બે હજાર ચોવીસ સમક્ષ/‘ગ્રંથ’સામયિક-સૂચિ – સંપા. હિતેશ અને અમીષા પંડ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સૂચિ-સંદર્ભ

‘ગ્રંથ’(સામયિક)-સૂચિ’ : સંપા. હિતેશ પંડ્યા, અમિષા પંડ્યા

રાઘવ એચ. ભરવાડ

ઘણી મહત્ત્વની સૂચિ, પણ ક્ષતિઓ ઘણી

સર્જનાત્મક કૃતિ જે રસથી વાંચીએ કે વાંચવાનું મન થાય એવું સૂચિ બાબતે ન થાય. કેમ? કેમ કે સૂચિનું મહત્ત્વ હજી આપણે સમજ્યા નથી. સૂચિ પ્રથમ નજરે માત્ર વિગતોનો ખડકલો લાગે છે. પણ એવું નથી. સૂચિના અભ્યાસી રમણ સોની કહે છે, ‘એમાં [સૂચિમાં] માહિતી ને સામગ્રીનું જંગલ આપણને દેખાય છે. પણ ખરેખર તો સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝળપાટ પણ નથી; વાસ્તવમાં એ આપણને રઝળપાટમાંથી છોડાવે છે.’(પ્રત્યક્ષ,ઑક્ટો.-ડિસે. ૨૦૦૭, પૃ. III) ખરેખર સૂચિ તો અભ્યાસીઓ-સંશોધકોનું ઘણું કામ ઓછું ને સહેલું કરી આપે છે. બીજું એ નોંધવું રહ્યું કે હવે સૂચિ વિશે આપણે સૌ થોડાં વધુ સજાગ થયાં છીએ. આ પહેલાં પણ ઘણી સૂચિઓ બનતી હતી, પરંતુ હવે સૂચિને કેન્દ્રમાં રાખી સેમિનાર પણ થાય છે. ને એનું તાજું ઉદાહરણ છે ગયા વર્ષે અમદાવાદમાં થયેલો ‘સામયિક સૂચિકારો : એક વિમર્શ’ એ સેમિનાર. જેમાં રમણ સોની, કિશોર વ્યાસ, પારુલ દેસાઈ, તોરલ પટેલ, રમેશ દવે, હિતેશ જાની, પ્રવીણ કુકડિયા, રાઘવ ભરવાડ, હસિત મહેતા, ઈતુ કુરકુટિયા... વગેરે સૂચિકારોએ પોતાના અનુભવો ને અભ્યાસો રજૂ કર્યાં હતા. આ સૂચિકારોમાં એક નવો ઉમેરો થયો છે. હિતેશ પંડ્યા અને અમિષા પંડ્યાના સહિયારા પ્રયત્નથી ‘ગ્રંથ’ સામયિકની આ સૂચિ દ્વારા. ૧૯૬૪થી ૧૯૮૬ સુધી ચાલેલા ‘ગ્રંથ’ માસિકની સફર એમાં સૂચિબદ્ધ થઈ છે. ગ્રંથાવલોકન અને ગ્રંથસમીક્ષાને કેન્દ્રમાં રાખી ચાલેલા આ સામયિકની ૨૩ વર્ષની સફરમાં અનેક ગ્રંથોનાં અવલોકન થયેલાં છે, જેને સૂચિકારોએ ભારે જહેમતથી સૂચિબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. સૂચિકારને આ સૂચિ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રસ્તાવનામાં એનો જવાબ મળી રહે છે, ‘એક મહત્ત્વનું કારણ અમારો ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયનો અનુભવ અને બીજું કારણ ફાર્બસ ગુજરાતી સભાના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ મહેતા. એમણે સૂચવ્યું કે ગ્રંથ સામયિકની શાસ્ત્રીય સૂચિ હજુ થઈ નથી અને તે કામ કરવા જેવું છે.’ ને એમ ગ્રંથની સૂચિ બનવાની શરૂ થાય છે. સૂચિકારે સંપાદકીય ‘પ્રવેશ’માં સૂચિ બનાવવાની પ્રેરણા, કરેલી મહેનત, સામયિકના સંપાદકનો પરિચય, સૂચિનું સ્વરૂપ, લેખોની સંરચના અને ગોઠવણીની સમજ પ્રસ્તુત કરી છે. અનેક સમસ્યાઓ પાર પાડીને સૂચિકારોએ આ સૂચિ તૈયાર કરી છે. આ સૂચિને તેમણે મુખ્ય પાંચ વિભાગમાં વહેંચી છે : ૧. આવરણપૃષ્ઠ, ૨. સંક્ષેપાક્ષરોની યાદી, ૩. ગ્રંથ(પુસ્તક)નામની સૂચિ – વર્ણાનુક્રમે, ૪. અવલોકનકારની વર્ગીકૃત સૂચિ અને ૫. ગ્રંથના થયેલા વિશેષાંકોની માહિતી. પહેલા વિભાગ ‘આવરણપૃષ્ઠ’-ને ચાર પેટાવિભાગોમાં વિભાજિત કર્યો છે, ‘પૂંઠા પરના ચિત્ર કે લખાણને મહિનો અને વર્ષની વિગત સાથે વર્ણાનુક્રમે તથા ગ્રંથમાં આપેલાં અવતરણ, નોંધ (અપીલ, સમાચાર, સૂચના, સુધારા, વિનંતી), મહિનો, વર્ષ તથા પાના નંબર વગેરે નીચે દર્શાવેલા ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. અ) અન્ય ચિત્ર/વ્યક્તિ-ચિત્ર/છબી, બ) ગદ્ય-પદ્ય (લખાણ), ક) અવતરણ, ડ) નોંધ (અપીલ, સમાચાર, સૂચના, સુધારા, વિનંતી) એવી જ રીતે ‘ગ્રંથ(પુસ્તક)નામ સૂચિ’માં ગ્રંથનું નામ, (અવલોકનનું મથાળું), લેખક-સંપાદક-અનુવાદકનું નામ, અવલોકનકારનું નામ, વિભાગ, વર્ષ, મહિનો અને પાના નંબર છે, તો ‘અવલોકનકારની વર્ગીકૃત સૂચિ’માં પણ અવલોકનનું મથાળું, અવલોકનકારનું નામ, પુસ્તકનું નામ, લેખક-સંપાદક-અનુવાદકનું નામ, વિભાગ, વર્ષ, મહિનો, અને પાના નંબર એમ કુલ આઠ-આઠ વિગતો રજૂ થઈ છે. ઉપરાંત સૂચિકારોએ જણાવ્યું છે એ મુજબ સૂચિમાં, ‘૮૪૬૪ જેટલાં અધિકરણો છે. જેમાં ૨૭૩૯ લેખકો, ૩૭૧ સંપાદકો, ૩૨૪ અનુવાદકો, ૭૨૫ અવલોકનકારો, સમીક્ષકો, વિવેચકો, ૫૯૯૮ પુસ્તકો અને ૫૬૭ જેટલા વિભાગોમાં લેખન- સામગ્રી નિર્દેશ પામી છે.’ અહીં સૂચિકારોની મહેનત દેખાઈ આવે છે. સૂચિ કરવાનું કામ સહેલું નથી. આ કામ કેટલું મુશ્કેલ છે એ તો રામબાણ વાગ્યાં હોય તે જાણે. ને પ્રસ્તુત સૂચિમાં કરવામાં આવેલી મહેનત જોઈ શકાય છે. છતાં આ સૂચિમાં રહેલી મર્યાદાઓનો પણ નિર્દેશ કરવો જરૂરી છે. પહેલું : ‘ગ્રંથ’ સામયિકમાં પ્રગટ થતી વિગતોના મુખ્ય બે ભાગ કરી શકાય : એક, સાહિત્યિક લેખ અને બે, સાહિત્યેતર લેખ. પછી સાહિત્યના વિભાગમાં પણ સ્વરૂપવાર પેટાવિભાગ થવા જોઈએ. જેમ કે, કવિતા, વાર્તા, નાટક, નવલકથા... અહીં સૂચિકારે દરેક અધિકરણ(એન્ટ્રી)ની અંદર જે-તે સ્વરૂપનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ સ્વરૂપવાર સૂચિ કરી નથી. પરિણામે કવિતા, વાર્તા, નાટક, નવલકથા... આદિ વિષયક ‘ગ્રંથ’-સમગ્રમાં કેટલા લેખ છે તે જાણી શકાતું નથી. જો સ્વરૂપ પ્રમાણે સૂચિ થઈ હોત તો ‘ગ્રંથ’ શરૂ થયું ત્યાંથી બંધ પડ્યું ત્યાં સુધી કાવ્ય, નવલકથા-આદિ સ્વરૂપોનાં કેટલાં ને કેવાંકેવાં પુસ્તકો વિશે, કોના દ્વારા, લખાયેલું એનું એક રોમાંચક ચિત્ર મળી રહેત. અર્થાત્‌ તત્કાલીન સમયનો સર્જન-વિવેચનનો એક ઉત્તમ આલેખ મળી શક્યો હોત. ને એ વાચક માટે જિજ્ઞાસાપોષક ને ઉપયોગી – ‘યુઝર ફ્રેન્ડલી’ બની શક્યો હોત. બીજો પ્રશ્ન એવો થાય કે અવલોકનકારો અંગેની વર્ગીકૃત સૂચિમાં અવલોકનકારનું નામ પહેલું હોવું જોઈએ એવું કેમ નથી? જો અવલોકનકારની સૂચિ હોય તો શરૂઆત અવલોકનકારના નામથી જ થવી જોઈએ. વળી એમ કરવાથી ઘણું પુનરાવર્તન ટાળી શકાયું હોત. અહીં જે-તે અવલોકનકારનું નામ એકવાર આવી જાય પછી તેમની જેટલી વિગતો હોય એ અકારાદિક્રમે મૂકી શકાત. એમ કરવાથી અવલોકનકારનું નામ વારંવાર લખવું પડ્‌યું છે એ ન થાત, અને સમય તથા કાગળનો બચાવ થઈ શકત. એટલું જ નહીં, એ વ્યવસ્થા જ ઉપયોગકર્તા સંશોધક માટે સરળ બની રહેત. ઉ.દા. :

અજય પાઠક :
–અભિવ્યક્તિની ઉષા, ‘ચીસ’, પ્રવીણ દરજી, કવિતા, જૂન, ૭૪, ૯-૧૧.
–આસ્વાદનું ભાવવિશ્વ, ‘કાવ્યલોક’, જયંત પાઠક, વિવેચન, ઑગ., ૭૩, ૯-૧૧
–ઊણાં ઓજાર, ‘લાભશુભ’, શશી શાહ, નવલિકા, જાન્યુ., ૭૩, ૧૮-૨૦...

એમ અજય પાઠકે કરેલી સમીક્ષાઓ એક સાથે સુલભ કરાવી શકાત. વળી, લેખક કે અવલોકનકારની સૂચિમાં તો માત્ર પૃષ્ઠક્રમનો જ ઉલ્લેખ કરવાનો હોય. એમ કરવાથી વિગતો ફરીફરી ન આવે, એનો ખડકલો ન થાય. પરંતુ અહીં વિગતોનું જંગલ બની ગયું છે. પૃષ્ઠોનો બગાડ આપણને કઠે એ હદે થયો છે. પુસ્તકનાં ૭૪૨માંથી ૩૨૭ (લગભગ અડધાં) પૃષ્ઠ તો અવલોકનકારની સૂચિ રોકે છે. ઉપરાંત શાસ્ત્રીય સૂચિમાં એક મુદ્દા વિશે ઘણી ચર્ચા થયેલી છે, અટક પહેલાં કે નામ? મોટેભાગે અટક પહેલાં અને નામ પછી એ સ્વીકાર્ય બન્યું છે. પરંતુ અહીં એ શિસ્ત જળવાઈ નથી. સૂચિમાં પ્રત્યેક વિભાગને આવશ્યકતા મુજબ વિભાજિત કરીને વર્ણાનુક્રમે ગોઠવવાનો પ્રયત્ન થયો છે, પરંતુ એમાં અઢળક ભૂલો થઈ છે. ૭૪૨ પૃષ્ઠની આ સૂચિમાં લગભગ ૩૫૦ જેટલી ભૂલો નજરે પડે છે. એ ભૂલો ‘ગ્રંથનામ સૂચિ’ અને ‘અવલોકનકારની સૂચિ’ની સાથોસાથ ‘આવરણ-પૃષ્ઠ’ના વિભાગમાં પણ જોવા મળે છે. આ ભૂલોમાં અનેક રીતે અકારાદિક્રમ ખોટી રીતે ગોઠવાયો છે. સ્વીકૃત કોશક્રમ મુજબ થયો નથી પ્રસ્તુત સૂચિમાં આ ક્રમનો લગભગ ૩૫૦ વખત ભંગ થયો છે. એમાં પણ સૌથી વધુ અનુસ્વારની ભૂલ જોવા મળે છે. સૂચિકારે અનુસ્વારવાળા વર્ણની પહેલાં ને અનુસ્વાર વિનાના વર્ણની એન્ટ્રી પછી કરી છે. અહીં ‘અ’, ‘આ’, ‘ઇ’, ‘ઈ’, ‘ઉ’, ‘ઊ’, ‘એ’, ‘ઓ’, ને બદલે ‘અં’, ‘આં’, ‘ઇં’, ‘ઈં’, ‘ઉં’, ‘ઊં’, ‘એં’, અને ‘ઓં’ની એન્ટ્રી પહેલાં થઈ છે. (કેટલાક ઘણા જૂના કોશોમાં આ પદ્ધતિ જોવા મળે છે, પણ પછીના કોશોમાં તો અ પછી અં એ રીત જ સ્વીકૃત બની છે.) એનાં થોડાં ઉદાહરણ જોઈએ :

અં- પછી અ-
–અંબા, (એક પદ્યરૂપક) ગોવિંદભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ,
કવિતા, ૭૪-ફેબ્રુ./૨૨-૨૩
–અકબર, (અપૂરતું અસમતોલ મૂલ્યાંકન) બિન્યન લૉરેન્સ,
અનુ.-જીવનલાલ પરીખ, નગીનદાસ સંઘવી,
ચરિત્ર, ૬૭-નવે./૩૫-૩૬ (પૃ. ૧૦૦)

એવાં બીજાં –

સં- પછી સ-
–સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા : દર્શકની મુલાકાત,
યશવંત ત્રિવેદી, સપ્ટે./૧૯૭૨
–સધરાના સાળાનો સાળો - બાબુ દાવલપુરા,
ચુનિલાલ મડિયા, હરીન્દ્ર દવે, જા./૧૯૬૯.(પૃ. ૨૧)

આવી અનેક ભૂલો બધા જ સ્વરો અંગે થઈ છે : ઈ, ઈં; ઉ, ઉં એવા ક્રમે. અહીં માત્ર નમૂનારૂપે આ બે દૃષ્ટાતો. આ સિવાય અન્ય રીતે પણ અકારાદિક્રમ ઘણે ઠેકાણે ખોટો છે. એમાં ઘણીવાર ‘સ’ની એન્ટ્રી પછી ‘અ’, ‘દ’, ‘પ’ની એન્ટ્રી હોય. તો ક્યાંક ‘ર’ની એન્ટ્રી હોય ને વચ્ચે ‘ટ’ એન્ટ્રી આવી જાય. બેએકવાર આવી એન્ટ્રીમાં એકવાર છેલ્લો વર્ણ પૂરો થઈ જાય પછી પુનઃ ‘અ’ થી શરૂ કરે છે, ને ક્યાંક સાત તો ક્યાંક પંદર એન્ટ્રીઓ ‘હ’ પછી આવે છે. અકારાદિક્રમના આવા અનેક ગોટાળાની વિભાગવાર, પણ માત્ર નમૂનારૂપ ભૂલોની વિગત નીચે મુજબ છે :

• આવરણપૃષ્ઠ :
–બાંયો ચડાવેલી ચેતના...
એ પછી -
–બચુભાઈ રાવત... (પૃ. ૧૭)
એટલે કે બાં- પછી બ- !
• ગ્રંથનામ સૂચિ :
– ર. વા. દિઘે, ભાવે પુરુષોત્તમ ભાસ્કર,
(મરાઠી સાહિત્યસૃષ્ટિ)...
–રંકનું આયોજન, (શાસ્ત્રીય છતાં સરસ પુસ્તક)..
(પૃ. ૩૨૧)
• અવલોકનકારની વર્ગીકૃત સૂચિ :
–સાહિત્યનો માનદંડ, જયંત જોશી...
–જ્વાલા આણિ ફુલે, જયંત જોશી...(પૃ.૪૬૮)

વળી આ સૂચિમાં, એક જ અવલોકનકારને જુદાંજુદાં નામે દર્શાવ્યા છે. બની શકે કે અવલોકનકારે જુદાજુદા સમયે અવલોકન લખ્યું હોય એટલે એમણે ક્યારેક આખું તો ક્યારેક ટૂંકમાં પોતાનું નામ લખ્યું હોય. પરંતુ સૂચિકારે તો ખાતરી કરી, જો બંને એક જ હોય તો જુદાંજુદાં નામે થયેલાં અવલોકનોને એક જ નામે, એકસાથે રાખવાં જોઈએ, જ્યારે અહીં એમ થયું નથી. એ પણ એક-બે નહીં લગભગ પંદરથી વધુ અવલોકનકારોને જુદાજુદા નોંધ્યા છે. ઉ.ત. ક્યાંક અવંતી દવે, ક્યાંક અવન્તિ દવે! વળી, સૂચિકારે અવલોકનકારની સૂચિમાં જણાવ્યું છે કે અવલોકનકારનું નામ બોલ્ડ/ઘાટા અક્ષરોમાં દર્શાવ્યું છે. પરંતુ એમાંય ચૂક થઈ છે. ક્યાંક આખું નામ, ક્યાંક માત્ર નામ તો ક્યાંક અટક બોલ્ડ/ઘાટા અક્ષરોમાં નથી. જુઓ : ૪૮૬, ૫૦૩, ૫૬૮, ૬૦૫, ૬૮૦, ૬૮૧, ૭૦૫, ૭૦૭. સૂચિના આ પુસ્તકમાં છાપભૂલો પણ રહી ગઈ છે. ‘સાહિત્યસૃષ્ટિ’ને બદલે ‘સહિત્યસૃષ્ટિ’; ‘આત્મકથા’ની જગ્યાએ ‘આત્મકતા’; ‘અમેરિકા’ને બદલે ‘એમેરિકા’ છે. સૂચિકારે તો બહુ કાળજીથી પ્રૂફ જોવાં જોઈએ. કામ કર્યું હોય તો ભૂલ થાય. ને અહીં તો ૨૩ વર્ષની ‘ગ્રંથ’ની યાત્રાને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થયો છે એટલે સ્વાભાવિકપણે ચૂક થઈ જ જાય. પરંતુ આવી ખામીઓ જો બીજી આવૃત્તિમાં સુધારી લેવાય તો આ સૂચિ ઘણી ઉપયોગી નીવડે એમાં બે-મત નથી. સૂચિ એ સંશોધનનો જરૂરી ને પ્રમુખ આધારસ્રોત છે, જે સંશોધકનો અમૂલ્ય સમય બચાવે છે. કોઈપણ સૂચિ ઉપયોગી ત્યારે જ બને જ્યારે એમાં જોઈતી સામગ્રી સુધી સરળતાથી તથા ઝડપથી પહોંચી શકાય. અર્થાત્‌ ‘યુઝર ફ્રેન્ડલી’- વાચક-સહાયક બનવું એ સૂચિનો પ્રથમ ને પ્રમુખ ગુણ છે. પરંતુ આ સૂચિમાંથી તો લેખ શોધનારને પોતાને જોઈતી વિગત શોધવા માટે રીતસરની કવાયત આદરવી પડે છે. સૂચિકારે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે આ સૂચિ બનાવતી વખતે એમણે રમણ સોનીની ‘સામયિકલેખ સૂચિ’; તોરલ ત્રિવેદી, શ્રદ્ધા ત્રિવેદીની ‘સંસ્કૃતિ’ની સૂચિ તથા ધીરુભાઈ ઠાકરની ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ની સૂચિનાં પાનાં એકાધિકવાર ઉથલાવ્યાં છે. જોકે એ સૂચિઓનું પૂર્ણપણે અનુકરણ કર્યું નથી. પરંતુ અંતે ‘સૂચિમાં કચાશ રહી હશે’ એવું મોકળા મને સ્વીકારે છે, જે એક સાચા સૂચિકારને છાજે એવું છે. સમગ્રતયા કહી શકાય કે ઉત્તમની નોંધ લેવા સાથે કામ કરી શકાયું હોત, જેમાં ચૂક થઈ છે. જોકે આટલું મોટું કામ કરવાની હામ ભીડવી એ જ મહત્ત્વનું છે. કારણ કે આ સમયમાં ખાંખાખોળા કરી સૂચિ તૈયાર કરવી એ તો જે કરે એને જ ખબર પડે. ટૂંકમાં ઉપર્યુક્ત ક્ષતિઓને જો સુધારી લેવામાં આવે તો આ સૂચિ ગુજરાતી ભાષાસાહિત્યમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓ અને સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ સ્રોત બની રહેશે.

[નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ]