ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કર્ણને બ્રાહ્મણનો શાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્ણને બ્રાહ્મણનો શાપ

(કર્ણ શલ્ય રાજાને કોઈ બ્રાહ્મણે આપેલા શાપની વાત કરે છે.)

એક સમયે હું શસ્ત્રવિદ્યા અજમાવવા વિજય નામના કોઈ બ્રાહ્મણના આશ્રમની આસપાસ ઘૂમતો હતો. તે વખતે અજાણતાં જ મારા એક ઘોર બાણથી તે બ્રાહ્મણની હોમધેનુનો વાછરડો વીંધાઈ ગયો. એટલે તે બ્રાહ્મણે મને કહ્યું, ‘તેં પ્રમાદવશ મારી ગાયના વાછરડાને મારી નાખ્યો છે. હું તને શાપ આપું છું. તું જ્યારે રણભૂમિમાં યુદ્ધ કરતો હોઈશ ત્યારે તને એક મોટો ભય નડશે. તારા રથનું પૈંડું ખાડામાં ગરકી જશે.’

તે બ્રાહ્મણના શાપની મને બહુ બીક લાગે છે. તે બ્રાહ્મણને પ્રસન્ન કરવા એક હજાર ગાય અને છસો બળદ આપવાની તૈયારી બતાવી પણ તેણે એનો અસ્વીકાર કર્યો. ત્યાર પછી મેં સાતસો હાથી અને સેંકડો દાસદાસીઓ આપવાની તૈયારી બતાવી પણ તે બ્રાહ્મણે તેનોય અસ્વીકાર કર્યો. શ્વેત વાછરડાવાળી ચૌદ હજાર કાળી ગાયો આપવા બેઠો તોય તે ન માન્યા. મેં સમૃદ્ધ ઘરબાર અને પુષ્કળ ધનસંપત્તિ આપવાની વાત કરી પણ તે કશું લેવા તૈયાર જ ન હતા. મેં મારા અપરાધની બહુ ક્ષમા માગી, પણ તેમણે કહ્યું, ‘મેં જે કહ્યું છે તે થશે ને થશે જ, તેમાં કોઈ મીનમેખ નહીં થાય. અસત્ય વાણી પ્રજાનો નાશ કરે છે એટલે હું ધર્મરક્ષા કરવા ખોટું નહીં બોલું. તું પ્રલોભનો આપીને બ્રાહ્મણવર્ગની ઉત્તમ ગતિવિધિનો નાશ ન કર. તેં પશ્ચાત્તાપ કરીને અને દાન વડે વાછરડાની હત્યાનું પ્રાયશ્ચિત્ત કરી લીધું છે. આ જગતમાં મારી વાતને કોઈ કરતાં કોઈ મિથ્યા કરી નહીં શકે. એટલે મારો શાપ એવો ને એવો જ રહેશે.’ (ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૨૯)