ભરત વિંઝુડાની ગઝલસંપદા/સ્ત્રીઓ

૫૫
સ્ત્રીઓ

કમળ પાંખડીથી ખરી જાય સ્ત્રીઓ,
ને કાદવ ઉપર પણ તરી જાય સ્ત્રીઓ.

તમારું અગર મન હરી જાય સ્ત્રીઓ,
પછી કઈ રીતે સાંભરી જાય સ્ત્રીઓ.

ખબર પણ પડે નહીં કે ક્યારે અહીંયાં,
તમારું મગજ વાપરી જાય સ્ત્રીઓ.

તમે ટ્રેનમાં ઊંઘતા હો છો ત્યારે,
કોઈ સ્ટેશને ઊતરી જાય સ્ત્રીઓ.

ઊડે તે બધા કાગડાને નિમંત્રી,
આ વર્ષામાં છત્રી કરી જાય સ્ત્રીઓ.

બનાવે છે જે મૂર્ખ સૌને અહીંયાં,
કદી એને પણ છેતરી જાય સ્ત્રીઓ.

કોઈમાં ભળી જાય સાકરની માફક,
અને કોઈનાથી ડરી જાય સ્ત્રીઓ.

ઘરે હોય એનાથી લાગે છે સારી,
કે જાહેરમાં સુધરી જાય સ્ત્રીઓ.

જનમતી રહે છે એ દરરોજ રાત્રે,
સવારે અચાનક મરી જાય સ્ત્રીઓ.

(નજીક જાવ તો)