ભરત વિંઝુડાની ગઝલસંપદા/જાણે છે

૩૯
જાણે છે

આવી જાણે ન આવી જાણે છે,
દુઃખતી રગ દબાવી જાણે છે!

આગ લાગી હો ગામ આખામાં,
ત્યાંથી ખુદને બચાવી જાણે છે!

કંઈક દેખાડવું હતું એણે,
એ જ બાબત બતાવી જાણે છે!

એક માણસનું જોઈ પાગલપન,
લોક ભૂવા ધુણાવી જાણે છે!

પંખીઓને થઈ હશે ઈર્ષા,
પ્લેન માણસ ઉડાવી જાણે છે!

જાળ મોતીની વાત શું જાણે,
માછલીઓ ફસાવી જાણે છે!

શ્રેષ્ઠતાનીય હોય મર્યાદા,
સૂર્ય બીડી જલાવી જાણે છે?

(તારા કારણે)