ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બ્રાહ્મણી અને નોળિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રાહ્મણી અને નોળિયો

કોઈ એક નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીને પ્રસૂતિ થઈ, અને તેણે પુત્રને જન્મ આપ્યો. તે જ દિવસે નોળિયણે નોળિયાને જન્મ આપ્યો. પછી તે પુત્રવત્સલ બ્રાહ્મણીએ તે નોળિયાને પોતાના પુત્રની જેમ દૂધ પાઈને તથા સ્નાન અને આહારાદિ કરાવીને ઉછેર્યો. પરંતુ ‘આ કદાચ પોતાની જાતિના દોષથી આ બાળકને વિઘ્નકારી થાય એવું આચરણ કરે.’ એમ વિચારીને તે નોળિયાનો વિશ્વાસ કરતી નહોતી. આમ તે પોતાના ચિત્તમાં જાણતી હતી. કહ્યું છે કે

અવિનયી, કુરૂપ, મૂર્ખ, વ્યસની અને દુષ્ટ એવા કુપુત્ર પણ મનુષ્યોનાં હૃદયને આનંદકારી લાગે છે. ‘ચંદન શીતળ છે’ એમ કહે છે, પણ પુત્રનાં અંગોનો સ્પર્શ ચંદનથી પણ અધિક છે. લોકો પુત્રના સ્નેહબંધનની જેટલી ઇચ્છા કરે છે તેટલી મિત્રના, પિતાના, હિતેચ્છુના અને પાલકના સ્નેહબંધનની પણ કરતા નથી.

હવે, તે બ્રાહ્મણીએ એક વાર પુત્રને શય્યામાં સુવાડીને, જળકુંભ લઈને પતિને કહ્યું, ‘બ્રાહ્મણ! પાણી લેવા માટે હું તળાવે જાઉં છું. તમારે આ પુત્રનુંં નોળિયાથી રક્ષણ કરવું.’ પછી તે ગઈ, એટલે બ્રાહ્મણ પણ સૂનું ઘર મૂકીને ક્યાંક ભિક્ષા માટે ગયો. તે સમયે કાળો નાગ દરમાંથી બહાર નીકળ્યો. નોળિયાએ પણ સાપને પોતાનો સ્વભાવવૈરી જાણીને, તેની સાથે યુદ્ધ કરીને તેા ટુકડેટુકડા કરી નાખ્યા. પછી રુધિરથી ખરડાયેલા મુખવાળો તે આનંદપૂર્વક પોતાનું કાર્ય બતાવવા માટે માતાની સામે ગયો. તેને રુધિરથી ખરડાયેલા મુખવાળો જોઈને માતાના ચિત્તમાં પણ શંકા થઈ કે, ‘આ દુરાત્મા મારા પુત્રને ખાઈ ગયો હશે.’ એમ વિચારીને તેણે કોપથી નોળિયા ઉપર પાણીનો ઘડો નાખ્યો. એ પ્રમાણે નોળિયાને મારીને પ્રલાપ કરતી તે ઘેર આવે છે, તો પુત્ર પહેલાંની જેમ જ સૂતેલો હતો. બાજુએ કાળા નાગના ટુકડેટુકડા થયેલા જોઈને પુત્રવધના શોકથી તે પોતાનું માથું અને છાતી કૂટવા લાગી. એ સમયે ભિક્ષા માગીને આવેલો બ્રાહ્મણ જુએ છે તો પુત્રશોકથી સંતપ્ત થયેલી બ્રાહ્મણી વિલાપ કરતી હતી, ‘અરે, અરે, લોભી! લોભને લીધે તમે મારું વચન કર્યું નહિ, માટે હવે પુત્રમૃત્યુરૂપી દુઃખવૃક્ષનું ફળ ભોગવો. અથવા આ ખરું કહ્યું છે કે અતિલોભ કરવો નહિ. લોભનો ત્યાગ પણ કરવો નહિ; અતિ લોભને વશ થયેલાના મસ્તક ઉપર ચક્ર ભમે છે.’

બ્રાહ્મણ બોલ્યો, ‘એ કેવી રીતે?’ બ્રાહ્મણી કહેવા લાગી —