ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/દંતિલ શ્રેષ્ઠી અને ગોરંભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દંતિલ શ્રેષ્ઠી અને ગોરંભ

આ ધરાતલ ઉપર વર્ધમાન નામનું નગર છે. ત્યાં અનેક પ્રકારના માલનો અધિપતિ અને સકલ નગરનો નાયક દંતિલ નામે (શ્રેષ્ઠી) રહેતો હતો. તેણે નગરનું કાર્ય તથા રાજકાર્ય કરતાં તે નગરના વાસી લોકોને અને રાજાને પ્રસન્ન કર્યા હતા. વધારે શું કહેવું? તેના જેવો બીજો કોઈ જોવામાં કે સાંભળવામાં આવ્યો ન હતો. અથવા સાચું કહ્યું છે કે

રાજાનું હિત કરનારો લોકોમાં દ્વેષપાત્ર થઈ પડે છે, અને દેશનું હિત કરનારનો રાજાઓ ત્યાગ કરે છે. આમ એકસરખી રીતે (આ બે વચ્ચે) મહાવિરોધ પ્રવર્તમાન હોય તેવી સ્થિતિમાં રાજા અને પ્રજા બન્નેનું કાર્ય કરનાર દુર્લભ હોય છે.

આ રીતે સમય જતાં એક વાર દંતિલનો વિવાહ થયો. તે સમયે તેણે તે નગરના સર્વે નિવાસીઓને અને રાજાની પાસે રહેનારાં મનુષ્યોને સન્માન સાથે આમંત્રીને વસ્ત્રાદિ આપીને તેમનો સત્કાર કર્યો. પછી તેણે અંત:પુર સહિત રાજાને પોતાને ઘેર બોલાવી તેનો સત્કાર કર્યો. હવે, તે રાજાના ઘરનો કચરો વાળનાર ગોરંભ નામે રાજસેવક પણ તેને ઘેર આવેલો હતો, પણ તેને અનુચિત સ્થાન ઉપર બેઠેલો જાણીને દંતિલે તેનું ગળું પકડીને બહાર કાઢી મૂક્યો. ગોરંભ પણ આ અપમાનને કારણે તે દિવસથી ખૂબ નિ:શ્વાસ નાખીને રાત્રે સૂતો પણ નહોતો. ‘આ વેપારી ઉપર રાજાની કૃપા છે તે મારે કેવી રીતે દૂર કરવી?’ એના જ વિચાર તે કર્યા કરતો હતો. (વળી તે વિચાર કરવા લાગ્યો કે) ‘આ પ્રમાણે વૃથા શરીર સૂકવી નાખવાથી શું? દંતિલનું જરા પણ ભૂંડું હું કરી શકું એમ નથી. અથવા બરાબર કહ્યું છે કે

જે સામાનું ભૂંડું કરવાને અશક્ત હોય એવો નિર્લજ્જ મનુષ્ય શા માટે કોપ કરતો હશે? (શેકાતી વખતે) ઊંચે ઊડતો ચણો શું ભાંડને ભાંગી નાખવા સમર્થ છે?’

હવે, એક વાર સવારે રાજા અર્ધનિદ્રામાં હતો ત્યારે તેની શય્યાની પાસે સાફસૂફી કરતાં ગોરંભ બોલ્યો કે, ‘અહો! દંતિલની ભ્રષ્ટતા તો જુઓ કે તે રાજાની પટ્ટરાણીને આલિંગન કરે છે!’ આ સાંભળીને રાજાએ ઉતાવળે ઊભા થઈને કહ્યું, ‘હે ગોરંભ! દંતિલે દેવીને આલિંગન કર્યું એ વાત શું સાચી છે?’ ગોરંભ બોલ્યો, ‘જુગારના ઘણા શોખને લીધે રાતનો ઉજાગરો થવાથી મને બહુ જ નિદ્રા આવતી હતી, તેથી હું શું બોલ્યો તે મને ખબર નથી.’ રાજા ઈર્ષ્યાપૂર્વક સ્વગત બોલ્યો, ‘જેમ આ ગોરંભ મારા ઘરમાં વિના સંકોચ ફરે છે તેમ દંતિલ પણ ફરે છે, તો કદાચ ગોરંભે આલિંગન કરાતી દેવીને જોઈ હોય, અને તેથી તેણે આમ કહ્યું હોય. કહ્યું છે કે

મનુષ્ય દિવસે જે ઇચ્છે છે, જુએ છે અને કરે છે તે, પરિચયના કારણથી, ઊંઘમાં પણ બોલે છે અથવા કરે છે.

તેમ જ

મનુષ્યોના હૃદયમાં જે સારું અથવા નરસું ગૂઢ રીતે રહેલું હોય છે તે ઊંઘમાં બોલવાથી અને મદમત્તપણામાં કરેલા બકવાદ ઉપરથી જાણવામાં આવે છે.

અથવા સ્ત્રીઓ માટે આવી બાબતમાં સંદેહ શો છે?

તેઓ એકની સાથે વાર્તાલાપ કરે છે, બીજાની સામે વિલાસપૂર્વક જુએ છે, અને પોતાના હૃદયમાં રહેલા ત્રીજાનો જ વિચાર કરે છે. ખરેખર સ્ત્રીઓને કોણ પ્રિય છે? સ્મિત વડે રાતા હોઠવાળી સ્ત્રીઓ એક સાથે ઘણી વાત કરે છે, વિકસિત કુમુદિની જેવાં નેત્રો વડે બીજા પ્રત્યે લાંબા સમય સુધી નિહાળે છે અને ઉદાર ચારિત્ર્યથી રહિત પણ વિચિત્ર વૈભવવાળા એવા ત્રીજાનું મનમાં ચિન્તન કરે છે; આ રીતે જોતાં, વામલોચના સ્ત્રીઓનો પ્રેમ સાચા અર્થમાં ખરેખર કોના ઉપર છે?

તેમ જ

અગ્નિ કાષ્ઠોથી તૃપ્તિ પામતો નથી, સમુદ્ર નદીઓથી તૃપ્તિ પામતો નથી, કાળ સર્વ પ્રાણીઓથી તૃપ્તિ પામતો નથી, અને સ્ત્રીઓ પુરુષોથી તૃપ્તિ પામતી નથી. એકાંત સ્થળ નથી, ઉત્સવનો સમય નથી અને પ્રાર્થના કરનાર પુરુષ નથી, તે કારણથી હે નારદ! સ્ત્રીઓનું સતીત્વ ઉત્પન્ન થાય છે. જે મૂઢ પુરુષ મોહને કારણે ‘આ સ્ત્રી મારે વશ છે’ એમ માને છે તે તેને વશ પડીને તેના રમવાના પંખી (રમકડા) જેવો બની જાય છે. જે પુરુષ સ્ત્રીઓનાં નાનાં કે મોટાં વાક્યો કે કાર્યો કરે છે તે એ વાક્યો અથવા કાર્યો કરવા વડે સર્વત્ર લઘુતા પામે છે. જે પુરુષ સ્ત્રીની પ્રાર્થના કરે છે, તેના સંસર્ગમાં આવે છે તથા તેની કંઈક પણ સેવા કરે છે તે પુરુષને સ્ત્રીઓ ઇચ્છે છે. પ્રાર્થના કરનારા મનુષ્યો નહિ હોવાથી તથા પરિજનોના ભયને કારણે અમર્યાદ એવી સ્ત્રીઓ સર્વદા મર્યાદામાં રહે છે. સ્ત્રીઓને માટે કોઈ અગમ્ય નથી અથવા વયની મર્યાદાનો એમને વિચાર નથી. કદરૂપા અથવા રૂપાળા મનુષ્યને તે માત્ર પુરુષ હોવાના કારણથી જ, તેઓ ભોગવે છે. છેડાના ભાગથી નીચે લટકતી અને નિતંબ ઉપર રાખવામાં આવેલી રક્ત — રાતી સાડીની જેમ રક્ત — આસક્ત પુરુષ સ્ત્રીઓને માટે ભોગવવા લાયક બને છે. અર્થાત્ કામી પુરુષ પણ સ્ત્રીના પાલવે વળગીને તેની પાછળ ઘસડાય છે. રક્ત — રાતા અળતાની જેમ રક્ત — કામાસક્ત પુરુષને પણ સ્ત્રીઓ બળપૂર્વક ચોળી નાખીને પોતાના પગના મૂળમાં પાડે છે (અળતાને પોતાના પગે ચોપડે છે અને પુરુષને પગમાં નમાવે છે).’

આ પ્રમાણે અનેક પ્રકારનો વિલાપ કર્યા પછી રાજા તે દિવસથી દંતિલ પ્રત્યે કૃપા દર્શાવવામાં બેદરકાર રહેવા લાગ્યો. વધારે શું કહેવું? રાજદ્વારમાં તેનો પ્રવેશ પણ રાજાએ બંધ કરાવ્યો. હવે, રાજાને કૃપારહિત જોઈને દંતિલ વિચાર કરવા લાગ્યો,

‘ધન મેળવીને કયો માણસ ગર્વિત થયો નથી? કયા વિષયી મનુષ્યની આપત્તિઓ અસ્ત પામી છે? પૃથ્વીમાં કોનું મન સ્ત્રીઓએ ખંડિત કર્યું નથી? રાજાને ખરેખર કોણ પ્રિય છે? કાળની મર્યાદામાં કોણ આવતો નથી? ક્યો યાચક ગૌરવ પામ્યો છે? અને દુર્જનની જાળમાં ફસાયેલો કયો પુરુષ કુશળતાપૂર્વક બચી ગયેલો છે? કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાન્તિ, નપુંસકમાં ધૈર્ય, મદ્ય પીનારમાં તત્ત્વવિચાર અને રાજા મિત્ર — આટલી વસ્તુઓ કોણે જોઈ અથવા સાંભળી છે?

વળી આ રાજાનું અથવા તેના બીજા કોઈ સંબંધીનું મેં સ્વપ્નમાં પણ કંઈ અનિષ્ટ કર્યું નથી. તો આ શું થયું?’ એ પ્રમાણે (વિચાર કરતા) દંતિલને રાજદ્વારમાં પ્રવેશતાં અટકાવવામાં આવેલો જોઈને વાસીદું વાળનાર ગોરંભ હસીને દ્વારપાલોને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે દ્વારપાલો! રાજાનો કૃપાપાત્ર આ દંતિલ પોતે નિગ્રહ અને અનુગ્રહ કરનારો છે; માટે એને અટકાવશો તો, મારી બાબતમાં બન્યું તેમ, તમને પણ ગળચી પકડીને હાંકી કાઢવામાં આવશે.’ એ સાંભળીને દંતિલ વિચાર કરવા લાગ્યો, ‘ખરેખર, આ બધું ગોરંભનું જ કામ હશે. અથવા યોગ્ય કહ્યું છે કે

રાજાને સેવનારો મનુષ્ય અકુલીન, મૂર્ખ અને સંમાનહીન હોય તો પણ સર્વત્ર તેનો સત્કાર થાય છે. કાયર અને ભીરુ મનુષ્ય પણ જો રાજાનો સેવક હોય તો લોકો પાસેથી જે ફળ મેળવી શકે છે તેનો એક અંશ પણ (સામાન્ય સ્થિતિમાં રહેલો) ગુણીજન મેળવી શકતો નથી.’

એ પ્રમાણે અનેક પ્રકારનો વિલાપ કરીને, લજ્જા પામેલા મુખવાળો અને ઉદ્વેગને કારણે પ્રભાવરહિત બનેલો દંતિલ પોતાને ઘેર આવ્યો; અને સાયંકાળે તેણે ગોરંભને પોતાને ઘેર બોલાવીને વસ્ત્રયુગલ આપવા વડે તેનો સત્કાર કરીને કહ્યું, ‘ભદ્ર! તે દિવસે તું તારે માટે અનુચિત એવે સ્થાને, રાજાના આસન ઉપર બેઠો હતો તેથી મેં તિરસ્કાર કરીને તારું અપમાન કર્યું હતું, દ્વેષને કારણે તને કાઢી મૂક્યો નહોતો.’ ગોરંભે પણ સ્વર્ગના રાજ્ય સમાન તે વસ્ત્રયુગલ મળતાં પરમ સંતોષ પામીને તેને કહ્યું, ‘હે શેઠ! તમારા તે કૃત્યની હું ક્ષમા આપું છું, તમે મારો સત્કાર કર્યો છે, તો હવે મારો બુદ્ધિપ્રભાવ તથા (તમારા ઉપર થનાર) રાજાની કૃપા જોજો.’ એ પ્રમાણે કહીને સંતોષ પામીને તે નીકળ્યો. આ વાત સાચી કહી છે કે

અહો! આ ત્રાજવાંની દાંડી અને ખલ પુરુષની ચેષ્ટા સમાન છે; અલ્પ વસ્તુથી તે ઉન્નતિ પામે છે (ઊંચે જાય છે) અને અલ્પ વસ્તુથી અધોગતિ પામે છે (નીચે જાય છે).

હવે, ગોરંભ રાજમહેલમાં જઈને, રાજા અર્ધનિદ્રામાં રહેલો હતો તે સમયે વાસીદું વાળતાં બોલ્યો કે, ‘અહો! અમારા રાજાનો અવિવેક તો જુઓ કે તે ઝાડે ફરતાં ચીભડું ખાય છે!’ એ સાંભળીને રાજાએ વિસ્મય પામીને તેને કહ્યું કે, ‘અરે ગોરંભ! અસંબદ્ધ કેમ બોલે છે? તું ઘરનો નોકર હોવાથી જ તને હું મારી નાખતો નથી. શું તેં કદાપિ મને એમ કરતાં જોયો છે?’ ગોરંભ બોલ્યો, ‘દેવ! જુગારના શોખને લીધે રાતનો ઉજાગરો થવાને કારણે વાસીદું વાળતાં વાળતાં મને ખૂબ નિદ્રા આવી હતી. નિદ્રાના ઘેનમાં હું કંઈક લવ્યો હોઈશ, પણ શું તે હું પોતે જ જાણતો નથી. માટે પરવશ એવા મારા ઉપર મહારાજ કૃપા કરો.’ એ સાંભળીને રાજાએ વિચાર્યું કે, ‘આખા જીવનમાં ઝાડે ફરતાં મેં કદી ચીભડું ખાધું નથી. તો જેવી આ અસંભવિત બાબત ગોરંભે મને કહી તેવી રીતે દંતિલની બાબતમાં પણ કહી હશે એ ચોક્કસ છે. માટે તે બિચારાનું મેં અપમાન કર્યું એ યોગ્ય ન થયું. એવા પુરુષોની એ પ્રકારની ચેષ્ટાઓ સંભવતી નથી. તેના પ્રત્યેની અવકૃપાને કારણે બધાં રાજકાર્યો પણ શિથિલતા પામે છે.’ એ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને દંતિલને બોલાવી, પોતાના અંગનાં વસ્ત્રાભૂષણો તેને આપી રાજાએ ફરી પોતાના અધિકાર ઉપર તેની નિમણૂક કરી.

પરિવ્રાજક અને ધુતારો