ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/જાર વડે છેતરાયેલી પુંશ્ચલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાર વડે છેતરાયેલી પુંશ્ચલી

કોઈ એક નગરમાં એક ખેડૂત અને તેની સ્ત્રી રહેતાં હતાં. પતિ વૃદ્ધ હોવાથી એ ખેડૂતની પત્નીનું ચિત્ત સદાકાળ અન્યમાં ચોંટેલું રહેતું હતું અને તે ઘરમાં સ્થિર થઈને બેસતી નહોતી; કેવળ પરપુરુષને શોધતી ભમ્યા કરતી હતી. એક દિવસ બીજાના ધનનું હરણ કરનાર ધુતારાએ તેને જોઈ અને એકાન્તમાં કહ્યું કે ‘સુભગે, મારી પત્ની મરણ પામી છે, અને તારાં રૂપલાવણ્યનું દર્શન થતાં હું કામબાણથી પીડાયો છું. માટે મને રતિદક્ષિણા આપ. પછી તે બોલી, ‘હે સુભગ! જો એમ હોય તો મારા પતિ પાસે ઘણું ધન છે. વૃદ્ધાવસ્થાને લીધે તે ચાલવાને અસમર્થ છે, તેથી તે ધન લઈને હું આવું છું. પછી તારી સાથે અન્યત્ર જઈને યથેચ્છ રતિસુખ અનુભવીશ.’ તે બોલ્યો, ‘મને પણ એ ગમે છે. પ્રભાતમાં તું આ સ્થાને આવજે. જેથી કોઈ સારા નગરમાં જઈને તારી સાથે જીવલોકનું સુખ અનુભવીશ.’ તે પણ ‘ભલે’ એ પ્રમાણે એ વસ્તુ કબૂલ કરીને હસતે મુખે પોતાને ઘેર ગઈ. રાત્રે પતિ ઊંઘી ગયો એટલે તેનું સર્વ ધન લઈને પ્રભાતમાં પેલાએ કહ્યું હતું તે સ્થાને આવી, ધૂર્ત પણ તેને આગળ કરીને સત્વર ગતિએ દક્ષિણ દિશામાં ચાલ્યો.

બે યોજન ચાલ્યા પછી આગળ માર્ગમાં નદી આવેલી જોઈને ધૂર્તે વિચાર્યું, ‘યૌવનના અંતમાં રહેલી આ સ્ત્રીને હું શું કરીશ? કદાચ પાછળથી પણ કોઈ આવી પહોંચશે. માટે માત્ર ધન લઈને ચાલ્યો જાઉં.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તેણે તેને કહ્યું, ‘પ્રિયે! આ નદી ઊતરવી મુશ્કેલ છે, માટે સર્વ ધન હું સામે પાર મૂકીને આવું, એટલે પછી તને એકલીને સુખપૂર્વક મારી પીઠ ઉપર બેસાડીને લઈ જાઉં.’ તે બોલી, ‘ભદ્ર! એમ કર.’ એમ કહીને તેણે તેને સર્વ ધન આપ્યું, પછી તે ધૂર્તે કહ્યું, ‘પ્રિયે! તારું પહેરેલું વસ્ત્ર પણ આપ, જેથી તું પાણીમાં નિ:શંકપણે આવી શકે.’ તેણે એ પ્રમાણે કર્યું, એટલે પછી ધન લઈને એ ધૂર્ત પોતાના ઇચ્છિત પ્રદેશમાં ચાલ્યો ગયો.

પેલી સ્ત્રી પણ કંઠ ઉપર પોતાના બન્ને હાથ મૂકીને નદીના કિનારે ઉદ્વેગ કરતી ઊભી રહી હતી. એ સમયે પોતાના મોંમાં જેણે માંસનો પિંડ લીધો હતો એવી કોઈ શિયાળણી ત્યાં આવી. પછી નદીના તીરે જુએ છે તો એક મોટો મત્સ્ય પાણીમાંથી નીકળીને બહાર આવ્યો હતો. તેને જોઈને માંસપિંડ છોડી દઈને શિયાળણી તેના તરફ દોડી. એ સમયે એક ગીધ એ માંસપિંડ જોઈને, તે ઉપાડીને આકાશમાં ઊડી ગયો. મત્સ્ય પણ શિયાલણીને જોઈને નદીમાં પેસી ગયો. પછી જેનો શ્રમ વ્યર્થ થયો હતો એવી તથા ગીધ તરફ જોતી એ શિયાલણીને એ દેવદત્તાએ સ્મિત કરીને કહ્યું,

‘ગીધે માંસનું હરણ કર્યું અને મત્સ્ય પણ પાણીમાં પેસી ગયો; મત્સ્યના માંસથી ભ્રષ્ટ થયેલી હે શિયાળણી! હવે તું શું જુએ છે?’

તે સાંભળીને ક્રોધ પામેલી શિયાળણીએ કહ્યું,

‘જેટલી મારી ચતુરાઈ છે તેના કરતાં તારી બમણી છે, પણ તારે જાર કે પતિ બેમાંથી એકે રહ્યો નહિ; હે નગ્ન સ્ત્રી! હવે તું શું જુએ છે?’