ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/કાર્તવીર્યકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાર્તવીર્યકથા


એક સમયે રાજા કાર્તવીર્ય શિકાર કરવા વનમાં ગયો. ત્યાં ઘણાં બધાં પશુઓનો વધ કરીને તે થાકી ગયો. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. રાજાએ સાંજે સેના સમેત વનમાં જમદગ્નિ ઋષિના આશ્રમમાં પાસે છાવણી નાખી અને ખાધાપીધા વિના રાત વીતાવી. સવારે રાજાએ સરોવરમાં સ્નાન કર્યું. શરીરને આભૂષિત કરી દત્તાત્રેયે આપેલો મંત્ર જપવા લાગ્યા. મુનિ જમદગ્નિએ રાજાનાં કંઠ, તાળવું, ઓઠ સુકાયેલાં જોયાં. પે્રમથી કોમળ વાણી વડે રાજાના ખબરઅંતર પૂછ્યા. પછી રાજાએ સૂર્ય જેવા તેજસ્વી મુનિને પ્રણામ કર્યા, પગે પડેલા રાજાને ઋષિએ આશીર્વાદ આપ્યા. રાજાએ પોતાના ઉપવાસના સમાચાર કહ્યા. ઋષિએ ડરતાં ડરતાં રાજાને નિમંત્રણ આપ્યું અને આનંદપૂર્વક તેઓ આશ્રમમાં પાછા આવ્યા. અને લક્ષ્મીસરખી મા કામધેનુને બધી વાત કરી. ત્યારે તેણે ભય પામેલા ઋષિને કહ્યું, ‘ઋષિવર, હું છું પછી ભય શાનો? તમે તો મારા વડે આખા સંસારને ભોજન કરાવવા સમર્થ છો. પછી આ રાજાની તો વાત જ ક્યાં? રાજાઓને છાજે તેવા ભોજન માટેના જે જે સંસારમાં જે જે દુર્લભ પદાર્થ માગશો તે બધા હું આપીશ.’ પછી કામધેનુએ અનેક પ્રકારનાં ભોજન માટેનાં ચાંદીસોનાનાં વાસણ, રસોઈ બનાવવા માટેનાં વાસણ, સ્વાદિષ્ટ પદાર્થો ભરેલાં વાસણ મુનિને આપ્યાં. વિવિધ સ્વાદિષ્ટ કેરી, નારિયેળ, બીલાં આપ્યાં. લાડુનો તો મોટો ઢગલો ઊભો કર્યો. જવ અને ઘઉંના પૂડા, અનેક પકવાન, દૂધ — દહીં — ઘીની રેલમછેલ થઈ. સાકરના ઢગલા, મોદકોના ટેકરા થયા. રાજાઓને યોગ્ય કર્પૂરવાળા સુવાસિત તાંબૂલ — વસ્ત્ર આપ્યાં. આમ બધી રીતે સમૃદ્ર થઈને ઋષિએ સેનાસમેત રાજાને ભોજન કરાવ્યું. અત્યંત દુર્લભ પદાર્થો જોઈને રાજા કાર્તવીર્યને આશ્ચર્ય થયું. પછી આ બધું જોઈને મંત્રીને કહ્યું,

‘મંત્રી, જરા તપાસ કરો. આટલી બધી દુર્લભ વસ્તુઓ આવી ક્યાંથી? આ તો મારી પાસે પણ નથી અને ઘણાંનાં તો નામ સાંભળ્યાં નથી.’

મંત્રીએ કહ્યું,‘મહારાજ, મેં મુનિના આશ્રમમાં બધું જોયું. અહીં તો અગ્નિકુંડ, સમિધ, કુશ, પુષ્પ, ફળ, મૃગચર્મ, સરવો, ુક, શિષ્યો, સૂર્યના તેજ પર પાકનારા અન્ન છે. અહીં એવી કશી સંપત્તિ નથી. બધા જટાધારી છે, વલ્કલ જ તેઓ પહેરે છે. પરંતુ આશ્રમના એક ભાગમાં મેં એક સુંદર કપિલા ગાય જોઈ છે. તેની કાયા સુંદર છે, ચંદ્રતેજ ઝળકે છે, તેની આંખો રાતા કમળ જેવી છે. પૂર્ણિમાના ચંદ્ર જેવી દેદીપ્યમાન છે. સાક્ષાત્ લક્ષ્મીની જેમ તે બધી સંપત્તિ અને ગુણોનો આધાર છે.

પછી મંત્રીના કહેવાથી દુર્બુદ્ધિવાળો રાજા મુનિ પાસે ગાય માગવા તૈયાર થયો. તે સમયે તે કાળપાશથી બદ્ધ હતો. પુણ્ય-ઉત્તમ બુદ્ધિ શું કરી શકે? આખરે તો પ્રારબ્ધ જ બળવાન છે. એટલે જ પુણ્યશાળી અને બુદ્ધિશાળી હોવા છતાં રાજા કાર્તવીર્ય દૈવવશ બ્રાહ્મણ પાસે યાચના કરવા ઇચ્છતો હતો.

રાજાએ ઋષિને કહ્યું, ‘ભક્તો પર કૃપા કરનારા દેવ, તમે તો કલ્પવૃક્ષ જેવા છો. તો બધી કામનાઓ પૂરી કરનારી આ કામધેનુ મને ભિક્ષામાં આપો. તમારા જેવા દાતા માટે કશું પણ અદેય નથી. મેં સાંભળું છે તે પ્રમાણે ભૂતકાળમાં દધીચિ ઋષિએ દેવતાઓને પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. તમે તો રમતાં રમતાં માત્ર ભ્રૂભંગ વડે કેટલીય કામધેનું સર્જી શકો છો.’

ઋષિએ કહ્યું,‘રાજન, નવાઈ કહેવાય. તમે તો અવળી વાત કરો છો. હું બ્રાહ્મણ થઈને ક્ષત્રિયને દાન કેવી રીતે આપું? આ કામધેનું પરમાત્મા શ્રીકૃષ્ણે ગોલોકમાં યજ્ઞપ્રસંગે બ્રહ્માને દાનમાં આપી હતી. એટલે પ્રાણોથી પણ ચઢિયાતી આ ગાય અદેય છે. બ્રહ્માએ પોતાના પુત્ર ભૃગુને આ ગાય આપી, અને ભૃગુએ મને આપી. આમ આ કપિલા મારી પૈતૃક સંપત્તિ છે. આ કામધેનુ ગોલોકમાં જન્મી. ત્રિલોકમાં પણ આ તો દુર્લભ છે. હું આવી કપિલાઓની સૃષ્ટિ કેવી રીતે સર્જી શકું? હું નથી કૃષિકાર, નથી તમારા કારણે બુદ્ધિશાળી થયો. અતિથિને છોડીને બધાને ક્ષણવારમાં ભસ્મ કરી શકું. તમે ઘેર જાઓ અને પત્ની — પુત્રોને મળો.’

મુનિની આ વાત સાંભળીને રાજા ક્રોધે ભરાયો. મુનિને નમન કરી સેના પાસે જતો રહ્યો. ભાગ્યે તેને ચલિત કરી દીધો. એટલે સેના પાસે જઈને બળજબરીથી ગાય લઈ આવવા નોકરોને મોકલ્યા. આ બાજુ શોકમગ્ન થઈ વિવેકહીન બનેલા મુનિવર કપિલા પાસે જઈને અશ્રુપાત કરવા લાગ્યા, બધી વાત કહી. ભક્તો પર કૃપા કરનારી લક્ષ્મીસ્વરૂપા ગાય મુનિને અશ્રુપાત કરતા જોઈ કહેવા લાગી,

‘મુનિવર, જે પોતાની વસ્તુઓના શાસક, પાલક, દાતા છે તે જ પોતાની વસ્તુનું દાન કરી શકે. જો તમે સ્વેચ્છાથી રાજાને મારું દાન કરશો તો હું તેમની સાથે જઈશ. જો નહીં આપો તો તમારા ઘેરથી નહીં જઉં. મેં આપેલી સેના વડે રાજાને ભગાડી મૂકો. માયામુગ્ધ બનીને તમે રડો છો શા માટે?’

આમ કહી કામધેનુએ સૂર્ય સમાન તેજસ્વી વિવિધ શસ્ત્રો — અસ્ત્રો, સેનાઓ ઊભી કરી. કપિલાના મુખમાંથી કરોડો ખડ્ગધારી, શૂલધારી, ધનુર્ધારી, દંડશક્તિવાળા, ગદાધારી શૂરવીરો નીકળી પડયા. આમ કપિલાએ મુનિને સેના આપીને નિર્ભય કર્યા. ‘આ સેના લડશે. ત્યાં તમે ન જતા.’ આમ બધું સંપન્ન જોઈને મુનિને આનંદ થયો.

રાજાએ મોકલેલા નોકરે આ સમાચાર કહ્યા. કપિલાની સેનાનો વિજય અને પોતાની સેનાનો પરાજય સાંભળીને રાજા બી ગયો. તેના મનમાં ઉદ્વેગ પ્રગટયો. દૂત મોકલીને પોતાના દેશમાંથી બીજી સેના મંગાવી.

કાર્તવીર્યે દુઃખી થઈને ભગવાનનું સ્મરણ કર્યું અને ક્રોધે ભરાઈને મુનિ પાસે દૂત મોકલીને કહેવડાવ્યું, ‘મુનિવર, કાં તો યુદ્ધ કરો અથવા મારી મનવાંછિત ગાય આપી દો. જે યોગ્ય લાગે તે કરો.’ દૂતની વાત સાંભળીને મુનિ હસી પડ્યા અને બોલ્યા,

‘ભૂખ્યાતરસ્યા રાજાને હું મારે ત્યાં લઈ આવ્યો અને શક્તિ પ્રમાણે અનેક પ્રકારની રસોઈ કરાવી. હવે આ રાજા જીવથીય વહાલી એવી કપિલા ગાયને બળજબરીથી માગે છે. હું ગાય આપી નહીં શકું, એટલે યુદ્ધ કરીશ.’

મુનિની વાત સાંભળીને દૂતે રાજા પાસે જઈને ભયભીત થઈ કવચ પહેરીને બેઠેલા રાજાને બધી વાત કહી.

મુનિએ કપિલાને કહ્યું, ‘અત્યારે હું શું કરું? જેમ સુકાની વિના નૌકા હાલંડોલ થાય તેવી દશા મારા વિના આ સેનાની થઈ રહી છે.’ ત્યારે કપિલાએ મુનિને અનેક પ્રકારનાં શસ્ત્ર, યુદ્ધનીતિનું જ્ઞાન વગેરે આપ્યું. ‘ઋષિવર, તમારો વિજય થશે. યુદ્ધમાં નિશ્ચિતપણે તમે વિજયી થશો. અમોધ દિવ્યાસ્ત્ર વિના તમારું મૃત્યુ થવાનું નથી. તમે બ્રાહ્મણ છો, તમે દત્તાત્રેયના શિષ્ય અને શક્તિશાળી રાજી સાથે યુદ્ધ યોગ્ય નથી, ’ પછી મુનિએ સેનાને સજ્જ કરી. રાજા પણ યુદ્ધભૂમિ પર આવ્યો. તેણે જમદગ્નિને પ્રણામ કર્યાં. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કપિલાની સેનાએ રાજાની સેનાને જીતી લીધી. રાજાના રથને તોડીફોડી નાખ્યો. રાજાના કવચ, ધનુષનો નાશ કર્યો. આમ રાજા કપિલાની સેનાને જીતી ન શક્યો. શસ્ત્રવર્ષા કરીને રાજાને હથિયાર હેઠાં મૂકવાની ફરજ પડી. બાણવર્ષા અને શસ્ત્રવર્ષાને કારણે રાજા મૂર્ચ્છા પામ્યો. કેટલીક સેના તો મૃત્યુ પામી હતી, કેટલાક સૈનિકો ભાગી ગયા. જ્યારે કૃપાનિધાન જમદગ્નિએ જોયું કે મારો અતિથિ બનેલો રાજા મૂચ્છિર્ત થયો છે ત્યારે પોતાની સેનાને પાછી બોલાવી. એે સેના કપિલાની કાયામાં લય પામી. મુનિએ રાજાને પોતાની ચરણરજ આપીને ‘તારો જય થાઓ’ એવા આશિષ આપ્યા. કમંડળમાંથી પાણી છાંટીને રાજાને હોશમાં આણ્યો. પછી રાજાએ ઊભા થઈને મુનિને વંદન કર્યાં. મુનિએ રાજાને આશીર્વાદ આપી, ગળે લગાવ્યો. ફરી તેને સ્નાન કરાવી ભોજન કરાવ્યું. ‘રાજા હવે ઘેર જાઓ.’

રાજાએ ફરી કહ્યું, ‘મહાબાહુ, યુદ્ધ કરો અથવા ગાય આપો,’

રાજાની વાત સાંભળીને મુનિએ ફરી રાજાને સમજાવ્યો. પણ રાજા યુદ્વ માટે મક્કમ થયો, રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. કપિલાએ આપેલાં શક્તિ-શસ્ત્ર વડે રાજાને ફરી શસ્ત્રહીન કરી મૂચ્છિર્ત કર્યો. પછી ફરી રાજા ભાનમાં આવીને મુનિ સામે લડવા તૈયાર થયો. તેણે આગ્નેયાસ્ત્ર પ્રયોજ્યું, મુનિએ વારુણાસ્ત્ર વડે તેને શાંત કર્યું. રાજાએ વારુણાસ્ત્ર ફેંક્યું, મુનિએ વાયવાસ્ત્ર વડે તેને શાંત કર્યુ. રાજાના નાગાસ્ત્રની સામે મુનિએ ગરુડાસ્ત્ર ચલાવ્યું. પછી રાજાએ સેંકડો સૂર્ય જેવા તેજસ્વી, દશે દિશાને ઉદ્દીપ્ત કરનાર માહેશ્વર અસ્ત્ર ફેંક્યું. ત્યારે મુનિએ દિવ્ય વૈષ્ણવાસ્ત્ર વડે તેને નિવાર્યું.

પછી મુનિએ નારાયણાસ્ત્ર ફેંક્યું, તેને જોઈને રાજા શરણાગત થઈ ગયો. પ્રલયાગ્નિ સમાન એ અસ્ત્ર ક્ષણભર દસે દિશાઓને પ્રકાશિત કરીને અનાર્ધાન થઈ ગયું. પછી મુનિએ જુમ્ભૃણાસ્ત્ર ફેંક્યું, રાજા એનાથી નિદ્રાવશ થઈ ગયો. પછી એવા નિદ્રાધીન રાજાને જોઈ મુનિએ તેના મુકુટ, છત્ર, કવચ છેદી નાખ્યાં. નાગાસ્ત્ર વડે રાજાના બધા મંત્રીઓને કેદ કર્યા. રાજાને મંત્ર વડે જગાડી બંદીવાન મંત્રીઓ દેખાડયા.રાજાને મુક્ત કરી આશીર્વાદ આપી ઘેર જવા કહ્યું, પણ રાજા ક્રોધે ભરાયેલો હતો, ત્રિશૂળ ઉઠાવી મુનિવર પર ફેંક્યું. તે જ વેળા બ્રહ્મા આવ્યા, બંનેને શાંત કર્યા — મુનિએ અને રાજાએ પ્રણામ કર્યા, બધા પોતપોતાના આવાસે ગયા.

રાજા ઘેર તો ગયો પણ મનમાંથી યુદ્ધનો વિચાર ગયો ન હતો. ફરી લાખોનું સૈન્ય ભેગું કરી ઋષિના આશ્રમને ઘેરી લીધો. રાજાની વિરાટ સેના જોઈને જમદગ્નિના આશ્રમવાસીએ ભયભીત થઈ મૂર્ચ્છા પામ્યા. મહર્ષિએ મંત્રબળથી બાણોની જાળ બિછાવી, તેનાથી આશ્રમ ઢંકાઈ ગયો. બધી સેના એમાં સપડાઈ ગઈ. રાજાએ રથમાંથી ઊતરીને મુનિને પ્રણામ કર્યા. મુનિએ તેને આશીર્વાદ આપ્યા. રાજાએ ફરી આક્રમણ કર્યું, આમ કેટલીય વાર આક્રમણ કરતો રહ્યો. મૂચ્છિર્ત થતો રહ્યો, પણ ક્ષમાશીલ મુનિએ તેનો વધ ન કર્યો. મુનિનું હૃદય વીંધાઈ ગયું અને તેના આઘાતથી મુનિનો જીવ જતો રહ્યો. શક્તિ વિષ્ણુ ભગવાન પાસે જતી રહી.

જગતમાં હાહાકાર મચી ગયો. કપિલા ‘તાત’ ‘તાત’ બોલતી ગોલોકમાં જતી રહી. રાજા બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત કરીને રાજધાની પાછો ફર્યો.

પતિવ્રતા મુનિપત્ની રેણુકા પતિના મૃત્યુથી અત્યંત દુઃખી થઈને રડવા લાગી. તે પોતાના પુત્ર પરશુરામને બોલાવવા લાગી. તે સમયે પરશુરામ પુષ્કરમાં હતા. તે જ વેળા માનસગતિથી પરશુરામ માતા પાસે આવી પહોંચ્યા અને માતાને પ્રણામ કરી પિતાની અંતિમ ક્રિયાની તૈયારી કરી. બધી વાત સંભળીને માતાએ યુદ્ધની ના પાડી છતાં પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા કરી; રાજા કાર્તવીર્યનો વધ કરવાનું પણ લીધું. અને માતાને સમજાવી ……તેટલામાં મહર્ષિ ભૃગુ ત્યાં આવી પહોંચ્યા.

ભૃગુ ઋષિને જોઈને રેણુકા અને પરશુરામ તેમને પગે પડ્યા. ભૃગુ ઋષિએ પરશુરામને ગઈ ગુજરી ભૂલી જવા કહ્યું. જે થનાર છે તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. રુદન કરવાથી મરનાર પાછું આવતું નથી.’ રેણુકા પણ આ સાંભળી સ્વસ્થ થઈ. પછી રેણુકાએ કઈ સ્ત્રીઓ સતી થઈ શકે અને કઈ સ્ત્રીઓ સતી ન થઈ શકે એ વિશે પૂછ્યું. ઋષિએ વિસ્તારથી એ બધી વાતો સમજાવી. રેણુકાએ પરશુરામને ભયાનક ક્ષત્રિયોનો વિરોધ ન કરવા કહ્યું અને પછી તે પતિ પાછળ સતી થઈ. પરશુરામ બ્રાહ્મણોને દાન આપીને બ્રહ્મા પાસે ગયા. પરશુરામની ઘોર પ્રતિજ્ઞા સાંભળીને તેઓ પણ દુઃખી થયા. ‘તારી આ નિર્દય પ્રતિજ્ઞા સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરશે. એક ક્ષત્રિયના અપરાધને કારણે આ પૃથ્વીને એકવીસ વાર ન-ક્ષત્રી કરવાનો તેં સંકલ્પ કર્યો છે. તારે કાર્ય સિદ્ધ કરવા બહુ પુરુષાર્થ કરવો પડશે. તું શિવ પાસે જા. પૃથ્વી ઉપર ઘણા રાજાઓ શિવભક્ત છે. શંકરની આજ્ઞા વિના કોઈ તેમને મારી નહીં શકે. એટલે તું શંકર પાસે જા. તેમની પાસેથી શ્રીકૃષ્ણના મંત્ર અને કવચ પ્રાપ્ત કર. એના પ્રભાવથી શૈવ અને શાક્ત બંને પર તું વિજય મેળવી શકીશ. તું ત્રૈલોક્યવિજય શ્રેષ્ઠ કવચ ધારણ કરીને એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરી શકીશ. શંકર ભગવાન તને દિવ્ય પાશુપતાસ્ત્ર આપશે, એના પ્રભાવથી તું ક્ષત્રિયો ઉપર વિજય મેળવી શકીશ.’

બ્રહ્માની વાત સાંભળીને પરશુરામ કૈલાસધામ ગયા અને ત્યાં શંકર ભગવાનની સ્તુતિ કરી. પછી બધી ઘટના સંભળાવી, મેં પૃથ્વીને એકવીસ વાર ન-ક્ષત્રી કરવાની તથા મારા પિતૃઘાતક કાર્તવીર્યનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે, મારી એ પ્રતિજ્ઞા પૂરી કરવામાં તમે સહાયભૂત થાઓ. આ સાંભળીને પાર્વતી અને કાલિકા ક્રોધે ભરાયાં, પરશુરામનો તિરસ્કાર કર્યો. એટલે પરશુરામ રુદન કરવા લાગ્યા અને આત્મહત્યા કરવા તત્પર થયા. એટલે ભગવાને બંને દેવીને શાંત કર્યા. પછી પરશુરામને કહ્યું, ‘હું તને એક કવચ આપીશ, તે ધારણ કરીને તું કાર્તવીર્યની હત્યા કરી શકીશ. તું એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયશૂન્ય કરી શકીશ.’ એટલું કહી ભગવાને પરશુરામને ત્રૈલોક્યવિજય નામનું કવચ આપ્યું. વેદવેદાંગ શીખવાડ્યા. બીજાં નાનાંમોટાં અસ્ત્રો આપ્યાં. વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાજિત કરનારી વિદ્યાઓ આપી.

ત્યાર પછી પુષ્કર તીર્થમાં જઈને શ્રીકૃષ્ણ પાસેથી પણ આશીર્વાદ માગ્યા. પરશુરામે પોતાના આશ્રમે જઈને બાંધવોને, સ્વજનોને બોલાવીને બધી વાત કરી. તેમને શુભ શકુન થયા. બાંધવજનો સાથે વિચારવિમર્શ કર્યા પછી કાર્તવીર્ય પાસે એક દૂત મોકલ્યો. તેણે રાજસભામાં જઈને કહ્યું, ‘મહારાજ, નર્મદાકાંઠે અક્ષયવડ નીચે બાંધવોની સાથે પરશુરામ આવ્યા છે, તેઓ એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરશે. તો તમે ત્યાં આવો અને યુદ્ધ કરો.’ આમ કહીને દૂત ચાલ્યો ગયો. રાજાએ કવચ ધારણ કરી યુદ્ધમાં જવાની તૈયારી કરી ત્યારે મહારાણી મનોરમાએ તેમને રોક્યા. રાજાએ કહ્યું, ‘નર્મદાકાંઠે આવીને પરશુરામે મને યુદ્ધ માટે પડકાર્યોે છે. શંકર ભગવાન પાસેથી તેમને શસ્ત્રો-અસ્ત્રો મળ્યાં છે. શ્રી હરિ પાસેથી પણ મંત્ર મળ્યો છે. તેમણે એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા કરી છે. હું અસ્વસ્થ થયો છું. મારું ડાબું અંગ ફરકે છે. મેં સ્વપ્નમાં જોયું કે મારા શરીરે લાલ ચંદન છે, ગધેડા પર બેસીને અટ્ટહાસ્ય કરું છું. આકાશ સૂર્ય-ચંદ્ર વિનાનું, લાલ વસ્ત્રો ધારણ કરીને કોઈ સ્ત્રી નૃત્ય કરી રહી છે. ખોપરીઓના ઢગલા છે. રાતે મીઠાનો પર્વત, કોડીઓના ઢગલા, રક્તવર્ષા, અંગારાની વર્ષા જોઈ.’

આવી વાતો સાંભળીને મનોરમાએ કહ્યું, ‘જમદગ્નિ પુત્ર પરશુરામ નારાયણના અંશ છે, શંકરના શિષ્ય છે. તમે તેમની સાથે યુદ્ધ ન કરો, તમે બ્રાહ્મણને ત્યાં ગયા, ભોજન કર્યું અને તેને મારી નાખ્યો. તમે ભૃગુનંદનને શરણે જાઓ.’ એટલે રાજાએ પત્નીને સમજાવી, ‘કાળ જ બધાનું કારણ છે. હું કેવી રીતે ઋષિની શરણાગતિ સ્વીકારું, મને મારા ભવિષ્યની પૂરી જાણ છે.’

મનોરમાએ રાજાની વાત માની લીધી અને તેણે યોગબળથી શરીરત્યાગ કર્યો. રાજાનો વિલાપ સાંભળીને આકાશવાણીએ રાજાને સાંત્વન આપ્યું. રાજાએ સ્વસ્થ થઈને મનોરમાના અંતિમ સંસ્કાર કર્યા અને બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. યુદ્ધભૂમિની દિશામાં રાજાએ પ્રયાણ કર્યું. રસ્તે તેને બહુ જ અપશુકન થયા. પરશુરામ પાસે જઈને તેમને વંદન કર્યા અને પરશુરામે તેને આશીર્વાદ આપ્યા.

પછી બંને વચ્ચે યુદ્ધ થયું. રાજાના બધાં જ અસ્ત્રોને નકામાં કરી દેવાયાં. ઋષિઓએ રાજાને નિ:શસ્ત્ર કરી દીધો. પરશુરામે શિવનું ત્રિશૂળ ઉગામ્યું. પણ ત્યારે આકાશવાળી થઈ, ‘હે વિપ્રવર, આ શંકર ભગવાનનું અમોઘ ત્રિશૂળ છે. તેનો ઉપયોગ ન કરો. રાજાએ દિવ્ય કવચ ધારણ કર્યું છે, એ કવચ દુર્વાસાએ આપ્યું છે. તમે રાજા પાસે જઈને કવચ માગો.’ રાજાએ પરશુરામને એ કવચ આપી દીધું. અને પછી પરશુરામના ત્રિશૂળથી રાજા ધરાશાયી થઈ ગયો.

એટલે પરશુરામની સામે પુષ્કરાક્ષ આવી ચડ્યો. પરશુરામનાં બધાં શસ્ત્રને તેણે નિષ્ફળ બનાવ્યાં એટલે પરશુરામે પાશુપતાસ્ત્ર ઉગામવાનો નિર્ધાર કર્યો. ત્યારે બ્રાહ્મણનો વેશ લઈને ભગવાન નારાયણ ત્યાં આવ્યા અને તેમણે પાશુપતાસ્ત્ર ચલાવતા પરશુરામને અટકાવ્યા અને કહ્યું, ‘ત્રિલોકમાં દુર્લભ એવું મહાલક્ષ્મીનું કવચ પુષ્કરાક્ષે ગળામાં પહેર્યું છે. પુષ્કરાક્ષના પુત્રે દુર્ગાનું અદ્ભુત કવચ પહેર્યું છે. આ બંને કવચને કારણે તેઓ વિશ્વભરમાં અજેય છે. હું તમારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે બંને પાસે જઈને કવચ માગીશ.’

તે બ્રાહ્મણની વાત સાંભળીને પરશુરામ ભયભીત થઈ ગયા.‘બ્રાહ્મણ વેશે આવેલા તમે કોણ છો? તમારો પરિચય આપો. પછી રાજા પાસે જાઓ.’ એ સાંભળીને બ્રાહ્મણવેશધારી વિષ્ણુને હસવું આવ્યું. ‘હું વિષ્ણુ છું.’ એમ કહીને તેઓ રાજા પાસે જતા રહ્યા. બંને પાસે જઈને કવચની માગણી કરી. વિષ્ણુ ભગવાનની માયાથી મોહવશ થઈને બંનેએ કવચ સોંપી દીધા. એટલે ભગવાન તો એ લઈને વિષ્ણુલોક જતા રહ્યા.

…પછી પરશુરામે બંને ઉપર પ્રહારો કરવા માંડયા. સહાક્ષ યુદ્ધમેદાનમાં મૃત્યુ પામ્યો એટલે મહાશક્તિશાળી કાર્તવીર્ય અગણિત સેના લઈને યુદ્ધભૂમિ પર આવ્યો. તેના રથને રત્નોનું આચ્છાદન હતું અને પોતાની ચારે બાજુ અસ્ત્રશસ્ત્ર ગોઠવ્યાં હતાં. પરશુરામે તેને પોતાની સામે જોયો. તેના માથા પર રત્નમંડિત છત્ર શોભતું હતું. તેણે પોતે ઘણાં આભૂષણો ધારણ કર્યાં હતાં. અત્યંત સુંદર દેખાવવાળો કાર્તવીર્ય મંદ સ્મિત કરતો હતો. રાજાએ પરશુરામને પ્રણામ કર્યાં અને ઋષિએ તેને આશીર્વાદ આપ્યા. ‘હવે તું તારા સાથીઓ સાથે સ્વર્ગે જજે.’ એમ કહી બંને સૈન્ય વચ્ચે યુદ્ધ થયા લાગ્યું, પરશુરામના શિષ્યો અને તેમના ભાઈ કાર્તવીર્યના પરાક્રમથી ભાગવા લાગ્યા. તેમનું આખું શરીર ઘવાયું હતું. રાજાની બાણવર્ષાને કારણે શ્રેષ્ઠ શસ્ત્રધારી પરશુરામની પોતાની તથા દુશ્મનની સેના દેખાતી ન હતી. પછી બંનેએ દિવ્ય અસ્ત્રો પ્રયોજ્યાં. રાજાએ દત્તાત્રયે આપેલું અમોઘ શૂળ મંત્રોચાર કરીને પરશુરામ પર ફંગોળ્યું, તરત જ પરશુરામ ધરતી પર ઢળી પડ્યા. ભગવાન શંકરે ત્યાં આવીને પરશુરામને જીવનદાન આપ્યું. તે જ વખતે ભક્તવત્સલ ભગવાન દત્તાત્રેય શિષ્યની રક્ષા કરવા યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યા. પરશુરામે ક્રોધે ભરાઈને પાશુપતાસ્ત્ર ઉગામ્યું પણ દત્તાત્રેયના દૃષ્ટિપાતથી તેઓ જડવત્ બની ગયા. તેમણે જોયું કે દત્તાત્રેયનું શરીર નવા મેઘ જેવું છે, હાથમાં વાંસળી લઈને વગાડી રહ્યા છે, બીજા હાથમાં સુદર્શન ચક્ર છે. આવા શ્રીકૃષ્ણ યુદ્વભૂમિ પર રાજાનું રક્ષણ કરી રહ્યા છે. તે જ વેળા આકાશવાણી થઈ, ‘દત્તાત્રેયે આપેલું શ્રીકૃષ્ણનું કવચ રાજાએ જમણા હાથે બાંધ્યું છે. યોગીઓના ગુરુ શંકર ભગવાન ભિક્ષા રૂપે રાજા પાસે આ કવચ માગશે તો જ રાજાનો વધ થઈ શકશે.’ એટલે શંકર ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને રાજા પાસે યાચના કરીને તે કવચ લઈ આવ્યા અને પરશુરામને આપી દીધું. દેવતાઓ પોતપોતાના થાનકે ગયા.

રાજાએ પરશુરામને શ્રીકૃષ્ણમહિમા કહ્યો…

પરશુરામે ભગવાનનું સ્મરણ કરીને બ્રહ્માસ્ત્ર વડે રાજાની સેનાનો વિનાશ કર્યો અને પાશુપતાસ્ત્ર દ્વારા રાજાનો સંહાર કર્યો. આ પ્રકારે પરશુરામે રમતાં રમતાં એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરી નાખી.


(ગણપતિખંડ ૨૪-૪૦)