશુંક બને એવી શક્યતા નથી. તેમ છતાં બંને સ્ત્રીઓ નવલકથામાં મહત્ત્વનાં પાત્રો છે. એમની સાથેની વાતચીતમાં કથકનું આંતર્‌-મન ઊઘડે છે. બંનેના નામનો અર્થ એકસરખો છે. રૂહ અને રૂહાનીને કાશ્મીરના આત્માના અર્થમાં જોઈએ તો સ્વયં કાશ્મીર એમના માધ્યમથી કથક સમક્ષ પોતાનું અંતર ખોલતું હોય એવું અર્થઘટન કરી શકાય. કથક એના બાળપણના ગામમાં જવાનું છેલ્લે સુધી ટાળે છે, પછી જાય છે ત્યારે બધું નાશ પામ્યું છે. સ્મૃતિમાં સાચવી રાખેલા નાનપણના ઘરનો ‘વાદળી દરવાજો, સફેદ દીવાલો’ જેવું કશું રહ્યું નથી. ચારે તરફ મોટાંમોટાં બુલડોઝર છે અને ધૂળ છે. કથક માટે એ દૃશ્ય અત્યંત પીડાદાયક છે. એના પગ શરીરનો ભાર ઊંચકી શકતા નથી અને એ જમીન પર બેસી જાય છે. ‘તમારી કોઈ અત્યંત નિકટની વ્યક્તિના મૃત્યુ સમાચાર તમારા સુધી પહોંચે છે ત્યારે તમને એવું લાગે છે કે, જાણે કોઈ તમારા કાનમાં જોરથી બૂમ પાડી રહ્યું હોય! તમારું આખું શરીર તે આંતરિક રુદન સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કરે છે, જાણે કે કોઈ તમને પૂર્ણપણે નિચોડી રહ્યું હોય!’ (પૃ. ૧૪૯) કથકની પીડા છે – ‘હવે મને વાદળી દરવાજા અને સફેદ દીવાલોનાં સ્વપ્નો નહીં આવે. હવે કદાચ મને કાટમાળનાં જ સ્વપ્નો આવશે.’ (પૃ. ૧૫૨) સમગ્ર કથામાં આ દૃશ્ય સૌથી ભાવવાહી છે. કથકે મનમાં છુપાવી રાખેલી લાગણીઓનું પ્રાગટ્ય પીડાની ગાઢ અસર છોડી જાય છે. ‘રૂહ’ સંવેદનશીલ કલમે આલેખાયેલી નવલકથા છે. લેખકે નવલકથાના ‘કથક’ના સ્વાંગમાં પોતાનું મન ખોલ્યું છે. અંગત સંવેદનોની પારદર્શકતા પ્રવાહી ગદ્યમાં ઊતરી છે. વિરલ દેસાઈએ ‘રૂહ’નો ગુજરાતી અનુવાદ ‘મૂળ હિન્દી નવલકથાના અંગ્રેજી રૂપાંતર’ પરથી કર્યો છે. તેઓ જાણે છે કે અનુવાદકે મૂળ કૃતિને ‘અનુવાદની ભાષાને અનુકૂળ હોય તે રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ’ કરવાનો હોય છે.(પૃ.૬,‘અનુવાદકની નોંધ.’) પરંતુ ‘રૂહ’ના ગુજરાતી અનુવાદમાં એ બન્યું નથી. મનોજ કૌલની શૈલીમાં કાવ્યાત્મકતા છે, કશાક પ્રત્યેનો ઉત્કટ લગાવ છે. અનુવાદમાં એ ઝિલાયું નથી. હિન્દી કે અંગ્રેજી વાક્યોના અનેક ગઠ્ઠા રહી ગયા છે. ઉપર મૂકેલાં વાક્યાંશો પરથી એનો ખ્યાલ આવે છે, છતાં નમૂના દાખલ આ વાક્ય જોઈએ – ‘લોકોએ ચારના સમૂહમાં ગોળાકાર બેસવાનું શરૂ કરી દીધું અને જેવાં તેઓ બેસતાં કે તરત જ તેમને એક મોટી, ગોળ, ઢાંકેલી થાળી પિરસવામાં આવતી. અને જેવું તે થાળી પરનું ઢાંકણ ખસેડવામાં આવતું કે તરત એક તીવ્ર સુંગંધ સીધી મારા આત્માને અડકી જતી...’ (પૃ. ૬૫.) ક્લિષ્ટ અનુવાદ ‘રૂહ’ની પ્રવાહિતામાં અવરોધ ઊભો કરે છે. અનુસ્વાર વગેરેમાં ઘણી તકલીફો છે. ‘મા’નું ‘માઁ’, જૂતા માટે ‘જૂતું’, ઝાડુ માટે ‘ઝાડું’. તે ઉપરાંત ‘મેં જેવું બેગ ખોલ્યું,’, શબીર એના પિતાને પૂછે છે – ‘તમે ક્યાં ઉપડ્યાં?’ ‘એવા સમાચાર આવ્યાં હતાં’. ‘ખુલ્લા પગે’ માટે ‘ખાલી પગે’ જેવા અનેક શબ્દપ્રયોગો આંખ અને કાનને ખૂંચે છે. પૃષ્ઠ ૪૨ ઉપર મુશ્તાક કથકને પૂછે છે – ‘તમારે અહીં બરાબર ક્યાં જવું છે?’ કોઈ ચોકક્સ જગ્યાએ જવા માટે ‘બરાબર’ શબ્દ અસ્થાને લાગે છે. અનુવાદમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં ‘રૂહ’ ગુજરાતી વાચકોને કથાનાયકની નજરે એક અલગ કાશ્મીરમાં લઈ જાય છે. કોઈ પણ પ્રવાસની જેમ આ પ્રવાસ પણ અધૂરો રહી જાય છે, જાણે અધૂરું રહી જવું કાશ્મીરની નિયતિ ન હોય.

[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]