ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ધનભંડારની શોધમાં નીકળેલા ચાર મિત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનભંડારની શોધમાં નીકળેલા ચાર મિત્રો

‘પરસ્પર મિત્રતાને પામેલા એવા ચાર બ્રાહ્મણપુત્રો કોઈ એક નગરમાં વસતા હતા. દરિદ્રતાથી દુઃખી થયેલા તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા, ‘અહો! આ દરિદ્રતાને ધિક્કાર છે! કહ્યું છે કે વાઘ અને હાથીઓ વડે સેવાયેલા, જળ વિનાના અને ઘણા કાંટાથી છવાયેલા વનમાં વાંસ, ઘાસની પથારી અને પહેરવા માટે વલ્કલ હોય એ સારું, પણ સગાંસંબધીઓની વચ્ચે નિર્ધન અવસ્થામાં રહેવું સારું નહિ.

તેમ જ

જેની પાસે ધન ન હોય એવો મનુષ્ય સ્વામીની સારી રીતે સેવા કરે તો પણ તે તેનો દ્વેષ કરે છે, સુજન ભાઈઓ તેનો એકાએક ત્યાગ કરે છે, તેના ગુણો શોભતા નથી. પુત્રો તેનો ત્યાગ કરે છે, આપત્તિઓ વૃદ્ધિ પામે છે, સારા વંશમાં ઉત્પન્ન થયેલી પત્ની પણ તેની યોગ્ય રીતે સેવા કરતી નથી, તથા ન્યાય ઉપર જેમણે પોતાનાં પરાક્રમોનું આરોપણ કર્યું છે એવા મિત્રો પણ તેને છોડી દે છે. માણસ શૂરવીર, સુરૂપ, સુભગ અને વાક્ચાતુર્યવાળો હોય, અને તેણે શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હોય, તો પણ ધન વિના આ મનુષ્યલોકમાં તે યશ અને માન મેળવી શકતો નથી. તે જ અવિકલ ઇન્દ્રિયો છે, તે જ નામ છે, તે જ અકુંઠિત બુદ્ધિ છે, અને તે જ વાણી છે; છતાં એ જ પુરુષ ધનની ઉષ્માથી રહિત થતાં એક ક્ષણમાં જ બાહ્ય બની જાય છે, એ વિચિત્ર છે!

માટે આપણે ધન મેળવવા ક્યાંક જઈએ.’ એ પ્રમાણે વિચાર કરીને સ્વદેશનો, મિત્રો સહિત નગરનો, અને સંબંધીઓ સહિત પોતાના ઘરનો ત્યાગ કરીને તેઓ નીકળ્યા. અથવા આ ખરું કહ્યું છે કે

ચિન્તાથી જેની બુદ્ધિ વ્યાકુળ થઈ હોય એવો પુરુષ આ લોકમાં સત્યનો ત્યાગ કરે છે, બંધુવર્ગને છોડી દે છે, તથા પોતાની જનની અને જન્મભૂમિનો ત્યાગ કરીને જ્યાં પોતાને મનગમતા લોકો રહેતા હોય એવા વિદેશમાં જાય છે.

એ પ્રમાણે અનુક્રમે ચાલતા તેઓ અવન્તિ પહોંચ્યા. ત્યાં ક્ષિપ્રાના જળમાં સ્નાન કરીને, મહાકાલને પ્રણામ કરીને તેઓ નીકળતા હતા ત્યારે ભૈરવાનંદ નામે યોગી સામે મળ્યો. બ્રાહ્મણને ઉચિત વિધિથી તેનું સન્માન કરીને એની જ સાથે તેઓ એના મઠમાં ગયા. પછી તેણે તેઓને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જાઓ છો? તમારે શેનું પ્રયોજન છે?’ પછી તેઓએ કહ્યું, ‘અમે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રવાસે નીકળ્યા છીએ, અને જ્યાં ધનપ્રાપ્તિ અથવા મૃત્યુ થશે ત્યાં અમે જઈશું એવો નિશ્ચય છે. કહ્યું છે કે

અવસર આવ્યે પોતાનાં શરીરને જોખમમાં મૂકીને સાહસિક પુરુષો દુષ્પ્રાપ્ય અને ઇચ્છિત એવું ઘણું મેળવે છે.

તેમ જ

પાણી કોઈ વાર આકાશમાંથી આવે છે, ખોદવામાં આવે તો પાતાળમાંથી પણ તે મળે છે; માટે દૈવનો વિચાર કરવો જોઈએ નહિ, ખરેખર પુરુષાર્થ બળવાન છે. પુરુષના પુરુષાર્થથી જ પૂરેપૂરી ઇષ્ટ સિદ્ધિ થાય છે, અને જેને તું ‘દૈવ’ કહે છે તે પણ અદૃષ્ટ નામનો પુરુષનો ગુણ છે. સાહસિકો મોટા લોકોના અતુલ ભયને અને પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે. અહો! ઉદાર પુરુષોનું આ ચરિત્ર અદ્ભુત છે! અંગને કલેશ પમાડ્યા સિવાય આ જગતમાં વિવિધ પ્રકારનાં સુખ મળતાં નથી; મધુનો નાશ કરનાર વિષ્ણુએ સમુદ્રમંથનથી થાકેલા બાહુઓ વડે લક્ષ્મીને આલિંગન કર્યું હતું. જળમાં રહીને જે સતત ચાર માસ સુધી નિદ્રા કરે છે એવા વિષ્ણુ નરસિંહ હોય તો પણ તેમની પત્ની ચંચલ કેમ ન થાય? પુરુષ જ્યાં સુધી પુરુષાર્થ કરે નહિ ત્યાં સુધી તે ઉત્તમ વસ્તુને મેળવી શકતો નથી; સૂર્ય જ્યારે તુલા રાશિમાં આરૂઢ થાય ત્યારે તે આ લોકમાં વાદળાંના આવરણ ઉપર વિજય મેળવે છે.

માટે વિવરપ્રવેશ, શાકિનીસાધન, સ્મશાનસેવન, મહામાંસનો વિક્રમ અથવા સાધકની શલાકા આદિમાંથી ધન મેળવવાનો કોઈ એક ઉપાય અમને કહો. આપ અદ્ભુત શક્તિવાળા છો, એમ સાંભળવામાં આવે છે; અમે પણ અતિ સાહસિક છીએ. કહ્યું છે કે

મોટા જ મોટાનું કાર્ય સિદ્ધ કરવાને સમર્થ હોય છે; સમુદ્ર સિવાય બીજો કોણ વડવાનલને ધારણ કરે છે?’

ભૈરવાનંદે પણ તેઓની કાર્યસિદ્ધિ માટે ચાર સિદ્ધિવર્તી — વાટ ઘણા ઉપાયોથી તૈયાર કરીને આપી. અને કહ્યું, ‘હિમાલયની દિશામાં જાઓ. ત્યાં પહોંચ્યા પછી જ્યાં આ વાટ નીચે પડશે ત્યાં તમને નિધાન પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. એ સ્થાન ખોદીને, નિધિ લઈને પાછા વળજો.’

એ પ્રમાણે કર્યા પછી તેઓ ચાલતા હતા ત્યારે એકના હાથમાંની વાટ પડી ગઈ. પછી તેણે એ સ્થળ ખોદ્યું તો ત્રાંબાની જમીન નીકળી, પછી તેણે કહ્યું, ‘અહો! સ્વેચ્છાએ ત્રાંબું લઈ લો.’ બીજાઓ બોલ્યા, ‘હે મૂઢ! આને શું કરવું? એ ઘણું હોય તો પણ તેનાથી દારિદ્ય્રનો નાશ થતો નથી. માટે ઊઠ, આપણે આગળ જઈએ.’ તેણે કહ્યું, ‘તમે જાઓ, હું આગળ નહિ આવું.’ એ પ્રમાણે કહીને ઇચ્છાનુસાર ત્રાંબું લઈને પહેલો પાછો વળ્યો. પેલા ત્રણેય આગળ ચાલ્યા.

થોડેક ગયા, એટલે જે આગળ ચાલતો હતો તેની વાટ નીચે પડી. તે પણ ખોદવા માંડ્યો, તો રૂપાની જમીન નીકળી. હર્ષ પામેલો તે બોલ્યો કે, ‘અરે! ઇચ્છાનુસાર રૂપું લઈ લો; આગળ જવું નથી;’ પેલા બે જણે ક્હ્યું, ‘પહેલાં ત્રાંબાની જમીન નીકળી, આગળ રૂપાની નીકળી, તો હવે નક્કી આગળ સોનાની જમીન હશે. આ રૂપું ઘણું હોય તો પણ એનાથી દારિદ્ય્રનો નાશ થતો નથી. માટે આપણે બે આગળ જઈએ.’ એમ કહીને બન્નેય આગળ ચાલ્યા. પેલો પણ પોતાની શક્તિ પ્રમાણે રૂપું લઈને પાછો વળ્યો.

પેલા બે આગળ ગયા, એટલે તેમાંના એકની વાટ નીચે પડી. તે પણ હર્ષ પામીને ખોદવા લાગ્યો ત્યાં સોનાની ભૂમિ નીકળી, એટલે તેણે બીજાને કહ્યું, ‘અરે! ઇચ્છાનુસાર સુવર્ણ લઈ લે. સુવર્ણથી વધારે સારું આગળ બીજું કંઈ નહિ હોય.’ તે બોલ્યો, ‘મૂઢ! તું કંઈ જાણતો નથી. પહેલાં ત્રાંબું, પછી રૂપું, અને પછી સોનું આવ્યું. તો નક્કી હવે પછી રત્નો આવશે, જેમાંના એકથી દરિદ્રતાનો નાશ થશે. માટે ઊઠ, આગળ જઈએ. ભારરૂપ આ સોનું ઘણું હોય તો પણ તેથી શું?’ પેલાએ કહ્યું, ‘તું જા; હું અહીં બેસીને તારી વાટ જોઈશ.’

એમ નક્કી કર્યા પછી પેલો એકલો આગળ જઈ ગ્રીષ્મના સૂર્યના તાપથી સંતપ્ત શરીરવાળો તથા તરસથી વ્યાકુળ થઈ સિદ્ધિના માર્ગથી ભૂલો પડી આમતેમ ભમવા લાગ્યો. પછી ભમતાં ભમતાં એક સ્થળે લોહીલુહાણ ગાત્રોવાળા તથા જેના મસ્તક ઉપર ચક્ર ભમતું હતું એવા એક પુરુષને તેણે જોયો. પછી જલ્દી એની પાસે જઈને તેણે પૂછ્યું, ‘અરે! તું કોણ છે? અને તારા માથા ઉપર ચક્ર કેમ ભમે છે? કોઈ ઠેકાણે પાણી હોય તો મને કહે.’ એ પ્રમાણે તે બોલતો હતો એટલામાં તે ચક્ર તે જ ક્ષણે પેલાના માથા ઉપરથી બ્રાહ્મણના માથે ચડી ગયું. તે બોલ્યો, ‘ભદ્ર! આ શું?’ પેલાએ કહ્યું કે, ‘આ મારા ઉપર પણ આવી જ રીતે ચડ્યું હતું.’(બ્રાહ્મણે કહ્યું,) ‘તો કહે, મારા માથા ઉપરથી એ ક્યારે ઊતરશે? મને ઘણી વેદના થાય છે.’ પેલો બોલ્યો, ‘જ્યારે તારી જેમ બીજો કોઈ સિદ્ધિવર્તી લઈને, અહીં આવીને, તારી સાથે વાત કરશે ત્યારે એના માથા ઉપર ચક્ર ચડશે.’ બ્રાહ્મણે કહ્યું, ‘તું અહીં કેટલા સમયથી હતો?’ તેણે કહ્યું ‘અત્યારે પૃથ્વી ઉપર કયો રાજા છે? બ્રાહ્મણ બોલ્યો, ‘વીણાવત્સરાજ.’ તેણે કહ્યું, ‘હું કાળસંખ્યા તો જાણતો નથી, પણ જ્યારે રામ રાજા હતા ત્યારે દારિદ્ય્રથી પીડાયેલો હું સિદ્ધિવર્તી લઈને આ માર્ગે આવ્યો હતો. પછી જેણે માથે ચક્ર ધારણ કર્યું હતું એવા બીજા મનુષ્યને મેં જોયો અને તેને પૂછયું. એટલે મારી આ સ્થિતિ પેદા થઈ.’ બ્રાહ્મણે કહ્યું, ‘ભદ્ર! આવી સ્થિતિમાં તને ભોજન અને પાણી કેવી રીતે મળતું હતું?’ તે બોલ્યો, ‘ભદ્ર! પોતાના ભંડારનું હરણ થવાના ભયથી કુબેરે સિદ્ધોને આ ભય દર્શાવેલો છે, તેથી કોઈ સિદ્ધ અહીં આવતો નથી. જો કદી કોઈ આવે છે તો તે ભૂખ, તરસ અને નિદ્રાથી સહિત તથા જરામરણથી વર્જિત બની કેવળ આ પ્રમાણે વેદના અનુભવે છે, માટે મને રજા આપ, હું મુક્ત થયો છું; હવે હું મારે ઘેર જઈશ.’ એમ કહીને તે ગયો.

હવે, બ્રાહ્મણને વાર લાગી, એટલે પેલો સુવર્ણસિદ્ધિ તેને શોધવા લાગ્યો, અને પગલાંની પંક્તિને અનુસરતો વનમાં કેટલેક દૂર આવ્યો તો ત્યાં લોહીલુહાણ શરીરવાળો તથા માથા ઉપર ભમતા તીક્ષ્ણ ચક્રની વેદનાથી કણસતો એ બેસી રહેલો હતો. પછી પાસે આવીને તેણે આંસુ સાથે પૂછ્યું, ‘મિત્ર! આ શું?’ તે બોલ્યો, ‘દૈવની આજ્ઞા.’ તેણે કહ્યું, ‘એ કેવી રીતે?’ તેનું કારણ કહે.’ તેણે પૂછ્યું, એટલે ચક્રનો બધો વૃત્તાન્ત એણે કહ્યો, તે સાંભળીને એની નિન્દા કરતાં તેણે કહ્યું, ‘અરે! મેં અનેક વાર તને વાર્યો, છતાં તેં મારું વાક્ય સાંભળ્યું નહિ, માટે હવે શું થાય? વિદ્યાવાન અને કુલીન હોવા છતાં તું બુદ્ધિ વિનાનો છે. અથવા આ ખરું કહ્યું છે કે

એવી વિદ્યા નહિ, પણ બુદ્ધિ સારી ગણાય છે; વિદ્યા કરતાં બુદ્ધિ ઉત્તમ છે. બુદ્ધિ વિનાના મનુષ્યો, સિંહને સજીવન કરનારાઓની જેમ, વિનાશ પામે છે.’

ચક્રધર બોલ્યો, ‘એ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —