ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/વાલ્મીકિ કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાલ્મીકિ કથા

પ્રાચીન કાળમાં સુમતિ નામના એક ભૃગુવંશી બ્રાહ્મણ હતા. તેમની પત્ની કૌશિકવંશની કન્યા હતી. સુમતિને એક પુત્ર જન્મ્યો, તેનું નામ અગ્નિશર્મા. પિતાની ઇચ્છા હોવા છતાં તે વેદાભ્યાસ કરતો ન હતો. એક વાર તેમના પ્રદેશમાં લાંબો સમય વરસાદ ન પડ્યો. ઘણા બધા લોકો દક્ષિણ દિશામાં જવા માંડ્યા. સુમતિ પણ પત્ની અને પુત્રને લઈને વિદિશાના વનમાં ગયા અને ત્યાં આશ્રમ ઊભો કરીને રહેવા લાગ્યા. અગ્નિશર્મા લૂંટારુઓ સાથે ભળી ગયો. જે કોઈ રસ્તે મળે તેને મારીને લૂંટી લેતો હતો. તેને પોતાના બ્રાહ્મણત્વની સ્મૃતિ ન રહી. વેદ ભુલાયા, ધ્યાન કરવાનું ન રહ્યું. એક વેળા તીર્થયાત્રા કરવા નીકળેલા સપ્તષિ તે રસ્તે થઈને નીકળ્યા. અગ્નિશર્માએ તેમને મારવાની ધમકી આપી કહ્યું, ‘આ બધાં વસ્ત્ર, છત્ર, પગરખાં ઉતારી દો.’

તેની વાત સાંભળીને અત્રિએ કહ્યું, ‘તારા મનમાં અમને દુઃખ પહોંચાડવાનો વિચાર આવ્યો કેવી રીતે? અમે તો તપસ્વી છીએ અને તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ.’

અગ્નિશર્મા બોલ્યો, ‘મારા માતાપિતા, પત્ની અને પુત્ર છે. તેમનું પાલનપોષણ હું કરું છું. એટલે આ કામ કરવું પડે છે.’

અત્રિએ કહ્યું, ‘તું તારા પિતા પાસે જઈને પૂછ કે હું તમારા બધા માટે પાપ કરું છું તે પાપ કોને અડશે? જો તે પાપ કરવાની આજ્ઞા ન આપે તો તારે પ્રાણીઓનો વધ ન કરવો.’

અગ્નિશર્મા બોલ્યો, ‘હજુ સુધી તો મેં ક્યારેય આવી વાત પૂછી નથી, આજે તમારી સાથે વાત કરતાં આ સમજાયું છે. હવે હું તેમને પૂછીને આવું છું, હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં રહેજો.’

આમ કહીને અગ્નિશર્મા તરત જ પોતાના પિતા પાસે જઈને બોલ્યો, ‘પિતાજી, ધર્મનાશથી અને બીજાઓને યાતના આપવાથી મોટું પાપ થાય છે. મારે ગુજરાન માટે આ પાપ કરવું પડે છે, તો કહો, આ પાપ કોને લાગે?’

માતાપિતાએ ઉત્તર આપ્યો, ‘તારા પાપ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તું જે કરે તે તું જાણે. તેં જે કર્યું તે તારે ભોગવવાનું.’ પછી અગ્નિશર્માએ પોતાની પત્નીને પણ પૂછ્યું, તેણે પણ એવો જ ઉત્તર આપ્યો, ‘આ પાપ સાથે મારે કોઈ સંબંધ નથી, બધું પાપ તમને જ લાગશે.’ તેણે પોતાના પુત્રને પૂછ્યું. તેણે ઉત્તર આપ્યો, ‘હું તો હજુ બાળક છું.’

તેમની વાતચીત અને વ્યવહાર સમજીને અગ્નિશર્મા મનોમન બોલ્યો, ‘અરે, મારું તો આવી જ બન્યું. હવે મારે એ તપસ્વીઓનું શરણ સ્વીકારવું પડશે.’

પછી તેણે જેનાથી તે પ્રાણીઓનો વધ કરતો હતો તે ડંડો ફેંકી દીધો અને તે મુનિઓ આગળ ઊભો રહી ગયો. ત્યાં તે તેમના પગે પડ્યો અને બોલ્યો, ‘તપસ્વીઓ, મારા માતાપિતા, પત્નીપુત્ર કોઈ નથી, બધાએ મારો ત્યાગ કર્યો છે. હવે મને રસ્તો સૂઝાડી નરકમાંથી બચાવો.’

તેની આ વાત સાંભળીને ઋષિઓએ અત્રિ મુનિને કહ્યું, ‘તમારી વાતથી જ તેને બોધ પ્રાપ્ત થયો છે, તો તમે જ એના પર કૃપા કરો. તે તમારો જ શિષ્ય બને.’

અત્રિએ તેમની વાત સ્વીકારીને અગ્નિશર્માને કહ્યું, ‘તું આ વૃક્ષ નીચે બેસીને રામનામનો મંત્ર જપ, તેનાથી તને સિદ્ધિ પ્રાપ્ત થશે.’ એમ કહી બધા ઋષિઓ ત્યાંથી જતા રહ્યા. અગ્નિશર્મા તેર વર્ષો સુધી મુનિએ બતાવેલા ધ્યાનયોગમાં પ્રવૃત્ત રહ્યો. તે સ્થિર થઈ ત્યાં બેસી રહ્યો. તેના ઉપર ઊધઈ જામી ગઈ. તેર વર્ષો પછી તે સપ્તષિર્ઓ ત્યાંથી પસાર થયા ત્યારે રાફડામાંથી આવતો રામનામનો ધ્વનિ તેમણે સાંભળ્યો. બધાને બહુ નવાઈ લાગી. તેમણે રાફડો લાકડા વડે દૂર કર્યો એટલે અગ્નિશર્મા દેખાયો. તેણે ઊભા થઈને તપના તેજે ઝળહળતા બધા ઋષિઓને પ્રણામ કર્યાં અને તે બોલ્યો, ‘મુનિવરો, તમારી જ કૃપાથી આજે મને શુભ જ્ઞાન મળ્યું છે, અત્યાર સુધી તો હું પાપના કળણમાં ડૂબેલો હતો. તમે મારો ઉદ્ધાર કર્યો.’

તેની વાત સાંભળીને સપ્તષિર્ઓ બોલ્યા, ‘તું એક ચિત્તે વલ્મીકમાં બેઠો રહ્યો એટલે તું આ પૃથ્વી ઉપર વાલ્મીકિ નામથી પ્રસિદ્ધ થઈશ.’

એમ કહીને મુનિઓ ચાલ્યા ગયા અને વાલ્મીકિએ રામાયણની રચના કરી.


(આવન્ત્ય ખંડ)