ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/તપસ્વી અને ઉંદરડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તપસ્વી અને ઉંદરડી

કોઈ નગર પાસેના તપોવનમાં શાલંકાયન નામે તપોધન મુનિ રહેતા હતા. તે ગંગામાં સ્નાન કરવા ગયા હતા. તેઓ સૂર્યોપસ્થાન કરતા હતા એ સમયે એક બાજે પોતાના તીક્ષ્ણ નખની અણીથી તે પ્રદેશમાં એક ઉંદરડી પકડી. ઉંદરડીને જોઈને કરુણાથી આર્દ્ર થયેલા હૃદયવાળા મુનિએ, ‘મૂક! મૂક!’ એમ કરતાં બાજ ઉપર પથરો ફેંક્યો. પથરાના પ્રહારથી વ્યાકુળ થયેલી ઇન્દ્રિયોવાળો તથા જેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ હતી એવો તે બાજ પણ પૃથ્વી ઉપર પડ્યો. ભયભીત થયેલી હોવાથી શું કરવું તે નહિ જાણતી એ ઉંદરડી પણ ‘રક્ષણ કરો!’ એમ બોલતી મુનિના ચરણમાં જઈને બેઠી. બાજ પણ ભાનમાં આવીને બોલ્યો, ‘હે મુનિ! તમે મને પથ્થર માર્યો એ ઠીક ન કર્યું. તમે શું અધર્મથી ડરતા નથી? માટે આ ઉંદરડી મને સોંપી દો. નહિ તો તમને ઘણું પાપ લાગશે.’ એ પ્રમાણે બોલતા તે બાજને મુનિએ કહ્યું, ‘હે અધમ પક્ષી! પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરવું જોઈએ. દુષ્ટોને દંડ દેવો જોઈએ, સાધુઓનું સન્માન કરવું જોઈએ, ગુરુઓની પૂજા કરવી જોઈએ, એ દેવોની સ્તુતિ કરવી જોઈએ. માટે તું અસંબદ્ધ કેમ બોલે છે?’ બાજ બોલ્યો, ‘મુનિ! તમે સૂક્ષ્મ ધર્મ જાણતા નથી. આ જગતમાં સૃષ્ટિ રચતાંની સાથે વિધિએ સર્વ પ્રાણીઓ માટે આહાર નિર્મિત કરેલો છે. એટલે જેમ તમારે માટે અન્ન તેમ અમારે માટે ઉંદરડી વગેરે નક્કી કરેલ છે. માટે આહારની ઇચ્છા રાખતા એવા મને શા માટે દૂષણ આપો છો? કહ્યું છે કે

જેને માટે જે ભક્ષ્ય નિર્મિત થયેલું છે તે તેને માટે દોષકારી નથી, અભક્ષ્ય ખાવાથી ઘણો દોષ લાગે છે; માટે ખોરાકમાં વ્યત્યય — ફેરફાર કરવો નહિ. (પ્રત્યેકને પોતાનો વિહિત ખોરાક ખાવાનો અધિકાર છે.) બ્રાહ્મણોને માટે જેમ મદ્ય અને મદ્યપાન કરનારાઓ માટે જેમ હવિ, ભક્ષ્ય હોવા છતાં અભક્ષ્ય થાય છે, તેમ હે બ્રાહ્મણ! બીજાઓની બાબતમાં પણ સમજવું. ભક્ષ્ય વસ્તુ ખાનારાનું શ્રેય થાય છે, અને અભક્ષ્ય ખાનારાને મોટું પાપ લાગે છે; માટે મને વૃથા આચારવાળા તરીકે શિક્ષા કરવાને તમે કઈ રીતે યોગ્ય છો?

વળી મુનિઓનો આ ધર્મ નથી, કેમ કે તેઓ જોકહ્યું ન જોયું કરવું અને સાંભળ્યું ન સાંભળ્યું કરવું તેની, તથા અલોભતા અને અશત્રુતાની પ્રશંસા કરે છે. કહ્યું છે કે

મુનિ શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખે છે, માટી, પથ્થર અને લોઢું એ ત્રણેને સરખાં ગણે છે, સ્નેહી અને મિત્રોની બાબતમાં ઉદાસીન રહે છે, તથા શત્રુઓ અને મિત્રોને વિશે તટસ્થ રહે છે. સદાચારનો વિચાર કરનારા તથા દોષરહિત એવા સાધુ પુરુષોમાં જે સાધુ અને પાપી બન્ને ઉપર સમદૃષ્ટિ રાખે છે તે વિશિષ્ટ ગણાય છે.

યોગીએ એકાન્તમાં બેસીને પોતાની જાતને યોજવી જોઈએ — ચિત્તવૃત્તિનો નિરોધ કરવો જોઈએ.

માટે તમે આ કર્મ વડે તપથી ભ્રષ્ટ થયા છો. કહ્યું છે કે

‘મૂકી દે! મૂકી દે!’ એમ કહેવાથી એક અને ‘મૂકીશ નહિ!’ એમ કહેવાથી બીજો તપથી ભ્રષ્ટ થયો; આ પ્રમાણે બન્નેનું પતન જોઈને (ત્રીજાએ માન્યું કે) મૌન જ સર્વ કાર્યને સિદ્ધ કરનાર છે.’

શાલંકાયન બોલ્યો, ‘એ કેવી રીતે?’ બાજ કહેવા લાગ્યો —