બે હજાર ચોવીસ સમક્ષ/સાત વૃક્ષો – પાબ્લો કુઆદ્રા, અનુ. હરીશ મીનાશ્રુ
કવિતા-અનુવાદ
અનુ. હરીશ મીનાશ્રુ
[‘Seven trees Against the Dying Light’ :
પાબ્લો ઍન્ટોનીઓ કુઆદ્રા]
રમણીક સોમેશ્વર
તળભૂમિમાં પ્રસરતાં અને નવા આલોક માટે ઝઝૂમતાં ‘સાત વૃક્ષો’
હરીશ મીનાશ્રુ કાવ્ય-સર્જનની સાથેસાથે કાવ્યાનુવાદ પણ સાતત્યપૂર્વક કરતા રહ્યા છે. દેશ-વિદેશની અનેક ભાષાઓના પ્રાચીનતમ કવિઓથી લઈને વર્તમાન સુધીના કવિઓનાં ઉત્તમ કાવ્યો તરફ એમની પારખુ નજર મંડાયેલી રહે છે. ‘દેશાટન’ના પ્રાસ્તાવિકમાં તેઓ લખે છે – “અન્ય ભાષાનો એક અજનબી કવિ પોતાની સરસ કવિતાનો પરિચય કરાવીને જાણે કે નિમંત્રણ આપે છે. MIRROR IMAGE વડે દ્વિજકવિતા રચવા, મારી ભાષાના સ્વચ્છ દર્પણમાં” ‘સાત વૃક્ષો’ એ એવા નિમંત્રણે નિજ ભાષાના સ્વચ્છ દર્પણમાં ઝિલાયેલી દ્વિજકવિતા છે. પુસ્તક હાથમાં લઈએ ત્યાં નજર જાય છે આવરણ પર દૃષ્ટિપૂર્વક મુકાયેલા વિન્સન્ટ વાનઘોઘના ચિત્ર ‘ધ લાર્જ પ્લેઇન ટ્રી’ – અને એ જ રીતે પાછલે પૂંઠે મુકાયેલા ચિત્રકાર સર્જિઓ મિચિલિનીએ રચેલા કવિ કુઆદ્રાના લાક્ષણિક પોર્ટ્રેઇટ પર. પ્રારંભે મુકાયેલી રવીન્દ્રનાથની કાવ્યપંક્તિઓ પણ આ કાવ્યશ્રૃંખલાના ભાવજગત સાથે ભાવકને જોડે છે. મૂળ કવિતા સ્પેનિશ ભાષામાં. એના સ્ટીવન એફ. વ્હાઇટ અને ગર્ગ રિચોન-એ કરેલા અંગ્રેજી અનુવાદ પરથી મીનાશ્રુએ એનું અવતરણ કર્યું ગુજરાતીમાં. એ ગુજરાતી અનુવાદને આધારે મારે અહીં થોડી વાત કરવી છે. આ અનુવાદ પ્રથમ છપાયો ‘તથાપિ’ જૂન-ઑગસ્ટ ૨૦૦૯ના અંકમાં અને પુસ્તક સાંપડ્યું છેક ૨૦૨૪માં. વચ્ચે શીર્ષકસમેત ઘણુંબધું નવસંસ્કાર પામતું રહ્યું. એ બધું જોતાં કવિ-અનુવાદકની સતત સંમાર્જિત થતી સર્જકચેતનાનો પરિચય પણ આપણને મળી જાય છે. વૃક્ષોનાં મૂળિયાં અને શાખાઓની જેમ અહીં પાદટીપો પણ ખાસ્સી પ્રસરી છે અને લગભગ કવિતા જેટલાં જ પાનાં રોકે છે. મૂળ કવિ, અંગ્રેજી અનુવાદકો અને ગુજરાતી અનુવાદકની પૂર્તિરૂપ નોંધ જેવી ત્રિવિધ ધારાથી આ નોંધો ખચિત છે. તેથી જ કદાચ પ્રાસ્તાવિકમાં જ અનુવાદક આપણને કહી દે છે કે : “આ કવિતા એક અપૂર્વ અર્થમાં eco-centric છે. આ કવિતાની ટેક્સ્ટ પર્યાવરણ, વનસ્પતિવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સામાજિક, રાજકીય, પ્રાદેશિક સંકેતો અને ખાસ તો આપણે માટે ખાસ્સી અજાણી એવી પ્રાચીન મધ્ય અમેરિકન આદિવાસી સંસ્કૃતિઓના પૌરાણિક સંદર્ભો ને કિંંવદંતીઓથી લદાયેલી છે અને આપણા જેવા અજનબી વાચકને પોતાની આ નવતર પ્રકારની સંકુલતાને કારણે આરંભે ઠીકઠીક મૂંઝવનારી છે” – આવી કવિતાનો અનુવાદ કરવો એ એક પ્રકારે સર્જનાત્મક સાહસ જ કહી શકાય. – તો આપણે આ મૂંઝવણમાંથી માર્ગ કરતાંકરતાં કવિતા સુધી પહોંચવાનું છે અને મૂંઝવણ અને મોજ બંનેનો સ્વાદ લેવાનો છે. નોબેલ પારિતોષિક માટે બબ્બેવાર જેનું નામાંકન થયેલું એવા નિરાકાગુઆના કવિ કુઆદ્રાનો વિગતે પરિચય પુસ્તકમાં અપાયો છે અને પ્રદેશની લાક્ષણિકતાઓની પણ વાત થઈ છે એટલે એની વિગતોમાં હું અહીં નહીં જાઉં, ‘આમ્રવૃક્ષ’ નામની કવિતામાં ભાવક સાથે આંખ મેળવીને કવિ સીધું જ કહે છે :
“તમે તો જાણો છો વૃક્ષો વિષે.
એ દેશી વૃક્ષોને તમે જાણો છો.
જે ભારે ખપમાં આવેલાં આ ભોમકાની ઉન્નતિમાં.
નિકારાગુઆની ભોંય પર ઊભેલો આ ‘સાત વૃક્ષો’ની સપ્તપદીમાં પ્રદેશ, પર્યાવરણ, લોકજીવન અને સંસ્કૃતિના ભાતીગળ સંદર્ભો સાથે કવિએ ત્યાંના આંતરવિગ્રહો અને અરાજકતા, અનિશ્ચિતતાઓ અને અભાવો, હાડમારી અને હિજરતો, વ્યથા અને વેદના – અને એ બધાની સામે અડીખમ રહીને સેવાતી મુક્તિની અદમ્ય ઝંખાને અનેરું કાવ્ય-રૂપ આપ્યું છે. એમ કરતાં કવિ આપણને સામે રહેલા પાર્થિવ ભૂ-પ્રદેશને વળોટીને કોઈ જુદા જ રહસ્યલોકમાં લઈ જાય છે. હવે એક ઊડતી નજરે આ વૃક્ષોને જરા જાણી લઈએ. શાલ્મલિ વૃક્ષ(શીમળો) – અંગ્રેજી નામ cieba tree . આપણી જેમ મધ્ય અમેરિકાની મય સંસ્કૃતિમાં પણ એ એક પવિત્ર વૃક્ષ મનાય. પણ આ હોકોટે(Jocote) પૂરું નિકારાગુઆન ત્યાંની આદિ-ભાષા નાહુઆલમાંથી જ મળ્યું અને એનું નામ આપણા ઉદુમ્બર(ઊમરો) કુળનું એ વૃક્ષ, પણ એને ઓળખવું રહ્યું ‘હોકોટે’ એ નામે. એવું જ પનામા વૃક્ષનું. પનામા પ્રજાસત્તાકનું એ રાષ્ટ્રીય વૃક્ષ. કોકો(cacao) નામથી આપણે પરિચિત. આપણે ત્યાં દક્ષિણ ભારતમાં એ વૃક્ષો જોવા મળે. આમ્રવૃક્ષ – mango tree – તો સૌને જાણીતું ને માનીતું ભારતીય વૃક્ષ. પણ આ ‘રાતો શિરીષ?’ – એ આપણા શિરીષનું જાતભાઈ. ઔષધીય વૃક્ષ. આપણે ત્યાં એ વિલાયતી શિરીષ તરીકે પણ ઓળખાય. છત્રીની જેમ ફેલાયેલું એટલે Rain Tree પણ કહેવાય. હવે ‘કટુતુમ્બી’ પાસે જરા અટકીએ. અંગ્રેજીમાં એનું એક નામ calabash. કેલાબાશ –એ આપણી દૂધીનું સગોત્ર. કડવી દૂધીને આપણે કડવી તુંબડી કહીએ એ રીતે કદાચ આવ્યું જણાય છે આ ‘કટુતુમ્બી’ નામ. મીનાશ્રુએ તો આ અનુવાદ માટે વનસ્પતિશાસ્ત્રના ઊંડા જળમાં ઊતરીને પ્રત્યેક વૃક્ષની મૂળગત વિશેષતાઓ અંગે પૂરી ભાળ મેળવી જણાય છે. તેથી જ તો લગભગ દરેક પ્રકરણના અંતે બાપાલાલ ગ. વૈદ્યના સુવિખ્યાત ગ્રંથ ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ’-ને યાદ કરાયો છે. આ વૃક્ષો પ્રતીક બનીને આવે છે કવિતામાં અને ઇતિહાસ અને પુરાણનાં પાનાં ઉથલાવી, ખગોળ-ભૂગોળની વાતો કરી, વિજ્ઞાનનું દ્રાવણ એમાં ભેળવીને નૃવંશશાસ્ત્રના નકશા દોરે છે. એ નકશા ઉકેલવા અનુવાદકે કરેલા ઉદ્યમની પ્રતીતિ અહીં આપણને સતત થતી રહે છે. આ કાવ્યો રચાયાં છે ૧૯૭૭-૭૮માં. પણ એ પહેલાં ૧૯૭૨માં નિકારાગુઆ ભીષણ ભૂકંપનો ભોગ બન્યું. પાટનગર માનીગુઆ તારાજ થયું અને એમાં કવિનું જન્મનું ઘર અને આંગણામાં ઊભેલું શાલ્મલિ વૃક્ષ પણ ધરાશાયી થયાં. કહેવાય છે કે આ ઘટનાએ કવિના ચિત્તમાં આ કાવ્યશ્રેણીના સર્જનનું બીજારોપણ કર્યું. એક કવિતામાં કવિ કહે છે :
‘ઓ વૃક્ષોના વાવનાર/ સાંભળ આ કવિતાને’
તો આપણે હવે એ કવિતાના સ્વરને જ સાંભળીએ. પહેલું જ કાવ્ય છે ‘શાલ્મલિ વૃક્ષ’. આપણી પુરાકથાઓમાં પણ વિભિન્ન રૂપે સચવાયેલું આપણું જાણીતું વૃક્ષ. એમાં કવિ કહે છે :
‘ને લોક અંગાર મૂકે છે આ વૃક્ષો કને
એક પ્રકારનો અગરુ ધૂપ
કેમ કે એમની માન્યતા છે કે
એમના વડવાઓ પ્રગટેલા
શાલ્મલિનાં મૂળિયામાંથી’
આમ પહોંચી જઈએ છીએ આપણે એ ભૂમિની આદિ-ક્ષણોમાં અને પછી ધીમેધીમે કવિતામાં ઊઘડતા રહે છે મૂળ-પ્રજાના ઉદ્ગમ અને મુક્તિ-સંગ્રામના અનેક કેડા. કવિ કહે છે :
‘આ વૃક્ષ છે આંતર્વિરોધોનું’
અને એમ કહી પ્રદેશ અને પથના અનેકવિધ આંતર્વિરોધોનો સંકેત કવિ આપી દે છે. આ કાવ્યોનું પર્યેષણ કે આસ્વાદ કરવાનું કામ કંઈ સહેલું તો નથી જ. અનેકવિધ અજાણ્યા પડાવો અહીં પાર કરવાના આવે છે. એવું બને કે એમાંનું કેટલુંક તો આપણા માટે પરકીય જ રહી જાય અને આપણે એ ભૂમિવિશેષની સુગંધ આપણી નાસિકામાં ભરી સંતોષ માનવો પડે. તો ક્યાંક પાદટીપનું પાનું ખોલ્યા વિનાય અજાણ્યું જાણીતું લાગવા માંડે અને કવિતાનો પ્રથમ ઘાટ આપણને રાજી કરી દે. બધી વાત તો અહીં ક્યાંથી થાય! એકાદ બે ઉદાહરણ જોઈએ. અહીં પહેલી જ કૃતિમાં આપણને મળે છે ‘લાન્ડા’ – જેને જાણવા પાદટીપ સુધી જવું જ પડે. ત્યાં આપણને જાણવા મળે છે કે તેઓ લુપ્ત થઈ ચૂકેલી મય સંસ્કૃતિ અને જીવનને વર્ણવતા એક અદ્ભુત ગ્રંથના રચયિતા હતા. આવા અનેક પૌરાણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સંદર્ભો સાથે આપણે એ ભૂમિના સમગ્ર ચિત્રને આપણા ચિત્તમાં કંડારતા રહેવું પડે. – હવે એ જ કવિતાની આ પંક્તિઓ વાંચીએ.
‘આ વૃક્ષ પર ચઢવાથી સર્પ બની જાય છે પંખી
ને શબ્દ ગીત.’
વાંચતાં જ કવિતાનો જાદુ પમાય. પછી સંદર્ભોમાં જતાં એ સઘન થાય. આમ એક પછી એક વૃક્ષ પ્રત્યક્ષ થતું જાય છે અને કવિતાનો પિંડ બંધાતો જાય છે. એની થોડી ઝલક અહીં લઈએ. બીજું કાવ્ય છે ‘હોકોટે વૃક્ષ’. કવિ પ્રારંભે જ કહે છે :
‘આદિમાં તો બે જ વૃક્ષો હતાં :
એકનું સૃજન કરેલું સૂર્યએ, બીજાનું ચન્દ્રએ’
(આમાં સમયનાં બધાં જ પરિમાણો સાચવતી સૃષ્ટિ આખી આવી ગઈ). – તો, આ હોકોટે વૃક્ષ એ આદિ વૃક્ષોમાંનું એક. શાલ્મલિમાં બીજારોપણ તો અહી પ્રસ્ફુટન, માધુરી વહેંચતું આ પ્રેમનું વૃક્ષ. આદિ પ્રજા નાહુઆ અને એમની નાહુટાલ ભાષાની દંતકથાઓમાં આવતી યુદ્ધ અને પ્રેમની કથાઓ સાચવી બેઠેલું વૃક્ષ. આ વૃક્ષ તો –
‘રૂઝવે છે એની છાલ વડે, જો વ્રણ હોય યુદ્ધના
ખોલે છે એના ફળ વડે, જો વ્રણ હોય પ્રેમના’
આમ યુદ્ધ અને પ્રેમના સાયુજ્યમાં પાંગરતા એક માનવકુળની વાત અહીં થઈ છે. એક વિશાળ ધવલ પંખીએ ઊડી આવીને જેનું આ ભૂમિમાં બીજારોપણ કરેલું એ ‘પનામા વૃક્ષ’ પરથી તો નામ પડ્યું ‘ધ રિપબ્લિક ઑફ પનામા’નું. આમ જોડાયો ઇતિહાસ. પછી કવિએ એ જ પ્રદેશની લેખિકા ગ્લોરિયા ગાર્ડિયાને કાવ્ય અર્પણ કરીને એમાં જોડી દીધું સાહિત્યને. એ વૃક્ષની શાખાઓ આપણી ગરવી ગુજરાતી ભાષામાં કેવી રૂડી પાંગરી છે તે સાંભળો :
‘ચકાસો એનાં ઝીણાં ઘૂઘરિયાળાં પુષ્પો,
રંગે પીળા જાંબલી છાંટા વાળાં
ને ગમાણ ને તબેલાની જેમ ગંધગોબરાં’
આમ દૃષ્ટિ અને ઘ્રાણને તરબોળ કરીને આ અનુવાદક-કવિ પૂર્તિરૂપ નોંધને સહારે આપણને લઈ જાય છે આપણા કર્ણિકાર પાસે, કાલિદાસના ‘કુમારસંભવ’-ના સથવારે. અને કાનમાં કહે છે આપણા ગરમાળા જેવું આ પણ એક ઔષધીય વૃક્ષ. આ વૃક્ષને છાંયડે ઊભીને આપણે ‘કાંઠા પર જાળ ખેંચતા માછીમારો અને હસતી માછણો’ સંગાથે ધબકતા લોકજીવનને ભાળી શકીએ છીએ. આ ‘કોકો વૃક્ષ’ તો સ્વર્ગનાં વૃક્ષોમાંનું એક’. માનાગુઆના સર્જક હુઆન અબુર્ટોને એ કવિતા અર્પણ કરીને કવિ આપણને લઈ જાય છે એમના પોતીકા પરિવેશમાં. આ કવિતા છે મૂળભૂમિની શોધમાં નીકળેલા પૂર્વજોની. કેવું છે આ વૃક્ષ? કોઈ કાળે –
‘એ લોકો એને ફૂલો સમેત પીતા
***
એ જાણે ધરતીને પીવા જેવું હતું’
માને ધાવતું બાળક જાણે! આમ આ મા-થી વિખૂટા પડેલા બાળકની કવિતા. એની આ થોડી સૌંદર્યમંડિત પંક્તિઓ વાંચીએ :
‘એકાંતરે ફૂટેલાં લંબગોળ પાંદડાં સાથે
રમતું રમતું બહાર આવે છે આ વૃક્ષ
પછી એ છવાઈ જાય છે અડખે પડખેથી
ખીલી નીકળેલાં પુષ્પોથી. –
નાનકડી તારલીઓ જેવી કનકવર્ણી કે
રતુંબડી હજારો કળીઓથી.’
૦
કવિ એઝરા પાઉન્ડની એક કવિતાના સંદર્ભ સાથે અહીં આદિવાસી મુખિયો એના દીકરાને કહે છે :
‘તારે જો ધનિક થવું હોય તો ઉછેર થોડાં કોકો વૃક્ષ’
આમ આ વૃક્ષ પ્રતીક તો છે સમૃદ્ધિનું પણ કવિ એ દ્વારા વાત કરે છે લોકો વચ્ચે ઊભા થતા વર્ગભેદ અને વર્ગવિગ્રહની. કવિને મન ‘એ કંઈ જંગલી છોડવો નથી/ એ તો છે સ્વાતંત્ર્યની વરણી કરનાર...’ હવે મુક્તિચાહક આ પ્રજાનો આક્રોશ જુઓ :
‘શું આપણે ખસી કરી છે આ સૂરજની
જે ખોઈ બેઠો છે એનો ઝળહળાટ’
તો આ કવિતા છે ખોઈ બેઠેલા ઝળહળાટને પુનઃ પ્રાપ્ત કરવાની ઝંખાની કવિતા. ‘આમ્રવૃક્ષ’ તો નિકારાગુઆમાં આવ્યું જ છે હિન્દુસ્તાનથી. કવિતામાં કવિએ તેને જોડ્યું છે પંખીરાજ જટાયુના અવતાર સાથે અને આરબોના દેવહુમા પંખી સાથે – ‘જે માળો બાંધે છે અગ્નિમાં’ (પુરાણકથાઓનું હોમા પંખી યાદ આવે) – આમ આ કવિતા કોઈ એક દેશ-કાળની ન રહેતાં સમસ્તની કવિતા બની રહે છે. અહીં પૌરાણિક કથાઓની ગૂંથણીને જોતાં હું સુંદર પંક્તિઓ પાસે કુતૂહલવશ અટકું છું –
“યાદિરાનાં સ્તનો પર તો ચંદનનો લેપ કરવામાં આવતો
એને લીધે તો નાવિકોને ગરમી સહ્ય બનતી.’
નાવિકોને ગ્રીષ્મ-કુટિરનો આહ્લાદ આપતી આ સુંદર રમણી યાદિરા કોણ? એનો સંદર્ભ અહીં ક્યાંય ન સાંપડ્યો. પણ આપણે આ રણકતી પંક્તિઓ જરા વાંચી લઈએ :
‘એ ઊગે છે ઘરના વાડામાં
નિજમાં સમાવે છે તમારાં દેશી પંખીડાં
ને તમારી વામકુક્ષી કાજે
ગૂંથે છે સુખદ વાયુલહરીઓ
અને તીડના ગણગણાટ’
હવે, આપણે જરા આંખ મીંચીએ ત્યાં એક ઝબકારે આપણી સામે પ્રગટે છે ‘રાતો શિરીષ’. એ વૃક્ષ તો છે ‘ઝંઝાવાતનું સિંહાસન’, પણ વૃક્ષ પોતે તો એવું કહે છે :
‘ – સબૂર, મેં જે અહીંયાં શાખાઓ લંબાવી છે
તે તો શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માટે’
ઝંઝાવાતના સિંહાસન સામે શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાની વાત કરતું આ વૃક્ષ તો ગાયા કરે છે ‘વૃંત્તે વળગેલાં અરુણિમ પુષ્પોનાં ગીત’ – ગોચરો, ખેતરો, પશુ-પંખીનાં ગીત. આ કાવ્ય સાથે જોડાઈ છે કવિના પિતાની સ્મૃતિઓ જેમણે એમની પાસે વાતો કરેલી નિકારાગુઆના મુક્તિદાતા જનરલ ચામાર્રોની. (શ્રેણીનું અંતિમ કાવ્ય એ જનરલને અર્પણ થયું છે) – આમ જોડાયો છે કવિતામાં ઇતિહાસ, કવિતાની શરતે સતત લડાતાં યુદ્ધો સાથે સંકળાયેલો ઇતિહાસ. અહીં આપણને મળે છે ‘મુક્તિ અથવા મૃત્યુ’નો નારો ગજવતા, લોહીના તંતુઓથી વણાયેલો વાવટો ફરકાવતા મુક્તિ-સૈનિકો. કવિ કહે છે :
‘એમણે વાવ્યાં મુક્તિનાં બીજ અને કવિતાની પંક્તિઓ
ને યુદ્ધે જે વીંખી નાખેલું એ બધું પાછું જોડી આપ્યું’
તેથી જ કાવ્યાન્તે કવિને કહેવાનું થાય છે :
‘–રાતા શિરીષનું વૃક્ષ તો સર્જાયેલું છે –
જે કૈં પ્રીતિભાજન છે એને આલિંગનમાં લેવા માટે,
એની શાખાઓ તળે એક ચૈતન્ય અવકાશ સ્થાપવા માટે
જુલમની સામે ઉન્નત શાંતિના સામર્થ્ય રૂપે.’
સાત કાવ્યોની આ શ્રૃંખલા આમ આપણને સંઘર્ષો વચ્ચેથી મુક્તિના ઉઘાડ તરફ લઈ જાય છે. અંતિમ ચરણમાં ઊભું ઝૂલે છે ‘કટુતુમ્બી વૃક્ષ’ (કડવી તુંબડી). પ્રારંભે જ આપણી સામે આવે છે બ્લેક હાઉસના સામર્થ્યની સામે બહારવટે ચડેલો અને કારાગારના અધિપતિઓની સામે ઝઝૂમતો એક વીર નાયક. (અહીં કૌંસમાં મુકાયેલી પ્રલંબ સ્વગતોક્તિ કવિની અનેરી રચનારીતિ તરફ પણ આપણું ધ્યાન દોરે છે) – સત્તા મથે છે મુક્તિદાતાની સ્મૃતિઓનો દાટી દેવા. કવિ કહે છેઃ
‘અને એમણે શિરછેદ કરી દીધો મુક્તિદાતાનો
ને ફરમાન કર્યું કે થાંભલા પર લટકાવવામાં
આવે એનું મસ્તક...
પણ અચાનક જ એ થાંભલો પલટાઈ ગયો વૃક્ષમાં,
પર્ણો ફળોથી આચ્છાદિત,
લોકોના મસ્તકો જેવાં ફળોથી.’
કવિનિર્મિત રહસ્યલોક ઊઘડતો આવે છે. અહીં વાત આવે છે એક રક્તકન્યા – કુંવારકાની. એ જાણવા માગે છે આ વૃક્ષનો ચમત્કાર. જુલમગારના હુકમનો અનાદર કરીને વૃક્ષ પાસે જઈને એ બલિ ચઢી ગયેલા નરબંકાનું મુંડ માગે છે જે ઊગ્યું છે ફળો રૂપે – અને મુંડ થૂંકે છે કુંવારકાની જમણી હથેળીમાં. પછી સાંભળો આ વૃક્ષની વાણી :
‘મારી લાળમાં મેં તને આપ્યો છે મારો વારસો.
કેમ કે એ શબ્દ છે શોણિત
અને વળી શોણિત છે શબ્દ.’
– આ રીતે એક સંસ્કૃતિના પરોઢનો આરંભ થાય છે જે રક્તકન્યાની જેમ અંકુરિત થતો રહે છે આ છે શોણિતમાંથી નીપજેલા શબ્દની કવિતા, એક પ્રદેશ-વિશેષના સંઘર્ષો અને મુક્તિ-સંગ્રામને વાચા આપતી અને પ્રકૃતિનાં અનેક રહસ્યોને ખોલતી પર્યાવરણ-કેન્દ્રી કથનાત્મક કવિતા, અને તેમ છતાં કવિતા-કેન્દ્રી રહી સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કવિતા. પર્યાવરણ-કેન્દ્રી કવિતા કઈ રીતે લખાય તેનું એક બળુકું ઉદાહરણ. કવિ હરીશ મીનાશ્રુએ આવા વિલક્ષણ અને અતિ સંકુલ ભાવવિશ્વનું ગુજરાતી કવિતામાં અવતરણ કરીને આપણને સંવેદન અને ભાષાનાં અનેક સ્તરોમાં વિહરતી એક નવતર કવિતા આપી છે. એ માટે આપણે એમના આભારી છીએ.
[ઝેન ઓપસ, અમદાવાદ]