બે હજાર ચોવીસ સમક્ષ/હાઈઝનબર્ગ ઇફૅક્ટ(સાયંસ ફિક્શન) – જિગર સાગર
નવલકથા (સાયન્સ ફિક્શન)
કંદર્પ ર. દેસાઈ
ગુજરાતી કથાકાર મહેણું ભાંગે છે
અમેરિકાએ જાપાનનાં બે શહેરો, હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ બૉમ્બ ફેંક્યા અને જે તારાજી સર્જાઈ એ ઇતિહાસનો વરવો ભાગ છે. હવે એવી કલ્પના કરો કે અમેરિકાના બદલે જર્મનીએ સૌ પહેલાં પરમાણુ બૉમ્બ બનાવ્યા છે અને તે ન્યૂયોર્ક, લંડન, મોસ્કો જેવાં શહેર પર ફેંકવામાં આવ્યા છે. તો? આવું શક્ય બને? અને બને તો પછી દુનિયા આજે છે તેવી રહે? ન રહે તો એમાં કેવાં પરિવર્તનો આવે? આવી અદ્ભુત કલ્પના આ નવલકથાના લેખક જિગર સાગરે કરી અને એમાંથી સર્જાઈ ‘ધ હાઇઝનબર્ગ ઇફેક્ટ’. ગુજરાતી તો ઠીક, ભારતીય ભાષાઓમાં પણ આ કક્ષાની સાયન્સ ફિક્શન ભાગ્યે જ લખાઈ હશેે. પુસ્તકની પ્રસ્તાવનામાં સુશ્રુત પટેલે યોગ્ય રીતે જ એને “આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિઃસંદેહ મૂકી શકાય તેવા સ્તરની અફલાતુન વિજ્ઞાનકથા’ કહી છે. કથાનો સાર સંક્ષેપમાં જોઈએ. ‘ધ હાઇઝનબર્ગ ઇફેક્ટ’ની કથા આરવ, આરોહી અને પ્રોફેસર રંગરાજનની આસપાસ વણાયેલી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં આરવ અને આરોહી ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર રંગરાજન પાસે ભણવા જાય છે. રંગરાજન નોબલ પ્રાઇઝ વિજેતા છે અને તેમણે વિરલ કહેવાય એવું ટાઇમ મશીન બનાવ્યું છે પરંતુ તેને કોઈપણ અવરોધ વિના કાર્યરત કરવા માટે અર્થાત્ ટાઇમ ટ્રાવેલ કરવા યોગ્ય બનાવવા માટે તેમને એક એવી વ્યક્તિની જરૂર છે જે તેજસ્વી હોવાની સાથે સાથે વિશ્વાસપાત્ર પણ હોય. આરવ પ્રોફેસર રંગરાજનનો વિશ્વાસપાત્ર બને છે. આરવનું પણ સપનું છે; સમયયંત્ર બનાવવું અને સમયયાત્રા કરી પોતાના આદર્શ સમા જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગને મળવું. દરમિયાન આરવ અને આરોહી વચ્ચે પ્રારંભે મૈત્રી અને પછી સ્નેહસંબંધ રચાય છે. આરોહીની નારાજગી વચ્ચે પણ આરવ રંગરાજનને સમયયંત્ર યોગ્ય રીતે ચાલુ કરવા ગાણિતિક સમીકરણો બનાવવામાં મદદ કરે છે. જો કે આરવ તક મેળવી પ્રોફેસરને અંધારામાં રાખી સમયયંત્રમાં બેસી ૨૦૨૪થી ૧૯૪૪ની ટાઇમ ટનલ મારફત હાઇઝનબર્ગને મળવા પહોંચી જાય છે. આરવ તેમને મળીને બ્રિટીશ અને અમેરિકન સૈન્યની ગુપ્ત માહિતી આપે છે. જેના પરિણામે જર્મન સરકાર અને હાઇઝનબર્ગ સૌ પ્રથમ પરમાણુ બૉમ્બ બનાવવામાં સફળ થાય છે. આમ, લેખની શરૂઆતમાં જણાવેલી શક્યતા સાકાર થતાં જર્મની બીજું વિશ્વયુદ્ધ જીતી ગયું!! એ સાથે જ દુનિયા બદલાઈ ગઈ. પોતાનું ધારેલું કર્તવ્ય પૂરું થયું છે એમ માની પરત આવેલા આરવને ૨૦૨૪ની દુનિયા જોઈ આરંભે મૂંઝવણ અને પછી આઘાત લાગે છે. યુદ્ધ જીત્યા પછી હાઇઝનબર્ગના નેતૃત્વમાં વિજ્ઞાને અતિશય પ્રગતિ કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી-એઆઇએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને માણસમાત્રને ગુલામ બનાવ્યો છે. નવી દુનિયામાં આગંતુક થયેલા આરવને જેલમાં પૂરવામાં આવે છે. જ્યાં બીજા કેદીઓની મદદથી તે રંગરાજનને મળે છે. અહીં કથાકારે પોતાની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિ બરોબર ખીલવી છે. સૃષ્ટિને પૂર્વવત્ કરવા માટેનો કીમિયો હાઇઝનબર્ગ ઇફેક્ટમાં છે. હકીકતમાં આવો કોઈ સિદ્ધાંત અસ્તિત્વમાં નથી. આ સિદ્ધાંત લેખકની કલ્પનામાત્ર છે. શો છે એ સિદ્ધાંત? કોઈ વ્યક્તિ સમયયાત્રા કરી ભૂતકાળમાં પહોંચે અને ભૂતકાળની કોઈ ઘટનામાં ખલેલ પહોંચાડે છે. આ ખલેલની યુનિવર્સમાં જાણ થાય કેમ કે તેના કારણે બ્રહ્માંડના સંતુલનમાં ગરબડ થાય છે. પરિણામે બ્રહ્માંડ પોતે જ તેને સ્વયંસુધાર – ઑટો કરેક્ટ કરી દે છે. આ છે હાઇઝનબર્ગ ઇફેક્ટ! આમ, આરવના મતે એ બ્રહ્માંડની સમયરેખાને પૂર્વવત્ કરી શક્યો છે એમ તેમને લાગે છે. પરંતુ ખરેખર એમ બન્યું છે? ના. કેમ કે એ ટાઇમલુપમાં ફસાઈ ગયો છે; જેનું કારણ છે ભૂતકાળમાં રંગરાજને અસંખ્ય વાર કરેલી સમયયાત્રા. આ હકીકત રંગરાજને ગાણિતિક સમીકરણો બનાવતા સમયે આરવથી છુપાવી હતી જેના પરિણામે આરવનું ગણિત ખોટું પડ્યું. આરવના ગુસ્સાનો પાર નથી કેમ કે વર્તમાન ટાઇમલુપમાં આરોહી એની સાથે નથી. એ ટાઇમલુપમાં ફસાઈને કોઈ એવી જગ્યાએ ખોવાઈ ગઈ છે જ્યાં તેનું અસ્તિત્વ જ નથી!! ટાઇમલુપના ચક્રવ્યૂહમાંથી છૂટવા માટે આરવ સમયયંત્રનો નાશ કરે છે, સાથે તેમ કરવા માટે રંગરાજનને પણ ફરજ પાડે છે અને ભવિષ્યમાં સર્જાનાર અસંતુલનને અટકાવે છે. પણ ખરેખર એમ બનશે? કથામાં બીજાં બે સહાયક પાત્રો છે કાર્લ અને જલ્પા. કાર્લ પાસે આરવે બનાવેલી નોટ્સ છે. જલ્પા પાસે છે સમયયંત્રની ઝીણામાં ઝીણી વાતો જે તેણે સપનામાં જોઈ છે અને તે તેની સ્મૃતિમાં અકબંધ છે. આરવ અને આરોહી લગ્નસંબંધમાં બંધાશે. તે સાથે એક વધુ સમયયંત્ર બનવાની શક્યતા સાથે કથા અટકે છે. આ કથા બતાવે છે કે સમયયંત્ર અને સમયયાત્રાની આ પ્રકારની વાર્તા જવલ્લે જ જોવા મળી છે. આ કથામાં એકથી વધુ સમયખંડ છે. જેમ કે; આરવ-આરોહી જર્મની ભણવા જાય છે તે વર્તમાન – ૨૦૨૪નો સમયગાળો. ત્યાર પછી ૧૯૪૪નો સમયખંડ, જેમાં આરવ હાઇઝનબર્ગને મળે છે. એ પછી ફરીથી ૨૦૨૪નો સમય. પરંતુ અહીં વિશ્વ બદલાઈ ગયું છે! અને છેલ્લે ફરી વર્તમાન સમય. આમ, આ કથા વાચકને વણજોયેલી-વણકલ્પેલી દુનિયાની રોમાંચક સફરે લઈ જાય છે. જ્યાં પ્રેમ પણ છે અને અદેખાઈ પણ; કાવતરાં છે; વર્તમાનથી અસંતોષ છે; દુનિયાને વધુ સારી બનાવવાનાં સપનાં છે એ સાથે સપનાંને સાકાર કરવાની ધગશ પણ છે. વળી આ કથામાં આવતાં સપનાં રહસ્ય જગવે છે. પારલૌકિક સંદર્ભો પણ છે – એ બધું મળી વાર્તાને રોમાંચક બનાવે છે. કથાના મુખ્ય પાત્રની સાથેસાથે સહાયક પાત્રો જેમ કે યાન્સેન, હાઇઝનબર્ગ, કાર્લ, જલ્પા, અનન્યા, ફ્રેન્ક બર્નહાર્ટ, વગેરેનો પણ ઠીકઠીક ઉપયોગ થયો છે અને તેને લેખકે પૂરતો ન્યાય આપ્યો છે. વિજ્ઞાનકથા છે એટલે તેમાં વિજ્ઞાન અને ગણિતના સંદર્ભો પણ પુષ્કળ મૂક્યા છે અને તેની સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આરવની બુદ્ધિમતા, તેની લગન, વૈજ્ઞાનિકને છાજે તેવું તેનું ધૂનીપણું, દીર્ઘદૃષ્ટિ, આયોજક તરીકેની કુશળતા વગેરે બાબતો લેખકે સહજતાથી વર્ણવી છે. જેમ કે અનુસ્નાતક અભ્યાસ માટે દુનિયાભરના વીસ વિદ્યાર્થીઓમાંથી એક હોવું તેની બુદ્ધિમતા દર્શાવે છે. અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિની વાતોથી અજાણ રહેવું, સમયયાત્રા કરવા માટે જરૂરી ગાણિતિક સમસ્યાઓ ઉકેલવી, દીર્ઘદૃષ્ટિપૂર્વકનું આયોજન – જો ૧૯૪૪માં જવાનું છે તો હાલમાં વપરાતી કરન્સી એ સમયમાં નહીં ચાલે તેથી એન્ટીક શોપમાંથી જૂની કરન્સી ખરીદવી; એ જ રીતે પ્રોફેસર હાઇઝનબર્ગને મળવા માટે જરૂરી પૂર્વતૈયારીના ભાગ રૂપે જટિલ ગણિત ધરાવતો પત્ર તૈયાર કરવો, કાફેટેરિયામાં થયેલા બદલાવ વગેરેનું નિરીક્ષણ કરવું તેને સરેરાશ નાયક કરતાં વધારે દૃઢ અને મુઠ્ઠીઊંચેરો બતાવે છે. તેની સરખામણીમાં આરોહી તેજસ્વી હોવાની સાથે વધુ ભાવનાશીલ અને થોડી રમતિયાળ પણ છે; તેથી તે જીવંત લાગે છે. ખરેખર તો આરોહી જ આરવ સાથેની વિજ્ઞાનની ગંભીર ચર્ચાઓથી કંટાળતા વાચકને બચાવે છે. આમ, લેખક કથાની સમતુલા પોતાનાં બે મુખ્ય પાત્રો દ્વારા જાળવે છે. ડૉ. રંગરાજન કેવા છે? આરોહી કહે છે, ઉમાશંકર જોશી જેવા. પાતળી કદ-કાઠી અને ઝભ્ભા-લેંઘાને બદલે સૂટ-કોટ મૂકી દો તો દેખાવ એવો જ! જો કે સરખામણી અહીં જ અટકાવવી પડે કેમ કે રંગરાજન ઉમાશંકર જોશીની જેમ બહુવિધ પ્રતિભાશાળી નથી. એમનું તો એક જ કામ, ક્વૉન્ટમ ફિઝિક્સ ભણાવવું અને સમયયાન તૈયાર કરવું. એમનું એકમાત્ર સાથી, જેના પ્રેમમાં પડ્યા તે ભૌતિકવિજ્ઞાન! ક્યારેક જીનિયસ લાગે તો ક્યારેક મતલબી એવા રંગરાજન કથા જેમજેમ આગળ વધે છે એમએમ દયાને પાત્ર બને છે. કથામાં સતત છવાયેલા પરંતુ થોડા સમય માટે જ પ્રત્યક્ષ થયેલા હાઇઝનબર્ગ દેખાવે ઊજળા છે, દૈવી પ્રતિભા અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવવાની સાથે પ્રખર બુદ્ધિશાળી છે. આરવે એમને મળવા માટે એક પત્ર મોકલ્યો હતો જેમાં કેટલુંક સુંદર ગણિત હતું. તેઓ આરવને કહે છે, ‘એ ગણિત અત્યારનું નથી. એ જરા વધુ પડતું એડવાન્સ છે. ગણિતને હજી આ સ્તરે પહોંચવામાં વર્ષો લાગશે એમ મારું માનવું છે. એટલે હું એમ માનવા લાગ્યો છું જે સંભાવનાની રીતે તમે ભવિષ્યકાળમાંથી આવ્યા હો એ શક્ય ખરું.’ (પૃ. ૧૦૧) અહીં પાત્રને વિકસાવવાની લેખકની કુશળતા દેખાય છે. એવી જ કુશળતા આરવ સમયયાત્રા પૂર્ણ કર્યા પછી બદલાયેલી દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેના ઉપર કેવી અસર થાય છે એમાં છે. જુઓ : ‘આરવ એક સાથે ઘટનાઓની બે શૃંખલાઓ અનુભવી રહ્યો હતો. બન્ને શૃંખલાઓ પાછી તદ્દન વાસ્તવિક જણાતી હતી. એકમેકથી સમાંતર બે યાદો હતી. બંને તાદૃશ હતી... એ યાદોને યાદ કરવામાં મગજને કષ્ટ પડી રહ્યું હતું. આ કષ્ટ વીતતી જતી દરેક સેકંડે વધતું જતું હતું. જૂની યાદોને તાજી કરવી ધીમેધીમે મુશ્કેલ થઈ રહી હતી... નવી સમયરેખાની નવી યાદોના તાજા અંકુર મગજમાં ફૂટી રહ્યા હતા. આ યાદોને યાદ કરવી સરળ હતી.’ (પૃ. ૧૧૫) સમયયાત્રા કરીને આવેલી વ્યક્તિને જૂની અને બદલાયેલી નવી દુનિયા વચ્ચે તાલમેલ બેસાડવામાં સમસ્યાઓ થવાની જ અને એ દેખાડવાનું લેખક ચૂક્યા નથી. કથાનું સંયોજન ચુસ્ત છે. સીધેસીધી વાત કરવાની સાથેસાથે સપનાં, ડાયરીલેખન જેવી પ્રયુક્તિનો પણ યથોચિત ઉપયોગ થયો છે. અહીં સામ્પ્રત સમયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. જેમ કે; પર્યાવરણની ચિંતા (પૃ. ૩૦), રાષ્ટ્રવાદ અંગેનાં મતમતાંતરો (પૃ. ૪૪, ૧૦૩) એઆઇનાં ભયસ્થાનો(પૃ. ૧૩૨). એ લેખકની સજ્જતા બતાવે છે. એઆઇના કારણે માનવજાત કેવી ભયાનક ગુલામીમાં ધકેલાઈ જશે તેવું ભવિષ્ય ભાખતાં તે લખે છે. ‘એટલે સામ્યવાદ લાગુ કરવામાં આવ્યો નથી, પણ એઆઇને સામ્યવાદ પ્રકૃતિજન્ય લાગ્યો છે. જેમ એક પશુપાલક એનાં બધાં જ પશુઓને એક લાકડીએ હાંકે છે એમ એઆઇ તમામ મનુષ્યોને એક લાકડીએ હાંકે છે.’ (પૃ. ૧૩૨) માણસમાં રહેલા ઉમદા ગુણો, પ્રેમની લાગણી, લાલચ, ગમે તે ભોગે સત્તાના કેન્દ્રની નજીક રહેવાની લાલસા વગેરે બાબતોનું આલેખન કથાને આગવું પરિમાણ બક્ષે છે. યાન્સેન જે રીતે આરવને ડૉક્ટર રંગનાથનની કોટડીમાં પહોંચાડવામાં મદદ કરે છે ત્યાં માણસમાં રહેલું ઉમદાપણું પ્રત્યક્ષ થાય છે. યુદ્ધની અસરના કારણે હોટલરૂમનું વધારે ભાડું પડાવતો હોટલમાલિક કે એઆઇની સતત ચોકી રહેતી હોવા છતાં સારવાર માટે વધારાના રૂપિયા માગતો ડૉક્ટર – શું ૧૯૪૪ હોય કે શું બદલાયેલી દુનિયાનું વર્ષ ૨૦૨૪ – આ દુનિયામાં લાલચ અકબંધ રહેવાની છે. કાર્લના પિતા ફ્રેંક બર્નહાર્ટ વર્તમાન સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર છે અને એઆઇ-સંચાલિત દુનિયામાં પણ એમણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આરોહીની અનુપસ્થિતિમાં આરવને જીવન અધૂરું લાગે છે અને એને પાછી લાવવા તે જે પ્રયત્નો કરે છે એ બતાવે છે કે પ્રેમની લાગણી સદાકાળ રહેવાની છે. આમ, દુનિયા બદલાય કે ન બદલાય, સારા-નરસા બન્ને માનવીય ભાવો ગમે તે પરિસ્થિતિમાં રહેવાના જ. લેખકની ભાષા ઉપરની પકડ પ્રમાણમાં સારી છે. જો કે અહીં નોંધવું રહ્યું કે અંગ્રેજી શબ્દોના અતિરેકને ટાળવા જતાં પ્રયોજેલા કેટલાક શબ્દોનું ગુજરાતી ભદ્રંભદ્રીય લાગે છે. જેમ કે ‘જાહેર પરિવહન’ (પૃ. ૩૬) અહીં લેખક સીધું બસ કે મેટ્રો લખી શક્યા હોત. એ જ રીતે ‘કૃત્રિમ બુદ્ધિમત્તા’ (પૃ. ૧૦૨)ના બદલે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ/એઆઇ – જે હવે વધુ ચલણી બન્યો છે અને લેખકે અન્યત્ર તેનો ઠીકઠીક ઉપયોગ પણ કર્યો છે. ‘ભૌતિક કાગળ’ (પૃ. ૩૫)ના બદલે સાદો કાગળ, ‘પરિમિતિ’ (પૃ. ૮૯)ના બદલે હદ સરળતાથી સમજી શકાય. લેખકે જોડિયા બહેનો માટે ‘જોડકી’ શબ્દ અનેકવાર વાપર્યો છે જે યોગ્ય નથી. એ જ રીતે બદલાયેલી દુનિયામાં આવેલાં પરિવર્તનો અને તેમાં આરવને થતા અનુભવ વિશે લેખકે ટૂંકમાં લખ્યું છે. અહીં તેમણે પોતાની કલ્પનાશક્તિ ખીલવી વિસ્તારથી લખ્યું હોત તો કથાના જમા પાસામાં ઉમેરો થાત. આમ, આ નવલકથા કથાવસ્તુની રીતે તાજગીનો અનુભવ કરાવે છે અને લેખક ગુજરાતી સાહિત્યને પૂર્ણ કદની વિજ્ઞાનકથા આપી મહેણું ભાંગે છે.
[ઝેન ઓપસ; અમદાવાદ]