ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/ગણેશ તથા શનિદેવ કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગણેશ તથા શનિદેવ કથા

બધા દેવતાઓ શંકરપાર્વતીને ત્યાં ભેગા થયા હતા ત્યાં સૂર્યપુત્ર શનિશ્ચર શંકરપુત્ર ગણેશને જોવા આવ્યા. તેમની આંખો ધરતી પર હતી. મન શ્રીકૃષ્ણભક્તિમાં હતું. તેમણે વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ધર્મ, સૂર્ય, દેવતાઓ, ઋષિમુનિઓને પ્રણામ કર્યાં. પછી તેમની આજ્ઞાથી બાળકને જોવા ગયા. મસ્તક નમાવી પાર્વતીને વંદન કર્યા, તે બાળકને છાતીસરસું રાખીને રત્નજડિત સિંહાસન પર બેઠા હતાં. પાંચ સખીઓ તેમને શ્વેત ચામર ઢોળતી હતી. સુવાસિત તાંબૂલપાન ચાવી રહ્યાં હતાં. સુંદર સાડી તેમણે પહેરી હતી. રત્નમય આભૂષણો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં. સૂર્યપુત્ર શનિશ્ચરને જોઈને દુર્ગાએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમના કુશળ સમાચાર પૂછ્યા.

પાર્વતીએ પૂછ્યું, ‘અત્યારે તમારું મોં નીચે કેમ ઝૂકેલું છે? તમે મારી તરફ કે બાળક તરફ કેમ જોતા નથી?’

શનિદેવે પાર્વતીને કર્મનો મહિમા સમજાવી પોતાની કથા કહી, ‘હું બાળક હતો ત્યારથી કૃષ્ણભક્ત હતો. નિરંતર તપસ્યામાં પરોવાયેલો રહેતો હતો. પિતાજીએ ચિત્રરથની કન્યા સાથે મારો વિવાહ કરી આપ્યો. તે સતી અત્યંત દેદીપ્યમાન અને તપોનિષ્ઠ હતી. એક દિવસ તે ઋતુસ્નાન કરીને મારી પાસે આવી. તે વખતે હું ભક્તિમાં ડૂબેલો હતો. મને વ્યવહારજ્ઞાન હતું નહીં. મારી પત્નીએ ઋતુકાલ નિષ્ફળ ગયો એટલે મને શાપ આપ્યો કે હવે તમે જેની સામે જોશો તે નાશ પામશે. પછી હું ભક્તિમાંથી મુક્ત થયો, સતીને સંતુષ્ટ કરી પણ તે શાપ પાછો ખેંચી શકે એમ ન હતી, એટલે તે પસ્તાવો કરવા લાગી. ત્યારથી જીવહિંસા ન થાય એટલે હું કોઈની સામે જોતો નથી.’

આ સાંભળી પાર્વતી હસી પડ્યાં. નર્તકીઓ, કિન્નરીઓ પણ જોરશોરથી હસવા લાગી. પછી પાર્વતીએ શ્રીહરિનું સ્મરણ કર્યું. આખું જગત ઇશ્વરેચ્છા પર છે. ‘તમે મારી સામે, બાળક સામે જુઓ. કર્મફળ કોણ મિથ્યા કરી શકે?’

આ સાંભળી શનિદેવ વિચારવા લાગ્યા. ‘અરે હું અત્યારે પાર્વતીપુત્ર સામે જોઉં કે ના જોઉં? જો જોઈશ તો ચોક્કસ આ બાળકનું અનિષ્ટ જ થશે.’ આમ વિચારી શનિદેવે બાળક સામે જોવાનો વિચાર કર્યો, તેની માતા સામે નહીં; શનિદેવનું મન પહેલેથી ખિન્ન હતું. તેમના કંઠ, હોઠ, તાળવું સુકાઈ ગયાં હતાં. છતાં તેમણે પોતાની ડાબી આંખના ખૂણેથી શિશુમુખ સામે જોયું. તેમનો દૃષ્ટિપાત થતાં જ શિશુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. શનિદેવ પછી આંખો નીચે ઢાળી, માથું નમાવી ઊભા રહ્યા. તે બાળકનું લોહીલુહાણ ધડ પાર્વતીના ખોળામાં પડી રહ્યું, પણ મસ્તક ગોલોકમાં પહોંચી શ્રીકૃષ્ણમાં પ્રવેશી ગયું. આ જોઈ પાર્વતી બાળકને છાતીએ લગાડીને ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગ્યાં, તે મૂર્ચ્છા પામી જમીન પર પડી ગયાં. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ જોઈ અચરજ પામ્યાં. અને તેમની દશા ચિત્રમાં આલેખિત પૂતળા જેવી થઈ ગઈ.

બધાને મૂચ્છિર્ત જોઈ શ્રીહરિ ગરુડ પર સવાર થયા અને ઉત્તરે આવેલ પુષ્પભદ્રા નદી પાસે ગયા, ત્યાં નદીકાંઠેના વનમાં એક હાથી જોયો. તે નિદ્રાવશ થઈ હાથણી અને બચ્ચાં સાથે સૂઈ રહ્યો હતો. તેનું મસ્તક ઉત્તર દિશામાં હતું. મનમાં પરમાનંદ હતો, સુરતલીલાથી શ્રમિત હતો. શ્રીહરિએ તરત સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક કાપીને ગરુડ પર મૂક્યું. હાથીના કપાઈ ગયેલા મસ્તકને કારણે હાથણીની ઊંઘ ઊડી ગઈ અને અમંગલ શબ્દો ઉચ્ચારતાં તેણે બચ્ચાંને જગાડ્યાં પછી શોકમગ્ન થઈ બચ્ચાં સાથે ભારે રુદન કરવા લાગી, તેણે વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. પછી તેની સ્તુતિથી પ્રસન્ન થઈ તેમણે બીજા હાથીનું મસ્તક કાપી તેના ધડ સાથે જોડી દીધું. પછી તેને આશીર્વાદ આપી, કૈલાસ પર્વત પર આવ્યા. પાર્વતી પાસે પહોંચીને બાળકના ધડ સાથે હાથીનું મસ્તક સુંદર બનાવી જોડી દીધું અને બાળકને જીવતું કર્યું, પાર્વતીને હોશમાં આણ્યાં, બાળકને તેમના ખોળામાં સુવાડ્યું.

વિષ્ણુએ પછી પાર્વતીને કર્મફળનો મહિમા સમજાવ્યો. પાર્વતીનું મન સંતુષ્ટ થયું, બાળકને સ્તનપાન કરાવ્યું. અને પછી ભોંઠા પડેલા શનિદેવને શાપ આવ્યો, ‘તમે અંગહીન થઈ જાઓ.’

(ગણપતિખંડ ૧૧-૧૨)