ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/સત્યનારાયણ વ્રતની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્યનારાયણ વ્રતની કથા

પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના સત્યવાદી, જિતેન્દ્રિય, પરાક્રમી રાજા થઈ ગયા. તે રાજા દરરોજ મંદિરમાં જઈ બ્રાહ્મણોને ધન આપી સંતુષ્ટ કરતા. તેમની પત્ની ભદ્રશીલા પતિપરાયણા, કમલવદના હતી. રાજા રાણીની સાથે સમુદ્રકાંઠે જઈ સત્યનારાયણનું વ્રત નિયમિત રીતે કરતા હતા. એક દિવસ જ્યારે રાજા વ્રત કરી રહ્યા હતા ત્યારે સાધુ નામનો વાણિયો ત્યાં આવ્યો. તે વેપાર કરવા વિવિધ પ્રકારનાં રત્ન અને બીજું બધું નૌકામાં ભરી લાવ્યો હતો. સમુદ્રકાંઠે નૌકા નાંગરીને તેણે વ્રત કરતા રાજાને જોઈને પૂછ્યું, ‘રાજન્, ભક્તિભાવથી તમે આ કોનું વ્રત કરી રહ્યા છો? મારે આ જાણવું છે. તો તમે મને કહો.’

રાજાએ કહ્યું, ‘હું સ્વજનો સાથે અદ્વિતીય વિષ્ણુ ભગવાનની પૂજા કરી રહ્યો છું. મારું આ વ્રત પુત્રપ્રાપ્તિ માટે છે.’

એટલે સાધુએ પણ તે વ્રતનો વિધિ પૂછ્યો. તે પણ નિ:સંતાન હતો, ‘હું પણ આ વ્રત સંતાનપ્રાપ્તિ માટે કરવા માગું છું.’

આમ કહી સાધુ વાણિયાએ રાજા પાસેથી વ્રતનો બધો વિધિ જાણી લીધો અને વેપારધંધાનું કામ પૂરું કરીને તે ઘરે આવ્યો. થોડા જ દિવસોમાં તેની પત્ની સગર્ભા થઈ અને યોગ્ય સમયે તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે તો શુક્લ પક્ષના ચંદ્રની જેમ રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. વાણિયાએ તેના સંસ્કાર કરાવીને તેનું નામ પાડ્યું કલાવતી. પછી એક દિવસે સાધુ વાણિયાને તેની પત્ની લીલાવતીએ કહ્યું, ‘સ્વામી, તમે બહુ પહેલાં સત્યનારાયણના વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી, તે વ્રત તમે કરતા કેમ નથી?’

સાધુ વાણિયાએ ઉત્તર આપ્યો કે ‘હું કલાવતીના વિવાહ વખતે આ વ્રત કરીશ.’

આમ કહી પત્નીને ધીરજ બંધાવી તે સમુદ્રકાંઠે જતો રહ્યો. પછી પુત્રીના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવા તેણે માણસ મોકલ્યા. તે માણસ કલાવતીને માટે એક ઉત્તમ વરની શોધ કરીને તે વણિકને લઈને ઘેર આવ્યો. સાધુ વાણિયો તે સુંદર અને ગુણવાન વણિકપુત્રને જોઈ રાજી થયો અને તેણે પુત્રીનો વિવાહ કરી દીધો. દુર્ભાગ્યે તે વ્રતની વાત વાણિયો પાછો ભૂલી ગયો. એટલે ભગવાન તેના પર ક્રોધે ભરાયા. થોડા દિવસે સાધુ વાણિયો જમાઈને લઈને વેપાર માટે પરદેશ ગયો. રાજા ચંદ્રકેતુના રાજ્યમાં સમુદ્રકાંઠે રત્નસાર નગરમાં પહોંચ્યો. તે વેળા સત્યનારાયણ ભગવાને સાધુને જૂઠો જાણીને શાપ આપ્યો, ‘થોડા જ દિવસોમાં તારા પર દુઃખના પહાડ તૂટી પડશે.’

એક દિવસ કોઈ ચોરે રાજમહેલમાં ચોરી કરી અને ધન લઈને સાધુના નિવાસસ્થાન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે રાજાના સૈનિકો આવી રહ્યા છે. તેણે ગભરાઈને બધું ધન ત્યાં મૂકી દીધું અને તે ભાગી ગયો. સૈનિકોએ જોયું તો સાધુના ઘર પાસે બધું ધન પડ્યું હતું, તેઓ સસરા અને જમાઈને પકડીને બંનેને રાજા પાસે લઈ ગયા. રાજાના કહેવાથી બંનેને કારાવાસમાં પૂરી દીધા. કોઈએ કશો વિચાર ન કર્યો, બંનેએ પોતાના બચાવમાં બહુ કહ્યું, પણ ભગવાનની માયાને કારણે કોઈએ કશું સાંભળ્યું નહીં. રાજાએ તેમની બધી માલમિલકત છિનવી લીધી.

આ બાજુ લીલાવતી અને કલાવતી પર પણ આપત્તિ આવી પડી. ઘરમાં જે કંઈ ધન હતું તે બધું ચોરો લઈ ગયા. લીલાવતી માનસિક અને શારીરિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને ખાવાપીવાના પણ સાંસાં પડવા લાગ્યાં. કલાવતી પણ અન્ન માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખે પીડાતી તે કોઈ બ્રાહ્મણને ઘેર પહોંચી. ત્યાં જોયું તો સત્યનારાયણનું વ્રત ચાલતું હતું. તે ત્યાં જ બેસી ગઈ અને કથા સાંભળી. ભગવાન પાસે પોતાના મનોરથ પૂર્તિ માટે પ્રાર્થના કરી. પછી પ્રસાદ લઈને તે ઘેર પહોંચી.

લીલાવતીએ પુત્રીને બહુ ઠપકો આપ્યો, ‘તું આટલી રાત સુધી ક્યાં ગઈ હતી, તારા મનમાં શું છે?’

કલાવતીએ કહ્યું, ‘મા, એક બ્રાહ્મણને ઘેર સત્યનારાયણનું વ્રત ચાલતું હતું. હું ત્યાં હતી. આ વ્રત આપણા મનોરથ પાર પાડે છે.’

કન્યાની વાત સાંભળીને લીલાવતી એ વ્રત કરવા તૈયાર થઈ અને સ્વજનો સાથે એ વ્રત કર્યું. ‘મારા પતિ અને જમાઈ જલદી ઘેર પાછા આવે. મારા પતિના અને જમાઈના અપરાધ માફ કરજો.’

વણિકપત્નીના વ્રતથી ભગવાન પ્રસન્ન થયા અને ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, ‘સવારે તે બંનેને છોડી મૂકજે, તેમનું જે ધન લઈ લીધું છે તેનાથી બમણું ધન પાછું આપજે. નહીંતર હું તારા રાજ્યને પુત્ર સમેત નષ્ટભ્રષ્ટ કરીશ.’

રાજાની આજ્ઞાથી તે બંનેને છોડી મૂક્યા. તે બંનેને જૂની વાતો યાદ આવી અને ભગવાન સત્યનારાયણનો મહિમાનું સ્મરણ કરી નવાઈ પામ્યા. રાજાને તેમણે પ્રણામ કર્યાં, રાજાએ પણ તેમને કહ્યું, ‘દૈવવશાત્ તમને બહુ દુઃખ પડ્યું, હવે તમે મુક્ત અને નિર્ભય છો.’ પછી રાજાએ તે બંનેને સુવર્ણ અને રત્નજડિત અલંકારો આપ્યા અને પડાવી લીધેલા ધન કરતાં બમણું ધન આપી તેમને ઘેર જવા કહ્યું. સાધુ રાજાને પ્રણામ કરી બોલ્યો, ‘તમારી કૃપાથી હું હવે ઘેર જઈ શકીશ.’

પછી તે સાધુએ બ્રાહ્મણોને દાન આપીને ઘેર જવાની તૈયારી કરી. થોડે દૂર એક સાધુના વેશે આવેલા ભગવાન સત્યનારાયણે તેને પૂછ્યું, ‘આ તારી નૌકામાં શું ભરેલું છે?’ ત્યારે છકી જઈને સાધુએ કહ્યું, ‘તમારે કેમ પૂછવું પડે છે? રૂપિયા જોઈએ છે? મારી નૌકામાં તો વેલપાંદડાં છે.’

આ સાંભળી ભગવાને કહ્યું, ‘તમારી વાણી સત્ય થાઓ.’ થોડે દૂર ગયા પછી સાધુએ નૌકા પર જઈને જોયું તો નૌકામાં વેલપાંદડાં ભરેલાં હતાં. તે તો આ જોઈને બેસુધ થઈ ગયો. થોડી વારે તે સ્વસ્થ થયો ત્યારે તેના જમાઈએ કહ્યું, ‘તમે શોક કેમ કરો છો? પેલા સાધુના શાપને કારણે આમ થયું છે. આપણે તેમને પ્રાર્થના કરીએ, તે સર્વશક્તિમાન છે.’

જમાઈની વાત સાંભળી સાધુ દોડીને તેમની પાસે ગયો અને બોલ્યો, ‘હું તો દુરાત્મા છું. તમારી માયાથી મુગ્ધ બનીને ગમેતેમ બોલ્યો. મને ક્ષમા કરો. સાધુઓ તો ક્ષમા કરતા જ હોય છે.’ અને આમ કહી તે વારે વારે પ્રણામ કરવા લાગ્યો.

તે જોઈને ભગવાન બોલ્યા, ‘વિલાપ ન કર.મારું અપમાન કરીને તું મારાથી વિમુખ થઈ ગયો હતો. એટલે જ વારે વારે તને દુઃખ ભોગવવાં પડે છે.’ પછી સાધુ વાણિયાએ ભગવાનની સ્તુતિ વારે વારે કરી એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું. પછી સાધુ વાણિયાએ જોયું તો નૌકા ધનરત્નોથી ભરેલી છે. ‘સત્યનારાયણની કૃપાથી બધું હેમખેમ પાર ઊતર્યું છે.’ એમ કહી મિત્રો સાથે ભગવાનની કથા કરી અને યાત્રા આગળ ધપાવી, નૌકા સડસડાટ ચાલવા લાગી. બંને તેમના વતનમાં આવી ગયા. સાધુએ જમાઈને કહ્યું, ‘જુઓ, આ આપણી નગરી.’ સાધુએ એક દૂત મોકલ્યો અને તેણે ઘેર જઈને લીલાવતીને સમાચાર આપ્યા, ‘તમારા પતિ ઘણી સંપત્તિ લઈને જમાઈ સાથે આવી પહોંચ્યા છે.’

આ સમાચાર સાંભળી તે બહુ રાજી થઈ અને સત્યનારાયણની પૂજા કરીને કહ્યું, ‘હું આગળ જઉં છું, તું પણ ચાલ.’ પણ કલાવતી પ્રસાદ લીધા વિના જ નીકળી પડી. એટલે ભગવાન કોપ્યા અને જમાઈ સમેત આખી નૌકા અદૃશ્ય થઈ ગઈ. કલાવતીએ પતિને ન જોયા એટલે બેસુધ થઈ ગઈ. પુત્રીની આ દશા જોઈને સાધુ દુઃખી થયો, તેને નવાઈ લાગી, બીજા માણસો પણ અચરજ પામ્યા. આ જોઈને લીલાવતીએ કહ્યું, ‘મેં હમણાં તો જમાઈને જોયા હતા, કયા દેવે તેનું હરણ કર્યું? બધાં સ્વજનો પણ વિલાપ કરવા લાગ્યા. કલાવતીએ પતિને ડૂબેલો જાણી તેની પાદુકા લઈને સતી થવાનો વિચાર કર્યો. ધર્મજ્ઞ સાધુએ પોતાની પુત્રીની આ દશા જોઈ વિચાર્યું કે સત્યનારાયણ ભગવાનની માયાથી જ આ બધું થયું છે. હવે હું ધામધૂમથી વ્રત કરીશ.’

સાધુ વાણિયાએ લોકોને બોલાવી વ્રત કરવાનો નિશ્ચય જણાવ્યો અને ભગવાનને તે પ્રણામ કરવા લાગ્યો. ત્યાં આકાશવાણી થઈ, ‘તારી પુત્રી મારી કથાનો પ્રસાદ લીધા વિના આવી છે એટલે તેનો પતિ અદૃશ્ય થયો છે, તે ઘેર જાય અને પ્રસાદ લઈને આવશે તો તે પતિને જોઈ શકશે.’

કલાવતી આ વાણી સાંભળી ઘેર ગઈ, પ્રસાદ લઈ પાછી આવી અને જોયું તો બધું હેમખેમ હતું. પછી તેણે પિતાને ઘેર જવા કહ્યું, સાધુએ ભગવાનનું વ્રત કર્યું અને ત્યાર પછી દરેક સંક્રાંતમાં અને દર પૂનમે વ્રત કરતો થયો.

પ્રાચીન કાળમાં વંશધ્વજ નામના એક રાજા થઈ ગયા. તે પ્રજાપાલન સારી રીતે કરતા હતા. એક દિવસ તે વનમાં મૃગયા માટે ગયા. ત્યાં જઈ અનેક પ્રાણીઓ માર્યાં અને પછી આરામ કરવા એક વડના ઝાડ નીચે બેઠા. જોયું તો ગોવાળિયા બહુ ભાવપૂર્વક સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. રાજાએ પૂજા જોઈ પણ અભિમાનને કારણે ત્યાં તે ગયો નહીં, પ્રણામ પણ ન કર્યાં. ગોવાળો રાજા પાસે પ્ર્રસાદ લઈને આવ્યા પણ તેણે પ્રસાદ લીધો નહીં. પરિણામે તેમના સો પુત્રો મરી ગયા, બધી સંપત્તિ નષ્ટ પામી. પછી તેમણે વિચાર્યું, ‘ભગવાને જ આ બધો વિનાશ કર્યો છે.’ એટલે ગોવાળોએ જ્યાં પૂજા કરી હતી ત્યાં જઈને તેમણે ભક્તિભાવથી પૂજા કરી, એટલે તે પાછા હતા તેવા ને તેવા થઈ ગયા, પુત્ર, સંપત્તિ બધું પાછું મળ્યું.


(આવન્ત્ય ખંડ, રેવા ખંડ)