ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/પરિવ્રાજક અને ધુતારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિવ્રાજક અને ધુતારો

કોઈ પ્રદેશના એક મઠમાં દેવશર્મા નામે એક પરિવ્રાજક રહેતો હતો. તેને મળેલાં દાનમાંથી તેની પાસે સારું એવું ધન એકઠું થયું હતું. કોઈનો વિશ્વાસ તે કરતો ન હતો એટલે ધનની થેલી પોતાની બગલમાં જ રાખતો હતો.

બીજાનું ધન ચોરી જનાર આષાઢભૂતિ નામનો ધુતારો એ થેલી જોઈને કેવી રીતે પોતાની કરવી તે વિચાર્યા કરતો હતો. તે બીજી કોઈ રીતે તે ધન પડાવી શકે એમ ન હતો. એટલે સાધુપણાનો વેશ લઈને તેની પાસે ગયો અને ધર્મચર્ચા કરવા લાગ્યો. તે તો દેવશર્માને નમીને તેની પાસે દીક્ષા યાચવા લાગ્યો. દેવશર્માએ ભોળે ભાવે તેની વાતો માની લીધી અને તેને પોતાનો શિષ્ય બનાવ્યો. પણ તે પોતાની થેલી કોઈ રીતે અલગ કરતો ન હતો. તેને દેવશર્માને મારી નાખવાનો વિચાર પણ આવ્યો. પણ એક દિવસ દેવશર્માના શિષ્યનો કોઈ પુત્ર દેવને પવિત્રું પહેરાવવાનું આમંત્રણ આપવા આવ્યો. એટલે આનંદ પામીને તે આષાઢભૂતિને લઈને નીકળ્યો.

એ પ્રમાણે આગળ જતાં કોઈ એક નદી આવી. તે જોઈને ધનની થેલીને બગલમાંથી ઉતારીને તથા કંથામાં ગુપ્ત રીતે મૂકીને, સ્નાન તથા દેવાર્ચન કર્યા પછી દેવશર્માએ આષાઢભૂતિને કહ્યું, ‘હે આષાઢભૂતિ! હું શૌચ જઈને આવું ત્યાં સુધી યોગેશ્વરની આ કંથા તું સાવધાન થઈને સાચવજે.’ એમ કહીને તે ગયો. તે દેખાતો બંધ થયો, એટલે આષાઢભૂતિ પણ થેલી લઈને સત્વર ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના શિષ્યના ગુણથી રંજિત થયેલા મનવાળો અને જેને સારી રીતે વિશ્વાસ ઉત્પન્ન થયો હતો એવો દેવશર્મા જ્યારે શૌચ માટે બેઠો હતો ત્યારે સુવર્ણ જેવા ઊનવાળાં ઘેટાંઓના યૂથમાંનાં બે ઘેટાંઓને તેણે લડતાં જોયાં. એ બે ઘેટાં દૂર સુધી પાછા પડીને ફરી સામસામા આવીને રોષપૂર્વક પરસ્પરને પોતાના મસ્તકથી પ્રહાર કરતાં હતાં, આથી તેમનાં માથાંમાંથી ઘણું લોહી નીકળતું હતું. એક શિયાળ જીભની લલુતાને કારણે યુદ્ધની રંગભૂમિ ઉપર આવીને એ રુધિરનો આસ્વાદ કરતો હતો. એ જોઈને દેવશર્મા પણ વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ શિયાળ ખરેખર મંદબુદ્ધિ છે. કદાચ આ બે ઘેટાંઓના ભેટામાં તે આવી જશે તો નક્કી મરણ પામશે, એમ હું ધારું છું.’ એટલામાં તો એ શિયાળ રુધિરનો સ્વાદ લેવાની લાલચથી તે બન્નેની વચમાં પેઠો, અને તેમનાં માથાંના પ્રહારની વચ્ચે આવી જતાં મરણ પામ્યો. એનો વિચાર કરતો દેવશર્મા પણ પોતાની થેલી લેવા માટે ધીરે ધીરે ચાલવા માંડ્યો, પણ જ્યારે આષાઢભૂતિને જોયો નહિ ત્યારે ઉત્સુકતાપૂર્વક હાથપગ ધોઈને તેણે કંથા તપાસી, તો તેમાં થેલી જોઈ નહિ એટલે ‘હાય! હાય! હું લુંટાયો છું’ એમ બોલતો તે પૃથ્વી ઉપર પડ્યો. થોડી વાર પછી ચેતના પામીને ફરી પાછો ફુત્કાર કરવા લાગ્યો, ‘અરે આષાઢભૂતિ! મને છેતરીને તું ક્યાં ગયો છે? મને ઉત્તર તો આપ!’ એ પ્રમાણે અનેક પ્રકારે વિલાપ કર્યા પછી આષાઢભૂતિનાં પગલાં જોતો તે ધીરે ધીરે આગળ ચાલ્યો. એ પ્રમાણે ચાલતાં સંધ્યાકાળે તે કોઈ એક ગામ આગળ આવી પહોંચ્યો.

હવે, એ ગામમાંથી કોઈ એક વણકર પોતાની પત્ની સાથે મદ્યપાન કરવા માટે નજીકના નગરમાં જવા નીકળ્યો હતો. દેવશર્મા પણ તેને જોઈને બોલ્યો, ‘હે ભદ્ર! અમે સૂર્યાસ્તકાળે તારી પાસે અતિથિ થઈને આવ્યા છીએ, અને આ ગામમાં બીજા કોઈને ઓળખતા નથી. માટે તું અતિથિધર્મ ગ્રહણ કર, કહ્યું છે કે

જે અતિથિ સાયંકાળે સૂર્યાસ્ત થવા સાથે આવી પહોંચ્યો હોય તેનો સત્કાર કરવાથી ગૃહસ્થો દેવત્વને પામે છે. તેમ જ ઘાસ, (સૂવા-બેસવાની) જગ્યા, પાણી અને ચોથી સત્ય વાણી — આટલી વસ્તુઓ સત્પરુષોનાં ભવનમાંથી કદી ઉચ્છેદ પામતી નથી. અતિથિનું સ્વાગત કરવાથી અગ્નિ, તેને આસન આપવાથી ઇન્દ્ર, તેના પગ ધોવાથી ગોવિન્દ, તેમ જ તેને અર્ઘ્ય આપવાથી શંકર પ્રસન્ન થાય છે.’

વણકરે પણ તે સાંભળીને પત્નીને કહ્યું, ‘તું અતિથિને લઈને ઘેર જા. પાદશૌચ, ભોજન વગેરે વડે તેમનો સત્કાર કરીને તું ત્યાં જ રહેજે. હું તારે માટે ઘણું મદ્ય લાવીશ.’ એમ કહીને તે ચાલ્યો. તેની એ પુંશ્ચલી ભાર્યા પરિવ્રાજકને સાથે લઈને, હસતે મુખે,(પોતાના પ્રેમી) દેવદત્તનો વિચાર કરતી ઘર તરફ ચાલી. અથવા ખરું કહ્યું છે કે

વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે, અંધારા પખવાડિયામાં, જેમાં મુશ્કેલીએ ફરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જ્યારે વિદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણી સ્ત્રીને પરમ સુખ થાય છે.

તેમ જ

ચોરીથી થતી સુરતક્રીડામાં લુબ્ધ એવી કામિનીઓ પલંગ ઉપર પાથરેલી ચાદર, અનુકૂલ પતિ અને મનોહર શયનને તૃણની જેમ તુચ્છ માને છે.

તેમ જ

(પોતાના પતિ સાથેની) ક્રીડા વ્યભિચારિણી સ્ત્રીની મજ્જા બાળી નાખે છે, પતિનો શૃંગાર તેનાં અસ્થિ બાળી નાખે છે, અને પતિનાં મધુર વચનો તેને કડવાં લાગે છે, એકબીજાને ઇષ્ટ ન હોય એવાં દંપતીને સંતોષ થતો નથી, પરપુરુષમાં આસક્ત થયેલી અબળા તે જ ક્ષણે કુલનો વિનાશ, લોકનિન્દા, બંધન અને મરણનો પણ સ્વીકાર કરે છે.

હવે, તેણે ઘેર જઈને દેવશર્માને બિછાના વગરનો ભાંગલો ખાટલો આપીને આ પ્રમાણે કહ્યું, ‘ભગવન્! પરગામથી આવેલી મારી સખીને મળીને હું જલદી આવું છું, ત્યાં સુધી આપ મારા ઘરમાં સાવધાનીપૂર્વક રહેજો.’ એક કહીને શણગાર સજીને તે દેવદત્તની પાસે જવા લાગી, એટલામાં સામેથી જ મદથી વિહ્વલ અંગોવાળો, છૂટા વાળવાળો, પગલે પગલે લથડિયાં ખાતો તેનો પતિ હાથમાં મદ્યનું વાસણ પકડીને આવ્યો. તેને જોઈને તે સ્ત્રી જલદીથી પાછી વળી અને પોતાના ઘરમાં પ્રવેશીને શણગારનો ત્યાગ કરીને પહેલાંના જેવી થઈ ગઈ. વણકરે તેને અદ્ભુત શણગાર સજીને બહાર જતી જોઈ; આ પૂર્વે પણ કર્ણપરંપરાથી સ્ત્રી વિશેનો અપવાદ સાંભળવાથી તેનું હૃદય ક્ષોભ પામતું હતું, પણ સદૈવ પોતાનો મનોભાવ છુપાવીને તે રહેતો હતો. પણ આ સમયે સ્ત્રીની આ પ્રકારની ચેષ્ટા જોઈને તેને ખાતરી થઈ, એટલે ક્રોધવશ બની ઘરમાં પ્રવેશીને તે સ્ત્રીને કહેવા લાગ્યો, ‘છિનાળ! તું ક્યાં જતી હતી?’ તે બોલી, ‘તમારી પાસેથી આવીને હું ક્યાંય ગઈ નથી. તમે દારૂ પીવાને કારણે આવું અસંબદ્ધ શું બોલો છો? અથવા ખરું કહ્યું છે કે

વિકળતા, ધરતી ઉપર ઢળી પડવું, અને અનુચિત ભાષણ — સંનિપાતનાં આ સર્વ ચિહ્નો મદ્ય પણ દર્શાવે છે. કરસ્પંદ(કિરણોની અસ્થિરતા અથવા હસ્તકંપ); અંબરત્યાગ (આકાશમાંથી ચાલ્યા જવું તે અથવા વસ્ત્રોનો ત્યાગ) તેજની હાનિ અને સરાગતા (લાલ બની જવું અથવા ઉશ્કેરાઈ જવું તે) — એ વારુણી(પશ્ચિમ દિશા અથવા મદ્ય)ના સંગથી ઉત્પન્ન થયેલી અવસ્થાનો અનુભવ સૂર્ય પણ કરે છે.’

તે પણ આ પ્રતિકૂળ વચન તથા વેશપલટો જોઈને તેને કહેવા લાગ્યો, ‘છિનાળ! મેં ઘણા સમયથી તારા વિશેનો અપવાદ સાંભળ્યો છે. હવે આજે મને તે વિષયમાં ખાતરી થઈ છે. માટે તને ઉચિત શિક્ષા કરું.’ એમ કહીને દંડના પ્રહારો વડે તેને જર્જરિત દેહવાળી બનાવીને થાંભલા સાથે દૃઢ બંધનથી બાંધીને મદવિહ્વલ એવો તે પણ નિદ્રાવશ થયો. એ સમયે તે સ્ત્રીની સખી વાળંદણ વણકરને નિદ્રાવશ થયેલો જાણીને તેની પાસે જઈને કહેવા લાગી, ‘સખિ! એ દેવદત્ત તે સ્થાનમાં તારી રાહ જુએ છે, માટે તું જલદી જા.’ તે બોલી, ‘પણ મારી આ અવસ્થા તો જો, હું શી રીતે જાઉં? તું જઈને તે કામીને કહે કે — આ અવસ્થામાં તારી સાથે સંગમ થઈ શકે એમ નથી.’ વાળંદણ બોલી, ‘સખી! એમ ન બોલ. કુલટાઓનો ધર્મ નથી. કહ્યું છે કે

વિષમ સ્થળમાં રહેલાં સ્વાદિષ્ટ ફળો ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરવાનો, જેમણે ઊંટોની જેમ નિશ્ચય કરેલો છે તેમનો જન્મ હું પ્રશંસાપાત્ર માનું છું.

તેમ જ

પરલોકનું અસ્તિત્વ સંદિગ્ધ છે અને જગતમાં લોકાપવાદ અનેક પ્રકારનો છે એવી સ્થિતિમાં પરપુરુષ પોતાને સ્વાધીન હોય તો તારુણ્ય ફરી ભોગવનારી સ્ત્રીઓને ધન્ય છે.

વળી

દૈવયોગે વિરૂપ પરપુરુષ પણ જો મળી જાય તો છિનાળ સ્ત્રી તેને એકાન્તમાં સેવે છે, પણ સુન્દર એવા પોતાના પતિને તે મુશ્કેલીએ પણ સેવતી નથી.’

તે બોલી, ‘એમ છે તો પણ દૃઢ બંધનથી બંધાયેલી હું ત્યાં કેવી રીતે જાઉં? અને આ મારો પાપી પતિ પણ પાસે જ પડેલો છે.’ વાળંદણ બોલી, ‘સખિ! મદવિહ્વલ એવો આ સૂર્યનાં કિરણોનો સ્પર્શ પામશે ત્યારે જાગશે. માટે હું તને છોડું છું. મને તારે સ્થાને બાંધીને દેવદત્તનો સત્કાર કરીને તું જલદી પાછી આવ.’ તેણે કહ્યું ‘ભલે, એમ કરું.’ પછી તે વાળંદણે પોતાની સખીને બંધનમાંથી છોડીને, તેની જગ્યાએ પહેલાંની જેમ પોતાની જાતને બાંધીને, તેને દેવદત્તની પાસે સંકેતસ્થાને મોકલી. તેમ થયા પછી થોડીક વારે જેનો કોપ કંઈક ઓછો થયો છે અને મદ દૂર થયો છે એવો તે વણકર ઊઠીને કહેવા લાગ્યો, ‘હે કઠોર વચન બોલનારી! જો તું આજથી ઘરની બહાર બિલકુલ નહિ જાય અને કઠોર વચન નહિ બોલે તો હું તને બંધનમાંથી છૂટી કરીશ.’ વાળંદણ પોતાનો સાદ ઓળખાઈ જવાના ભયથી કંઈ બોલી નહિ ત્યારે તે ફરી ફરી એ જ પ્રમાણે કહેવા લાગ્યો. પણ જ્યારે વાળંદણે કંઈ પ્રત્યુત્તર આપ્યો નહિ ત્યારે ક્રોધાયમાન થયેલા તેણે તીક્ષ્ણ શસ્ત્ર લાવીને તેનું નાક કાપી નાખ્યું, અને કહ્યું, ‘રે છિનાળ! બેસી રહે. હવે ફરી વાર હું તને મનાવવાનો નથી.’ આમ પ્રલાપ કરીને તે ફરી વાર નિદ્રાવશ થયો. ધનનો નાશ થવાથી તથા ભૂખને કારણે કંઠ મળી જવાથી જેની નિદ્રા નાશ પામી છે એવા દેવશર્માએ આ સર્વ સ્ત્રીચરિત્ર જોયું.

થોડીક વાર પછી પેલી વણકરની પત્ની દેવદત્ત સાથે સ્વેચ્છાએ સુરતસુખ અનુભવીને પોતાને ઘેર આવીને વાળંદણને કહેવા લાગી. ‘તને કુશળ છે? આ પાપી મારા ગયા પછી ઊઠ્યો તો નહોતો ને?’ વાળંદણે કહ્યું, ‘નાસિકા સિવાય મારા બાકીના શરીરને કુશળ છે, માટે હવે તું મને જલદી છૂટી કર, જેથી આ તારો પતિ જુએ નહિ એટલી વારમાં હું મારે ઘેર જાઉં.’

આ પ્રમાણે વ્યવસ્થા થઈ ગયા પછી ફરી વાર વણકર ઊભો થઈને કહેવા લાગ્યો, ‘છિનાળ! હજી કેમ બોલતી નથી? શું ફરી વાર આનાથી પણ ભયંકર એવી કાન કાપવાની શિક્ષા તને કરું?’ એટલે ક્રોધ અને તિરસ્કાર સાથે તેની સ્ત્રી આ પ્રમાણે બોલી, ‘ધિક્કાર છે, મૂર્ખ! હું કે જે મહાસતી છું તેનું અપમાન કરવાને કે તેનાં અંગ કાપવાને કોણ સમર્થ છે? માટે હે સર્વ લોકપાલો! સાંભળો,

સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, હૃદય, યમ, દિવસ અને રાત્રિ, બન્ને સંધ્યાઓ (પ્રાત:કાળ અને સંધ્યાકાળ) તથા ધર્મ — એટલાં મનુષ્યનું આચરણ જાણે છે.

તો જો મારામાં સતીત્વ હોય અને મનથી પણ જો મેં પરપુરુષનો અભિલાષ કર્યો ન હોય તો દેવો ફરી વાર મારી નાસિકાને પહેલાંના જેવી અક્ષત બનાવી દો. અથવા જો મારા ચિત્તમાં પરપુરુષની ભ્રાંતિ પણ હોય તો મને ભસ્મસાત્ કરી દો.’ એમ બોલીને ફરી વાર તે સ્ત્રીએ તેને કહ્યું, ‘હે દુરાત્મા! જો, મારા સતીત્વના પ્રભાવથી પહેલાંના જેવી જ નાસિકા થઈ ગઈ છે.’ હવે, તે વણકરે સળગતું ઊંબાડિયું લઈને જોયું તો પહેલાંના જેવી જ નાસિકા જોઈ અને જમીન ઉપર મોટો રક્તપ્રવાહ જોયો. આથી વિસ્મિત થયેલા મનવાળા તેણે તેને બંધનથી મુક્ત કરી, શય્યામાં સુવાડી સેંકડો મધુર વચનોથી પ્રસન્ન કરી. આ સર્વ વૃત્તાન્ત જોઈને વિસ્મિત થયેલા મનવાળો દેવશર્મા પણ આ પ્રમાણે બોલ્યો-

‘શંબરાસુરની જે માયા છે, નમુચિની જે માયા છે તથા બલિ અને કુંભીનસિની જે માયા સ્ત્રીઓ જાણે છે. સ્ત્રીઓ હસતા પુરુષની સાથે સમય અનુસાર હસે છે, રડતાની સાથે રડે છે અને અણગમતાને પણ વચનોથી વશ કરે છે. શુક્રાચાર્ય જે શાસ્ત્ર જાણે છે અને બૃહસ્પતિ જે શાસ્ત્ર જાણે છે તે સ્ત્રીની બુદ્ધિથી ચડે એવાં નથી. માટે તે સ્ત્રીઓને કેવી રીતે સાચવવી? જે સ્ત્રીઓ અનૃતને સત્ય કહે છે અને સત્યને અનૃત કહે છે તેમને આ લોકમાં ધીર પુરુષોએ કેવી રીતે સાચવવી?

અન્યત્ર પણ કહ્યું છે,

સ્ત્રીઓ સાથે બહુ પ્રસંગ પાડવો નહિ તથા સ્ત્રીઓનું બળ વૃદ્ધિ પામે એમ પણ ઇચ્છવું નહિ; કારણ કે તેઓ, પાંખો કપાઈ ગયેલા કાગડાઓને રમાડે તેમ, અતિપ્રસક્ત પુરુષો સાથે ક્રીડા કરે છે. યુવાન સ્ત્રીઓ સુંદર મુખથી મધુર વાતો કરે છે અને કઠોર ચિત્તથી પ્રહાર કરે છે; તેમની વાણીમાં મધ હોય છે અને હૃદયમાં મહાવિષ હલાહલ હોય છે. આથી જ અલ્પ સુખ વડે છેતરાયેલા કામી પરુષો, મધુમાં ક્ષુબ્ધ ભમરાઓ કમળનું પાન કરે તેમ, તેમના અધરનું પાન કરે છે અને હૃદય ઉપર મુષ્ટિનો પ્રહાર કરે છે. જેમના બન્ને સ્તનમાં નિત્ય કઠિનતા, નયનમાં ચંચલતા, મુખમાં જૂઠ, કેશપાશમાં કુટિલતા, વચનમાં મંદતા, જઘનમાં સ્થૂલતા, હૃદયમાં ભીરુતા અને પ્રિયજન ઉપર કપટપ્રયોગ જોવામાં આવે છે એવી સ્ત્રીઓ કે જેમની બાબતમાં દોષોનો સમૂહ એ જ ગુણરૂપ ગણાય છે તેઓ શું પુરુષોને પ્રિય હોઈ શકે?

વળી

સંશયોનું ચક્ર, અવિનયોનું ભવન, સાહસોનું નગર, દોષોનું નિવાસસ્થાન, સેંકડો કપટોથી ભરેલું અવિશ્વાસોનું ક્ષેત્ર, મોટા નરપુંગવો વડે પણ મુશ્કેલીથી ગ્રહણ કરી શકાય એવું તથા સર્વ માયાઓના કરંડિયારૂપ, અમૃતથી મિશ્રિત થયેલું જાણે વિષ હોય એવું સ્ત્રીરૂપ યંત્ર ધર્મનો નાશ કરવા માટે આ લોકમાં કોણે સર્જ્યું હશે? આ સ્ત્રીઓ પોતાનું કાર્ય સાધવા માટે હસે છે, રડે છે, બીજાને વિશ્વાસ બેસાડે છે પણ પોતે કોઈનો વિશ્વાસ કરતી નથી; માટે કુળવાન અને શીલવાન એવા પુરુષે સ્મશાનમાંના ઘડાની જેમ સ્ત્રીઓનો સર્વદા ત્યાગ કરવો. પુરુષ આસક્ત થયો નથી એમ જાણતાં સુધી સ્ત્રીઓ પહેલાં તેને પ્રિય લાગે એવાં કાર્યો કરે છે પણ મન્મથના પાશ વડે તેને બંધાયેલો જાણ્યા પછી માંસ ગળી ગયેલા માછલાને જેમ માછી ખેંચી કાઢે તેમ, તેઓ ફેંકી દે છે.

કારણ કે

સમુદ્રના તરંગની જેમ ચંચલ સ્વભાવવાળી તથા સંધ્યાકાળની અભ્રરેખાની જેમ ક્ષણિક રાગ (પ્રેમ અથવા રંગ)વાળી સ્ત્રીઓ પોતાનું કાર્ય થઈ ગયા પછી નિરર્થક થઈ પડેલા પુરુષનો, નિચોવાઈ ગયેલા રસરહિત અળતાની જેમ, ત્યાગ કરી દે છે. અનૃત, સાહસ, કપટ, મૂર્ખતા, અતિલોભીપણું, અપવિત્રતા અને નિર્દયતા એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે. અંદરથી વિષમય અને બહારથી મનોહર એવી આ ચણોઠીના જેવા આકારવાળી સ્ત્રીઓને કોણે સર્જી હશે?’

આ પ્રમાણે અનેક સુભાષિતોનો વિચાર કરતાં તે પરિવ્રાજકની રાત્રિ જેમતેમ વીતી ગઈ.

પેલી દૂતી પણ પોતાની કપાયેલી નાસિકાનો અગ્રભાગ હાથમાં લઈને ઘેર જઈને વિચાર કરવા લાગી, ‘હવે શું કરવું? આ મહાન છિદ્ર કેવી રીતે ઢાંકી દેવું?’ તે આ પ્રમાણે વિચાર કરતી હતી, તેવામાં એનો પતિ જે કાર્યવશાત્ રાજમહેલમાં રાત રહ્યો હતો તે પ્રભાતમાં પોતાને ઘેર આવીને નગરજનોની હજામત કરવા માટે જવાની ઉતાવળથી બારણામાં જ ઊભો રહીને તેને કહેવા લાગ્યો, ‘કોથળી જલદી લાવ, જેથી હું ક્ષૌરકર્મ કરવાને માટે જાઉં.’ જેનું નાક કપાઈ ગયું હતું એવી વાળંદણ જે પોતાનું કાર્ય સાધવાના ઉપાયની અપેક્ષાએ ઘરમાં જ બેઠી હતી તેણે ક્ષુરભાંડમાંથી એક અસ્ત્રો કાઢીને હજામ તરફ ફેંક્યો. હજામે પણ ક્ષુરભાંડ સિવાયનો અસ્ત્રો જોઈને ઉતાવળને લીધે તે પોતાની સ્ત્રી તરફ પાછો ફેંક્યો. તે સમયે પેલી દુષ્ટા હાથ ઊંચા કરીને બૂમો પાડતી ઘરની બહાર નીકળી કે, ‘જુઓ, આ પાપીએ મારું સદાચરણીનું નાક કાપી નાખ્યું છે. માટે મારું રક્ષણ કરો, રક્ષણ કરો!’ તે સમયે રાજપુરુષોએ આવીને તે વાળંદને દંડના પ્રહારથી જર્જરિત બનાવીને સજ્જડ બાંધ્યો, તથા કપાયેલા નાકવાળી તે સ્ત્રીને ન્યાયસભામાં લઈ જઈને ન્યાયના સભ્યોને — ન્યાયાધીશોને તેઓ કહેવા લાગ્યા. ‘હે સભાસદો! સાંભળો. આ વાળંદે વિના અપરાધે આ સ્ત્રીરત્નનો અંગચ્છેદ કર્યો છે, માટે તેની બાબતમાં જે યોગ્ય હોય તે કરો,’ એટલે તે સભ્યો બોલ્યા, ‘હે વાળંદ! શા માટે તેં આ સ્ત્રીનું અંગ કાપ્યું છે? શું એણે પરપુરુષની અભિલાષા કરી છે, અથવા પ્રાણદ્રોહ કર્યો છે, અથવા ચોરી કરી છે? માટે એનો અપરાધ કહે.’ પણ તે વાળંદને ચૂપ રહેલો જોઈને ફરી વાર સભ્યોએ કહ્યું, ‘અહો! આ રાજપુરુષોનું વચન સત્ય છે. આ પાપી છે. તેણે આ બિચારી નિર્દોષ સ્ત્રીને દૂષિત કરી છે. કહ્યું છે કે

પાપકર્મ કર્યા પછી પોતાના કર્મથી જ ત્રાસેલો પુરુષનો સ્વર અને મુખની કાન્તિ બદલાઈ જાય છે, દૃષ્ટિ શંકાશીલ થાય છે અને તેનુંતેજ ઊડી જાય છે.

તેમ જ

જેનું મુખ વિવર્ણ થઈ ગયું છે તથા જેના લલાટ ઉપર પરસેવો વળ્યો છે એવો તે ઠોકરો ખાતો (ન્યાયસભામાં) આવે છે અને ગદ્ગદ વચન બોલે છે. પાપ કરીને ન્યાયસભામાં આવેલ મનુષ્ય નીચી નજર રાખી રહે છે, માટે વિચક્ષણ પુરુષોએ તેને ચિહ્નો વડે યત્નપૂર્વક જાણવો.

વળી

નિર્દોષ મનુષ્ય પ્રસન્ન વદનવાળો, હર્ષયુક્ત, સ્પષ્ટ વચનવાળો અને રોષયુક્ત દૃષ્ટિવાળો હોય છે, અને સભામાં તે રોષ અને દૃઢતાપૂર્વક બોલે છે.

માટે આ વાળંદ દૃષ્ટ કર્મ કરનાર મનુષ્ય જેવાં લક્ષણવાળો છે; અને સ્ત્રીનું નાક કાપ્યું છે તેથી તે વધને પાત્ર છે. માટે તેને શૂળી ઉપર ચડાવો.’

હવે, તે વાળંદને વધસ્થાન તરફ લઈ જવાતો જોઈને દેવશર્માએ તે ધર્માધિકારીઓ — ન્યાયાધીશો પાસે જઈને કહ્યું, ‘હે ન્યાયાધીશો! આ બિચારા વાળંદનો અન્યાયથી વધ થાય છે. એ તો સદાચારી છે, માટે મારું વાક્ય સાંભળો — ઘેટાંઓના યુદ્ધથી શિયાળ, આષાઢભૂતિથી અમે, અને બીજાનું કાર્ય કરવાથી વાળંદણ (એમ ત્રણે દુઃખી થયાં). આ ત્રણે દોષો પોતે જાતે કરેલા હતા.’ તે સભ્યો બોલ્યા, ‘ભગવાન! એ કેવી રીતે?’ એ પછી દેવશર્માએ ત્રણેને સવિસ્તર વૃત્તાન્ત કહ્યો. એ સાંભળીને વિસ્મિત મનવાળા તેઓ વાળંદને છૂટો કરીને અંદરઅંદર કહેવા લાગ્યા, ‘અહો! બ્રાહ્મણ, બાળક, સ્ત્રી, તપસ્વી અને રોગી અવધ્ય છે; મોટો અપરાધ કર્યો હોય તો પણ તેઓનું એકાદ અંગ કાપવાનું જ કહેલું છે. તો આ સ્ત્રીના કાન કાપી નાખવા જોઈએ.’ તે પ્રમાણે વાળંદણને શિક્ષા થયા પછી ધનનો નાશ થવાને પરિણામે ઉત્પન્ન થયેલા શોકથી રહિત થઈને દેવશર્મા ફરી વાર પોતાના મઠાયતનમાં ગયો.