ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/મૌન એ જ કાર્યસાધક છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૌન એ જ કાર્યસાધક છે

‘કોઈ એક નદીના તટ ઉપર એકત, દ્વિત અને ત્રિત નામના ત્રણ મુનિ ભાઈઓ તપ કરતા હતા. તેઓના તપના પ્રભાવથી સ્નાન સમયે પાણીથી ભીનાં થયેલાં તેમનાં ધોયેલાં ધોતિયાં પૃથ્વીનો સ્પર્શ થવાના ભયથી આકાશમાં જ અધ્ધર રહેતાં હતાં — સુકાતાં હતાં. એક દિવસે કોઈ એક ગીધે, મારી જેમ, એક દેડકીને બળાત્કારે ઉપાડી. પછી તેને પકડેલી જોઈને, તેઓ પૈકી મોટા ભાઈએ કરુણાથી આર્દ્ર હૃદયવાળા બની કહ્યું, ‘મૂકી દે! મૂકી દે!’ તે સમયે તેનું ધોયેલું ધોતિયું આકાશમાંથી ભૂમિ ઉપર પડી ગયું. તેને પડેલું જોઈને, (પોતાનું ધોતિયું) પડવાના ભયથી ડરેલા બીજાએ ‘મૂકીશ નહિ, મૂકીશ નહિ!’ એમ કહ્કહ્યું, એટલે તેનું ધોતિયું પણ ભૂમિ ઉપર પડ્યું. પછી બન્નેનાં ધોયેલાં ધોતિયાં ભૂમિ ઉપર પડેલાં જોઈને ત્રીજો મૌન રહ્યો.

તેથી હું કહું છું કે ‘મૂકી દે! મૂકી દે!’ એમ કહેવાથી એક, અને ‘મૂકીશ નહિ!’ એમ કહેવાથી બીજો તપથી ભ્રષ્ટ થયો; આ પ્રમાણે બન્નેનું પતન જોઈને(ત્રીજાએ માન્યું કે) મૌન જ સર્વ કાર્યને સિદ્ધ કરનાર છે.’

તે સાંભળીને મુનિએ હસીને કહ્યું, ‘હે મૂર્ખ પક્ષી! સત્યયુગમાં એ ધર્મ હતો, કેમ કે સત્યયુગમાં પાપીની સાથે વાત કરવાથી પણ પાપ લાગતું. આથી અશિષ્ટ પ્રાણીની સાથે વાત કરવાથી ધોયેલાં ધોતિયાં નીચે પડ્યાં હતાં, સજ્જન ઉપર અપવાદ મૂકવાના દોષથી નહિ. પણ આ કલિયુગ છે. એમાં તો સર્વેય પાપી છે, માટે કર્મ કર્યા વિના પાપ લાગતું નથી. કહ્યું છે કે

બીજા યુગોમાં મનુષ્યોનાં પાપો એકમાંથી બીજામાં સંચાર કરે છે, પણ પાપમય એવા કલિયુગમાં જે પાપ કરે છે તે જ તેનાથી લેપાય છે.

તેમ જ

તેલનું બિન્દુ જેમ પાણીમાં પ્રસરે છે તેમ, સત્યયુગમાં (પાપીની સાથે) બેસવાથી, સૂવાથી, ચાલવાથી, અને સંગ તથા ભોજન કરવાથી પાપનો સંચાર થાય છે.

માટે વૃથા પ્રલાપ શું કામ કરે છે? તું ચાલ્યો જા, નહિ તો તને શાપ આપીશ.’ પછી બાજ ગયો, એટલે તે ઉંદરડીએ તે મુનિને કહ્યું, ‘ભગવન્! મને તમારા નિવાસસ્થાને લઈ જાઓ, નહિ તો બીજું કોઈ દુષ્ટ પક્ષી મારો નાશ કરશે. માટે હું ત્યાં તમારા આશ્રમમાં જ તમે આપેલી અન્નની મૂઠી ખાઈ સમય ગાળીશ.’ દાક્ષિણ્યને કારણે કરુણાયુક્ત એવા તે મુનિએ પણ વિચાર્યું, ‘લોકોમાં હાસ્ય કરાવનાર આ ઉંદરડીને હાથમાં લઈને કેવી રીતે જાઉં? માટે એને કુમારિકા બનાવીને લઈ જાઉં.’ એ પ્રમાણે મુનિએ તેને કન્યકા બનાવી.

એ પ્રમાણે કર્યા પછી તે મુનિને જોઈને તેમની પત્ની કહેવા લાગી, ‘ભગવન્! આ કન્યા ક્યાંથી આવી?’ તે બોલ્યા, ‘બાજના ભયને કારણે શરણ ઇચ્છતી આ ઉંદરડીને કન્યારૂપે તારે ઘેર લાવ્યો છું. માટે તારે એનું યત્નપૂર્વક રક્ષણ કરવું. હું એને ફરી પાછી ઉંદરડી બનાવીશ.’ તે બોલી, ‘ભગવન્! એમ ન કરશો, તમે એના ધર્મપિતા છો. કહ્કહ્યું છે કે

જનક, જનોઈ આપનાર, વિદ્યા ભણાવનાર, અન્નદાતા અને ભયમાંથી રક્ષણ કરનાર — એ પાંચને પિતા કહેલા છે.

તો તમે એને પ્રાણ આપ્યા છે, મારે પણ સંતાન નથી, તેથી એ મારી પુત્રી થશે.’

એ પ્રમાણે નક્કી થયા પછી એ કન્યા શુક્લપક્ષની ચંદ્રકલાની જેમ નિત્ય વૃદ્ધિ પામવા લાગી. પત્ની સહિત એ મુનિની સેવા કરતી તે યુવાવસ્થામાં આવી. પછી યૌવનોન્મુખ એવી તેને જોઈને શાલંકાયને પોતાની પત્નીને કહ્યું, ‘પ્રિયે! આ કન્યા યૌવનોન્મુખ થઈ છે. હવે મારા ઘરમાં રહેવાને તે યોગ્ય નથી. કહ્યું છે કે

જેના ઘરમાં અપરિણીત કન્યા રજસ્વલા થાય છે તેના પિતૃઓ, સ્વર્ગમાં રહેલા હોય તો પણ, એ દોષને કારણે નીચે પડે છે.

માટે કોઈ શ્રેષ્ઠ વરને એનું દાન કરવું જોઈએ. કહ્યું છે કે

કન્યા (સુન્દર) વરને ઇચ્છે છે, માતા તેના ધનને (અર્થાત્ કન્યા માટે ધનવાન વરને) ઇચ્છે છે, અને પિતા જ્ઞાનને (અર્થાત્ ભણેલાગણેલા વરને) ઇચ્છે છે, સગાંસંબંધીઓ કુળને (અર્થાત્ કુળવાન વરને) ઇચ્છે છે, અને બીજા લોકો મિષ્ટાન્ન ઇચ્છે છે.

તેમ જ

કન્યા જ્યાં સુધી લજ્જા પામતી નથી, ધૂળમાં રમે છે, અને ગાયોના માર્ગમાં ઊભી રહે છે ત્યાં સુધીમાં તેને પરણાવી દેવી. કન્યાને રજસ્વલા જોઈને માતા, પિતા અને મોટો ભાઈ એ ત્રણે નરકમાં જાય છે.

તેમ જ

કુલ, શીલ, વડીલો, વિદ્યા, ધન, શરીર અને વય — એ સાત ગુણોની પરીક્ષા કરીને ડાહ્યા માણસોએ કન્યા આપવી; બીજાં વાનાંનો વિચાર કરવો નહિ.

વળી

દૂર વસનારા વિદ્યા વિનાના, મોક્ષધર્મને અનુસરનારા, શૂરાઓ અને નિર્ધનોેને ડાહ્યા માણસોએ કન્યા આપવી નહિ.

માાટે જો એને રુચતું હોય તો ભગવાન આદિત્યને બોલાવીને તેમને એનું દાન કરું. કહ્યું છે કે

રૂપાળો હોય છતાં, જે વર કન્યાને ગમતો ન હોય તેને શ્રેય ઇચ્છતા મનુષ્યે કન્યા આપવી નહિ.’

તે બોલી, ‘એ વિષયમાં શો દોષ છે? એમ કરો.’ પછી મુનિએ સૂર્યનું આવાહન કર્યું, એટલે તે જ ક્ષણે આવીને સૂર્યે કહ્યું, ‘ભગવન્! તમે મને શા માટે બોલાવ્યો છે તે ઝટ કહો.’ ઋષિ બોલ્યા, ‘આ મારી કન્યા જો તમને વરે તો તેની સાથે વિવાહ કરો.’ એમ કહીને તેમણે એ કન્યાને ભગવાન સૂર્ય બતાવ્યા, અને કહ્યું, ‘પુત્રિ! આ ભગવાન ત્રૈલોક્યદીપ તને ગમે છે?’ તે બોલી, ‘તાત! આ તો અતિ તાપકારી છે, માટે તેમને હું ઇચ્છતી નથી. એમના કરતાં પણ જે કોઈ ચડિયાતો હોય તેને બોલાવો.’ પછી તેનું એ વચન સાંભળીને સૂર્યે પણ તેને ઉંદરડી જાણીને તેનામાં નિઃસ્પૃહ થઈને કહ્યું, ‘ભગવન્! મારા કરતાં પણ ઉત્તમ મેઘ છે, જેનાથી હું છવાઈ જાઉં છું એટલે મારું નામ પણ જાણવામાં આવતું નથી.’ પછી મુનિએ મેઘને બોલાવ્યો. (અને કન્યાને પૂછ્યું), ‘આ તને ગમે છે?’ તેણે મુનિને કહ્યું કે, ‘મેઘ કરતાં પણ શ્રેષ્ઠને મારું દાન કરો.’ પછી મુનિએ મેઘને પૂછ્યું, ‘અરે! તારા કરતાં અધિક કોઈ છે?’ તેણે કહ્યું કે, ‘મારા કરતાં અધિક વાયુ છે, વાયુના ઝપાટાથી મારા હજારો ટુકડા થઈ જાય છે.’ તે સાંભળી મુનિએ વાયુને બોલાવ્યો અને કન્યાને કહ્યું, ‘આ ઉત્તમ વાયુ તને ગમે છે?’ તે બોલી, ‘તાત! આ પ્રબલ હોવા છતાં ચંચળ છે, માટે એના કરતાંયે અધિક શ્રેષ્ઠ હોય તેને બોલાવો.’ મુનિએ કહ્યું, ‘હે વાયુ! તારા કરતાં પણ અધિક કોઈ છે?’ તેણે કહ્યું, ‘મારા કરતાં અધિક પર્વતો છે, જેઓ અમો બળવાનને પણ રૂંધીને રોકી રાખે છે.’ પછી મુનિએ પર્વતને બોલાવીને કન્યાને બતાવ્યો (અને પૂછયું). ‘પુત્રિ! તને આ પર્વતને આપું?’ તે બોલી, ‘તાત! આ તો કઠણ શરીરવાળો છે, માટે બીજાને આપો.’ પછી મુનિએ પર્વતને પૂછ્યું કે, ‘હે પર્વતરાજ! તારા કરતાં અધિક કોઈ છે?’ તે બોલ્યો, ‘મારા કરતાં પણ અધિક ઉંદરો છે, જેઓ અમારા દેહને ચારે બાજુથી બળપૂર્વક ખોદી નાખે છે.’ તે સાંભળીને મુનિએ ઉંદરને બોલાવી કન્યાને બતાવ્યો (અને પૂછ્યું), ‘પુત્રિ! આ મૂષકરાજ તને ગમે છે? જો ગમતો હોય તો યથોચિત કરું.’ તે પણ તેને જોઈને ’આ મારી જાતિનો છે.’ એમ માનીને શરીરે રોમાંચિત થઈને બોલી. ‘તાત! મને ઉંદરડી બનાવીને આ ઉંદરને આપો, જેથી મારી જાતિને યોગ્ય ગૃહસ્થધર્મનો હું અનુભવ કરું.’ તે સાંભળીને સ્ત્રીધર્મમાં વિચક્ષણ તે મુનિએ તેને ઉંદરડી બનાવીને ઉંદરને આપી. અથવા ખરું કહ્યું છે કે

સ્ત્રીઓ અભીષ્ટ વરની જેટલી ઇચ્છા રાખે છે તેટલી ઇચ્છા સુવર્ણની, રત્નોની તથા રાજવૈભવની પણ રાખતી નથી.