બે હજાર ચોવીસ સમક્ષ/વયસ્કતાનો વૈભવ – મનસુખ સલ્લા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

નિબંધ

‘વયસ્કતાનો વૈભવ’ : મનસુખ સલ્લા

રતિલાલ બોરીસાગર

મૈત્રીભર્યું માર્ગદર્શન

વર્ષો પહેલાં ડાલ(કે ડેલ) કાર્નેગીનું પુસ્તક ‘How to win friends and influence People’ પ્રસિદ્ધ થયું હતું. ઈ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનો જગતભરમાં પ્રભાવ પડ્યો હતો. ગુજરાતી ભાષામાં ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’ નામે આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ ગુજરાતી અનુવાદની પણ ઘણી આવૃત્તિઓ થઈ હતી. અત્યારે ‘લોકવ્યવહાર’ નામે આ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. જીવન જીવવાની કળા શીખવતું આ કદાચ પહેલું પુસ્તક હતું. આ પછી વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં પ્રેરણાદાયી પુસ્તકોનો ગુજરાતી ભાષામાં રીતસરનો પ્રવાહ શરૂ થયો. આ પ્રવાહમાં મૌલિક પુસ્તકો પણ છે ને અનુવાદિત પુસ્તકો પણ છે. યુવાપેઢી માટે કારકિર્દી-નિર્માણનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતાં આવાં પુસ્તકો વંચાય છે – વેચાય છે. આ પ્રકારનાં પુસ્તકોમાં ચિંતન અવશ્ય હોય છે; પરંતુ, જેને આપણે તત્ત્વચિંતન કહીએ છીએ એવા પ્રકારના ચિંતનની અહીં વાત નથી હોતી. અહીં જીવનની વાસ્તવિકતાઓના પરિપ્રેક્ષ્યમાં જીવનને સરસ રીતે કેમ ગોઠવી શકાય એનું સરળ ને સાચું માર્ગદર્શન અપેક્ષિત છે. આપણાં સર્જકોએ આ પ્રકારનું સાહિત્ય રચવા તરફ ખાસ ઉમળકો બતાવ્યો નથી. આપણું તત્ત્વચિંતનનું સાહિત્ય ઘણું સમૃદ્ધ છે ને ગુજરાતી ચિંતનસાહિત્યની દીર્ઘ ઉજ્જ્વળ પરંપરા છે. આ અંગેનું વાજબી ગૌરવ અનુભવ્યા પછી પણ સર્જકો માટે રોજબરોજના જીવનની માર્ગદર્શિકાઓની અપેક્ષા રહે છે. શ્રી મનસુખ સલ્લાનું પુસ્તક ‘વયસ્કતાનો વૈભવ’ આ દિશાની મજબૂત પહેલ છે. શ્રી સલ્લા સાહિત્યકાર છે તેમ કેળવણીના ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર અર્પણ છે. લોકભારતી સણોસરાની ગ્રામવિદ્યાપીઠમાં એમણે અધ્યાપક, ઉપાચાર્ય અને આચાર્ય તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. આ પુસ્તકની ગુણવત્તાનું મુખ્ય કારણ આમ શ્રી સલ્લાનું સાહિત્યકાર અને કેળવણીકાર – બંને હોવું તે છે. આ બેમાંથી એક પાસું ગેરહાજર હોત તો આ પુસ્તક આટલું ગુણસમૃદ્ધ ન બન્યું હોત. નિબંધસ્વરૂપની સુશ્લિષ્ટતા તેમજ સાદગીભર્યું સૌંદર્ય એમની સાહિત્યકાર તરીકેની અને મુદ્દાની છણાવટની કળા, એમની કેળવણીકારની નરવી દૃષ્ટિનું પરિણામ છે. આ લેખો ‘દિવ્ય ભાસ્કર’ની કૉલમ રૂપે લખાયા હતા. કૉલમલેખન ચોક્કસ પ્રકારની શિસ્ત માગે છે. લેખકના સ્વૈરવિહારને એમાં અવકાશ નથી હોતો. આ કારણે સાહિત્યસ્વરૂપની ચુસ્તી જાળવવાનું અનિવાર્ય બને છે; ચુસ્તીની આ કાળજી અહીં સહજપણે લેવાઈ હોય એવું પ્રતીત થાય છે. આ લઘુનિબંધો છે. ‘લઘુનિબંધ’ એટલે નાનકડો નિબંધ તે ખરું; પરંતુ લઘુનિબંધ એટલે ટૂંકાવેલો દીર્ઘ નિબંધ નહીં. ‘વયસ્કતાનો વૈભવ’ના નિબંધોની સુરેખતા ધ્યાન ખેંચે એવી છે. ગમે તેવા સંકુલ વિષય પરનો નિબંધ હોય – પૂરો કર્યા પછી એવું નથી લાગતું કે લેખકને કહેવાનું કશું બાકી રહી ગયું હોય! આ નિબંધોનું ગદ્ય ભાષાની ભભક વગરનું સાદું પણ નક્કર છે. વક્તવ્યમાં વિશદતા છે, એમાં સાદગીનું સૌંદર્ય છે. ભાષાના લાલિત્યનિર્માણની કળા લેખક જાણે છે. તેમ છતાં, અહીં વિષય અને વક્તવ્યને અનુરૂપ ભાષાશૈલી પ્રયોજવાનો વિવેક લેખકે દાખવ્યો છે. આ પુસ્તક વયસ્કો માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા છે. વયસ્કોને સ્પર્શતા એકેએક પ્રશ્નની અહીં છણાવટ છે. આ વિધાનની યથાર્થતા પુરવાર કરવા અહીં આખી અનુક્રમણિકા ઉતારવી પડે. એ તો શક્ય નથી; આમ છતાં, કેટલાક નિબંધો તરફ અંગુલિનિર્દેશ કરવાનું મન થાય છે : (૧) દરેક વયનું સૌંદર્ય છે. (૨) નવી પેઢી સાથે મૈત્રી (૩) નવી પેઢીને ભૂલતો અધિકાર (૩) સાડા ત્રણ ઈંચની જીભના ખેલ. (૪) સગાંની વ્યાખ્યા બદલીએ (૫) આંખ અંદર ખોલવી (૬) ખુલ્લા અને ખીલેલા રહેવું (૭) વિધેયાત્મક દૃષ્ટિકોણ વધુ જિવાડે (૮) પારદર્શકતા એ ઉત્તમ વ્યવહાર (૯) ક્યારેય ઘરડા ન થવાનો નિર્ણય (૧૦) ઘડપણને હરાવવા શોખ જરૂરી (૧૧) ઋણ ચૂકવવાનો અવસર. આ નિબંધોનાં શીર્ષકો વાંચતાં જ વિષયપ્રવેશની ભૂમિકા બંધાઈ જાય છે. આ નિબંધોમાંના કેટલાક નિબંધોમાં ચર્ચાયેલા વિષયો અહીં પહેલી જ વાર ચર્ચાયા છે; અગાઉ ચર્ચામાં હોય તોયે આ રીતે તો પહેલી વાર જ ચર્ચાયા છે. આ અને આવા બીજા નિબંધો વાચકને સીધા પોતાના અનુભવજગત સાથે જોડે છે. પ્રબુદ્ધ વાચકોને પણ આ અને આવા બીજા નિબંધોની ઘણી સામગ્રી પ્રેરણારૂપ બને તેવી છે. વયસ્કોને સ્પર્શતા પરંપરાગત પ્રશ્નોની છણાવટ તો અહીં છે જ; પરંતુ, એકવીસમી સદીમાં વયસ્કો સામે ઊભા થયેલા – ઊભા થતા જતા પ્રશ્નોને પણ લેખકે આવરી લીધા છે. અત્યારે જે વયસ્કો ૭૦-૭૫ વરસ વળોટી ગયાં છે તેમને એકવીસમી સદીનાં નવાં ઉપકરણો કમ્પ્યૂટર અને મોબાઇલ સાથે કામ પાડવાનું આવ્યું છે. એટલે લગભગ દરેક વયસ્ક એ વાપરી જાણે છે; પરંતુ, ઈ-મેઇલ, વ્હૉટ્‌સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવાં કૉમ્યુનિકેશનનાં નવાં માધ્યમોથી ઘણાં વયસ્કો દૂર ભાગે છે. ‘આ આપણી લેન નહીં – એવો મનોભાવ દૃઢ થઈ ગયો હોય છે. Online – ઈ-પુસ્તકોનું વાચન એમને ફાવતું નથી. એવું નથી કે ઓછું ભણેલાં વયસ્કોનો જ આ પ્રશ્ન છે. થોડા સમય પહેલાં જ અવસાન પામેલા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સ્માર્ટફોન વાપરતા હતા; પણ, કેવળ ફોન કરવા માટે. એ કહેતા કે બીજા કશામાં મને ગતાગમ પડતી નથી. સંકુલ કવિતા માણી શકનાર, પ્રમાણી શકનાર ને સર્જી પણ શકનાર કવિને મોબાઇલની તદ્દન સાદી ગણાય એવી પ્રક્રિયામાં ખબર પડતી નહોતી! આવાં ઘણાં સિનિયરો હશે. દેખીતું છે કે આ મનોવૃત્તિનો પ્રશ્ન છે. લેખકે આ પુસ્તકમાં સિનિયરોને આધુનિક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા પ્રેર્યા છે. પુસ્તકનો આ વિશેષ ખાસ નોંધપાત્ર છે. (૧) વયસ્કો અને ગેઝેટ્‌સવાળાં બાળકો (૨) વયસ્કોને ઇન્ટરનેટ આવડતું હોય (૩) ટેક્‌નૉલૉજીથી દૂર ભાગવું નહીં – આ નિબંધો એકવીસમી સદીના વયસ્કો માટે છે. આગળ કહ્યું તેમ વયસ્કોને સ્પર્શતાં લગભગ બધાં પાસાં અહીં આવરી લેવાયાં છે; આમ છતાં, વયસ્કો માટે વસમા-અતિવસમા નીવડતા એક પાસા તરફ મારે ખાસ ધ્યાન દોરવું છે. એક વયસ્ક પિતા માટે જીવનની સૌથી વસમી પળ કઈ? એનું હૃદયસ્પર્શી વર્ણન ‘આપણને ટટ્ટાર કોણ રાખે છે?’ એ લેખમાં છે. લેખકના કોઈ સ્નેહીની વાત આમાં છે : ‘અમારા એક પરિચિત નિવૃત્ત થયા. સરસ પેન્શન મળતું હતું. બાળકો એમનાં જીવનમાં સંતોષ થાય એ રીતે ગોઠવાયેલાં હતાં. પૌત્ર-પૌત્રી સરસ રીતે ભણી રહ્યાં હતાં. જાણે જીવનમાં બધું સુખરૂપ અને સંતોષરૂપ હતું. એમાં મોટા પુત્રનું ૪૫ની વયએ હાર્ટઍટેકથી એકાએક મૃત્યુ થયું.’ (લેખાંક ૭, પૃ. ૧૩) વયસ્ક પિતાને યુવાન પુત્રને કાંધ દેવાનો પ્રસંગ આવે તે એના જીવનની સૌથી વસમી પળ છે. આ વસમા આઘાતમાંથી સ્નેહી કેવી રીતે બહાર આવ્યા એનું હૃદયસ્પર્શી આલેખન આ લેખમાં છે. લેખકની રજૂઆતમાં ક્યાંય ઊંચે આસને બેસીને અપાતા ઉપદેશનો અણસારસરખો નથી. અહીં દરેક ડગલે મૈત્રીભર્યું માર્ગદર્શન ઉપલબ્ધ છે. લેખક બહુ આત્મીયતાથી વયસ્કો સાથે વાત કરે છે. વયસ્કોનાં રૂઢ વલણોનો નિર્દેશ અહીં છે; પરંતુ, એમાં ક્યાંય ટીકાનો ભાવ નથી કળાતો. છેલ્લે, એક મહત્ત્વની વાત. એકવીસમી સદીનાં મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષોને વૃદ્ધ, વૃદ્ધા, ડોસા, ડોસી કહેવડાવવાનું ગમતું નથી. (એમાં આ લખનારનો પણ સમાવેશ થઈ જાય છે.) આ કારણે જ કદાચ મોટી ઉંમર માટે વયસ્કતા અને મોટી ઉંમરના સ્ત્રીપુરુષો માટે ‘વયસ્ક’ શબ્દ લેખકે પ્રયોજ્યો છે. સાઠ વર્ષથી લઈને સો વરસ સુધીનાં વયસ્કોને આ શબ્દ ગમશે. શ્રી કિશોરસિંહ સોલંકીની પ્રસ્તાવના પુસ્તકના પ્રવેશક તરીકે ઘણી મદદરૂપ થાય તેવી છે.

[ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ]