ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વાઘ અને શિયાળની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાઘ અને શિયાળની કથા

જૂના જમાનામાં સમૃદ્ધ પુરિકા નગરીમાં પરહિંસામાં રત, ક્રૂર, પુરુષોમાં અધમ એવો પૌરિક નામનો રાજા હતો. આયુષ્ય પૂરું થવાથી કોઈ ન ઇચ્છે એવી ગતિ પ્રાપ્ત કરીને પૂર્વકર્મના દોેષથી બીજા જન્મમાં તે શિયાળ થયો. પૂર્વ જન્મના ઐશ્વર્યને યાદ કરીને તે દુઃખ અને વૈરાગ્ય પામ્યો. બીજાઓ લાવી આપે તો પણ તે માંસભક્ષણ કરતો ન હતો. બધા જીવોમાં તે અહિંસક, સત્યવાદી, દૃઢવ્રતી હતો, યથાકાળે ખરેલાં ફળ ખાઈને તે જીવતો હતો. સ્મશાનમાં જ તે નિવાસ કરતો હતો. જન્મભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે તે કોઈ અન્ય સ્થળે નિવાસ કરવા માગતો ન હતો. સમાન જાતિવાળા શિયાળોથી તે આ પ્રકારે પવિત્ર રહેતો હતો તે સહન ન થયું, તે બધા શાંતિથી તેની બુદ્ધિ વિચલિત કરવા લાગ્યા. તેમણે કહ્યું, ‘તું ભયાનક સ્મશાનમાં શુદ્ધ રહેવા માગે છે, તારી આવી વિપરીત બુદ્ધિ કેમ થઈ? તું અમારા જેવો થઈને રહે. અમે તને ભક્ષ્ય પદાર્થ લાવી આપીશું. પવિત્ર આચરણ ત્યજીને ભોજન કર, જે અમારું ભોજન છે તે જ તું આરોગ.’

જંબૂકે એ વચન સાંભળીને સ્થિર ચિત્તે, નિષ્ઠુર બન્યા વિના મધુર વચનથી ઉત્તર આપ્યો, ‘મારા જન્મનું કોઈ પ્રમાણ નથી, સારા આચરણથી કુળની પ્રતિષ્ઠા થાય છે, જેનાથી કુળનો યશ વધે તેવાં કર્મ કરવાની પ્રાર્થના કરું છું. સ્મશાનમાં રહેવા છતાં હું જે સમાધાન કહું છું તે સાંભળો, આત્મા જ કર્મફળ ભોગવે છે, આશ્રય કોઈ ધર્મનું લક્ષણ નથી. આશ્રમમાં રહીને જે ગૌદાન કરે છે તેનાથી શું તેનાં પાપ-દાન વ્યર્થ થઈ જાય છે? તમે બધા કેવળ સ્વાર્થથી, લોભથી માત્ર ભક્ષણ કરવામાં જ લીન રહો છો; એને કારણે જે દોષ પ્રાપ્ત થાય છે તેને મોહને કારણે જોઈ શકતા નથી. અસંતોષકારિણી, નિંદનીય વૃત્તિ ધર્મહાનિને કારણે દૂષિત થાય છે, આ લોકમાં અને પરલોકમાં અનિષ્ટ કરવાવાળી વૃત્તિમાં મારી અભિલાષા નથી.

કોઈ વિખ્યાત બળવાન વાઘે શિયાળને પવિત્ર અને પંડિત સમજીને પોતાની જેમ જ તેનું સન્માન કરીને તેને પોતાનો મંત્રી બનાવ્યો. ‘હે પ્રિય, તારી પ્રકૃતિ જાણી, તું મારી સાથે રાજકાર્ય કરવા ચાલ, ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવ, જે પ્રિય ન હોય તેને ત્યજી દે. અમે તીક્ષ્ણ સ્વરૂપના કહેવાઈએ છીએ, તું કોમળતાયુક્ત વ્યવહાર કરતા કરતા હિતકારી કાર્ય કરીશ તો તારું કલ્યાણ થશે.’

ત્યાર પછી મહાત્મા મૃગેન્દ્રનાં વચનનું માન રાખીને નતમસ્તક થઈ વિનયપૂર્વક શિયાળે કહ્યું, ‘હે મૃગરાજ, મારે માટે તમે જે વાત કહી તે તમને છાજે એવી હતી, તમે જે ધર્માર્થી, કુશળ અને પવિત્ર મદદ શોધો છો તે યોગ્ય છે. હે વીર, અમાત્ય વિના એકલો રાજા પોતાના રાજ્યનું શાસન કરી શકતો નથી અથવા હે મહાભાગ, અનુરક્ત, નીતિજ્ઞ, ઉદ્યમશીલ, સદ્ભાવયુક્ત, કુશળ, બુદ્ધિશાળી, સ્વામીના હિતમાં રત, ઊંચા ચિત્તવાળા સહાયકોને મંત્રી બનાવીને તમે આચાર્ય અને પિતૃઓની જેમ તેમનું સન્માન કરો. હે મૃગરાજ, મને સંતોષ સિવાય બીજા કશામાં રુચિ નથી, હું સુખભોગ અને એની સાથેના ઐશ્વર્યની ઇચ્છા નથી કરતો. મારાં શીલ અને ચરિત્ર તમારા જૂના સેવકો સાથે નહીં મળે, તે શીલ વિનાના દુષ્ટ સેવકો મારી અને તમારી વચે ફૂટ પડાવશે. તમે બીજાં તેજસ્વી પ્રાણીઓના પણ પ્રશંસનીય આશ્રય છો, તમે પવિત્ર મનવાળા મહાભાગ પુરુષ અપરાધીઓ પ્રત્યે પણ દયાળુ છો. તમે દીર્ઘદ્રષ્ટા છો, મહાઉત્સાહી છો, ધર્માત્મા છો, મહાબળવાન છો, કૃતાર્થ છો, સફળ કાર્ય કરનારા અને ભોગોથી અલંકૃત છો. હું આત્મસંતોષી છું, મારી દુઃખમયી જીવિકા છે, રાજસેવાની વૃત્તિથી અણજાણ છું, કેવળ સ્વછંદતાથી વનની વચ્ચે ફર્યા કરું છું. જેઓ રાજાના આશ્રયમાં વસે છે, રાજાના નિકટના નિંદાજનિત દોષ તેમને થાય છે, વનવાસીઓનું વ્રત આચરણ આસક્તિરહિત તથા નિર્ભય હોય છે. અનાયાસે પ્રાપ્ત થયેલું જળ અને ભયયુક્ત સ્વાદિષ્ટ અન્ન આ બંનેની તુલના કરીએ તો જેમાં ભય ન હોય તેમાં જ સુખ છે. રાજાએ ખોટા આરોપોથી કલંકિત થયેલા લોકોને મૃત્યુદંડ આપ્યો છે, તેટલી સંખ્યામાં રાજાઓએ સાચા અપરાધીઓને દંડ નથી કર્યો. હે મૃગેન્દ્ર, જો આ રાજકાર્ય મારે કરવાનું છે એવો વિચાર તમે કરતા હો તો મારે જે પ્રકારે રહેવાનું થાય તેનો એક નિયમ કરવા માગું છું. મારાં સ્વજનોનું તમારે સન્માન કરવાનું, મારાં હિતકારી વચન તમારે સાંભળવા યોગ્ય છે, મારી જીવિકાની જે વ્યવસ્થા તમે વિચારી હશે તે તમારી નિકટ જ રહેશે. હું કદી તમારા બીજા મંત્રીઓ સાથે વિચારવિમર્શ નહીં કરું. તમારા જૂના મંત્રીઓ નીતિજ્ઞ હોવા છતાં મારા વિશે ખરુંખોટું કહેશે. હું એકાંતમાં માત્ર તમારી સાથે જ હિતકારી વાતો કરીશ. સ્વજનોની બાબતમાં તમારે પણ હિતાહિતની વાતો મને ન પૂછવી. મારી સાથે મંત્રણા કર્યા પછી તમારા જૂના મંત્રીઓની ભૂલ સાબીત થાય તો પણ તેમની હિંસા ન કરતા. મારા આત્મીયો પર ક્રોધે ભરાઈને તમે તેમનો દંડ ન કરતા.’

‘એમ જ થશે.’ મૃગેન્દ્રે એમ કહીને શિયાળનું સન્માન કર્યું, સન્માનિત થઈને વાઘના બુદ્ધિદાયક મંત્રીપદ પર બિરાજ્યા. વાઘના જૂના સેવકો શિયાળને નિજકાર્યમાં જોડાઈને સત્કૃત અને પૂજિત જોઈને બધા એક થઈને તેનો દ્વેષ કરવા લાગ્યા. દુષ્ટબુદ્ધિ મંત્રીઓએ મિત્રભાવે શિયાળને શાંત અને પ્રસન્ન કરીને પોતાની જેમ તેને પણ ખોટા માર્ગે ચાલવા સમજાવ્યો. આની પહેલાં તેઓ પરદ્રવ્ય ચોરી લેતા હતા, આ વેળા તેઓ આમ કરી ન શક્યા, શિયાળના નિયંત્રણને કારણે કશું પણ તેઓ લઈ શકતા ન હતા. તેઓ બધા શિયાળને વિચલિત કરવા માગતા હતા, અનેક પ્રકારનાં વચન અને ધનથી તેની બુદ્ધિને લોભી બનાવવા મથ્યા પરંતુ તે મહાપ્રાજ્ઞ શિયાળ કોઈ રીતે ધૈર્ય ગુમાવી બેસતો ન હતો, ત્યાર પછી બધાએ મળીને શિયાળનો નાશ કરવાનું નક્કી કર્યું, એવા પ્રયત્નો આરંભ્યા.

એક દિવસ વ્યાઘ્રને માટેનું માંસ તેને ત્યાં તૈયાર કરીને મૂક્યું હતું, તે બધાએ એ માંસ ત્યાંથી ઉઠાવીને શિયાળને ત્યાં મૂકી દીધું. આ માંસ જે કારણે જેના દ્વારા લાવવામાં આવ્યું હતું અને જેણે આ બાબતની સલાહ આપી હતી તે બધી વાતની ખબર શિયાળને હતી, પણ તેણે કશું કર્યું નહી. જ્યારે તે મંત્રી બન્યો હતો ત્યારે તેણે વાઘ સાથે નક્કી કર્યું હતું, જો મારી મૈત્રી જોઈતી હોય તો કોઈના ચઢાવ્યાથી મારો નાશ નહીં કરવો. વાઘના ભોજન માટે જે માંસ પીરસવાનું હતું તે ત્યાં નજરે ન પડ્યું; ત્યારે વાઘે આજ્ઞા કરી કે જેણે માંસ ચોર્યું હોય તેનો પત્તો મેળવો. કપટી સેવકોએ મૃગેન્દ્ર પાસે જઈને તે માંસનું વર્ણન કર્યું.

‘તમારા અત્યન્ત પ્રાજ્ઞ અને પંડિત મનાતા મંત્રીએ એ માંસની ચોરી કરી છે.’

ત્યાર પછી શિયાળની ચપળતા વિશે સાંભળીને વાઘ ગુસ્સે થયો, તેનાથી આ વાત સહન ન થઈ, શિયાળનો વધ કરવાનું તેણે નક્કી કર્યું. પહેલાના મંત્રીઓએ તેનું આ છિદ્ર જોઈને અંદરઅંદર કહેવા લાગ્યા, ‘આ શિયાળ આપણા બધાનું ભાવિ જોખમમાં મૂકી રહ્યો હતો, શિયાળનું કાર્ય જ્યારે આવું છે ત્યારે તે શું નહીં કરે? સ્વામી, તમે એને પહેલાં જેવો જોયો હતો તેવો તે હવે નથી. તે બોલવે જ ધમિર્ષ્ઠ છે, તેનું આચરણ દારુણ છે. આ પાપીએ છદ્મધર્મનો આશ્રય લીધો છે અને વૃથા આચરણ સ્વીકાર્યું છે, ભોજન માટે જ તેણે વ્રતનિયમો આદર્યા છે.’

માંસની ચોરી અને આખી વાત જાણીને વાઘે તે વેળા શિયાળનો વધ કરવાની આજ્ઞા આપી.

ત્યારે વાઘની વાત સાંભળીને તેની મા તેની પાસે આવી અને હિતકારક વાક્યો વડે તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. તે બોલી, ‘આ આ આખી વાત કપટયુક્ત છે, તે તારે કાને ધરવી ન જોઈએ. ઈર્ષ્યાને કારણે ઉગ્રતાયુકત અપવિત્ર પુરુષોના સંસર્ગજન્ય દોષ દ્વારા નિર્દોષ પુરુષ પણ દોષિત ગણાઈ જાય છે. કોઈ વ્યક્તિ સમુન્નત પ્રકૃષ્ટ કાર્ય સહન કરી શકતી નથી, એમાંથી જ વેરભાવ ઉત્પન્ન થાય છે. શુદ્ધ સ્વભાવવાળાનો લોભી દ્વેષ કરે છે, બળવાનનો દ્વેષ કાયર કરે છે, પંડિતોનો દ્વેષ મૂર્ખ કરે છે. અને મહાધનવાનનો દ્વેષ દરિદ્ર કરે છે, ધર્માત્માનો દ્વેષ અધર્મી અને સ્વરૂપવાનનો દ્વેષ કુરૂપ કરે છે. ઘણા પંડિતો અવિવેકી, લોભી અને કપટી હોય છે, બૃહસ્પતિ જેવા નિર્દોષો ઉપર દોષ લગાડે છે. તારા સૂના ઘરમાંથી માંસની ચોરી થઈ છે પણ જે પુરુષ આપવા છતાં માંસની ઇચ્છા નથી કરતો તે વિશે નિરાંતે વિચારી જો. જગતમાં જૂઠા લોકો સાચા જેવા અને સાચા લોકો જૂઠા જેવા દેખાય છે. લોકોના ભાવ જુદા જુદા દેખાય છે, એટલે એ વિશે પરીક્ષા કરવી યોગ્ય છે. આકાશનું તળિયું કઢાઈ જેવું દેખાય છે. અને આગિયો અગ્નિની જ્યોત જેવો દેખાય છે, પરંતુ આકાશને તળિયું નથી અને આગિયો અગ્નિ નથી. એટલે પ્રત્યક્ષ જે દેખાય છે તેની પણ પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા પછી, તપાસ કર્યા પછી કોઈ કાર્ય માટે આજ્ઞા કરવાથી પસ્તાવું પડતું નથી. હે પુત્ર, શક્તિશાળી રાજા થઈ બીજાઓનો નાશ કરવો તે એના માટે કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ આ લોકમાં પ્રભાવશાળી પુુરુષોમાં ક્ષમાનો ગુણ યોગ્ય અને યશસ્વી છે. હે પુત્ર, તેં આને સમસ્ત રાજ્યના મંત્રી પદે સ્થાપ્યો છે, તારા સામંતોમાં પણ એ વિખ્યાત થયો છે, જેની સાથે મંત્રણા કરી શકાય એવી વ્યક્તિ બહુ મહેનતે મળે છે, આ તારો સુહૃદ છે, તેની રક્ષા કર.’ શિયાળના એ શત્રુસમૂહમાંથી એક ધર્માત્મા શિયાળ ત્યાં આવ્યું અને જે રીતે આ આખું કપટકાર્ય થયું હતું તે બધું તેણે જણાવી દીધું. ત્યાર પછી તે શિયાળને સચ્ચરિત્ર જાણીને તેનો સત્કાર કર્યો અને તેને મુક્ત કર્યો. વારે વારે પ્રેમપૂર્વક તેને ભેટ્યો. નીતિશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા એ શિયાળે મૃગેન્દ્રની આજ્ઞા લઈને તે જ અમર્ષથી સંતપ્ત થઈને પ્રાયોપવેશન વ્રતની ઇચ્છા કરી. શાર્દૂલે(વાઘે) પ્રેમને કારણે અશ્રુપૂર્ણ નેત્રે તે ધમિર્ષ્ઠ શિયાળનું આદરપૂર્વક સન્માન કરી તેને અનશન વ્રત કરવામાંથી છોડાવ્યો. વાઘ સ્નેહવશ સંભ્રાંત ચિત્ત થઈ ગયો હતો, એટલે શિયાળે ગદ્ગદ્ થઈને કહ્યું, ‘તમે મને પહેલાં પૂજ્યો પછી અપમાનિત કર્યો, મને શત્રુ જેવી સ્થિતિમાં મૂકી દીધો, એટલે હવે હું તમારી નિકટ રહી નહીં શકું. જે સેવકોને સ્વસંતુષ્ટ, સ્થાનભ્રષ્ટ, માનહીન કરી નાખવામાં આવે છે, જેને રાજા પુરસ્કૃત કરે છે અને જે ક્ષીણ, લોભી, ક્રૂર, કારાવાસના દગાફટકાનો ભોગ બન્યા હોય, જેમનું સર્વસ્વ છીનવી લેવાયું હોય, જે માની હોય અને અર્થલાભના ઇચ્છુક હોય, મહત્ત્વનું પદ પામવા માગતા હોય, જે દુઃખી હોય, રાજા પર આવી રહેલા સંકટની પ્રતીક્ષા કરતા હોય, જે છુપાઈ રહે છે, જે મનમાં કપટભાવ રાખે છે તે બધાં શત્રુઓની ગરજ સારે છે. મારું અપમાન થયું છે, અને ફરી તમે મંત્રીપદે બેસાડો છો, હું તમારો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરીશ? અને તમારી નિકટ સ્થિત રહેવાની ઇચ્છા હું કરીશ? મને સમર્થ સમજીને તમે મન્ત્રીપદ આપ્યું. મારી પરીક્ષા કરી. અને તમે જ સ્થાપેલા નિયમનું ઉલ્લંઘન કરી મને અપમાનિત કર્યો છે, સભાની વચ્ચે મને શીલવાન કહી વિખ્યાત કર્યો હતો. પ્રતિજ્ઞાની રક્ષા કરનારાઓએ તેનો દોષ કહેવો ન જોઈએ. હું જ્યારે અહીં આ પ્રકારે અપમાનિત થયો છું ત્યારે તમે મારા પર વિશ્વાસ કેવી રીતે મૂકશો? તમે વિશ્વાસ નહીં મૂકો એટલે મારું ચિત્ત વ્યાકુળ રહેશે. તમે શંકાશીલ અને હું ભયભીત, બીજાનાં છિદ્ર જોનારા સેવકો મારા પર સ્નેહ નહીં રાખે, તેઓ અસંતુષ્ટ રહેશે; મંત્રીનું આ કાર્ય પણ બહુ છળકપટવાળું છે. જુદી પડી ગયેલી વસ્તુ બહુ કષ્ટે જોડાય છે, અને જોડાયેલી વસ્તુ ખૂબ જ કષ્ટથી અલગ પડે છે, જે પ્રેમ અલગ પડીને પાછો બંધાય છે તે સ્નેહથી બંધાતો નથી. કોઈ ભીતશંકિત પુરુષ પોતાના અને પારકા — બંને સિવાય માત્ર સ્વામીનાં હિતકર કાર્યોમાં રસ લે છે, ઘણા બધા કાર્યની અપેક્ષા કરતાં માત્ર સ્વાર્થ માટે જ પ્રેમ કરનારા હોય છે, પરંતુ સ્નિગ્ધબંધુ અત્યંત દુર્લભ છે. રાજાઓનું ચિત્ત અત્યંત ચંચલ હોવાથી તેઓ માટે ઉત્તમ પુરુષને સમજવો બહુ કઠિન છે, સમર્થ અને શંકારહિત પુરુષ સેંકડોમાં એક હોય છે. મનુષ્યોની ઉન્નતિ અને અવનતિ અકસ્માત થયા કરે છે. કોઈનું ભલું કરીને ખરાબ કરવું, અને એને મહત્ત્વ આપી નીચે પાડવો — આ અલ્પબુદ્ધિનું પરિણામ છે.’

શિયાળે આ પ્રકારે ધર્મ અને અર્થપૂર્ણ બહુ શાંતિવચન કહી વાઘને પ્રસન્ન ક્રી તેની આજ્ઞા લઈ તે વનમાં ગયો. બુદ્ધિમાન શિયાળે તે વાઘની વિનંતી ન માની વ્રત પાળી દેહત્યાગ કર્યો અને પછી તે સ્વર્ગે ગયો.


(શાન્તિપર્વ, ૧૧૨)