ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/શિયાળના ચાર શત્રુઓ
કોઈ એક વનમાં મહાચતુરક નામે શિયાળ રહેતો હતો. તેને એક વાર અરણ્યમાં સ્વયંમૃત — પોતાની મેળે મરણ પામેલો — હાથી મળ્યો. એની આસપાસ તે ભમવા લાગ્યો, પરન્તુ એની કઠિન ત્વચાને ભેદી શકતો નહોતો. એ સમયે એ પ્રદેશમાં કોઈ સિંહ ભમતો ભમતો આવ્યો. તેને જોઈને, પોતાનું મસ્તક ધરતી ઉપર મૂકી, પ્રણામ કરીને શિયાળે કહ્યું, ‘સ્વામી! આપનો સેવક બની હું આ હાથીનું રક્ષણ કરું છું, માટે આપ તેનું ભક્ષણ કરો.’ હાથીને જોઈને સિંહે કહ્યું, ‘અરે! બીજાએ મારેલા પ્રાણીનુંહું કદી ભક્ષણ કરતો નથી, માટે હું આ હાથી તને ભેટ આપું છું.’ તે સાંભળીને શિયાળે આનંદપૂર્વક કહ્યું, ‘આપને માટે એમ કરવું યોગ્ય છે. કહ્યું છે કે
મહાપુરુષ અંતિમ અવસ્થામાં આવી ગયો હોય તો પણ શુદ્ધપણાને લીધે પોતાના ગુણોનો ત્યાગ કરતો નથી. શંખ અગ્નિમાં શેકાઈને બહાર નીકળે તો પણ પોતાના શ્વેતપણાને છોડતો નથી.’
તે સાંભળીને સિંહ ગયો. હવે, તેના ગયા પછી કોઈ વાઘ આવ્યો. તેને જોઈને પણ શિયાળે વિચાર્યું, ‘એક દુરાત્મા સિંહને તો પ્રણામ કરીને માંડ માંડ કાઢ્યો, પણ હવે આને કેવી રીતે કાઢવો? આ શૂર છે, માટે ભેદકપટ વિના તેને સાધી શકાશે નહિ. કહ્યું છે કે
જ્યાં સામ અથવા દામનો પ્રયોગ થઈ શકે તેમ ન હોય ત્યાં ભેદનો પ્રયોગ કરવો. કારણ કે તે વશકારક છે.
સર્વગુણસંપન્ન હોય તે પણ ભેદથી બંધાય છે. કહ્યું છે કે
સ્વચ્છ, અવિરુદ્ધ, સુવૃત્ત તથા અતિ મનોહર એવા મોતીએ પણ, અંદરથી ભેદાવાને કારણે, બંધન પ્રાપ્ત કર્યું છે.’
એ પ્રમાણે વિચાર કરીને, તેની સામે જઈ, જરા ઊંચી કાંધ કરીને શિયાળ બોલ્યો, ‘મામા! આજે તમે અહીં મૃત્યુના મુખમાં આવ્યા છો. હમણાં સિંહે આ હાથીનો સંહાર કર્યો છે, અને તે મને રખવાળ તરીકે મૂકીને સ્નાન કરવા માટે ગયો છે. તેણે જતી વખતે કહ્યું હતું કે જો વાઘ આવે તો મને ગુપ્ત રીતે ખબર આપજે; આ વનને મારે વાઘ વિનાનું કરવું છે, કારણ કે વનમાં મેં મારેલો હાથી એક વાઘે ખાઈને ઉચ્છિષ્ટ કર્યો હતો.’ તે સાંભળીને ભયથી ત્રાસ પામેલા મનવાળો વાઘ બોલ્યો, ‘હે ભાણેજ! તું મને પ્રાણદક્ષિણા આપ. સિંહ અહીં આવે ત્યાર પછી ઘણી વાર સુધી તારે મારી કોઈ વાત તેને કહેવી નહિ.’ એમ કહીને તે સત્વર નાસી ગયો.
તેના ગયા પછી કોઈ એક વાંદરો આવ્યો. તેને જોઈને પણ શિયાળે વિચાર્યું, ‘આ દૃઢ દાઢવાળો છે, માટે એની પાસે હાથીની ચામડી કપાવું.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તેણે કહ્યું, ‘હે ભાણેજ! તું ઘણા સમયે મળ્યો. વળી તું ભૂખ્યો આવેલો છે અને મારો અતિથિ છે. આ હાથીને સિંહે મારેલો છે, અને હું તેનો રખવાળ છું. તેથી કહું છું કે માંસનું ભક્ષણ કરી, તૃપ્ત થઈ, તે આવે નહિ ત્યાં સુધીમાં જતો રહે.’ વાંદરો બોલ્યો, ‘મામા! જો એમ હોય તો, મારે માંસ ખાઈને કંઈ કામ નથી, કારણ કે જીવતો નર સેંકડો સુખ પામે છે. કહ્યું છે કે
જે ખાઈ શકાય, ખાધા પછી પચે અને પચ્યા પછી હિતકારી થાય તે જ કલ્યાણ ઇચ્છતા મનુષ્યે ખાવું.
માટે હું તો જાઉં છું.’ શિયાળે કહ્યું, ‘અરે! તું નિશ્ચિત થઈને ખા. સિંહના આગમનની હું તને દૂરથી જ જાણ કરીશ.’ એમ કર્યા પછી, શિયાળે હાથીની ચામડી ચિરાયેલી જાણી, એટલે તેણે વાંદરાને કહ્યું, ‘હે ભાણેજ! જતો રહે, જતો રહે! આ સિંહ આવે છે.’ તે સાંભળીને વાંદરો પણ નાસી ગયો.
પછી વાંદરાએ કરેલા વિવરમાંથી જ્યારે તે હાથીનું માંસ ખાતો હતો ત્યારે બીજો એક શિયાળ ક્રોધ કરીને ત્યાં આવ્યો. એને જોઈને પણ તે આ શ્લોક બોલ્યો,
‘ઉત્તમને પ્રણામથી, શૂરવીરને ભેદથી, નીચને અલ્પ વસ્તુ આપીને, તથા સમાન શક્તિવાળાને પરાક્રમથી યોજવો — વશ કરવો.’
પછી એને પોતાની દાઢો વડે ચીરી નાખીને જીતી લઈ તથા નસાડી મૂકીને તે શિયાળે ઘણા સમય સુધી હાથીનું માંસ ખાધું.