ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ધ્રુવકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્રુવકથા

મહારાણી શતરૂપા અને તેના પતિ મનુના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ભગવાન વાસુદેવની કલામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બંને સંસારની રક્ષા કરતા હતા. ઉત્તાનપાદને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વિશેષ પ્રિય હતી, ધ્રુવની માતા સુનીતિ રાજાને અળખામણી હતી.

એક દિવસ ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડી વહાલ કરતા હતા, ત્યારે ધ્રુવને પણ ખોળામાં બેસવાનું મન થયું. રાજાએ તેને બોલાવ્યો નહીં; અભિમાની સુરુચિએ મહારાજના ખોળામાં બેસવા માગતા પોતાની શોક્યના પુત્ર ધ્રુવને રાજાના દેખતાં કહ્યું, ‘બાળક, તું રાજસિંહાસન પર બેસવાનો અધિકારી નથી. તું રાજાનો પુત્ર છે તેથી શું? તું મારા પેટે તો જન્મ્યો નથી. તું નાદાન છે. તને ખબર નથી — તેં બીજી સ્ત્રીના પેટે જનમ લીધો છે. અને તું આ દુર્લભ વસ્તુની ઇચ્છા કરે છે. જો તારે રાજસિંહાસન જોઈતું હોય તો તપ કરી પરમ પુરુષ વિષ્ણુની આરાધના કર, તેમની કૃપાથી મારા પેટે જનમ લે.’

જેવી રીતે લાકડીના પ્રહારથી સાપ ફૂંફાડા મારે તેવી રીતે સાવકી માનાં કઠોર વાક્યોથી ઘવાઈને ધુ્રવ ક્રોધે ભરાયો ને દીર્ઘ શ્વાસ લેવા લાગ્યો. તેના પિતા મૂગા રહીને આ બધું જોતા રહ્યા અને એકે શબ્દ બોલ્યા નહીં; ત્યારે પિતા પાસેથી ધ્રુવ મા પાસે આવ્યો. તેના હોઠ ફફડી રહ્યા હતા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો. સુનીતિએ પુત્રને ખોળામાં લીધો. જ્યારે મહેલના બીજા લોકો પાસેથી પોતાની શોક્ય સુરુચિએ કહેલી વાતો સાંભળી ત્યારે તેને બહુ દુઃખ થયું. તેની ધીરજ ખૂટી ગઈ. દાવાનળથી સળગેલી વેલની જેમ શોકસંતપ્ત થઈને તે કરમાઈ ગઈ અને રડવા લાગી. શોક્યની વાતો યાદ આવવાથી તેનાં કમળ જેવાં નેત્રોમાં આંસુ આવ્યાં. તે બિચારીને પોતાના દુઃખનો છેડો ક્યાંય દેખાયો નહીં; તેણે ઊંડો શ્વાસ લઈને ધ્રુવને કહ્યું, ‘દીકરા, તું બીજાને માટે કોઈ પ્રકારના અમંગલની ઇચ્છા ન કર. જે બીજાને દુઃખી કરે છે તેણે તેનું ફળ ભોગવવું જ પડે છે. સુરુચિએ જે કહ્યું તે યોગ્ય જ છે. મહારાજને તો મારો સ્વીકાર પત્ની તો શું દાસી તરીકે કરવામાં શરમ આવે છે. તેં મારા જેવી અભાગિનીના પેટે જનમ લીધો છે, મારા જ દૂધે તું ઊછર્યો છે. સુરુચિએ સાવકી મા હોવા છતાં વાત સાચી કરી છે, જો રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન પર તું બેસવા માગતો હોય તો દ્વેષભાવ ત્યજીને તેનું પાલન કર. તું ભગવાનના ચરણકમળનું સેવન કર. સંસારનું પાલન કરવા સત્ત્વગુણનો સ્વીકાર કરનારા હરિના ચરણોનુંસેવન કરવાથી જ તારા પરદાદા બ્રહ્માને આ સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું હતું. એ જ રીતે તારા દાદા મનુએ પણ વિપુલ દક્ષિણાઓવાળા યજ્ઞ કરીને અનન્ય ભાવે તે ભગવાનની સ્તુતિ કરી હતી, ત્યારે તેમને બીજાઓ માટે અતિ દુર્લભ, લૌકિક, અલૌકિક મોક્ષ પ્રાપ્ત થયો. દીકરા, તું પણ એ ભક્તવત્સલ ભગવાનનો આશ્રય લે. જન્મમૃત્યુના ફેરામાંથી છૂટવા માગતા મુમુક્ષુઓ હમેશા તેમના ચરણકમળનો માર્ગ શોધે છે. તું સ્વધર્મપાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાન આપ, બીજી બધી ચિંતાઓ મૂકીને તું માત્ર ભગવાનનું ભજન કર. તે કમળલોચન ભગવાન સિવાય તારાં દુઃખ દૂર કરનાર મને તો કોઈ દેખાતો નથી. જો, જેમને પ્રસન્ન કરવા બ્રહ્મા વગેરે દેવતાઓ મથ્યા કરે છે, લક્ષ્મીજી પણ દીપકની જેમ હાથમાં કમળ લઈને નિરંતર તે જ શ્રીહરિની શોધ કરે છે.’

સુનીતિએ કહેલી વાત ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનારી હતી, તે સાંભળીને ધ્રુવે બુદ્ધિ વડે પોતાના ચિત્તનું સમાધાન કર્યું. પછીથી તે નગર બહાર નીકળી પડ્યો. આ બધી વાર્તા જાણીને અને હવે ધ્રુવ શું કરવા માગે છે તે જાણવા નારદજી ત્યાં આવ્યા. ધ્રુવના મસ્તક પર પોતાનો પાપનાશક હાથ ફેરવીને મનોમન વિસ્મિત થઈને કહ્યું, ‘ક્ષત્રિયોનું તેજ કેવું તો અદ્ભુત છે. જરાય માનભંગ તેઓ વેઠી શકતા નથી. આ ધ્રુવ તો બાળક છે તો પણ સાવકી માની કડવી વાતો હૃદયમાં ઊંડે પેસી ગઈ છે.

નારદે ધ્રુવને કહ્યું, ‘દીકરા, હજુ તો તું બાળક છે, રમતગમતમાં મસ્ત રહેવાનું હોય, આ વયે કોઈ વાતે તારું સમ્માન કે અપમાન થાય તે હું સમજી નથી શક્તો. જો તારા મનમાં માન-અપમાનનો વિચાર જ હોય તો પુત્ર, મૂળમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય કશું જ નથી. સંસારમાં મનુષ્ય પોતાના કર્માનુસાર જ માનઅપમાન, સુખદુઃખ પામે છે. ભગવાનની ગતિ બહુ વિચિત્ર છે. એના પર વિચાર કરીને બુદ્ધિશાળી વ્યક્તિએ માનવું જોઈએ કે દૈવવશાત્ જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. હવે માતાની વાત માનીને તું યોગસાધના દ્વારા ભગવાનની જે કૃપા પામવા તું તૈયાર થયો છે તે મારા માનવા પ્રમાણે સામાન્ય માનવીઓ માટે બહુ કઠિન છે. યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિયોગ દ્વારા મોટી મોટી કઠોર સાધનાઓ કર્યા કરે છે, અને છતાં તેમને ભગવાન મળતા નથી. એટલે તું આ બાળહઠ છોડી દે અને ઘેર પાછો જતો રહે. મોટા થયા પછી જ્યારે પરમાર્થ સાધનાનો સમય આવે ત્યારે એને માટે પ્રયત્ન કરજે. વિધાતાના લેખ પ્રમાણે જે કંઈ સુખદુઃખ પ્રાપ્ત થાય તેનાથી સંતોષ માની લેવો. આમ કરનાર માનવી મોહમય સંસારને તરી જાય છે. પોતાનાથી વધારે ગુણવાનને જોઈ પ્રસન્ન થવું જોઈએ, જે ઓછો ગુણવાન હોય તેના પર દયા કરવી જોઈએ, જે પોતાના જેવા જ ગુણવાળો હોય તેની સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. આમ કરવાથી ક્યારેય દુઃખી નહીં થાય.’

ધ્રુવે કહ્યું, ‘ભગવાન્, જેમનાં મન સુખદુઃખે ચંચળ થઈ જાય છે, તેમને માટે તમે બતાવેલો શાંતિનો માર્ગ બહુ યોગ્ય છે. પરંતુ મારા જેવા અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. વળી ક્ષત્રિય સ્વભાવનો હું છું. એટલે મારામાં વિનયનો અભાવ છે. સુરુચિએ કડવાં વાક્યોથી મારા હૃદયને વીંધી નાખ્યું છે. એટલે તમારા ઉપદેશની કશી અસર મારા પર નથી થતી. તેમાં તમારો ઉપદેશ બંધ બેસતો નથી. ત્રણે લોકમાં જે સ્થાન સર્વશ્રેષ્ઠ છે તે હું માગું છું, જે સ્થાન મારા બાપદાદા — બીજા કોઈ પામી શક્યા નથી. તેની પ્રાપ્તિનો મને કોઈ બીજો સારો માર્ગ બતાવો. તમે બ્રહ્માના પુત્ર છો, સંસારના ભલા માટે વીણા વગાડતાં વગાડતાં સૂર્યની જેમ ત્રણે લોકમાં સંચરો છો.’

ધ્રુવની વાત સાંભળીને ભગવાન નારદ પ્રસન્ન થયા અને તેના પર કૃપા કરીને તેમણે ઉપદેશ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રજાપ શીખવ્યો.

નારદ પાસેથી આવો ઉપદેશ પામીને રાજકુમાર ધ્રુવે તેમની પ્રદક્ષિણા કરી તેમને પ્રણામ કર્યાં. ધ્રુવ તપોવનની દિશામાં ચાલી નીકળ્યો. એટલે નારદ ઉત્તાનપાદના મહેલમાં જઈ પહોંચ્યા. રાજાએ વિધિવત્ તેમની પૂજા કરી, પછી આરામથી આસન પર વિરાજીને રાજાને કહ્યું,‘ રાજન્, તમારું મોં ઉદાસ છે. તમે ક્યા વિચારોમાં ખોવાઈ ગયા છો? તમારા ધર્મ, અર્થ, કામમાંથી કોઈમાં ઊણપ તો નથી આવી ને?’

રાજાએ કહ્યું, ‘બ્રહ્મન્, હું ખૂબ જ સ્ત્રૈણ અને નિર્દય છું. મેં પાંચ વર્ષના બાળકને અને તેની માતાને ઘરની બહાર કાઢી મૂક્યા. તે બાળક બહુ બુદ્ધિશાળી હતો. તે બાળકનું કમળ સરખું મોં કરમાઈ ગયું હશે, થાકીને રસ્તામાં ક્યાંક પડી ગયો હશે. અસહાય બાળકને વનમાં ક્યાંક વાઘવરુ ખાઈ ન ગયા હોય. અરે, હું સ્ત્રીનો કેવો દાસ છું, તે બાળક પ્રેમપૂર્વક મારા ખોળામાં બેસવા માગતો હતો, પરંતુ મારા જેવા દુષ્ટે તેને જરાય આવકાર્યો નહીં.’

નારદે કહ્યું, ‘રાજન્, તમે એ બાળકની ચિંતા ન કરો, તેનું રક્ષણ ભગવાન કરે છે તમને તેમના પ્રભાવનો અંદાજ નથી, તેનો યશ જગતમાં ચારે કોર ફેલાઈ રહ્યો છે. તે બાળક બહુ સમર્થ છે. જે કાર્ય મોટા મોટા લોકપાલો કરી નથી શક્યા તે પૂરાં કરીને બહુ જલદી તમારી પાસે આવી જશે, તેને કારણે તમારી કીર્તિ પણ ફેલાશે.’

દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ પ્રત્યે બેધ્યાન રહી નિરંતર પુત્રની ચિંતા કરવા લાગ્યા. આ બાજુ ધ્રુવે મધુવન પહોંચીને યમુનાજીમાં સ્નાન કર્યું અને તે રાતે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરી નારદજીના ઉપદેશ પ્રમાણે શરીર ટકાવવા માત્ર કોઠા અને બોર ખાઈને ભગવાનનું ધ્યાન ધરી એક મહિનો વીતાવ્યો. બીજા મહિને છ છ દિવસે સૂકું ઘાસ અને પાંદડાં ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજો મહિનો નવ નવ દિવસે માત્ર પાણી પીને સમાધિયોગ દ્વારા શ્રી હરિની આરાધના કરીને વીતાવ્યો. ચોથા મહિને શ્વાસ પર વિજય મેળવીને બાર બાર દિવસે માત્ર વાયુ પીને ધ્યાનયોગ દ્વારા ભગવાનનું તપ કર્યું. પાંચમા મહિને ધ્રુવ શ્વાસ પર વિજય મેળવીને પરબ્રહ્મનું ધ્યાન ધરીને એક પગ ઉપર થાંભલાની જેમ નિશ્ચલ રહી ઊભા રહી ગયા. એ સમયે તેમણે શબ્દાદિ વિષય અને ઇન્દ્રિયના નિયામક મનને બધી બાજુથી ખેંચી લીધું અને હૃદયમાં બિરાજેલા ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરીને ચિત્તને બીજે ક્યાંય ભટકવા ન દીધું. જે સમયે તેમણે સંપૂર્ણ તત્ત્વોના આધાર તથા પ્રકૃતિ પુરુષના અધીશ્વર, પરબ્રહ્મની આરાધના કરી ત્યારે ત્રણે લોક કાંપી ઊઠ્યા. જ્યારે રાજકુમાર ધ્રુવ એક પગ પર ઊભા રહ્યા ત્યારે તે પોતાની ઇન્દ્રિયોને તથા પ્રાણોને અટકાવીને અનન્યભાવે શ્રીહરિનું ધ્યાન ધરતા બેઠા. તેમના અંગૂઠાના ભારથી અર્ધી પૃથ્વી દબાઈ ગઈ. જેવી રીતે ગજરાજ નાવ પર ચઢે ત્યારે નાવ ડાબેજમણે ડોલવા લાગે છે તેવી રીતે તેમની પ્રાણથી અભિન્ન કાયાને કારણે બધા જ જીવોનો શ્વાસ રોકાઈ ગયો. આને કારણે સમસ્ત લોક તથા લોકપાલોને બહુ પીડા થઈ, તેઓ ભય પામીને ભગવાન પાસે ગયા.

દેવતાઓએ કહ્યું, ‘ભગવન્, સમસ્ત વ્યવહાર, જંગલ જીવોના પ્રાણ એક સાથે રોકાઈ ગયા છે. આવું તો પહેલાં કદી અનુભવ્યું ન હતું. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો. તમારી શરણે આવેલાઓને આ દુઃખમાંથી છોડાવો.’

ભગવાને કહ્યું, ‘દેવતાઓ, ગભરાશો નહીં; ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મારામાં લીન કરી દીધું છે. અત્યારે મારી સાથે તેનો અભેદ સિદ્ધ થયો છે એટલે તેના પ્રાણનિરોધથી તમારા બધાના પ્રાણ પણ રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાના લોકમાં જાઓ. હું આ બાળકને આ દુષ્કર તપમાંથી મુક્ત કરાવું છું.’

ભગવાને આવું આશ્વાસન આપ્યું એટલે દેવતાઓ નિર્ભય થઈ ગયા. તે ભગવાનને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં જતા રહ્યા. પછી વિરાટસ્વરૂપ ભગવાન ગરુડ પર ચઢીને પોતાના ભક્તને જોવા મધુવન આવ્યા. તે સમયે ધ્રુવ તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થયેલી બુદ્ધિ વડે ભગવાનની વિદ્યુત સમાન દેદીપ્યમાન જે મૂર્તિનું ધ્યાન ધરી રહ્યા હતા તે મૂર્તિ એકાએક અદૃશ્ય થઈ ગઈ. આનાથી ભય પામીને ધ્રુવે આંખો ઉઘાડી તો ભગવાનનું એ જ રૂપ સામે દેખાયું. ભગવાનનાં દર્શનથી બાળક ધ્રુવને ખૂબ નવાઈ લાગી. તે પ્રેમમાં અધીરા થઈ ગયા. તેમણે પૃથ્વી પર આડા પડીને દંડવત્ પ્રણામ કર્યા. તે પ્રેમપૂર્વક જાણે તેમને પી જવા માગતા હોય મોં વડે ચૂમવા અને બાહુમાં સમાવી દેવા તેમ જોવા લાગ્યા. તે હાથ જોડીને ભગવાન સામે ઊભા હતા, તેમની સ્તુતિ કરવા માગતા હતા પણ કેવી રીતે કરવી તે જાણતા ન હતા. અન્તર્યામી ભગવાન આ વાત જાણી ગયા. તેમણે કૃપા કરીને વેદમય શંખનો બાળકના ગાલને સ્પર્શ કર્યો. ધ્રુવજી ભવિષ્યમાં અવિચલ પદ પામવાના હતા. આ સમયે શંખનો સ્પર્શ થવાથી તેમને વેદમય દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મનું સ્વરૂપ પણ સમજાઈ ગયું. તે ખૂબ જ ભક્તિભાવથી ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા…

ભગવાને કહ્યું, ‘ઉત્તમ વ્રતધારી રાજકુમાર, હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. જે તેજોમય અવિનાશી લોકને આજ સુધી કોઈએ પ્રાપ્ત નથી કર્યો, જેની ચારે બાજુ ગ્રહ, નક્ષત્ર તારાગણો ઘૂમે છે, અવાન્તર કલ્પપર્યંત રહેનારા બીજા લોકનો નાશ થાય તો પણ જે સ્થિર રહે છે અને તારાગણ સમેત ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર વગેરે નક્ષત્ર, સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે તે ધ્રુવ લોક તને અર્પંુ છું. જ્યારે તારા પિતા રાજ્યસિંહાસન તને આપીને વનમાં જશે ત્યારે તું છત્રીસ હજાર વર્ષ સુધી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ એવી જ રહેશે, ક્યારેક તારો ભાઈ ઉત્તમ મૃગયા રમતો માર્યો જશે, તેની મા સુરુચિ પુત્રપ્રેમમાં પાગલ થઈ દાવાનલમાં પ્રવેશશે. યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે. તું મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મારી પૂજા કરીશ અને અહીં ઉત્તમ ભોગ ભોગવીને અંતે મારું સ્મરણ કરીશ. પછી તું છેવટે સપ્તર્ષિઓથી પણ ઉપર મારા ધામમાં જઈશ, ત્યાંથી પછી આ સંસારમાં પાછા ફરવાનું હોતું નથી.’

બાળક ધ્રુવની આવી પૂજા પામીને તથા તેને પોતાનું પદ અર્પીને ભગવાન ગરુડધ્વજ તેના દેખતાં પોતાના લોકમાં જતા રહ્યા. ભગવાનની ચરણસેવાથી લક્ષ્ય પામવા જતાં તેમનું ચિત્ત ઝાઝું પ્રસન્ન ન થયું અને તે પોતાના નગરમાં પાછા ફર્યા.

ધ્રુવનું હૃદય પોતાની સાવકી માનાં વચનોથી ઘવાયું હતું. વરદાન માગતી વખતે પણ તે વાતનું સ્મરણ તેમને હતું. એટલે ભગવાન પાસે મુક્તિ ન માગી. ભગવાનના દર્શનથી એ મલિનતા દૂર થઈ ગઈ. અને હવે પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો.

ધ્રુવ મનોમન બોલવા લાગ્યા, ‘અરે, સનક જેવા ઊર્ધ્વરેતા સિદ્ધ જેને સમાધિ દ્વારા અનેક જન્મોને અંતે પામે છે તે ભગવાનની છાયાને મેં છ જ મહિનામાં પામી લીધી. પણ ચિત્તમાં બીજી વાસના હોવાથી હું ફરી દૂર જતો રહ્યો. મારા જેવા મંદભાગીની મૂર્ખતાએ કદી સંસારનાં બંધનોને કાપનારા ભગવાનના ચરણકમળમાં પહોંચ્યા પછી પણ નાશવંત વસ્તુની જ યાચના કરી. સ્વર્ગભોગ પછી દેવતાઓ પણ નીચે પડવાના. તેઓ મારી ભગવત્ પ્રાપ્તિની સ્થિતિ સહી ન શક્યા. તેમણે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. એટલે તે મેં દુષ્ટ નારદજીની વાત ન સ્વીકારી. સંસારમાં આત્મા સિવાય કશું નથી — જેવી રીતે ઊંઘતો માનવી સ્વપ્નમાં પોતાના જ કલ્પેલા વાઘથી ડરે છે, તેવી રીતે મેં ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને શત્રુ માની લીધો, દ્વેષથી બળવા લાગ્યો. જેમને પ્રસન્ન કરવા ખૂબ મુશ્કેલ છે તે વિશ્વાત્મા ભગવાનને તપથી પ્રસન્ન કરીને મેં જે માગ્યું તે બધું વ્યર્થ. હું દુર્ભાગી છું, સંસારબંધનનો નાશ કરનાર ભગવાન પાસે સંસાર જ માગ્યો. જેવી રીતે કોઈ કંગાળ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેની પાસે ચોખાના કણ માગે એવી જ રીતે આત્માનંદ પ્રદાન કરનારા શ્રીહરિ પાસે મૂર્ખની જેમ વ્યર્થનું અભિમાન વધારનારાં ઉચ્ચ પદ માગ્યાં.’

આ તરફ રાજા ઉત્તાનપાદને સમાચાર મળ્યા કે મારો પુત્ર ધ્રુવ ઘેર પાછો આવી રહ્યો છે. જેવી રીતે મૃત્યુ પામીને ધરતી પર પાછો આવ્યો એવા સમાચાર કોઈ સાચા ન માને તેમ આ વાત સાચી ન માની. તેમને થયું — મારા જેવા દુર્ભાગીનું આવું ભાગ્ય ક્યાંથી? તેમને નારદની વાત યાદ આવી. એટલે તેમને એ સમાચાર સાચા લાગ્યા અને આનંદમાં અધીરા થઈ ઊઠ્યા. પ્રસન્ન થઈને સમાચાર લાવનારને હાર ભેટ આપ્યો. રાજા ઉત્તાનપાદે પુત્રનું મોં જોવા ઉત્સુક થઈને ઘણા બ્રાહ્મણો, કુટુંબના વડીલો, મંત્રીઓ, બંધુજનોને સાથે લીધા અને ઉત્તમ ઘોડા જોડેલા એક સુવર્ણજડિત રથ પર સવાર થઈને નગરબહાર નીકળ્યા. તેમની આગળ આગળ વેદસ્તુતિ થતી હતી. અને શંખ-દુંદુભિ વાગતા હતા. સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણાલંકારોથી શોભતી રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓમાં પસાર થઈ રહી હતી. ધ્રુવ ઉપવન પાસે આવી પહોંચ્યા, તેમને જોતાંવેંત રાજા રથમાંથી ઊતરી પડ્યા. પુત્રનું મોં જોવા ઘણા દિવસોથી આતુર હતા. તરત જ આગળ આવીને પ્રેમાતુર થઈ, દીર્ઘ શ્વાસ લઈને ધ્રુવને ભેટી પડ્યા. હવે તે પહેલાંના ધ્રુવ ન હતા. ભગવાનના પવિત્ર ચરણકમળનો સ્પર્શ થવાથી તેમનાં સઘળાં પાપબંધન કપાઈ ગયાં હતાં. તેમણે વારેવારે પુત્રનું મસ્તક સૂંઘ્યું અને આનંદાશ્રુ્રથી તેને નવડાવી દીધો.

પછી સજ્જનોમાં અગ્રણી ધુ્રવે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા, તેમના આશીર્વાદ પામીને, ખબરઅંતર જાણીને બંને માતાઓને પ્રણામ કર્યાં. નાની માતા સુરુચિએ પગે પડેલા ધ્રુવને ઊભો કરી હૃદયસરસો ચાંપ્યો. અશ્રુભીની વાણીથી ‘ચિરંજીવી રહે’ એવો આશીર્વાદ આપ્યો. જેવી રીતે પાણી નીચે તરરૂ વહે છે તેવી રીતે મૈત્રી વગેરે ગુણોથી ભગવાન જેના પર પ્રસન્ન થાય છે તેની આગળ બધા જીવ ઝૂકી પડે છે. ઉત્તમ અને ધ્રુવ પ્રેમથી વિહ્વળ બનીને ભેટ્યા. ધ્રુવની માતા સુનીતિ પ્રાણથીય વહાલા પુત્રને ગળે લગાડીને બધાં દુઃખ ભૂલી ગઈ. ધ્રુવના કોમળ અંગનો સ્પર્શ કરીને તેને ખૂબ આનંદ થયો. તેનાં સ્તન આનંદાશ્રુથી ભીંજાઈ ગયાં અને તેમાંથી વારેવારે દૂધ ઝરવા લાગ્યું. તે સમયે નગરજનો તેમની પ્રશંસા કરીને કહેવા લાગ્યા, ‘મહારાણી, તમારો પુત્ર બહુ દિવસથી ખોવાયેલો હતો, સૌભાગ્યથી તે પાછો આવ્યો છે, તે અમારા બધાનાં દુઃખ દૂર કરશે. તમે ભગવાનની પ્રાર્થના કરી છે. તેમનું નિરંતર ધ્યાન ધરનાર પુરુષ દુર્જય મૃત્યુ પર પણ વિજય મેળવે છે.’

આમ જ્યારે બધા લોકો ધ્રુવ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરી રહ્યા હતા ત્યારે ઉત્તમ સહિત હાથી પર બેસીને ઉત્તાનપાદે નગરમાં પ્રવેશ કર્યો. બધા લોકો તેમના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા. નગરમાં ઠેર ઠેર મગર આકારનાં દ્વાર બનાવ્યાં હતાં, ફળફૂલના ગુચ્છા સમેત કદલીથંભો અને સોપારીના છોડ સજાવ્યા હતા. બારણે બારણે દીવા સાથે જળભરેલા કળશ મૂક્યા હતા, અને તે આમ્રપર્ણ, વસ્ત્ર, પુષ્પમાલા, મોતીઓની સેરોથી સુસજ્જ હતા. અનેક પ્રાકાર, ગોપુર, મહેલોથી નગરી સુશોભિત હતી, તે બધાંને સુવર્ણમંડિત કર્યા હતાં. તેઓની ટોચ વિમાનોના શિખરની જેમ ચમકતી હતી. નગરના ચોક, શેરીઓ, અટારીઓ અને માર્ગોને વાળીઝૂડીને સાફ કરી તેના પર ચંદનનો છંટકાવ કર્યો હતો. ઠેર ઠેર લાજાહોમ, અક્ષત, પુષ્પ, ફળ તથા બીજી માંગલિક સામગ્રી મૂકી હતી. તે સમયે ધ્રુવ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા, નગરની સ્ત્રીઓ તેમને જોવા માટે એકઠી થઈ હતી. તેમણે વાત્સલ્યપૂર્વક ઘણા આશીર્વાદ આપીને તેમના પર સરસવ, અક્ષત, દહીં, જલ, દુર્વા, પુષ્પ અને ફળની વર્ષા કરી. તેમનાં મનોહર ગીત સાંભળતાં સાંભળતાં ધ્રુવે પિતાના ભવનમાં પ્રવેશ કર્યો. તે ઉત્તમ ભવન મહામૂલ્ય મણિની સેરોથી સજ્જ હતું. જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે તેમ તેમાં પિતાના લાડને ભોગવતા રહેવા લાગ્યા. ત્યાં દૂધના ફીણના જેવી સફેદ, સુંવાળી પથારીઓ, હાથીદાંતના પલંગ, સોનેરી પડદા, કિમતી આસન તથા બીજી સુવર્ણમય સામગ્રી હતી. તેની સ્ફટિક અને મહામરકતમણિની દીવાલોનાં રત્નોની સ્ત્રીમૂર્તિઓ પર મૂકેલા મણિમય દીપક ઝગમગતા હતા. તે મહેલની ચોતરફ અનેક પ્રકારનાં દિવ્ય વૃક્ષોવાળા ઉદ્યાન હતા. તેમાં નર-માદા પક્ષીઓનું કૂજન, ભ્રમરોનું ગુંજન થતું હતું. ત્યાં ઉદ્યાનોમાં વૈડૂર્યમણિનાં પગથિયાંવાળી વાવ હતી. તેમાં રાતાં, ભૂરાં, શ્વેત કમળ હતાં. હંસ, કારંડવ, ચક્રવાક, સારસ જેવાં પક્ષી ક્રીડા કરતાં હતાં.

રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલેથી જ સાંભળેલી હતી, હવે તેને પ્રત્યક્ષ જોઈને તેમને ખૂબ અચરજ થયું. હવે ધ્રુવ તરુણ અવસ્થાને પામ્યો છે. મંત્રીઓ તેને આદરભાવથી જુએ છે, પ્રજા પણ તેનામાં અનુરક્ત છે તે જોઈને તેમણે ધ્રુવનો નિખિલ ભૂમંડલના રાજ્ય પર અભિષેક કરી દીધો અને વૃદ્ધાવસ્થા આવી એમ જાણીને સંસારથી વિરક્ત થઈને વનમાં જતા રહ્યા.

ધ્રુવે પ્રજાપતિ શિશુમાર પુત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું અને તેનાથી કલ્પ અને વત્સર નામના બે પુત્ર જન્મ્યા. મહાબલી ધ્રુવની બીજી પત્ની ઇલા હતી, તેનાથી ઉત્કલ પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. ઉત્તમનો હજુ વિવાહ થયો ન હતો, એક દિવસ મૃગયા રમતી વખતે હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે તેને મારી નાખ્યો. તેની સાથે તેની મા પણ મૃત્યુ પામી.

ધ્રુવે જ્યારે ભાઈના મૃત્યુના સમાચાર જાણ્યા ત્યારે ક્રોધ, ઉદ્વેગ અને શોકથી ઘેરાઈને તે એક વિજયપ્રદ રથ પર સવાર થઈ યક્ષોના પ્રદેશમાં જઈ પહોંચ્યા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ઘેરાયેલી અલકાનગરી જોઈ. ત્યાં અનેક ભૂતપ્રેત પિશાચ વગેરે રુદ્રના અનુચરો રહેતા હતા. ત્યાં પહોંચીને ધ્રુવે પોતાનો શંખ વગાડ્યો અને આકાશ અને દિશાઓને ધ્રૂજાવી દીધાં. એ શંખધ્વનિથી યક્ષપત્નીઓ બી મરી, તેમની આંખો ભયથી કંપી ઊઠી.

મહા પરાક્રમી યક્ષો આ શંખનાદ સહી ન શક્યા, તેઓએ અનેક પ્રકારનાં આયુધ લઈને ધુ્રવ પર હુમલો કર્યો. મહારથી ધ્રુવ ઉગ્ર ધનુર્ધારી હતા. તેમણે એકસાથે તે યક્ષોમાંથી પ્રત્યેકને ત્રણ ત્રણ બાણ માર્યા. તેમણે સૌએ પોતાના મસ્તકોમાં ત્રણ ત્રણ બાણ વાગેલાં જોયાં ત્યારે તેમને ખાત્રી થઈ કે આપણો પરાજય થશે. તેઓ ધ્રુવના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. જેવી રીતે સાપ કોઈના પગનો માર સહન નથી કરતા તેવી રીતે ધ્રુવના આ પરાક્રમને સહન ન કરીને તેમણે પણ ધ્રુવનાં બાણોનો ઉત્તર આપ્યો અને એક સાથે તેનાથી બમણાં — છ છ બાણ ચલાવ્યાં. યક્ષોથી સંખ્યા ૧૩૦૦૦૦ હતી. તેમણે ધુવનો પ્રતિકાર કરવા ખૂબ જ ક્રોધે ભરાઈને તેમના પર પરિઘ, ખડ્ગ, પ્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, ઋષ્ટિ, ભુશુંડી તથા ચિત્રવિચિત્ર પાંખાળાં બાણોની વર્ષા કરી. આ ભીષણ બાણવર્ષાથી ધ્રુવ પૂરેપૂરા ઢંકાઈ ગયા. જેવી રીતે ભારે વરસાદથી પર્વત ન દેખાય તેવી રીતે લોકો તેમને જોઈ ન શક્યા. આકાશમાં ઊભા રહેલા સિદ્ધો નિ:શ્વાસ નાખવા લાગ્યા. ‘આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને માનવસૂર્ય આથમી ગયો.’ યક્ષગણ પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધભૂમિ પર સિંહની જેમ ગર્જવા લાગ્યા. જેવી રીતે ધુમ્મસમાંથી ભાસ્કર પ્રગટે તેવી રીતે ધ્રુવનો રથ એકાએક પ્રગટ્યો.

ધ્રુવે પોતાના દિવ્ય ધનુષનો ટંકાર કરીને શત્રુઓનાં હૃદય કંપાવી દીધાં, પ્રચંડ બાણવર્ષા કરીને જેમ ઝંઝાવાત વાદળોને વિખેરી નાખે તેમ યક્ષોનાં અસ્ત્રશસ્ત્ર વિખેરી નાખ્યાં. જેવી રીતે ઇન્દ્રનું વજ્ર પર્વતોમાં પ્રવેશ્યું હતું તેવી રીતે ધ્રુવના ધનુષ્યમાંથી છૂટેલાં તીર યક્ષોનાં શરીરમાં પેસી ગયાં. ધ્રુવના બાણોથી યક્ષોના સુંદર કુંડળવાળાં મસ્તકોથી, સોનેરી તાલવૃક્ષ જેવી સાથળોથી, વલયમંડિત બાહુઓથી, હાર, બાજુબંધ, મુકુટ, કિંમતી પાઘડીઓથી વીરોના મનને લોભાવનારી યુદ્ધભૂમિ મનોહર લાગતી હતી.

જે યક્ષો કોઈ રીતે જીવતા બચી ગયા તેઓનાં અંગ ક્ષત્રિયવીર ધ્રુવનાં બાણોથી છેદાઈ ગયાંને કારણે યુદ્ધમાં સિંહથી પરાજિત થનાર હાથીની જેમ મેદાન છોડીને જતા રહ્યા. નરોત્તમ ધ્રુવે જ્યારે જોયું કે આ વિશાળ યુદ્ધભૂમિ પર હવે એકે શત્રુ દેખાતો નથી ત્યારે તેમને અલકાનગરી જોવાનું મન થયું. પણ તેઓ નગરીમાં પ્રવેશ્યા નહીં, ‘આ માયાવીઓ શું કરવા માગે છે તેની મનુષ્યોને ખબર ન પડે.’ એમ સારથિને કહીને તેઓ વિચિત્ર રથમાં બેસી રહ્યા અને શત્રુના નવા આક્રમણની શંકાથી સભાન થઈ ગયા. એટલામાં જ તેમણે સમુદ્રની ગર્જના જેવો ઝંઝાવાત શબ્દ સાંભળ્યો, દિશાઓના છેડે ઊડતી ધૂળ પણ દેખાઈ.

ક્ષણવારમાં તો આખું આકાશ વાદળોથી છવાઈ ગયું. ચારે બાજુ ભયાનક ગર્જનાઓ સાથે વીજળીઓ ચમકવા લાગી. વાદળોમાંથી લોહી, કફ, પરુ, વિષ્ટા, મૂત્ર, મેદની વર્ષા થવા લાગી. ધ્રુવ સમક્ષ આકાશમાંથી અનેક ધડ પડવાં લાગ્યાં. પછી આકાશમાં એક પર્વત દેખાયો, બધી દિશાઓમાં પથ્થરોની વર્ષાની સાથે ગદા, પરિઘ, તલવાર, મુસળ પડવાં લાગ્યાં. તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફુંફાડા મારીને પોતાનાં રોષપૂર્ણ નેત્રોમાંથી અગ્નિજ્વાળાઓ ફેંકી રહ્યા છે. ઉન્મત્ત હાથી, સિંહ, વાઘ દોડતા દોડતા આવી રહ્યા છે. પ્રલયકાળ જેવો સમુદ્ર પોતાનાં ઊંચાં ઊંચાં મોજાંથી પૃથ્વીને ચારે બાજુથી ડુબાડતો, ભીષણ ગર્જના કરતો તેમની સામે ધસી રહ્યો છે. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયા વડે કાયરોનાં મન કાંપી ઊઠે એવાં ઘણાં કૌતુક દેખાડ્યાં. ધ્રુવ ઉપર અસુરોએ પોતાની દુસ્તર માયા પાથરી છે એ જાણીને કેટલાક ઋષિમુનિઓએ ત્યાં આવીને ધ્રુવ માટે મંગલ કામના પ્રગટ કરી. મુનિઓ બોલ્યા, ‘ઉત્તાનપાદ પુત્ર, શાર્ઙ્ગપાણિ ભગવાન તમારા શત્રુઓનો સંહાર કરે. ભગવાનનું તો નામ જ એવું છે જે સાંભળવાથી, જેનું કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મોંમાંથી અનાયાસ બચી જાય છે.’

ઋષિઓની આ વાત સાંભળીને મહારાજ ધ્રુવે નારાયણ સર્જિત નારાયણાસ્ત્ર પોતાના ધનુષ્ય પર ચડાવ્યું. ધનુષ પર બાણ ચઢાવતાં વેંત યક્ષોએ ઊભી કરેલી વિવિધ માયા જેવી રીતે જ્ઞાનના પ્રાકટ્ય સાથે અવિદ્યા નાશ પામે તેવી રીતે અદૃશ્ય થઈ ગઈ. નારાયણ સર્જિત બાણ ધનુષ પર ચઢાવ્યું તેની સાથે રાજહંસની પાંખ અને સુવર્ણફળવાળાં તીક્ષ્ણ બાણ નીકળ્યાં અને જેવી રીતે મોર કેકા કરતો વનમાં પ્રવેશી જાય છે તેવી રીતે ભયાનક અવાજ કરતાં શત્રુસેનામાં પ્રવેશ્યાં. એ તીક્ષ્ણ ધારવાળાં બાણોએ શત્રુઓને અસ્વસ્થ કરી મૂક્યા. રણભૂમિ પર અનેક યક્ષોએ ખૂબ જ ક્રોધે ભરાઈને પોતાનાં અસ્ત્રશસ્ત્ર સંભાળ્યાં અને જેવી રીતે ગરુડના છંછેડવાથી મોટા મોટા સાપ ફેણ માંડીને હુમલો કરવા દોડે છે તેવી રીતે યક્ષો આમતેમથી ધ્રુવ પર ટૂટી પડ્યા. તેમને સામે આવતા જોઈ ધ્રુવે પોતાનાં બાણ વડે તેમના હાથ પગ, સાથળ, પેટ — વગેરે અંગોને છિન્નભિન્ન કરી નાખ્યાં અને જેમાં ઊર્ધ્વરેતા મુનિગણ સૂર્યમંડળ ભેદીને જાય છે તે સત્યલોકમાં તેમને મોકલી દીધા. જ્યારે ધ્રુવના પિતામહ મનુએ જાયું કે વિચિત્ર રથ પર ચઢેલો ધ્રુવ અનેક નિરપરાધી યક્ષોનો વધ કરી રહ્યા છે ત્યારે તેમને બહુ દયા આવી. ઘણા બધા ઋષિઓને લઈને ત્યાં આવ્યા અને પૌત્રને સમજાવવા લાગ્યા.

‘દીકરા ધ્રુવ, બસ કર, વધુ ક્રોધ કરવો યોગ્ય નથી, તે પાપી નરકનું દ્વાર છે. એને વશ થઈ જઈને તેં આ નિરપરાધી યક્ષોનો વધ કર્યો. તું જે રીતે આ નિર્દોષ યક્ષોનો સંહાર કરી રહ્યો છે તે આપણા કુળની પરંપરા નથી. સંતો આ કાર્યની નિંદા કરે છે. તને તારો ભાઈ ખૂબ વહાલો હતો એ તો બરાબર, પણ એના મૃત્યુથી દુઃખી થઈને એક યક્ષના અપરાધને કારણે કેટલા બધા યક્ષોની હત્યા કરી નાખી. આ જડ શરીરને આત્મા માનીને પશુઓની જેમ તેમની હત્યા કરવી તે ભગવત્પ્રેમી સંતોનો માર્ગ નથી. ઈશ્વરની આરાધના કરવી બહુ કઠિન છે પણ તેં તો નાનપણમાં જ બધાં પ્રાણીઓના આશ્રયદાતા ભગવાનની સર્વભૂતાત્મભાવથી પૂજા કરી તેમનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું છે. ભગવાન તને પોતાનો પ્રિય ભક્ત માને છે, ભક્તો તારો આદર કરે છે, સાધુજનોનો તું માર્ગદર્શક છે, અને તો પણ આવું નિંદનીય કર્મ કેવી રીતે કર્યું? પોતાનાથી મોટી વ્યક્તિઓ પ્રત્યે સહનશીલતા, નાની વ્યક્તિઓ પ્રત્યે દયા અને સરખેસરખી પ્રત્યે મિત્રતા, પ્રાણી માત્ર સાથે સમતાપૂર્ણ વ્યવહાર કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય એટલે માનવી પ્રાકૃત ગુણ તથા તેના કાર્યરૂપ લિંગ શરીરથી મુક્ત થઈને પરમ નંદસ્વરૂપ પૂર્ણપદ પ્રાપ્ત કરી લે છે.

દેહાદિ રૂપમાં પરિણમેલા પંચમહાભૂત વડે જ સ્ત્રીપુરુષ જન્મે છે. પછી તેમના પરસ્પરના સમાગમથી બીજા સ્ત્રીપુરુષો જન્મે છે. આમ ભગવાનની માયાથી સત્ત્વાદિ ગુણોમાં ઓછાવત્તા ભાવ હોવાને કારણે જેવી ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેમ તેમની સ્થિતિ અને તેમનો પ્રલય પણ થાય છે.’

ધ્રુવને ઉપદેશ આપીને મહર્ષિઓની સાથે મનુ પોતાના લોકમાં ચાલ્યા ગયા. ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને યક્ષોના વધમાંથી તે નિવૃત થઈ ગયા છે તે જાણીને ભગવાન કુબેર આવ્યા, ‘વાસ્તવમાં તેં યક્ષોને માર્યા નથી, ન યક્ષોએ તારા ભાઈને…સઘળાં જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ એક માત્ર કાલ છે…’

યક્ષરાજ કુબેરે ધ્રુવને વરદાન માગવાનું કહ્યું ત્યારે ધ્રુવે વરદાન માગ્યું, ‘હું શ્રીહરિની અખંડ સ્મૃતિ ધરાવું એવો વર આપો…’

પુરંજનકથા

પ્રાચીન કાળમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા થઈ ગયો. તેનો એક મિત્ર અવિજ્ઞાત કરીને હતો. તેની ચેષ્ટાઓને કોઈ સમજી શકતું ન હતું. રાજા પુરંજન પોતાને રહેવા લાયક સ્થળની શોધમાં આખી પૃથ્વી ભમી વળ્યો પરંતુ તેને જ્યારે કોઈ યોગ્ય સ્થળ ન મળ્યંંુ ત્યારે તે ઉદાસ થઈ ગયો. તેને જાતજાતના ભોગની ઇચ્છા હતી. તે ભોગવવા જગતમાં જેટલાં નગર જોયાં તેમાં કોઈ તેને યોગ્ય ન લાગ્યું.

એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ ભાગમાં નવ દ્વારોનું એક નગર જોકહ્યું. તેમાં બધા જ પ્રકારનાં સુંદર લક્ષણો હતાં. ચારે બાજુ પ્રાકાર, બગીચા, અટારી, ખાઈઓ, ઝરૂખા, રાજદ્વારોથી તે નગર સુશોભિત હતું. સોના — ચાંદી — લોખંડનાં શિખરોવાળાં મોટાં ભવનોથી ભરચક હતું. તેના મહેલની ફરસ નીલમ, સ્ફટિક, વૈડૂર્ય, મોતી, પન્ના, અરુણથી મઢેલી હતી. પોતાની કાન્તિને કારણે તે નાગલોકની રાજધાની ભોગવતી પુરી જેવું હતું. ત્યાં અનેક સ્થળે સભાભવન, ચૌટા, માર્ગો, ક્રીડાભવન, બજાર, વિશ્રામસ્થળો, ધ્વજા — પતાકા અને વિદ્રુમના ચબૂતરા હતા.

તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને લતાઓથી ભરચક સુંદર ઉદ્યાન હતો, તેની વચ્ચે એક જળાશય હતું. તેની આસપાસ અનેક પક્ષી જાતજાતનાં કૂજન કરતાં હતાં, ભમરા ગુંજારવ કરતા હતા. જળાશયના કાંઠા પરનાં વૃક્ષોની શાખાઓ અને પાંદડાં શીતળ ઝરણાનાં જળબિંદુ મિશ્રિત વાસંતી વાયુની લહેરોથી ડોલી રહ્યાં હતાં અને કાંઠા પરની જમીનની શોભા વધારી રહ્યાં હતાં. ત્યાંનાં અન્ય પ્રાણીઓ પણ મુનિજન યોગ્ય અહિંસાદિ વ્રતોનું પાલન કરનારાં હતાં. એટલે તેમને કારણે કોઈને દુઃખ પહોંચતાં ન હતાં. ત્યાંના માર્ગ પરથી પસાર થતા પથિકોને એવું લાગતું હતું કે તે ઉદ્યાન તેમને આરામ કરવા આમંત્રી રહ્યો છે.

રાજા પુરંજને તે સુંદર વનમાં ભમતા ભમતા એક સુંદરી જોઈ, તે અકસ્માત ત્યાં આવી ચઢી હતી. તેની સાથે દસ સેવકો હતા. આ દરેક સેવક સો સો નાયિકાઓનો પતિ હતો. પાંચ ફેણવાળો એક સાપ દ્વારપાળ હતો. તે બધી બાજુથી તેનું રક્ષણ કરતો હતો. તે સુંદરી કિશોરી હતી અને વિવાહ માટે શ્રેષ્ઠ પુરુષની શોધમાં હતી. તેના નાક, દાંત, ગાલ, મોં સુંદર હતાં. તેના એક-સરખા કાનમાં કુંડળ ચમકતાં હતા. તેનો વર્ણ શ્યામ હતો. તેની કેડ સુંદર હતી. પીળા રંગની સાડી અને સુવર્ણમેખલા ધારણ કર્યાં હતાં. ચાલતી વેળા પગમાંથી ઝાંઝરનો ધ્વનિ આવતો હતો. તે સાક્ષાત્ દેવી જેવી લાગતી હતી. તે ગજગામિની કિશોરાવસ્થા સૂચવતાં ગોળ, એક સરખાં અને પરસ્પર સ્પર્શતાં સ્તનોને લજ્જાવશ વારેવારે વસ્ત્રથી ઢાંકતી હતી. તેની પ્રેમથી ભરચક મુદ્રાથી કટાક્ષમય નેત્રથી ઘાયલ થઈને લજ્જાળુ હાસ્યથી વધુ સુંદર લાગતી તે દેવીને પુરંજને પૂછ્યું,

‘કમલદલ લોચના, કહે તો તું કોણ છે, કોની પુત્રી છે? અત્યારે તું ક્યાંથી આવે છે? આ નગરી આગળ તું શું કરવા માગે છે. તારા સિવાયના આ દસ શૂરવીર સેવકો કોણ છે, આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલનારો આ સાપ કોણ છે? તું સાક્ષાત્ લજ્જા દેવી છે? ઉમા, રમા, બ્રહ્માણી છે? આ વનમાં ઋષિમુનિઓની જેમ તું એકાન્તવાસ કરીને પતિ શોધી રહી છે? તારા પ્રાણનાથ તો ‘તું એના ચરણોની કામના કરે છે’ એટલાથી જ પ્રસન્ન થઈ જશે. જો તું સાક્ષાત્ કમલા છે તો તારા હાથનું કમળ ક્યાં ગયું? તું આમાંની કોઈ નથી કારણ કે તારા પગ ધરતીને સ્પર્શી રહ્યા છે. જો તું મનુષ્ય હોય તો જેવી રીતે લક્ષ્મી વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી રીતે તું મારી સાથે આ ઉત્તમ નગરીને શોભાવ. હું વીર છું, પરાક્રમી છું. આજે તારા કટાક્ષોએ મારા ચિત્તને અસ્વસ્થ કરી મૂક્યું છે. તારા લજ્જાસ્પદ, રતિભાવથી પૂર્ણ સ્મિતની સાથે ભવાંનો સંકેત પામીને આ બળવાન કામદેવ મને પીડી રહ્યો છે. એટલે હે સુંદરી, તારે હવે મારા પર કૃપા કરવી જોઈએ. હે શુચિસ્મિતા, સુંદર ભ્રમર અને સ્વચ્છ નેત્રોથી શોભતું તારું મુખ આ લાંબી, કાળી અલક લટોથી ઢંકાયેલું છે. તારા મોંમાંથી પ્રગટતાં વચન મધુર અને મનોહર છે. પરંતુ આ મુખ લજ્જાને કારણે મારી તરફ તો વળતું જ નથી. જરા ઊંચું કરીને આ સુંદર મુખ તો દેખાડ.’

રાજા પુરંજને અધીરા બનીને જ્યારે આવી યાચના કરી ત્યારે તે કન્યાએ પણ હસીને એનું અભિવાદન કર્યું; તે રાજાને જોઈને મોહી પડી હતી. તેણે કહ્યું, ‘હે નરશાર્દૂલ, મને જન્મ આપનારાઓની ખાસ કશી જાણ નથી. હું મારું, બીજાનું નામ કે ગોત્ર જાણતી નથી, અત્યારે અમે બધા આ નગરીમાં છીએ એ સિવાય હું કશું જાણતી નથી. મને એ પણ જાણ નથી કે અમારા રહેવા માટે આ નગરી કોણે બનાવી છે. આ પુરુષો મારા મિત્રો છે, આ સ્ત્રીઓ મારી સખીઓ છે, જ્યારે હું સૂઈ જઉં છું ત્યારે આ સાપ જાગીને નગરીની રક્ષા કરે છે. હે શત્રુદમન, તમે અહીં આવ્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગલ થાઓ. તમને કામભોગોની ઇચ્છા છે તો તેની પૂર્તિ માટે હું મારા સાથીઓ સમેત બધા પ્રકારના ભોગ પ્રસ્તુત કરતી રહીશ. આ નવ દ્વારવાળી નગરીમાં મારા દ્વારા અપાતા ઇચ્છિત ભોગ ભોગવતાં સેંકડો વર્ષ અહીં ગાળો. તમને મૂકીને હું બીજા કોની સાથે હું રમણ કરીશ? બીજાઓ તો રતિસુખ જાણતા નથી, ભોગ ભોગવતા નથી, પરલોકનો વિચાર કરતા નથી, કાલે શું થશે એનું ધ્યાન રાખતા નથી, તેઓ પશુતુલ્ય છે. આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતતિ, મોક્ષ, સુકીર્તિ, સ્વર્ગ વગેરે દિવ્ય લોકની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારથી વિરક્ત સાધુઓ તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષો કહે છે કે આ લોકમાં પિતૃ, દેવ, ઋષિઓ, મનુષ્યો તથા બધાં પ્રાણીઓ તથા પોતાનાય કલ્યાણનો એક માત્ર આશ્રય ગૃહસ્થાશ્રમ જ છે. હે વીરશ્રેષ્ઠ, જે આપમેળે આવી ચઢેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદાર, સુંદર પતિને પસંદ ન કરે એવી કોઈ સ્ત્રી હશે? હે મહાબાહુ, આ પૃથ્વી પર સાપ જેવી તમારી ગોળાકાર, કોમળ ભુજાઓમાં સ્થાન પામવા કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય? તમે તો મધુર સ્મિતભરી કરુણાપૂર્ણ દૃષ્ટિ વડે અમારા જેવી અનાથના માનસિક સંતાપને શાંત કરવા જ પૃથ્વી પર ફરી રહ્યા છો.’

આમ તે દંપતીએ એકબીજાની વાતને સ્વીકારી સો વર્ષ સુધી એ પુરીમાં રહીને આનંદ મનાવ્યો. ગાયકો સુમધુર સ્વરમાં બધે પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. ગ્રીષ્મ ઋતુમાં તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં જલક્રીડા કરતો. તે નગરીના નવ દ્વારમાંથી સાત દ્વાર ઉપર અને બે નીચે હતાં. એ નગરનો જે કોઈ રાજા હતો, તેણે જુદા જુદા દેશમાં જવા માટે આ દ્વાર બનાવ્યાં હતાં. આમાંથી પાંચ પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, બે પશ્ચિમ તરફ હતાં. પૂર્વ બાજુએ ખદ્યોતા અને આવિર્મુખી નામનાં બે દ્વાર એક જ જગ્યાએ બનાવ્યાં હતાં. એમાં થઈને રાજા પુરંજન મિત્ર દ્યુમાનની સાથે વિભ્રાજિત દેશમાં જતો રહેતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામનાં બે દ્વાર પણ એક જ જગાએ બનાવ્યાં હતાં. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. પૂર્વ દિશામાં મુખ્યા નામના પાંચમા દ્વારમાં થઈને તે રસજ્ઞ અને વિપણની સાથે બહૂદન અને આપણ નામના દેશોમાં જતો હતો. નગરીની દક્ષિણે પિતૃહૂ નામના દ્વારમાં થઈને રાજા શ્ર્રુતધરની સાથે દક્ષિણપાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામના દરવાજામાં થઈને તે દુર્મદની સાથે ગ્રામક નામના દેશમાં જતો હતો. નિર્ઋતિ નામના બીજા દ્વારમાં થઈને લુબ્ધકની સાથે વૈશસ નામના દેશમાં જતો હતો. આ નગરવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત — બે નગરજનો અંધ હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં તેમની સહાયથી બધે જતો અને બધા પ્રકારનાં કાર્ય કરતો હતો.

જ્યારે તે પોતાના મુખ્ય સેવક વિષૂચીનની સાથે અંત:પુરમાં જતો ત્યારે તેને સ્ત્રી અને પુત્રોને કારણે મોહ, પ્રસન્નતા, હર્ષ જેવા વિકારોનો અનુભવ થતો. તેનું ચિત્ત જાતજાતનાં કર્મોમાં ફસાયેલું હતું, અને કામવશ હોવાને કારણે અબુધ રમણી વડે ઠગાયો હતો. તેની રાણી જે જે કામ કરતી તે બધાં તે કરવા લાગતો. તે જ્યારે મદ્યપાન કરતી તો તે પણ મદ્યપાન કરતો અને મદથી પ્રમત્ત બની જતો. તે જ્યારે ભોજન કરતી ત્યારે તે ભોજન કરવા બેસતો, તે જ્યારે કશું ચાવતી ત્યારે તે પણ એ જ વસ્તુ ચાવવા બેસી જતો. આમ તે ગીત ગાય ત્યારે તે ગાતો, રડતી ત્યારે રડતો, હસતી ત્યારે હસતો, બોલતી ત્યારે બોલતો. તે દોડતી ત્યારે દોડતો, ઊભી રહેતી ત્યારે ઊભો રહેતો, સૂતી ત્યારે તેની સાથે સૂઈ જતો, બેસતી ત્યારે બેસી જતો, તે સાંભળતી ત્યારે તે પણ સાંભળવા લાગતો, જોતી ત્યારે જોવા લાગતો, સંૂઘતી ત્યારે સંૂઘવા લાગતો, કોઈ વસ્તુને અડકતી ત્યારે તે પણ અડકતો. ક્યારેક તેની પ્રિયા શોકગ્રસ્ત થતી તો પોતે પણ દીન બનીને વ્યાકુળ થઈ જતો, તે પ્રસન્ન થતી તો પોતે પ્રસન્ન થઈ જતો, તે આનંદ મનાવતી તો પોતે પણ આનંદિત થઈ જતો. આમ રાજા પુરંજન પોતાની સુંદરી રાણી વડે ઠગાયો. સમગ્ર પ્રકૃતિવર્ગ તેને દગો કરતો થયો. તે મૂર્ખ વિવશ થઈને ઇચ્છા ન હોય તો પણ રમવા માટે ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહ્યો.

એક દિવસ રાજા પુરંજન પોતાનું મોટું ધનુષ, સુવર્ણકવચ અને અક્ષય તીરભાથું લઈને પોતાના અગિયારમા સેનાપતિની સાથે પાંચ ઘોડા જોડેલા ઝડપી ગતિવાળા રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો. તે રથમાં બે ઈષાદંડ, બે પૈંડાં, એક ધુરા, ત્રણ ધ્વજદંડ, પાંચ દોરી, એક લગામ, એક સારથિ, બેસવા ગાદી, પાંચ શસ્ત્ર અને સાત આવરણ હતાં. તે પાંચ પ્રકારે ચાલતો હતો, તેનો સાજ સરંજામ સોનેરી હતો. રાજા માટે પોતાની પ્રિયતમાને છોડીને જવું બહુ મુશ્કેલ હતું છતાં તે દિવસે શિકારની લગની એવી લાગી કે એ કશાની પરવા કર્યા વિના બહુ ગર્વપૂર્વક ધનુષબાણ લઈને મૃગયા કરવા લાગ્યો. તે સમયે તેનામાં આસુરીવૃત્તિ ખૂબ વધી ગઈ એટલે તેનું ચિત્ત ખૂબ જ કઠોર અને નિર્દય થઈ ગયું હતું. એટલે પોતાનાં તીક્ષ્ણ બાણોથી ઘણાં બધાં નિર્દોષ પ્રાણીઓને મારી નાખ્યાં. જે રાજાની માંસમાં આસક્તિ હોય તે રાજા માત્ર શાસ્ત્રપ્રદર્શિત કર્મો માટે વનમાં જઈ જરૂરિયાત જોઈને અનિષિદ્ધ પ્રાણીઓનો જ વધ કરે, નિરર્થક પ્રાણીવધ ન કરે. શાસ્ત્ર આમ ઉચ્છ્રંખલ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે…

પુરંજનનાં જાતજાતનાં પાંખાળાં બાણ વડે વીંધાઈને ઘણા જીવે કષ્ટપૂર્વક પ્રાણ ત્યજ્યા. આ નિર્દય હિંસા જોઈને બધા દયાવાન લોકો દુઃખી થયા. તેમનાથી આ સહન ન થયું. આમ સસલું, સૂવર, ભેંસો, નીલગાય, કૃષ્ણમૃગ વગેરે પ્રાણીઓની હિંસા કરીને રાજા ખૂબ થાકી ગયો. ભૂખતરસથી ખૂબ વ્યાકુળ થઈને તે વનમાંથી રાજમહેલમાં આવ્યો. ત્યાં યથાયોગ્ય રીતે સ્નાન, ભોજનમાંથી પરવારીને થોડો આરામ કર્યો, પછી ગંધ, સુખડ અને ફૂલમાળાથી સુસજ્જિત થઈને શરીરે આભૂષણો પહેર્યાં. ત્યારે તેને પ્રિયતમા યાદ આવી. ભોજનથી તૃપ્ત, હૃદયથી આનંદિત, મદથી પ્રમત્ત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરીને શોધવા લાગ્યો, પણ ક્યાંય દેખાઈ નહીં.

ત્યારે ઉદાસ થઈને તેણે અંત:પુરની સ્ત્રીઓને પૂછ્યું, ‘તમારી સ્વામિની સહિત તમે બધા મજામાં છો ને? આ ઘરની સંપત્તિ પહેલાંની જેમ સુંદર કેમ નથી લાગતી? જો ઘરમાં માતા કે પતિપરાયણા સ્ત્રી ન હોય તો તે ઘર પૈંડાં વિનાના રથ જેવું બની જાય. પછી એમાં ક્યો બુદ્ધિશાળી જીવ ગરીબની જેમ રહેવાનું પસંદ કરે? તો કહો, જે સુંદરી દુઃખસમુદ્રમાં ડૂબું ત્યારે મારી વિવેકબુદ્ધિને ડગલેપગલે જાગૃત કરનારી, મને સંકટમાંથી બહાર કાઢનારી હતી તે સુંદરી ક્યાં છે? એ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો, ‘ખબર નથી, આજે તમારી પ્રિયતમાના મનમાં શું છે તે કોણ જાણે. જુઓ — કશું પાથર્યા કર્યા વિના જમીન પર જ આડી પડી છે.’

એ સ્ત્રીના સહવાસમાં રાજા વિવેકશૂન્ય થઈ ગયો હતો. એટલે પોતાની રાણીને પૃથ્વી પર અસ્તવ્યસ્ત અવસ્થામાં પડેલી જોઈને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયો. તેણે દુઃખી હૈયે તેને મધુર વચનોથી બહુ સમજાવી પણ પોતાની પ્રિયતમામાં એવું કોઈ પ્રણયકોપનું ચિહ્ન જોવા ન મળ્યું. તે મનામણાં કરવામાં નિપુણ હતો. એટલે રાજાએ ધીરે ધીરે તેને મનાવવા માંડી. પહેલાં તેના પગનો સ્પર્શ કર્યો પછી ખોળામાં બેસાડી પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યો,

‘હે સુંદરી, જે સેવકો અપરાધ કરે અને પછી તેમને સ્વામી પોતાના સમજીને યોગ્ય દંડ ન કરે તે સેવકો ખરેખર દુર્ભાગી છે. સેવકને કરેલો દંડ તો તેના પર મોટી કૃપા ગણાય. જે મૂર્ખ હોય તેમને જ ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીને માટે કરેલા ઉપકારનો ખ્યાલ નથી આવતો. સુંદર દંતપંક્તિ અને મનોહર ભ્રમરવાળી મનસ્વિની, હવે આ ક્રોધ દૂર કર અને એક વાર મને પોતાનો સમજી પ્રણયથી અને લજ્જાથી નમેલું આ મધુર સ્મિતવાળું મુખ દેખાડ. ભ્રમરપંક્તિના જેવી નીલી અલકાવલિ, ઊંચું નાક અને મીઠી વાણીને કારણે તારું મુખ કેવું મનોહર દેખાય છે. કોઈ બીજાએ તારો કશો અપરાધ કર્યો હોય તો જણાવ. જો તે બ્રાહ્મણવંશનો નહીં હોય તો હમણાં જ તેને દંડીશ. ભગવાનના ભક્તો સિવાય ત્રિલોકમાં અને એની બહાર એવો કોઈ દેખાતો નથી જે તારો અપરાધ કરીને નિર્ભય અને આનંદી રહી શકે. પ્રિયે, ક્યારેય મેં તારું મોં તિલક વગરનું ઉદાસ, મૂરઝાયેલું, ક્રોધને કારણે ભયપ્રદ, કાન્તિહીન, સ્નેહશૂન્ય જોયું નથી. ક્યારેય તારાં સ્તનોને શોકાશ્રુથી ભીંજાયેલાં, પક્વબિંબાધરને સ્નિગ્ધ કેસરની લાલિમા વગરનાં જોયાં નથી. વ્યસનવશ થઈને હું મૃગયા રમવા જતો રહ્યો એટલો મારો અપરાધ ખરો તો પણ તારો સમજીને તું મારા પર પ્રસન્ન થા. કામદેવનાં વિષમ બાણોથી અધીર બનીને હું સર્વદા તને અધીન રહ્યો છું. એવા પ્રિય પતિનો સ્વીકાર ઉચિત કાર્ય માટે કઈ કામિની ન કરે?’

આમ તે સુંદરી અનેક નખરાં કરીને પુરંજનને પૂરેપૂરો વશ કરીને તેને આનંદિત કરતી વિહાર કરવા લાગી. તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના મંગલ શૃંગાર કરીને, ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી. રાજાએ તે મનોહર મુખવાળી રાજરાણીને સાદર અભિનંદી. રાજાને તેણે આલિંગન આપ્યું, રાજાએ તેને ગળે લગાવી. પછી એકાંતમાં મનને અનુકૂળ વિશ્રંભકથાઓ કરીને એવો મોહવશ કર્યો કે તેનું ચિત્ત કામિનીમાં જ રહ્યું, દિવસ-રાતના ભેદ ભૂલી ગયો, કાળની દુસ્તર ગતિનો ખ્યાલ ન રહ્યો. મદથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયતમાના હાથ પર માથું રાખીને મહાકિમતી શય્યા પર પડી રહેતો. તેને તો તે સ્ત્રી જ જીવનનું પરમ લક્ષ્ય લાગતી હતી. અજ્ઞાનથી ઢંકાઈ જવાને કારણે તેને આત્મા-પરમાત્માનું કશું જ્ઞાન ન રહ્યું.

આમ કામાતુર ચિત્ત વડે તેની સાથે વિહાર કરતા કરતા રાજા પુરંજનની યુવાની અર્ધી ક્ષણની જેમ વીતી ગઈ. તે પુરંજનથી રાણીને અગિયાર સો પુત્ર અને એકસો દસ કન્યાઓ જન્મ્યાં. તે બધાં માતાપિતાની કીર્તિ વધારનારાં, સુશીલતા — ઉદારતાથી સંપન્ન હતાં. આમ રાજાના દીર્ઘ જીવનનો અડધો ભાગ વીતી ગયો. પછી પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોનાં અને કન્યાઓનાં લગ્ન યોગ્ય પાત્રો સાથે કર્યાં. દરેક પુત્રને સો સો પુત્ર થયા. તેમની વૃદ્ધિને કારણે પુરંજનનો વંશ સમગ્ર પાંચાલ દેશમાં પ્રસરી ગયો. આ પુત્ર, પૌત્ર, ગૃહ, કોશ, સેવક, મંત્રી વગેરેમાં દૃઢ મમતા જાગવાને કારણે આમાં જ તે ખોવાઈ ગયો. પછી તેણે અનેક પ્રકારના ભોગની કામના કરીને જાતજાતના હિંસક યજ્ઞો કરીને દેવતા, પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી. આમ જીવનભર આત્માનું કલ્યાણ કરનારાં કર્મો પ્રત્યે ઉદાસીન રહ્યો, કુટુંબપાલનમાં ખોવાઈ ગયો. છેવટે સ્ત્રીલંપટ પુરુષોની અપ્રિય એવી વૃદ્ધાવસ્થા આવી પહોંચી.

ચંડવેગ નામનો એક ગંધર્વરાજ, તેમના તાબામાં ત્રણસો સાઠ મહાબલવાન ગંધર્વ રહે છે. તેમની સાથે શુક્લ અને કૃષ્ણવર્ણની એટલી જ ગંધર્વસ્ત્રીઓ છે. તે વારાફરતી આંટા મારીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરપૂર નગરીઓને લૂંટ્યા કરે. ગંધર્વરાજ ચંડવેગના સેવકોએ રાજા પુરંજનનું નગર લૂંટવા માંડ્યું. ત્યારે પાંચ ફેણાળા સાપે તેમને અટકાવ્યા. પુરંજન નગરીની રક્ષા કરનારા આ સાપે સો વર્ષ સુધી એકલે હાથે સાતસોવીસ ગંધર્વપુરુષો અને સ્ત્રીઓ સાથે લડાઈ કરી. ઘણા વીર સાથે એકલે હાથે લડતા લડતા પ્રજાગર સાપ બળહીન થયો, એ જોઈને રાજાને અને તેની સાથે નગરમાં રહેનારા બીજા બાંધવોને ચિંતા થઈ. તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો દ્વારા લવાતા કર વડે વિષયભોગોમાં વ્યસ્ત રહ્યો હતો. સ્ત્રીના વશમાં રહેવાને કારણે આ ભયની તેને જાણ થઈ જ નહીં.

તે દિવસોમાં કાલની એક કન્યા પતિની શોધમાં ત્રિલોકમાં ભટકતી હતી, કોઈએ તેને સ્વીકારી નહીં; તે કાલકન્યા અત્યંત દુર્ભાગી હતી. એટલે લોકો તેને ‘દુર્ભાગા’ કહેતા હતા. એક વાર રાજર્ષિ પુરુષે પોતાના પિતાને પોતાનું યૌવન આપીને પોતાની ઇચ્છાથી જ તેને વરી હતી. આનાથી પ્રસન્ન થઈને તેણે રાજ્યપ્રાપ્તિનું વરદાન આપ્યું હતું.

એક દિવસ નારદ બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યા ત્યારે ભમતાં ભમતાં તે કન્યા નારદને પણ મળી. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તો પણ કામાતુરા હોવાને કારણે નારદને પરણવા તત્પર થઈ. તેણે તેની પ્રાર્થના ન સ્વીકારી. એટલે ક્રોધે ભરાઈને તેણે નારદને શાપ આપ્યો, ‘તમે મારી વિનંતી નથી સ્વીકારી, એટલે તમે એક સ્થાને ઝાઝો સમય રહી નહીં શકો.’ નારદથી હતાશ થયેલી એ કન્યા ઋષિની સંમતિથી યવનરાજ ભય પાસે આવીને પતિ તરીકે તેમને પસંદ કર્યા, તે બોલી, ‘હે વીર, તમે યવનશ્રેષ્ઠ છો, હું તમને ચાહું છું, તમને પતિ બનાવવા માગું છું, તમને જીવો જે સંકલ્પ કરે તે કદી નિષ્ફળ જતો નથી. જે માનવી લોક અથવા શાસ્ત્રની દૃષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્રદષ્ટિએ યોગ્ય હોવા છતાં દાન સ્વીકારતો નથી, તે બંને દુરાગ્રહી, મૂઢ છે, શોચનીય છે. અત્યારે હું તમારી સેવામાં ઉપસ્થિત છું, તમે મારો સ્વીકાર કરીને મારા પર ઉપકાર કરો. પુરુષનો સૌથી મોટો ધર્મ દીન પર અનુકંપા કરવાનો છે.’

કાલકન્યાની વાત સાંભળીને વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરવાની ઇચ્છાથી યવનરાજે હસતાં હસતાં તેને કહ્યું, ‘મેં યોગદૃષ્ટિથી તારા માટે એક પતિ પસંદ કર્યો છે. તું બધાનું અનિષ્ટ કરે છે એટલે કોઈને ગમતી નથી, એટલે જ લોકો તારો સ્વીકાર કરતા નથી. એટલે આ કર્મજનિત લોકને અલક્ષિત થઈને બળાત્કારથી ભોગવ. તું મારી સેના લઈને જા, એની સહાયથી તું બધી પ્રજાનો નાશ કરી શકીશ. તારો મુકાબલો કોઈ કરી નહીં શકે. આ પ્રજ્વાર મારો ભાઈ છે, તું મારી બહેન બની જા. તમે બંનેની સાથે હું અવ્યક્ત ગતિથી ભયંકર સેના લઈને બધા લોકમાં ફરીશ.’

પછી ભય નામના યવનરાજના આજ્ઞાકારી સૈનિકો પ્રજ્વાર અને કાલકન્યાની સાથે આ પૃથ્વીપટે સર્વત્ર ભમવા લાગ્યા. એક વેળા તેમણે ખૂબ જ ઝડપથી વૃદ્ધ સાપથી સુરક્ષિત અને સંસારની બધી સુખસામગ્રીથી ભરપુર પુરંજન નગરીને ઘેરી લીધી. પછી જેની જાળમાં ફસાઈને પુરુષ બહુ જલદી નિ:સાર થઈ જાય છે તે કાલકન્યા બળાત્કારે એ નગરીની પ્રજાને ભોગવવા લાગી. તે સમયે યવનો પણ કાલકન્યા દ્વારા ભોગવાતી એ નગરીમાં ચારે બાજુનાં દ્વારોમાં પ્રવેશીને તેનો વિધ્વંસ કરવા લાગ્યા. નગરીને આમ દુઃખી કરી એટલે સ્વામીત્વનું અભિમાન રાખનારા, મમતાગ્રસ્ત, બહુ કુટુંબીજનોવાળા પુરંજનને પણ જાતજાતના ક્લેશ સતાવવા લાગ્યા.

કાલકન્યાના આલિંગનથી તેની સઘળી શ્રી નષ્ટ થઈ ગઈ, અત્યન્ત વિષયાસક્ત હોવાથી તે બહુ દીન બની ગયો, તેની વિવેકશક્તિ નાશ પામી. ગંધર્વોએ અને યવનોએ જોરજુલમથી તેની સઘળી સમૃદ્ધિ છિનવી લીધી. રાજાએ જોયું કે આખું નગર નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે. પુત્ર, પૌત્ર, નોકર, અમાત્યો પ્રતિકૂળ થઈને હવે અનાદર કરવા લાગ્યા છે. પત્ની સ્નેહશૂન્ય થઈ ગઈ છે. મારા શરીરને કાલકન્યાએ વશ કરી લીધું છે. પાંચાલદેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે. આ સર્વ જોઈને રાજા પુરંજન ખૂબ ચિંતામાં ડૂબી ગયો. આ સંકટોમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ તેને ન દેખાયો. કાલકન્યાએ જેમને નિ:સાર કરી મૂક્યા હતા તે ભોગોની લાલસાથી તે દીન હતો. પોતાની પારલૌકિકી ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત થઈને તેનું ચિત્ત કેવળ સ્ત્રી અને પુત્રોના લાલનપાલનમાં વ્યસ્ત હતું. આવી અવસ્થામાં તેમનાથી છૂટા પડવાની ઇચ્છા ન હોવા છતાં આ નગરીને છોડવાની ફરજ પડી. કારણ કે એ નગરીને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી, કાલકન્યાએ તેને કચડી નાખી હતી. તેવામાં યવનરાજ ભયના મોટા ભાઈ પ્રજ્વારે પોતાના ભાઈનું હિત કરવા માટે આખી નગરીમાં આગ લગાડી દીધી.

આ નગરી સળગવા લાગી ત્યારે નગરજનો, સેવકો, સંતાનો, કુટુંબની સ્વામિની માટે કુટુંબવત્સલ પુરંજનને ભારે દુઃખ થયું. નગર કાલકન્યાના હાથમાં જઈ ચઢ્યું એ જોઈને તેની રક્ષા કરનારા સાપને ભારે દુઃખ થયું. તેના નિવાસસ્થળ પર પણ યવનોએ અંકુશ જમાવી દીધો હતો, પ્રજ્વાર ત્યાં પણ આક્રમણ કરી રહ્યો હતો. જ્યારે તે નગરની રક્ષા કરવામાં સાવ અશક્ત થઈ ગયો ત્યારે સળગતા વૃક્ષની બખોલમાંથી જેવી રીતે સાપ નીકળી જાય તેવી રીતે તેણે પણ મહાન પીડાથી કંપી જઈને ત્યાંથી ભાગી જવાની ઇચ્છા કરી. તેનાં બધાં અંગ સાવ નબળાં પડી ગયાં હતાં, ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી, જ્યારે યવન શત્રુઓ એને જતો જોઈને રોકવા બેઠા ત્યારે દુઃખી થઈને તે રડવા લાગ્યો.

ગૃહાસક્ત પુરંજન શરીર-ગૃહમાં મમત્વ રાખવાથી સાવ બુદ્ધિહીન થઈ ગયો હતો. સ્ત્રીના પ્રેમબંધનમાં પડીને તે ખૂબ દીન બની ગયો હતો. જ્યારે આ બધાથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે તે પુત્રી, પુત્ર, પૌત્ર, પુત્રવધૂ, જમાઈ, નોકરચાકર, ઘર, કોશ — તથા જેમાં જેમાં તેની મમતા રહી હતી તે બધા માટે ચિંતા કરવા લાગ્યો.

‘અરે મારી પત્ની બહુ ઘરગૃહસ્થીવાળી છે, હું જ્યારે પરલોક જઈશ ત્યારે તે અસહાય થઈને કેવી રીતે નિર્વાહ કરશે? તેને તો બાળકોની કેટલી બધી ચિંતા થશે? હું જ્યાં સુધી ભોજન ન કરું ત્યાં સુધી તે ભોજન કરતી ન હતી, સ્નાન ન કરું તો સ્નાન કરતી ન હતી, ને નિત્ય મારી સેવામાં જ રહેતી હતી, હું ક્યારેક રિસાઈ જઉં તો તે ડરી જતી હતી, અને ગુસ્સે થઉં તો ગભરાઈ જઈને ચૂપ રહેતી હતી. મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને સાવધાન કરી દેતી. તે મને એટલો બધો પ્રેમ કરતી હતી કે હું જો ક્યારેક નગર બહાર જઉં તો વિરહવેદનાથી સુકાઈને કંતાઈ જતી હતી. આમ તો તે વીર માતા છે પણ મારી પાછળ તે ગૃહસ્થાશ્રમ ચલાવી શકશે? હું નહીં હોઉં તો મારા આધારે રહેનારા આ પુત્ર-પુત્રી કેવી રીતે જીવશે? આ તો મધદરિયા નૌકા ભાંગી જાય ત્યારે બાવરા થઈ જનારા યાત્રીઓની જેમ રોક્કળ કરશે.’

જ્ઞાનદૃષ્ટિથી જોઈએ તો આવો શોક કરવો અયોગ્ય હતો તો ખરો. અજ્ઞાનને કારણે પુરંજન આમ મંદબુદ્ધિથી સ્ત્રીબાળકો માટે આવો શોક કરી રહ્યો હતો. તે જ વેળા તેને પકડવા ભય નામનો યવન આવી ચડ્યો. જ્યારે યવનોને તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાનકે લઈ ગયા ત્યારે તેના સેવકો આતુર અને શોકવિહ્વળ થઈને તેની સાથે ચાલી નીકળ્યા. યવનોએ અટકાવેલો સાપ પણ નગરી છોડીને આ લોકોની સાથે ચાલી નીકળ્યો. તેના જતાંની સાથે આખું નગર છિન્નભિન્ન થઈ ગયું. આમ મહારાજ યમનરાજે બળજબરીથી તેને આંચક્યો તો પણ રાજા પુરંજને અજ્ઞાનને કારણે પોતાના હિતચિંતક અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ ન કર્યો. એ નિર્દય રાજાએ જે યજ્ઞપશુઓનો બલિ ચઢાવ્યો હતો તે બધાં પોતાની વેદનાને યાદ કરીને ક્રોધવશ તેને ઈજા પહોંચાડવા લાગ્યા. વર્ષો સુધી તે વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડ્યો રહી નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો. સ્ત્રીની આસક્તિને કારણે તેની આવી માઠી દશા થઈ. મૃત્યુ વેળાએ પણ પુરંજને સ્ત્રીનો જ વિચાર કર્યો હતો એટલે બીજા જનમમાં તે વિદર્ભ દેશના રાજાને ત્યાં કન્યા રૂપે જન્મ્યો. તે કન્યા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજાએ જાહેર કર્યું કે મારી કન્યાને કોઈ સર્વશ્રેષ્ઠ પરાક્રમી જ પરણી શકશે. ત્યારે શત્રુવિજેતા પાંડ્યરાજા મલયધ્વજે યુદ્ધમાં બધા રાજાઓને હરાવીને તેની સાથે લગ્ન કર્યુ અને પછી શ્યામલોચના કન્યા અને તેનાથી નાના સાત પુત્રોને તે યુવતીએ જન્મ આપ્યો. આ પુત્રો દ્રવિડદેશના સાત રાજા થયા. દરેક પુત્રને ઘણા પુત્રો થયા, તેના વંશજો આ પૃથ્વીને મન્વંતર સુધી અને ત્યાર પછી પણ ભોગવશે. રાજાની પહેલી પુત્રી ખૂબ જ વ્રતધારિણી હતી. તેની સાથે અગસ્ત્ય ઋષિનું લગ્ન થયું. તેમને દૃઢચ્યુત નામનો પુત્ર અને દૃઢચ્યુતનો પુત્ર ઇદ્મવાહ થયો.

અંતે રાજા મલયધ્વજ પૃથ્વીને પુત્રોમાં વહેંચી અને શ્રીકૃષ્ણની ભક્તિ કરવા મલયપર્વત પર ગયા. તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રને અનુસરે તેમ મત્તલોચના વૈદર્ભી પણ ઘર, પુત્ર, સઘળા ભોગ ત્યજીને પાંડ્યનરેશની પાછળ પાછળ ચાલી નીકળી. ત્યાં ચન્દ્રવસા, તામ્રપર્ણી અને વટોદકા નામની ત્રણ નદીઓ હતી. રાજા તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને નિત્ય શરીર અને અંત:કરણને નિર્મલ કરતા હતા. ત્યાં રહીને તેમણે કંદ, બીજ, મૂલ, ફળ, પુષ્પ, પાંદડાં, તૃણ, જળથી જ નિર્વાહ ચલાવી કઠોર તપ આદર્યું. આને કારણે તેઓ સુકાઈ ગયા. રાજાએ સર્વત્ર સમદૃષ્ટિ રાખીને ઠંડી-ગરમી, વરસાદ-પવન, ભૂખ-તરસ, પ્રિય-અપ્રિય, સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વ જીતી લીધાં. તપ અને ઉપાસનાથી વાસના નિર્મૂલ કરી યમનિયમ દ્વારા ઇન્દ્રિય, પ્રાણ અને મનને વશ કરીને આત્મામાં જ રમમાણ રહ્યા. આમ સો વર્ષો સુધી થાંભલાની જેમ નિશ્ચલ ભાવથી એક જ સ્થાને બેસી રહ્યા. ભગવાન વાસુદેવમાં ઉત્કટ પ્રેમ હોવાને કારણે કેટલાય સમય સુધી તેમને શરીરનું પણ ભાન ન રહ્યું. શ્રીહરિના ઉપદેશથી તથા પોતાના અંત:કરણમાં બધી બાજુથી સ્ફુરિત થનારા શુદ્ધ જ્ઞાનદીપથી તેમણે જોયું કે અંત:કરણવૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નની જેમ દેહાદિ સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે અને તેનાથી ભિન્નપણે આવો અનુભવ કરી તેઓ બધી રીતે ઉદાસીન થઈ ગયા. પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં એકરૂપ થયેલા જોયા. છેલ્લે આ અભેદ ચિંતનને ત્યજીને સર્વથા શાંત થઈ ગયા.

આ વેળા પતિપરાયણ વૈદર્ભી બધા ભોગ ત્યજીને પરમધર્મજ્ઞ પતિની સેવા પ્રેમપૂર્વક કરતી હતી. તેનું શરીર પણ વ્રત-ઉપવાસથી કંતાઈ ગયું હતુું. માથાના વાળ પણ ગૂંચવાઈ ગયા હતા. પોતાના પતિની પાસે ધુમાડા વિનાની અગ્નિની શાંત શિખાની જેમ શોભતી હતી. તેના પતિ તો પરલોકવાસી થઈ ચૂક્યા હતા, અને છતાં સ્થિર આસન પર બેઠા હતા. આનો ખ્યાલ ન આવવાથી તે તેમની પાસે જઈને પહેલાંની જેમ સેવા કરવા લાગી. ચરણસેવા કરતી વેળા તેને પતિના ચરણોમાં જરાય ઉષ્મા ન વરતાઈ એટલે જૂથથી વિખૂટી પડેલી હરણીની જેમ તે વ્યાકુળ થઈ ઊઠી. તે ભયાનક વનમાં પોતાને એકલી તથા લાચાર જોઈને ખૂબ જ વિહ્વળ બની ગઈ. અશ્રુધારાથી સ્તનમંડળને પલાળતી મોટે મોટેથી તે રડવા લાગી. તે બોલી, ‘રાજર્ષિ, ઊઠો — ઊઠો. સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારા અને અધાર્મિક લોકોથી ભયભીત થઈ ગઈ છે, તમે એની રક્ષા કરો.’ પતિની સાથે વનમાં ગયેલી રાણી આમ રડતીકકળતી પતિની ચરણોમાં પડી ગઈ અને રડી રડીને અશ્રુપાત કરવા લાગી. લાકડીઓની ચિતા રચી પતિનું શબ ગોઠવ્યું અને અગ્નિ ચાંપી વિલાપ કરતી પોતે પણ સતી થવાનો નિશ્ચય તેણે કર્યો. તે જ વેળાએ તેનો કોઈ જૂનો મિત્ર આત્મજ્ઞાની બ્રાહ્મણ તેની પાસે આવ્યો. રડતી સ્ત્રીને મધુર વચનોથી સમજાવવા લાગ્યો.

‘તું કોણ છે? કોની પુત્રી છે, અને જેને માટે તું શોક કરી રહી છે તે કોણ છે? શું તું મને નથી ઓળખતી? હું તારો મિત્ર, મારી સાથે તું ફર્યા કરતી હતી? હું એક સમયે તારો મિત્ર અવિજ્ઞાત હતો. તું પૃથ્વીના ભોગ ભોગવવા યોગ્ય નિવાસસ્થાનની શોધમાં મને મૂકીને જતો રહ્યો હતો. આપણે બંને હજારો વર્ષ સુધી નિવાસસ્થાન વિના જ રહ્યા હતા. પણ મિત્ર, તું વિષયભોગની ઇચ્છાથી મને છોડીને આ પૃથ્વી પર આવી ગયો. અહીં ભમતા ભમતા એક સ્ત્રીએ ઊભું કરેલું સ્થાન જોયું. તેમાં પાંચ ઉદ્યાન, નવ દ્વાર, એક દ્વારપાલ, ત્રણ પ્રાકાર, છ વૈશ્યકુલ, પાંચ બજાર હતા. રાજન્, ઇન્દ્રિયોના પાંચ વિષય એટલે પાંચ ઉદ્યાન, નવ ઇન્દ્રિય દ્વાર, તેજ, જળ, અને અન્ન એટલે ત્રણ પ્રાકાર મન અને પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે છ વૈશ્યકુલ, ક્રિયાશક્તિ રૂપ કર્મેન્દ્રિયો એટલે બજાર, પાંચ ભૂત એટલે ક્યારેય ક્ષીણ ન થનારા ઉપાદાન કારણ, બુદ્ધિશક્તિ તેની સ્વામિની. આ એવું નગર જેમાં પ્રવેશ કરીને પુરુષ જ્ઞાનહીન થઈ જાય. આ નગરમાં તેની સ્વામિનીની જાળમાં ફસાઈને તું વિહાર કરતો રહ્યો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો, અને એના સંગથી તારી આ દુર્દશા થઈ.

તું નથી વિદર્ભ રાજાની પુત્રી, નથી આ તારો પતિ, જેણે તને નવ દ્વારોના નગરમાં બંધ કર્યો તે પુરંજનીનો પતિ પણ તું નથી. તું આગલા જન્મમાં પોતાને પુરુષ માનતો હતો, આ જન્મમાં સ્ત્રી માને છે. આ બધી મારી માયા છે. વાસ્તવમાં તું નથી પુરુષ, નથી સ્ત્રી. આપણે બંને હંસ છે. આપણું જે વાસ્તવિક શરીર છે તેનો અનુભવ કર. ંમિત્ર હું ઈશ્વર, તું જીવ. જે તું છે તે જ હું છું. આપણા બેમાં જરાય અંતર નથી. જેવી રીતે એક પુરુષ પોતાના શરીરના પ્રતિબિંબને દર્પણમાં અને કોઈ વ્યક્તિના નેત્રમાં જુએ છે તેમ એક જ આત્મા વિદ્યા અને અવિદ્યાના ભેદથી પોતાને ઈશ્વર તથા જીવના રૂપમાં જુએ છે.’

આમ જ્યારે ઈશ્વરે તેને સચેત કર્યો ત્યારે તે માનસસરોવરનો હંસ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો અને પોતે વિસ્મૃત કરેલા આત્મજ્ઞાનને પામી બેઠો…

(અધ્યાય ૨૮)