ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ગોકર્ણ કથા
તુંગભદ્રા નદીને કાંઠે એક સુંદર નગર. બધી જાતિના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરીને સત્કર્મો કરતા રહેતા હતા. ત્યાં બધા વેદોનો જાણકાર અને વિધિવિધાનમાં નિપુણ એવો આત્મદેવ નામનો બ્રાહ્મણ. સૂર્ય જેવો તેજસ્વી હતો. ધનવાન હોવા છતાં ભિક્ષાર્થી હતો. તેની પત્ની ધુંધુલી કુલીન, સ્વરૂપવાન હોવા છતાં બહુ જિદ્દી હતી. તે નિંદારસમાં રચીપચી રહેતી હતી. ક્રૂર સ્વભાવવાળી આ સ્ત્રી અવારનવાર બકવાસ કરતી હતી. ગૃહકાર્યમાં નિપુણ હોવા છતાં કર્કશા હતી. આ દંપતી પાસે વૈભવવિલાસ બહુ હોવા છતાં તેનાથી તેમને આનંદ થતો ન હતો. ખાસ્સી વય વધી છતાં તેમને સંતાનસુખ ન હતું. દાનધર્મ કરીને અડધી સંપત્તિ તો ખર્ચી નાખી અને તો પણ ન પુત્ર, ન પુત્રી, એને કારણે બ્રાહ્મણ હમેશાં ચંતાિતુર રહેતો હતો.
એક વેળા તે બ્રાહ્મણ ઘેરથી નીકળી વન તરફ ચાલી નીકળ્યો. બપોરે તરસ લાગી એટલે તે એક તળાવ પર આવ્યો. સંતાનના અભાવે તેનું શરીર પણ કંતાઈ ગયું હતું. પાણી પીને બેઠો હતો એટલામાં એક સંન્યાસી ત્યાં આવ્યા. તેમણે જલપાન કર્યા પછી આત્મદેવ તેમની પાસે ગયો અને દંડવત્ પ્રણામ કરીને નિસાસા નાખવા લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું, ‘અરે બ્રાહ્મણ, રડો છો શા માટે? એવી તે કઈ મોટી ચિંતા માથા પર છે? મને એનું કારણ કહો ત્યારે.’
બ્રાહ્મણે કહ્યું, ‘મારા પૂર્વજન્મનાં પાપોને કારણે જે દુઃખ ભોગવું છું તેનું તે શું વર્ણન કરું? મારા પિતૃઓ હું જે જળની અંજલિ આપું છું તે પોતાના નિ:શ્વાસથી ઉષ્ણ થયા પછી પીએ છે. દેવો અને બ્રાહ્મણો હું જે આપું છું તે પ્રસન્ન ચિત્તે ગ્રહણ કરતા નથી. સંતાન નથી એટલે દુઃખી દુઃખી થઈ ગયો છું. હું અહીં આત્મહત્યા કરવા આવ્યો છું. સંતાન વગર જીવન, ગૃહ, ધન-કુળ-કશાનો અર્થ નથી. હું જે ગાયને ઉછેરું છું તે પણ વાંઝણી થઈ જાય છે. જે વૃક્ષ વાવું છું તેના પર ફળફૂલ બેસતાં નથી. ઘરમાં જે ફળ લાવું છું તે બહુ જલદી સડી જાય છે. હું દુર્ભાગી અને પુત્રહીન છું તો પછી આવા જીવનનો અર્થ કયો?’
આમ કહીને તે બ્રાહ્મણ ધ્રૂસકે ધૂ્રસકે રડવા લાગ્યો. તે સંન્યાસીને તેના પ્રત્યે બહુ દયા આવી. તેઓ યોગનિષ્ઠ હતા એટલે બ્રાહ્મણના કપાળની રેખાઓ વાંચી લીધી અને કહેવા લાગ્યા,
‘બ્રાહ્મણદેવ, પુત્રપ્રાપ્તિનો મોહ છોડી દો. કર્મની ગતિ ગહન છે, વિવેકનો આશ્રય લઈને સંસારનો મોહ ત્યજી દો. સાંભળો, તમારું કપાળ જોઈને મને લાગે છે કે તમને સાત જનમ સુધી પુત્રપ્રાપ્તિનો યોગ નથી. ભૂતકાળમાં સગર રાજાને તથા અંગ રાજાને સંતાનને કારણે બહુ દુઃખ ભોગવવા પડ્યાં હતાં. એટલે તમે પરિવારની આશા મૂકી દો. સંન્યાસી જીવનમાં જ બધા પ્રકારનું સુખ છે.’
બ્રાહ્મણે કહ્યું, ‘વિવેકને હું શું કરીશ? મને કોઈ પણ રીતે પુત્ર આપો નહીંતર તમારા દેખતાં જ હું શોકવિહ્વળ થઈ આત્મહત્યા કરીશ. જે સંન્યાસમાં સ્ત્રી અને પુત્રનું સુખ નથી એને હું શું કરીશ? પુત્ર-પૌત્રોથી ભરેલો ગૃહસ્થાશ્રમ જ ઉત્તમ છે.’
બ્રાહ્મણનો એવો આગ્રહ જોઈ તે સંન્યાસીએ કહ્યું, ‘વિધાતાના લેખ મિથ્યા કરવા જતાં ચિત્રકેતુ રાજાને ભારે મુસીબત વેઠવી પડી હતી. એટલે દૈવ જેના પુરુષાર્થને કચડી નાખે છે એવી વ્યક્તિને પુત્રથી પણ સુખ ન મળે. તમે તો હઠ લઈને બેઠા છો, અત્યારે હું તમને શું કહું?’
જ્યારે સંન્યાસીએ જોયું કે બ્રાહ્મણ પોતાની હઠ છોડતો જ નથી ત્યારે તેમણે એક ફળ તેને આપ્યું. ‘આ ફળ તમારી પત્નીને આપજો. એક પુત્ર એનાથી જન્મશે. તમારી પત્નીએ એક વરસ સુધી સત્ય, દયા, દાનના નિયમ પાળવા પડશે, એકટાણું કરવું પડશે. જો આમ કરશે તો એ બાળક પવિત્ર સ્વભાવનો થશે.’
આમ કહીને સંન્યાસી તો ચાલ્યા ગયા અને બ્રાહ્મણ ઘેર આવ્યો, પેલું ફળ પત્નીને આપી પોતે ક્યાંક ગયો. તેની પત્ની તો ખરાબ સ્વભાવની હતી, તે રડતાં રડતાં એક સખીને કહેવા લાગી, ‘મને તો બહુ ચિંતા થાય છે. હું આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી હું સગર્ભા થઈશ, પેટ મોટું થઈ જશે. પછી ખવાશે નહીં, પીવાશે નહીં. મારી શક્તિ ઓછી થઈ જશે. ઘર કેવી રીતે ચાલશે, અને જો શુકદેવની જેમ ગર્ભ પેટમાં ને પેટમાં રહ્યો તો બહાર કેવી રીતે આવશે? અને જો પ્રસૂતિ વખતે ગર્ભ આડો થઈ ગયો તો તો મારું મૃત્યુ થશે. અને આમેય પ્રસૂતિની પીડા તો બહુ ભારે હોય છે, હું નાજુક નમણી, એ વેઠીશ કેવી રીતે? જો અશક્ત થઈ જઈશ તો નણંદ આવીને ઘરનું બધું લઈ જશે. અને મને આ સત્ય, શૌચના નિયમો તો ફાવવાના નહીં. જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તેમને બાળકને ઉછેરવામાં કેટલી બધી આપત્તિઓ આવે છે! મને તો લાગે છે કે વાંઝણી કે વિધવા સ્ત્રીઓ જ સુખી હોય છે.’
મનમાં આવો વિચાર કરીને તેણે ફળ ન ખાધું, પતિએ પૂછ્યું ત્યારે કહ્યું, ‘હા, ખાઈ લીધું.’ એક દિવસ તેની બહેન તેને ત્યાં આવી. બધી વાત જણાવીને તે બોલી, ‘મારા મનમાં આ જ ચિંતા છે. એને કારણે હું દૂબળી પડી છું, હું શું કરું?’ બહેને કહ્યું, ‘જો મારા પેટમાં બાળક છે, પ્રસૂતિ થશે તો તને આપી દઈશ. ત્યાં સુધી તું ગર્ભવતીનો ઢોંગ કરતી ઘરમાં તું મારા પતિને થોડા પૈસા આપજે એટલે તે તને બાળક આપી દેશે. હું કહીશ કે બાળક છ મહિને મૃત્યુ પામ્યું. હું તારે ત્યાં આવીને બાળકને ઉછેરીશ. તું આ ફળની ખાત્રી કરવા આ ફળ ગાયને ખવડાવી દે.’ બ્રાહ્મણીએ પોતાની બહેને જે કહ્યું તે પ્રમાણે બધું કર્યું.
પછી જ્યારે તેની બહેનને પુત્ર જન્મ્યો ત્યારે ચુપચાપ તે ધુન્ધુલીને આપી દીધો. પછી તેણે પતિને કહ્યું કે સુખેથી મેં બાળકને જન્મ આપ્યો છે. તેમને ત્યાં પુત્રજન્મ થયો એ જાણીને બધા લોકોને આનંદ થયો. બ્રાહ્મણે બાળકના સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું, ત્યાં ગાયનવાદન, મંગળપ્રસંગો ઉજવાયા. ધુન્ધુલીએ પતિને કહ્યું, ‘મારી છાતીમાં દૂધ નથી તો પછી હું એને ઉછેરીશ કેવી રીતે? મારી બહેનને પણ પુત્રજન્મ થયો છે. તો હું તેને અહીં બોલાવી લાવું, એ મારા બાળકને ઉછેરશે.’ પુત્રના કલ્યાણ માટે આત્મદેવે તેની વાત માની લીધી અને માતાએ તેનું નામ ધુન્ધુકારી પાડ્યું.
હવે ત્રણ મહિને પેલી ગાયે પણ માનવબાળને જન્મ આપ્યો. તે સર્વાંગસુંદર, દિવ્ય, નિર્મલ અને કાંચનવર્ણો હતો. તેને જોઈને બ્રાહ્મણને આનંદ થયો, તેણે જાતે તે બાળકના જાતસંસ્કાર કર્યા. આ સમાચાર જાણીને બધા લોકોને પણ ખૂબ નવાઈ લાગી. બધા એ બાળકને જોવા આવ્યા. અંદર અંદર કહેવા લાગ્યા, જુઓ-જુઓ. આત્મદેવનો ભાગ્યોદય કેવો થયો છે. ગાયે પણ એક દિવ્ય બાળકને જન્મ આપ્યો છે. દૈવયોગે આ રહસ્યની વાત કોઈએ જાણી નહીં, આત્મદેવે ગાયના કાન જેવા તે બાળકના કાન જોઈ તેનું નામ ગોકર્ણ પાડ્યું.
પછી તો કાળક્રમે બંને યુવાન થઈ ગયા. ગોકર્ણ તો પંડિત અને જ્ઞાની થયો, પણ ધુન્ધુકારી તો દુષ્ટ નીકળ્યો. તેને બ્રાહ્મણોના કોઈ સંસ્કાર સ્પર્શ્યા નહીં, ખાણીપીણીનો કશો વિવેક ન રહ્યો. વારે વારે ક્રોધી થઈ જતો હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો. મડદાને સ્પર્શેલું ભોજન પણ તે કરતો. બીજાઓને ત્યાં ચોરી કરતો, બધાનો દ્વેષ કરતો. છાનોમાનો લોકોનાં ઘરમાં આગ લગાડતો. બીજાં બાળકોને રમાડવાને બહાને લઈ જઈ પીટતો અને કૂવામાં નાખી દેતો હતો. તેને હિંસાનું વ્યસન થઈ ગયું હતું. ચોવીસે કલાક તેની પાસે અસ્ત્ર-શસ્ત્ર રહેતાં. અંધજનોને, દીનદુખિયાને નાહક હેરાન કર્યા કરતો. ચાંડાલોને તે ચાહતો હતો. હાથમાં ફંદા સાથે કૂતરા લઈને શિકારે જતો. વેશ્યાઓની માયામાં ફસાઈને પિતાની બધી સંપત્તિ ઉડાડી મારી. એક દિવસ માતાપિતાને મારીને ઘરનાં બધાં વાસણ લઈ ગયો. જ્યારે બધું ધન નાશ પામ્યું ત્યારે તેનો પિતા ખૂબ રડવા લાગ્યો. ‘આના કરતાં તો પત્ની વાંઝણી રહી હોત તો સારું. હવે હું ક્યાં જઉ? ક્યાં રહું? મારા આ દુઃખમાંથી મને કોણ છોડાવશે? મારા માથે તો દુઃખના પહાડ તૂટી પડ્યા છે. એક ને એક દિવસે મારે મરી જવું પડશે.’ તે જ વખતે ગોકર્ણ આવ્યા અને પિતાને વૈરાગ્યનો બોધ આપી બહુ સમજાવ્યા, ‘પિતાજી, આ સંસાર અસાર છે. તે દુઃખદાયક છે અને મોહમાં નાખે. પુત્ર કોનો? ધન કોનું? સ્નેહી પુરુષ રાતદિવસ દીવાની જેમ સળગે છે. ઇન્દ્રને પણ સુખ નથી અને ચક્રવર્તી રાજાને પણ સુખ નથી. સુખ માત્ર સંન્યાસીને છે. આ મારો પુત્ર છે એવું અજ્ઞાન દૂર કરો. મોહથી નરક સાંપડે છે. અને આ શરીર તો નાશવંત જ છે. એટલે બધું ત્યજીને તમે વનમાં જતા રહો.’
ગોકર્ણની વાત સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થઈ ગયો અને પુત્રને પૂછ્યું — વનમાં જઈને શું કરવું તે કહે. એટલે ગોકર્ણે તેમને ત્યાગ-વૈરાગ્યના બધા પાઠ ભણાવ્યા. પુત્રની વાણીથી પ્રભાવિત થઈ ઘરબાર ત્યજીને તે વનમાં ચાલ્યો ગયો. તે વેળા તેની ઉપર સાત વર્ષની થઈ હતી પણ બુદ્ધિમાં ભારે દૃઢતા હતી. રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરતો, ભાગવતના દશમસ્કંધનો પાઠ કરી તેણે શ્રીકૃષ્ણને પામી લીધા.
પિતા વનમાં ગયા એટલે એક દિવસ ધુન્ધુકારીએ માતાને ખૂબ મારી અને ‘ધન ક્યાં છે બતાવ’ કહ્યું. તેની ધમકીથી ડરી જઈને તથા પુત્રના ક્લેશોથી કંટાળી જઈને તે રાતે કૂવામાં પડી અને મૃત્યુ પામી. યોગનિષ્ઠ ગોકર્ણ તો તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી કોઈ સુખ દુઃખ ન થયું. તેમને ન કોઈ મિત્ર, ન કોઈ શત્રુ.
ધુન્ધુકારી પાંચ વેશ્યાઓને લઈને ઘરમાં રહેવા લાગ્યો. તેમને માટે ભોગસામગ્રી મેળવવામાં તેણે બુદ્ધિ ગુમાવી દીધી. અનેક ક્રૂરતા આચરવી પડી. એક દિવસે તે વેશ્યાઓએ તેની પાસે બહુ ઘરેણાં માગ્યાં. તે કામાંધ બની ગયો હતો. મૃત્યુનો કશો ભય ન હતો. એટલે ઘરેણાં લેવા નીકળી પડ્યો. આમથી તેમથી ઘણું ધન ચોરીને આવ્યો, તે સ્ત્રીઓને સુંદર વસ્ત્ર અને ઘરેણાં આપ્યાં. ચોરીની આવી ઘણી માલમત્તા જોઈને તે સ્ત્રીઓએ વિચાર્યું, ‘આ દરરોજ ચોરી કરે છે એટલે એક દિવસ તો રાજા તેને પકડી પાડશે. બધું ધન છિનવીને તેને મૃત્યુદંડ આપશે. હવે જો એક દિવસ તે મરવાનો જ છે તો આપણે જ આ ધનરક્ષા કરવા ગુપ્ત રીતે તેને મારી કાઢીએ તો- એને મારી નાખીને આ બધી માલમત્તા લઈને જતા રહીશું.’ પછી સૂતેલા ધુન્ધુકારીને દોરડે બાંધી, તેના ગળે દોરડાનો ફંદો નાખ્યો. પણ તે જલદી મૃત્યુ ન પામ્યો એટલે તેના મોઢા પર સળગતા અંગારા નાખ્યા, તે અગ્નિજ્વાળાઓને કારણે મૃત્યુ પામ્યો. તેના શરીરને તે સ્ત્રીઓએ એક ખાડામાં દાટી દીધું. સાચું કહ્યું છે સ્ત્રીઓ મોટે ભાગે સાહસિક હોય છે, તેમણે કરેલા આ સાહસની જાણ કોઈને ન થઈ. લોકો પૂછે ત્યારે કહેતી, ‘અમારો પ્રિયતમ ધન કમાવા ક્યાંક દૂર દૂર ગયો છે, આ વર્ષે જ પાછો આવશે.’ બુુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ભરોસો નહીં કરવો, તેમની વાણી કામી પુરુષોના હૃદયમાં તો અમૃત સીંચે પણ તેમનું હૃદય છરાની ધાર જેવું. આ સ્ત્રીઓને તો વળી પ્રિય કોણ હોય?
એ વેશ્યાઓ ધુન્ધુકારીની બધી માલમિલકત લઈને જતી રહી, આવું તો ન જાણે કેટલાય સાથે થયું હશે. ધુન્ધુકારી પોતાનાં કુકર્મોને કારણે પ્રેત થયો. દસે દિશાઓમાં ભટકતો રહેતો, ઠંડી ગરમીથી, ભૂખ તરસથી ત્રસ્ત રહેતો. થોડા સમયે ગોકર્ણને ધુન્ધુકારીના મૃત્યુના સમાચાર મળ્યા. તેને અનાથ માનીને ગયામાં શ્રાદ્ધ કર્યું અને પછી તો જ્યાં જાય ત્યાં તેનું શ્રાદ્ધ કરતા.
આમ ફરતાં ફરતાં ગોકર્ણ વતનમાં આવ્યા અને રાતે બધાની નજરોથી બચીને ઘરનાં આંગણે સૂવા ગયા. પછી ભાઈને સૂતેલો જોઈ ધુન્ધુકારીએ પોતાનું ભયંકર રૂપ બતાવ્યું. ક્યારેક વરુ, ક્યારેક હાથી, ક્યારેક પાડો, ક્યારેક ઇન્દ્ર તો ક્યારેક અગ્નિ. છેલ્લે તે માનવરૂપે દેખાયો. તેની આવી અવસ્થાઓ જોઈ ગોકર્ણે માની લીધું કે અહીં કોઈ અવગતિયો જીવ છે.
ગોકર્ણે પૂછ્યું, ‘કોણ છે તું? રાતે આવાં ભયંકર રૂપ શા માટે દેખાડે છે? તારી આવી દશા કેમ કરીને થઈ? તું સાચું બોલ- તું પ્રેત છે, પિશાચ છે કે રાક્ષસ છે?’
ગોકર્ણે વારે વારે પૂછ્યું એટલે તે રડવા લાગ્યો, તેનામાં બોલવાની શક્તિ ન હતી, એટલે સંકેત કર્યો. પછી ગોકર્ણે જળની અંજલિ આપી એટલે તેનાં થોડાં પાપ શમ્યાં અને તે બોલ્યો,
‘હું તારો ભાઈ-ધુન્ધુકારી. મારા પોતાનાં કર્મે જ બ્રાહ્મણત્વ ગુમાવ્યું. મારાં કુકર્મ પાર વિનાનાં છે. મેં અજ્ઞાનવશ લોકોની હિંસા કરી, છેલ્લે કુલટાઓએ મને તડપાવી મારી નાખ્યો. હવે પ્રેત બનીને દુર્દશા ભોગવી રહ્યો છું. હું અત્યારે માત્ર વાયુભક્ષણ કરું છું. તું તો દયાનિધિ છે, મને આ પ્રેતયોનિમાંથી મુક્ત કર.’
ગોકર્ણે કહ્યું, ‘મને બહુ આશ્ચર્ય થાય છે. મેં વિધિપૂર્વક ગયામાં તારું પિંડદાન કર્યું. અને તો પણ તું પ્રેતદશામાંથી મુક્ત ન થયો. જો ગયાશ્રાદ્ધમાં તારી મુક્તિ ન થઈ તો હવે બીજો કયો ઉપાય, તું મને નિખાલસ બનીને કહે, હવે મારે શું કરવું જોઈએ?’
ધુન્ધુકારીએ કહ્યું, ‘મારી મુક્તિ ગયાશ્રાદ્ધથી નહીં થાય. બીજો કોઈ ઉપાય વિચાર.’
તેની આ વાત સાંભળીને ગોકર્ણને બહુ નવાઈ લાગી. ‘જો સેંકડો ગયાશ્રાદ્ધથી તારી મુક્તિ ન થાય તો તારી મુક્તિ નરી અસંભવ છે. તું હમણાં તો તારા સ્થાને રહે. પછી તારી મુક્તિ માટે કોઈ ઉપાય વિચારીશ.’
ગોકર્ણના કહેવાથી ધુન્ધુકારી પોતાના થાનકે જતો રહ્યો. ગોકર્ણે આખી રાત વિચાર્યું તો પણ કોઈ ઉપાય ન મળ્યો. સવારે તેને આવેલો જાણી બધા લોકો તેને મળવા આવ્યા. રાતે બનેલી ઘટના ગોકર્ણે બધાને કહી દીધી. જેઓ શાસ્ત્રોના જાણકાર હતા તેમને પણ કોઈ ઉપાય મળ્યો નહીં. બધાએ સૂર્ય નારાયણના માર્ગદર્શનનો વિચાર કર્યો. ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિ રોકી તેમની સ્તુતિ કરી. છેવટે સૂર્યદેવે તેમને શ્રીમદ્ભાગવતનું પારાયણ કરવા કહ્યું. એટલે ગોકર્ણે ભાગવતકથા કહેવાની તૈયારી કરી. દૂર દૂરથી લંગડાંલૂલાં, આંધળાં-બહેરાં, મૂરખ — બધાં કથા સાંભળવા આવ્યાં. ત્યાં એકત્ર થયેલી મેદનીથી દેવતાઓને પણ આશ્ચર્ય થયું. વ્યાસપીઠ પર બેસીને ગોકર્ણ જ્યારે કથા કરતા હતા ત્યારે પેલો પ્રેત પણ આવ્યો, તે પોતાને બેસવા માટેની જગા શોધવા લાગ્યો. પછી તેની નજર એક સીધા મૂકેલા સાત ગાંઠવાળા વાંસ પર પડી. તે વાંસના નીચલા ભાગના છિદ્રમાંથી પ્રવેશ્યો, વાયુરૂપ હોવાને કારણે તે બહાર બેસી શકતો ન હતો.
ગોકર્ણે એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી કથા સંભળાવા માંડી. સાંજે જ્યારે કથા અટકાવી ત્યારે બધા શ્રોતાના દેખતાં જ વાંસની એક ગાંઠ ફાટી અને એમ કરતાં કરતાં બીજે દિવસે, ત્રીજે દિવસે, સાતમે દિવસે બધી ગાંઠ ફાટી ગઈ અને સાત દિવસમાં સાત ગાંઠ ફાડીને ધુન્ધુકારી પ્રેતદશામાંથી મુક્ત થયો અને દિવ્ય રૂપે બધા સમક્ષ પ્રગટ થયો. ઘનશ્યામ શરીર, પીતાંબર, તુલસીમાલા, માથે મુકુટ, કાને કુંડળ-પછી ગોકર્ણને પ્રણામ કરી બોલ્યો, ‘ભાઈ, તેં મને છોડાવ્યો, ભાગવતકથા કહી, અને સાથે બધાની આગળ ભાગવત મહિમા સંભળાવ્યો.’
આ બધી વાતો ચાલતી હતી ત્યારે વૈકુંઠવાસી પાર્ષદોને લઈને એક વિમાન આવ્યું અને ધુન્ધુકારી એમાં બેસી ગયો. ત્યારે ગોકર્ણે પૂછ્યું, ‘આ એક જ વિમાન કેમ? આ બધા શ્રોતાઓ માટે કેમ નહીં?’
એટલે પાર્ષદોએ કહ્યું, ‘કથા એ બધાએ સાંભળી પણ ધુન્ધુકારીએ તો ખાધાપીધા વિના કથા સાંભળી, અને એકાગ્રચિત્તે સાંભળી. મન આમતેમ ભટકતું હોય તો કથાશ્રવણ અર્થહીન બની રહે. તમને તો ભગવાન જાતે આવીને ગોલોકમાં લઈ જશે.’
પછી તો ફરી ગોકર્ણે કથા કહી અને કથા પૂરી થઈ એટલે ભગવાન વિમાન લઈને આવ્યા, ગોકર્ણને પોતાના જેવો બનાવી દીધો, ત્યાં જેટલા જીવ હતા બધાને વિમાનો પર ચઢાવ્યા. ભગવાન ગોકર્ણને લઈને ગોલોકમાં ગયા.
(શ્રીમદ્ભાગવત્ અધ્યાય ૪થી૬)