ભરત વિંઝુડાની ગઝલસંપદા/કામ છે
૪૭
કામ છે
કામ છે
એકને બીજાનું, બીજાને ત્રીજાનું કામ છે,
આ જગત આવું છે એનું એક કારણ આમ છે.
બારણે ઊભું છે કોઈ જેને મારું કામ છે,
આવકારો આપવો છે, ત્યાં સુધી આરામ છે.
તું સવારે ચાલવા નીકળે તે શારીરિક અને
જાગી જઈને હું કરું તે માનસિક વ્યાયામ છે.
પોતપોતાની જરૂરત હોય છે એથી જ તો,
સાથમાં પરિવાર છે ને આજુબાજુ ગામ છે.
કોઈ ઓળખતું નથી એવા જ લોકો શોધજો,
ગામની ત્યાં કંઈક હસ્તીઓ બહુ બદનામ છે.
કેટલો વીત્યો સમય ને તોય લાગે હર ક્ષણે,
આ હજી શરૂઆત છે, આ ક્યાં હજી અંજામ છે.
(મૌનમાં સમજાય એવું)