ભરત વિંઝુડાની ગઝલસંપદા/ડરવું નહીં
૫૬
ડરવું નહીં
ડરવું નહીં
લોક નિંદાથી ખૂબ ડરવું નહીં,
એવું લાગે તો એવું કરવું નહીં.
એકલા એકલા ભૂંસાઈ જવું,
કોઈ પાછળ કદીય મરવું નહીં.
જળ ગળા પાસે આવવા દેવું,
પણ કદી પાણીમાં ઊતરવું નહીં.
આ બધું કાલ વિસરાઈ જશે,
વિસરાઈ ગયેલું સ્મરવું નહીં.
પાન લીલું કહે છે પીળાંને,
લટકી રહેવું પરંતુ ખરવું નહીં.
(નજીક જાવ તો)