ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/ચેલ્લણા અને શ્રેણિક રાજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચેલ્લણા અને શ્રેણિક રાજાની કથા

ચેલ્લણા સાથે શ્રેણિક રાજા સુખચેનથી રહેતો હતો, તે પત્નીના કેશ પણ ગૂંથી આપતો હતો. તેના ગાલે કસ્તુરીનું લેપન કરતો હતો, રાતદિવસ તે પત્નીનું પડખું પણ મૂકતો ન હતો. એવામાં ગરીબોને અકળાવી નાખતી શિશિર ઋતુ આવી. શ્રીમંતો સગડીઓ સળગાવી ટાઢ ઉડાડવા માંડ્યા. ગરીબ લોકોનાં બાળક ખુલ્લા હાથ કરીને ધૂ્રજતા ઊભા રહેતાં હતાં, તેમના દાંત કડકડતા હતા. યુવાન પુરુષો પ્રિયાઓના વક્ષ:સ્થળેથી હાથ ખસેડતા ન હતા. એવામાં જ્ઞાનચંદન વીરપ્રભુ આવ્યા. તે સમાચાર સાંભળી શ્રેણિક રાજા બપોરે ચેલ્લણાદેવી સાથે તેમને વંદન કરવા આવ્યા. પાછા આવતી વખતે કોઈ જળાશય પાસે એક મુનિ જોયા. ઉત્તરીય વિનાના તે મુનિ ઠંડી સહન કરતા હતા. રાજારાણીએ તેમની વંદના કરી, પછી બંને મહેલમાં આવ્યાં.

સાયંકાળે બધાં નિત્યકર્મ પતાવી રાજા શયનગૃહમાં ગયો. અને રાજા પત્નીની છાતી પર હાથ મૂકીને સૂઈ ગયો. રાજાના આલિંગનથી રાણીને પણ ઊંઘ આવી ગઈ. ફરી હાથને અંદર લીધો. તે જ વેળા પેલા ઉત્તરીય વસ્ત્ર વિનાના મુનિનું સ્મરણ થયું, તે બોલી પડી, ‘આવી ઠંડીમાં તેનું શું થતું હશે?’ આમ બોલીને તે ઊંઘી ગઈ. ચેલ્લણાના આ બોલથી રાજા જાગી ગયો, તે વિચારવા લાગ્યો, ‘આના મનમાં કોઈ બીજો પુરુષ રમતો હોવો જોઈએ.’ આવા વિચારને કારણે રાજા ઊંઘી ન શક્યો.

સવારે ચેલ્લણાને અંત:પુરમાં મોકલી, અભયકુમારને શ્રેણિકે બોલાવ્યો, ‘વત્સ, મારું અંત:પુર દુરાચારથી ભરેલું છે, તે તું બાળી નાખ. માતા પર જરાય મોહ રાખીશ નહીં.’ આમ અભયને આજ્ઞા આપી રાજા ભગવાનને વંદવા ગયા. અભય પિતાની આજ્ઞા સાંભળીને તો ડરી જ ગયો. પણ તે વિચારીને કામ કરનાર હતો એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યો, ‘મારી બધી માતાઓ તો મહાસતીઓ છે, હું તેમનો રક્ષક. પિતાની આવી આજ્ઞાનું શું કરવું? પણ થોડો સમય જશે તો પિતાનો ક્રોધ શમી જશે.’ એમ વિચારી અંત:પુર પાસેની હાથીખાનાની જીર્ણ કુટીરો સળગાવી દીધી અને ઘોષણા કરી કે અંત:પુર સળગાવી દીધું.

દરમિયાન શ્રેણિક રાજાએ વીરપ્રભુને પૂછ્યું, ‘હે પ્રભુ, ચેલ્લણા એક પતિવાળી છે કે અનેક પતિવાળી?’ પ્રભુએ કહ્યું, ‘તારી પત્ની ચેલ્લણા મહાસતી છે, શીલથી તે શોભે છે, તેના પર કશી શંકા કરીશ નહીં.’

પ્રભુની વાત સાંભળી પશ્ચાત્તાપ કરતો રાજા પોતાના નગર બાજુ ઉતાવળે ચાલ્યો. આ તરફ અભય આગ ચાંપીને આવતો હતો, તે સામે મળ્યો. રાજાએ પૂછ્યું, ‘મારી આજ્ઞાનું પાલન કર્યું?’ અભયે નિર્ભય થઈને કહ્યું, ‘તમારી આજ્ઞા બીજાઓ માને તો હું કેમ ન માનંુ?’

રાજા બોલ્યો, ‘અરે પાપી, તારી માતાઓને બાળીને તું કેમ જીવે છે? તું કેમ બળી ન મર્યો?’ અભયે કહ્યું, ‘ભગવાનની આજ્ઞા થશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.’

રાજાએ કહ્યું, ‘મારી વાત માનીને આવું અકાર્ય કેમ કર્યું?’ એમ બોલી જાણે ઝેર પી ગયો હોય તેમ રાજા જમીન પર પડી ગયો. અભયે તેમના પર શીતળ જળનો છંટકાવ કરી કહ્યું, ‘અંત:પુરમાં બધે કુશળતા છે. કોઈ દુર્ભાગ્યને કારણે તમે આવી આજ્ઞા કરી પણ મેં એનું પાલન કર્યું નથી. એ મારો અપરાધ. મેં અંત:પુર પાસેની હાથીઓની જીર્ણ કુટીરો બાળી નાખી છે.’

રાજા તે સાંભળીને આનંદ પામ્યો, ‘વત્સ, તું મારો સાચો પુત્ર, મારા પર આવેલું કલંક તે દૂર કર્યું.’ અભયને પારિતોષિક આપી રાજા અંત:પુરમાં જઈને ચેલ્લણા સાથે આનંદ મનાવતો રહ્યો.

(પર્વ ૧૦)