ભરત વિંઝુડાની ગઝલસંપદા/તો શું કરો
૬૪
તો શું કરો
તો શું કરો
જવાબ કોઈ વાતનો મળે નહીં તો શું કરો?
કહો છો એમાં હા કે ના કહે નહીં તો શું કરો?
ખબર પડી કે સ્પર્શથી સજીવ થાય છે બધું,
પછી એ કોઈ શબને પણ અડે નહીં તો શું કરો?
આ હાથ પહોંચતો નથી જરાય કોઈ ફળ સુધી,
ને કોઈ ડાળી વૃક્ષની નમે નહીં તો શું કરો?
જે સાંભળીને તાળીઓ બધાએ પાડી એ ક્ષણે,
બધાને જે ગમે છે તે ગમે નહીં તો શું કરો?
તમે બનાવી બેઠા હો મજાની સાંગીતિક ધૂન,
કવિ જ કાવ્ય એના પર રચે નહીં તો શું કરો?
મહામહેનતે તમે બનાવી લાવ્યા હોવ છો,
બજારમાં એ વસ્તુઓ ખપે નહીં તો શું કરો?
(તમારા માટે)