ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મપુરાણ/પાર્વતી અને ગંગા વચ્ચે સંઘર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાર્વતી અને ગંગા વચ્ચે સંઘર્ષ


વિવાહમંડપમાં બેઠેલી ઉમાને જોઈ બ્રહ્મા કામુક બની ગયા અને તેમને શરમંદાિ થવું પડ્યું. અજ્ઞાનવશ થયેલા પાપમાંથી મુક્ત થવાનો ઉપાય તેમને બતાવવામાં આવ્યો, ભગવાન નારાયણે કમંડળમાં પોતાના પગ મૂકી ધોયા અને તે કમંડળ બ્રહ્માને આપ્યું. કમંડળ ધરતી બનશે અને જળ નદી બનશે. એ નદી એટલે ગંગા. સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવામાં ગૌતમ અને ભગીરથનો મોટો ફાળો એટલે તેમનું નામ ભાગીરથી અને ગૌતમી પણ. ગંગા સાથે સંલગ્ન ગૌતમની કથા બ્રહ્માએ કહી. ગંગાને ભગવાન શંકરે પોતાની જટામાં રાખી એટલે પાર્વતી પતિ પર નારાજ થઈ, ગંગા માટે ઈર્ષ્યા જન્મી. પાર્વતીએ ગંગાને પોતાના માર્ગમાંથી હટાવવાનો નિર્ધાર કર્યો જેથી તે શંકર પર માત્ર પોતાનો અધિકાર દાખવી શકે.

દેવીએ એકાંતમાં ગણેશ, કાર્તિક અને જયાને બોલાવી પોતાની વ્યથા સંભળાવી. ત્રણે માતાનું દુઃખ કેવી રીતે નિવારી શકાય તેની ચર્ચા કરવા લાગ્યા. તેમને લાગ્યું કે શિવની જટામાંથી ગંગાને દૂર કરવાનું કામ સંસારમાં માત્ર ને માત્ર ગૌતમ જ કરી શકે. પણ ગૌતમને સમજાવવા કેવી રીતે? પછી કશું વિચારીને ત્રણે ગૌતમ મુનિના આશ્રમ તરફ બ્રાહ્મણનો વેશ લઈ ચાલી નીકળ્યા. ગૌતમે તેમને પોતાના આશ્રમમાં રાખ્યા. ગણેશે પોતાના પ્રભાવથી આશ્રમવાસીઓને પોતાને વશ કરી લીધા. ગણેશ જ્યારે જ્યારે ત્યાંથી જવાની વાત કરતા ત્યારે ત્યારે ગૌતમ તેમને રોકી પાડતા.

એક દિવસ ગણેશે જયાને ગાયનું રૂપ લઈ ધાન્યનો નાશ કરવા કહ્યું. ‘જો ગૌતમ કશો પ્રહાર કરે તો તું ચીસ પાડીને ધરતી પર એવી રીતે પડી જજે કે કોઈને તું જીવે છે કે મરી ગઈ છે તે જ સમજ ન પડે.’

ગૌતમે એ વિકૃત રૂપ ધરાવતી ગાયને જ્યારે ધાન્યનો નાશ કરતી જોઈ ત્યારે એક તૃણ તેના પર ફેંક્યું એટલે ક્રંદન કરતી તે ગાય મૂચ્છિર્ત થઈને પડી ગઈ. આ જોઈ ગણેશના નેતૃત્વમાં બધા આશ્રમવાસીઓએ ત્યાંથી જતા રહેવાનો નિર્ણય કરી ગૌતમ ઋષિને જણાવ્યું. ગૌતમે તેમને પગે પડીને આ પાપનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ગણેશે થોડો વિચાર કરીને જણાવ્યું, ‘બ્રહ્માના કમંડળમાં રાખેલું જળ શંકર ભગવાને પોતાની જટામાં રાખી મૂક્યું છે તે તમે તમારા તપોબળથી લઈ આવો અને અને આ ગાય પર તેનો અભિષેક કરો તો આ પાપમાંથી મુક્તિ મળે. પછી અમે બધા આશ્રમમાં રહીશું.’

શંકર ભગવાનને પ્રસન્ન કરીને અદૃશ્ય ગંગાને ત્યાં આણવાનો, ને તે જળ વડે ગાય પર અભિષેક કરવાનો નિર્ધાર ઋષિએ કરી લીધો. ગૌતમ તો તપ કરવા નીકળ્યા, બધા પોતપોતાના નિવાસે જવા લાગ્યા, ગણેશ પણ.

ગૌતમ પોતાની વાણી પર સંયમ મેળવીને શિવના સ્તોત્ર ભણવા લાગ્યા. ભગવાને પ્રસન્ન થઈ ગૌતમને વરદાન માગવા કહ્યું. એટલે ગૌતમે તો શંકર ભગવાનની જટામાં રહેલી ગંગા માગી લીધી. બીજું વરદાન માગવા કહ્યું ત્યારે ગૌતમે કહ્યું, ‘ત્રણે લોકમાં ગંગાનો મહિમા સૌથી વધારે થાય.’ ભગવાને તેમની વાત પણ મંજૂર રાખી. પછી ગંગાએ જ્યારે ફરી કમંડળમાં પાછા જવાની વાત કરી ત્યારે ગૌતમે તેમને સમજાવ્યા અને એટલે ગંગાએ પોતાને ત્રણ ભાગમાં વહેંચી, તેમાંથી એક પ્રવાહ પૃથ્વી પર આવ્યો. બીજો પ્રવાહ સ્વર્ગમાં ગયો અને ત્યાં તે ચાર ભાગમાં વહેંચાયો. રસાતલમાં ગયેલા પ્રવાહના ચાર ભાગ થયા અને પૃથ્વી પરના પ્રવાહના સાત ભાગ થયા, આમ ગંગાના કુલ પંદર ભાગ થયા અને તે દરેકમાં શંકર ભગવાનનો વાસ છે.


(બીજો ખંડ)