ભરત વિંઝુડાની ગઝલસંપદા/તપાસ કરો
૪૮
તપાસ કરો
તપાસ કરો
દરેક વાતને ખોલો અને તપાસ કરો,
દુઃખોના મૂળને શોધો અને તપાસ કરો.
પડ્યા દટાઈને જમીનમાં જ ઇતિહાસો,
કશું ન સાંભળો, ખોદો અને તપાસ કરો.
કરાવ્યો કોણે અહીંયાં અસત્યનો મહિમા,
તમે સમૂહને રોકો અને તપાસ કરો.
તમે છો એક અને તમને એવું કહેશે કે,
દશે દિશાઓમાં દોડો અને તપાસ કરો.
અહીં નથી તે બધું એ તરફ છે શા માટે,
બધી દીવાલને તોડો અને તપાસ કરો.
તમારી વસ્તુઓ મૂકીને સામા પલ્લામાં,
આ તોલમાપને તોલો અને તપાસ કરો.
કદાચ તળમાં પડી હોય છે અશુદ્ધિઓ,
આ જળ જરાક ડહોળો અને તપાસ કરો.
(મૌનમાં સમજાય એવું)