ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૃતઘ્ન ગૌતમની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃતઘ્ન ગૌતમની કથા

જમાનાઓ પહેલાં મધ્યપ્રદેશમાં એક બ્રાહ્મણ થઈ ગયો, તેને વેદ તો આવડતા જ ન હતા. ભીખ માગીને તે ગુજરાન ચલાવતો. એક વેળા કોઈ સાધનસંપન્ન ગામમાં ભીખ માગવા ગયો. તે ગામમાં એક ધનવાન લૂંટારો રહેતો હતો. અને તે પાછો જુદા જુદા પ્રકારના લોકોની લાક્ષણિકતાઓનો ખાસ્સો જાણકાર. બ્રાહ્મણો માટે એને બહુ માન, વળી તે સત્યવાદી હતો અને દાનવીર પણ. તે બ્રાહ્મણ તેને ત્યાં ગયો અને તેણે ભિક્ષા માગી, તે લૂંટારાએ તેને રહેવા એક ઘર આપ્યું, વરસ ચાલે એટલું ગુજરાન આપ્યું. નવાં વસ્ત્રો આપ્યાં, આટલું ઓછું હોય તેમ તેની સેવામાં એક સ્ત્રી પણ આપી, તેનો પતિ ક્યાંક ચાલ્યો ગયો હતો. બ્રાહ્મણ તો મનમાં રાજી રાજી થઈ ગયો અને તેના સુંદર ઘરમાં તે દાસીની સાથે આનન્દપૂર્વક રહેવા લાગ્યો. વળી તે દાસીનાં કુટુંબીજનોને પણ સહાય કરતો રહ્યો. આમ અનેક વર્ષો તેણે તે ભીલના ઘેર વીતાવ્યાં.

આ બ્રાહ્મણનું નામ હતું ગૌતમ. તે બાણ ચલાવીને લક્ષ્યવેધ કરવાની વિદ્યા બહુ પ્રયત્ન કરીને શીખવા લાગ્યો. વનવાસીઓની જેમ ગૌતમ પણ રોજ અરણ્યમાં જતો અને ઘૂમતો રખડતો, હંસોનો શિકાર કરતો રહેતો હતો. હિંસા આચરવામાં પ્રવીણ બન્યો. દયામાયા મળે નહીં. નિત્ય પ્રાણીઓની હત્યામાં રચ્યોપચ્યો રહેતો. લૂંટારાઓના સહવાસમાં તે પણ લૂંટારા જેવો બની ગયો. લૂંટારાઓના ગામમાં તે નિરાંતે સુખપૂર્વક રહેતો હતો, દરરોજ પક્ષીઓનો શિકાર કર્યા કરતો અને એમ કરતાં મહિનાઓ અને વર્ષો વીતી ગયાં.

એક દિવસ ત્યાં કોઈ બીજો બ્રાહ્મણ આવી ચઢ્યો. તે જટાધારી, વલ્કલધારી હતો અને મૃગચર્મ પણ સાથે હતું. આ બ્રાહ્મણ સ્વાધ્યાયપરાયણ, વિનયશીલ, પવિત્ર હતો. શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે ભોજન લેતો, વેદપારંગત અને બ્રાહ્મણભક્ત હતો, તે પાછો ગૌતમના ગામનો જ હતો, તેનો પ્રિય સખા હતો, અને જ્યાં ગૌતમ રહેતો હતો એ જ ગામમાં ફરતો ફરતો આવી ચઢ્યો. તે શૂદ્રને ઘેર ભોજન કરતો ન હતો. એટલે એવા લોકોથી ભરેલા ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર શોધવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. એમ કરતાં કરતાં તે ગૌતમને ઘેર જઈ પહોંચ્યો. તેટલામાં જ ગૌતમ પણ શિકાર કરીને ઘેર આવી પહોંચ્યો. બંને એકબીજાને મળ્યા.

તે બ્રાહ્મણે જોયું તો ગૌતમના ખભા પર મરેલો હંસ હતો, હાથમાં ધનુષબાણ હતાં, આખું શરીર લોહીથી લથબથ હતું. ઘેર આવેલો ગૌતમ નરભક્ષી રાક્ષસ જેવો દેખાતો હતો, તેનામાં બ્રાહ્મણત્વના કોઈ સંસ્કાર ન હતા. તેને આવી અવસ્થામાં પણ તે બ્રાહ્મણ ઓળખી ગયો. અને એને ઓળખીને બહુ લજ્જિત થયો. તેને કહેવા લાગ્યો: ‘અરે, મોહાંધ થઈને તું આ શું કરી રહ્યો છે? તું તો મધ્યદેશનો વિખ્યાત બ્રાહ્મણ હતો. તું અહીં લૂંટારો કેવી રીતે બની ગયો? અરે, તું તારા પૂર્વજોને યાદ કર, તેઓ કેવા વિખ્યાત હતા, કેવા વેદપારંગત હતા, અને તેમના વંશમાં જન્મેલો તું તો કુલાંગાર પાક્યો. હજુ પણ તું તારી જાતને ઓળખ, તું તો દ્વિજ છે, તે દ્વિજભાવને અનુરૂપ સત્ત્વ, શીલ, શાસ્ત્રજ્ઞાન, સંયમ અને દયાભાવને યાદ કરીને આ નિવાસસ્થાન ત્યજી દે.’

પોતાના હિતેચ્છુ મિત્રે જ્યારે આવું કહ્યું ત્યારે ગૌતમ મનોમન કશુંક નક્કી કરીને કરુણ સ્વરમાં બોલી ઊઠ્યો, ‘હે બ્રાહ્મણવર્ય, હું તો નિર્ધન છું, વેદની મને કશી જાણ નથી. એટલે હું તો ધન મેળવવા અહીં આવી ચઢ્યો છું. હે પ્રિયવર્ય, આજે તમારાં દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. રાત અહીં ગાળી અને કાલે સવારે આપણે અહીંથી જતા રહીશું.’

તે બ્રાહ્મણ દયાળુ હતો, ગૌતમે આવું કહ્યું એટલે તે ત્યાં રોકાયો તો ખરો, પણ ત્યાંની કોઈ વસ્તુને હાથ લગાડ્યો નહીં, તે ભૂખ્યો હતો, ગૌતમે તેને ભોજન માટે કહ્યું તો પણ કોઈ રીતે ત્યાંનું અન્ન ખાવા તે તૈયાર થયો નહીં.

રાત વીતી અને સવાર પડી. પેલો બ્રાહ્મણ તો ત્યાંથી ચાલ્યો ગયો. ગૌતમ પણ ઘર છોડીને સમુદ્રની દિશામાં નીકળી પડ્યો. રસ્તામાં તેણે જોયું તો સમુદ્રકાંઠે રહેતા વ્યાપારીઓની એક ટુકડીએ ત્યાં પડાવ નાખ્યો હતો. પછી તેઓ ચાલી નીકળ્યા. તે પણ એમની સાથે સાથે સમુદ્રની દિશામાં નીકળી પડ્યો. એમ કરતાં કરતાં તેઓ એક પર્વતની ગુફા આગળ આવ્યા અને બધાએ ત્યાં પડાવ નાખ્યો. હજુ તો તેઓ આરામ કરતા હતા અને ત્યાં એક ગાંડા હાથીએ એમના પર હુમલો કર્યો. મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા. ગૌતમ કોઈક રીતે બચી ગયો, પરંતુ તે ખૂબ ગભરાઈ ગયો હતો એટલે કઈ દિશામાં જવું તે નક્કી ન કરી શક્યો. પોતાનો જીવ બચાવવા તે ઉત્તર દિશામાં ભાગી નીકળ્યો. વ્યાપારીઓનો સાથ તે ખોઈ બેઠો, એ પ્રદેશથી પણ ભ્રષ્ટ થઈને તે એકલો જંગલમાં આમતેમ કાયરની જેમ ભટકવા લાગ્યો. અને અચાનક તેને સમુદ્ર તરફનો માર્ગ મળી ગયો. એ રસ્તે જતાં તે એક અત્યંત સુંદર વનમાં આવી ચઢ્યો. બધાં વૃક્ષો ફૂલોથી શોભતાં હતાં. બધી ઋતુઓમાં ખીલનારાં આમ્રવૃક્ષો એ વનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં. વનમાં શાલ, તાલ, તમાલ, રાળ, અગરુવૃક્ષ અને સુખડનાં વૃક્ષો હતાં. અહીંના રમણીય અને સુવાસિત પર્વતીય મેદાનોમાં ચારે બાજુ પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં. વળી, ત્યાં માનવીના મુખ જેવાં ભારુણ્ડ નામનાં પક્ષીઓ બોલતાં હતાં, સમુદ્રકાંઠે અને પર્વતો પર ક્યાંક ભૂલિંગમ નામનાં અને બીજાં પંખી પણ હતાં. પંખીઓના મધુર કલરવને સાંભળતો સાંભળતો ગૌતમ આગળ ચાલતો રહ્યો.

આ સુંદર પ્રદેશોમાં એક સ્થળે સોનેરી રેતીથી ભરેલા, સમતલ, સુખદ, વિચિત્ર અને સ્વર્ગસમાન પ્રદેશમાં એક વિશાળ વટવૃક્ષ હતું. ચારે બાજુ એની ઘટા વિસ્તરેલી હતી. સુંદર શાખાપ્રશાખાને કારણે એ વૃક્ષ કોઈ મોટા છત્ર જેવું દેખાતું હતું. એનાં મૂળિયાં ચંદનજળથી સીંચાતાં હતાં. બ્રહ્માની સભાની જેમ એ વૃક્ષ દિવ્ય પુષ્પોથી સમૃદ્ધ હતું. આ પરમ સુંદર વૃક્ષને જોઈને ગૌતમને પુષ્કળ આનન્દ થયો. આ વૃક્ષ પવિત્ર મંદિર જેવું હતું અને ખીલેલા છોડથી વીંટળાયેલું હતું. ગૌતમ એ વૃક્ષ પાસે ગયો અને આનન્દ પામીને તેની છાયામાં બેઠો. ગૌતમ ત્યાં બેઠો હતો અને પુષ્પોના સ્પર્શ પામેલી મંદ મંદ સુગન્ધિત હવા વહેવા લાગી, તે સુખદ અને કલ્યાણકારી હતી. તેના આખા શરીરને આનન્દ આપતી હતી. એ હવાથી ગૌતમને બહુ શાન્તિ મળી. એ સુખનો અનુભવ કરતો તે નિદ્રાધીન થઈ ગયો. સૂરજ પણ આથમી ગયો.

સૂર્યાસ્ત થયા પછી, સંધ્યાકાળે બ્રહ્મલોકમાંથી એક પક્ષી ત્યાં ઊતરી આવ્યું. એનું નિવાસસ્થાન આ વૃક્ષ હતું. તે મહર્ષિ કશ્યપનો પુત્ર હતો અને એનું નામ હતું નાડીજંઘ. તે બગલાઓનો રાજા મહા બુદ્ધિમાન હતો. આ અનુપમ પક્ષી પૃથ્વીલોકમાં રાજધર્મા નામે જાણીતું હતું. દેવકન્યા તેની માતા હતી એટલે આ વિદ્વાન પક્ષીના શરીરની કાન્તિ દેવસમાન હતી. તેના શરીર પરનાં આભૂષણો સૂર્યનાં કિરણોની જેમ ચમકતાં હતાં. આ દેવપુત્ર તેમનાં સર્વ અંગે વિભૂષિત હોવાને કારણે બહુ સુન્દર દેખાતો હતો. એ પક્ષીને નિહાળીને ગૌતમ આર્શ્ચચકિત થઈ ગયો. ત્યારે તે ભૂખ્યોતરસ્યો તો હતો જ, ચાલી ચાલીને લોથપોથ થઈ ગયો હતો. રાજધર્માને મારી નાખવાની ઇચ્છાથી તેની સામે જોવા લાગ્યો.

રાજધર્માએ તેની પાસે આવીને કહ્યું, ‘હે વિપ્ર, તમારું સ્વાગત કરું છું. આ મારું ઘર છે. સૂર્યનારાયણ આથમી ગયા છે, સંધ્યાકાળ થયો છે. મારે ઘેર આવેલા શ્રેષ્ઠ અતિથિ, તમે મારા પ્રિય છો. હું તમારી પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરીશ, આજે રાતે મારું આતિથ્ય માણો અને કાલે સવારે અહીંથી પ્રયાણ કરજો.’

પક્ષીની મધુર વાણી સાંભળીને ગૌતમને વિસ્મય થયું. કુતૂહલથી પ્રેરાઈને તે રાજધર્માની સામે જોવા લાગ્યો. ‘હે વિપ્રવર્ય, હું કશ્યપ ઋષિનો પુત્ર છું અને મારી માતા દક્ષ પ્રજાપતિની પુત્રી છે. તમે ગુણવાન અતિથિ છો અને તમારું સ્વાગત કરું છું.’ એમ કહીને વિધિપૂર્વક સત્કાર કર્યો. તેને બેસવા માટે શાલપુષ્પોનું આસન તૈયાર કર્યું. રાજા ભગીરથ રથમાર્ગે જ્યાં જ્યાં વિચર્યા હતા ત્યાં ત્યાંથી ગંગા વહેતી હતી, ત્યાંના જળપ્રવાહમાં મોટાં મોટાં માછલાં હતાં, એમાંથી કેટલાંક માછલાં તે બકરાજ લઈ આવ્યા. તે કશ્યપપુત્રને અગ્નિ પણ પ્રગટાવી આપ્યો, મોટાં માછલાં લાવીને ગૌતમને ધર્યાં. બ્રાહ્મણે આગમાં ભૂંજીને માછલાં ખાધાં અને તે તૃપ્ત થયો, તે બ્રાહ્મણનો થાક દૂર કરવા તે પોતાની પાંખોથી પવન ઢોળવા લાગ્યો. વિશ્રામ કરીને તે બેઠો એટલે રાજધર્માએ એનું ગોત્ર પૂછ્યું. ત્યારે તેણે એટલું જ કહ્યું, ‘મારું નામ ગૌતમ છે અને હું જન્મે બ્રાહ્મણ છું.’ તે એથી આગળ કશું બોલ્યો નહીં. પછી તે પક્ષીએ પાંદડાંની દિવ્ય શય્યા સજાવી, તે પુષ્પાચ્છાદિત હોવાને કારણે મહેંક મહેંક થઈ રહી હતી. ગૌતમ તેના પર સૂતો, એટલે વાતચીતમાં કુશળ પક્ષીએ તેને પૂછ્યું, ‘તમે અહીં શા માટે આવ્યા છો?’

ગૌતમે ઉત્તર આપ્યો, ‘હે મહામતિ, હું દરિદ્ર છું અને ધનપ્રાપ્તિ માટે હું ઘર છોડીને સમુદ્ર તરફ ચાલી નીકળ્યો છું.’

આ સાંભળીને રાજધર્માએ પ્રસન્નવદને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હવે તમારે ત્યાં જવાની જરૂર નથી, અહીં જ તમારો મનોરથ પૂર્ણ થશે. અહીંથી ધન લઈને તમે ઘેર જજો. હે પ્રભુ, ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે અર્થલાભ ચાર પ્રકારે થતો હોય છે. વંશવારસાથી, અનુકૂળ પ્રારબ્ધથી, ધનપ્રાપ્તિ માટેના પુરુષાર્થથી, અને મિત્રના સહકારથી, હું તમારો મિત્ર થઈ ગયો, આપણી મૈત્રી ગાઢ થઈ ગઈ. એટલે તમને અર્થલાભ થાય તે માટે હું પ્રયત્ન કરીશ.’

બીજે દિવસે પ્રાત:કાળે રાજધર્માએ સુખનો ઉપાય વિચારીને ગૌતમને કહ્યું, ‘આ માર્ગે આગળ જાઓ. તમારું કાર્ય સિદ્ધ થશે, અહીંથી ત્રણ યોજન દૂર એક નગર છે. ત્યાં મહાબળવાન વિરૂપાક્ષ નામનો રાક્ષસરાજ રહે છે, તે મારો મિત્ર છે. તમે તેમની પાસે જાઓ, મારા કહેવાથી તેઓ તમને તમારી ઇચ્છા પ્રમાણે ધન આપશે. એમાં કોઈ સંશય નથી.’

તેમનું સાંભળીને ગૌતમ ત્યાંથી ચાલી નીકળ્યો, તેનો થાક દૂર થઈ ગયો હતો. ચન્દન અને અગરુનાં વૃક્ષોથી સમૃદ્ધ એવા તમાલવનમાંથી પસાર થતો થતો, વિશ્રામ કરતો કરતો, અમૃત સમાન ફળ ખાતો ખાતો તે તેજગતિએ ચાલતો હતો. અને એમ ચાલતાં ચાલતાં મેરુરાજ નામના નગરમાં જઈ પહોંચ્યો. તે નગરની આસપાસ પર્વતોની હારમાળા હતી, એનું પ્રવેશદ્વાર પણ એક પર્વત હતો. નગરરક્ષા માટે ચારે બાજુએ મોટી મોટી શિલાઓ હતી અને યન્ત્રો હતાં. પરમ બુદ્ધિમાન વિરૂપાક્ષને તેના અનુચરોએ સંદેશો પાઠવ્યો, ‘રાજન્, તમારા મિત્રે પોતાના એક પ્રિય અતિથિને તમારી પાસે મોકલ્યો છે, તેઓ એનાથી અત્યન્ત પ્રસન્ન છે.’

આ સમાચાર સાંભળીને રાક્ષસરાજે પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે નગરદ્વારેથી ગૌતમને હમણાં જ લઈ આવો. રાજસેવકોએ બ્રાહ્મણને કહ્યું, ‘ચાલો, ચાલો, જલદી ચાલો, રાજા તમને મળવા માગે છે. અમારા રાજા વિરૂપાક્ષ તમને જોવા આતુર છે. એટલે શીઘ્ર ગતિએ જઈએ.’ આમન્ત્રણ સાંભળીને જ બ્રાહ્મણનો થાક દૂર થઈ ગયો. તે વિસ્મય અનુભવતો નીકળી પડ્યો, રાજાની સમૃદ્ધિ જોઈને તેને ભારે વિસ્મય થતું હતું. રાક્ષસરાજને મળવાની ઇચ્છાથી તે સેવકોની સાથે રાજમહેલમાં જઈ પહોંચ્યો. રાજાને એના આગમનની સૂચના આપવામાં આવી. તે ઉત્તમ ખંડમાં પ્રવેશ્યો અને ત્યાં રાક્ષસરાજે તેનું પૂજનઅર્ચન કર્યું. પછી વિરૂપાક્ષે ગૌતમને તેના ગોત્ર વિશે, બ્રહ્મચર્યપાલન વિશે, તેના સ્વાધ્યાય વિશે પ્રશ્ન પૂછ્યા, પણ ગૌતમે પોતાના ગોત્ર સિવાય કોઈ ઉત્તર આપ્યો નહીં. આમ બ્રહ્મતેજવિહીન, સ્વાધ્યાયહીન અને માત્ર ગોત્રની જાણકારીવાળા તે બ્રાહ્મણને રાજાએ તેના નિવાસસ્થાન વિશે પૂછ્યું, ‘તારું નિવાસસ્થાન ક્યાં છે, તારી બ્રાહ્મણી કયા ગોત્રની છે? બધું જણાવ, ભય કાઢી નાખ, મારા પર વિશ્વાસ રાખ, સુખે રહે.’

ગૌતમે કહ્યું, ‘રાક્ષસરાજ, મારો જન્મ તો મધ્યદેશમાં થયો હતો, પરન્તુ અત્યારે હું એક ભીલના ઘેર રહું છું. મારી સ્ત્રી શૂદ્ર છે, એનું લગ્ન પહેલાં કોઈની સાથે થઈ ગયું હતું. આ સત્ય છે.’

આ સાંભળીને રાક્ષસરાજે વિચાર કર્યો કે આનું કાર્ય કેવી રીતે કરવું જોઈએ. મને પુણ્ય કેવી રીતે મળે? આમ તે બુદ્ધિપૂર્વક વિચારવા લાગ્યા. મનોમન તે બોલ્યા, ‘આ માત્ર જન્મે જ બ્રાહ્મણ છે. પરંતુ રાજધર્માનો સુહૃદ છે. કાશ્યપપુત્રે તેને મારી પાસે મોકલ્યો છે. તેનું પ્રિય તો કરીશ જ, તે મારા પર વિશ્વાસ રાખે છે, મારો ભાઈ છે. મારો બાંધવ છે, અને મારો મિત્ર પણ છે. આજે કાર્તિકી પૂણિર્મા છે. આજે હજારો ઉત્તમ બ્રાહ્મણ મારે ત્યાં ભોજન લેશે. એમાં આ પણ ભોજન લેશે. તેમની સાથે એને પણ ધન આપીશ. આજનો દિવસ પુણ્યકારી છે. આ બ્રાહ્મણ અતિથિ રૂપે અહીં આવ્યો છે અને મેં ધનદાન કરવાનો સંકલ્પ તો કરી જ રાખ્યો છે. તો હવે શો વિચાર કરવાનો?’

ત્યાર પછી ભોજનના સમયે હજારો વિદ્વાન બ્રાહ્મણો સ્નાન કરી, રેશમી વસ્ત્રો પહેરી, અલંકારો ધારણ કરીને આવી પહોંચ્યા. ત્યાં આવેલા બે શ્રેષ્ઠ બ્રાહ્મણોનું વિધિપૂર્વક સ્વાગત કર્યું. રાક્ષસરાજની આજ્ઞાથી સેવકોએ જમીન પર બ્રાહ્મણો માટે કુશનાં સુન્દર આસનો બિછાવ્યાં. રાજાએ સન્માનેલા તે શ્રેષ્ઠ બ્રાહ્મણો જ્યારે તે આસનો પર બેઠા ત્યારે રાક્ષસરાજે તલ, કુશ અને જળ વડે વિધિવત્ તેમનું પૂજન કર્યું. તે સૌમાં વિશ્વદેવો, પિતૃઓ અને અગ્નિદેવની ભાવના કરી ચન્દનની અર્ચા કરી, પુષ્પમાળા પહેરાવી, સુન્દર રીતે પૂજા કરી. આસન પર બેઠેલા તે બ્રાહ્મણો નક્ષત્રપતિ ચન્દ્રના જેવા શોભવા લાગ્યા. ત્યાર પછી રત્નજડિત સુન્દર થાળીઓમાં ઘીમાં બનાવેલાં પકવાન્ન પીરસીને બ્રાહ્મણો આગળ ધર્યાં. તેને ત્યાં અષાઢી પૂણિર્માએ તથા માઘપૂણિર્માએ નિત્ય ઘણા બ્રાહ્મણો પોતાની ઇચ્છાનુસાર ઉત્તમ ભોજન મેળવતા હતા. વિશેષ કરીને શરદ ઋતુ પૂરી થતાં આવતી કાર્તિકી પૂણિર્માએ તે બ્રાહ્મણોને રત્નોનું દાન કરતો હતો. ભોજન પછી બ્રાહ્મણો સમક્ષ પુષ્કળ સોનુંચાંદી, મણિમોતી, કિમતી હીરા, વૈડૂર્યમણિ, મૃગચર્મ, રત્નોના ઢગલા કરી તે વિરૂપાક્ષે તે દ્વિજવરોને કહ્યું, ‘હે બ્રાહ્મણદેવતાઓ, તમારી ઇચ્છા પ્રમાણે અને ઉત્સાહપૂર્વક આ રત્નો લઈ જાઓ અને જે થાળીઓમાં તમે જમ્યા છો તે પણ લઈ જાઓ.’

તે મહામના રાક્ષસરાજે એવું કહ્યું એટલે તે બ્રાહ્મણોએ ઇચ્છાનુસાર તે રત્નો લઈ લીધાં. સુન્દર અને મૂલ્યવાન રત્નો દ્વારા પૂજિત અને ઉજ્જ્વળ વસ્ત્રો પહેરેલાં બ્રાહ્મણો તો પ્રસન્ન થઈ ગયા. પછી રાક્ષસરાજે વિવિધ દેશોમાંથી આવેલા રાક્ષસોને હિંસા ન કરવાનું સૂચન કરીને બ્રાહ્મણોને ફરી કહ્યું, ‘આજે એક દિવસ માટે તમને રાક્ષસોનો કોઈ ભય નથી, એટલે આનન્દ કરો અને ઉતાવળે તમારા ઘરે જતા રહેજો.’

એ સાંભળીને બધા બ્રાહ્મણો ચારે દિશાઓમાં ભાગી ગયા. ગૌતમ પણ સુવર્ણનો ભારે બોજ લઈને બહુ મુશ્કેલી વેઠીને વડ પાસે આવી ગયો. ત્યાં પહોંચતાવેંત થાકી ગયો. તેને ભૂખ પણ લાગી હતી. ત્યાર પછી પક્ષીઓમાં શ્રેષ્ઠ રાજધર્માએ ગૌતમ પાસે આવીને તેનું સ્વાગત કર્યું. તે પક્ષીએ પોતાની પાંખો વડે પવન નાખ્યો અને તેનો થાક દૂર કરી દીધો. તેની પૂજા કરી અને ભોજનની વ્યવસ્થા કરી. ભોજન કરીને અને વિશ્રામ કરીને ગૌતમ વિચારવા લાગ્યો. લોભ અને મોહથી મેં સુન્દર સુવર્ણનો ભાર તો લીધો. હજુ તો મારે દૂર જવું છે. રસ્તામાં ખાવાનું શું કરીશ? ટકીશ કેવી રીતે? હવે શું કરું તો મારા પ્રાણ ટકી શકે? એમ ચિન્તા કરવા લાગ્યો. ત્યારે રસ્તે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી એટલે મનમાં વિચાર્યું, આ રાજધર્મા તો છે. એનામાં માંસ પુષ્કળ છે. એને મારીને હું જલદીથી ચાલવા માંડું.

રાજધર્માએ ગૌતમની રક્ષા માટે થોડે દૂર આગ સળગાવી હતી, પવનને કારણે એની જ્વાળાઓ ઊંચે ઊઠતી હતી. બકરાજને તેના પર વિશ્વાસ હતો, એટલે પાસે જ સૂઈ ગયો હતો. એટલામાં તે દુષ્ટાત્મા ગૌતમ વધ કરવાની ઇચ્છાથી ઊભો થયો અને સળગતી લાકડી વડે રાજધર્માને મારી નાખ્યો અને મારીને તે પ્રસન્ન થયો, પરન્તુ પાપના પરિણામ તરફ તેની દૃષ્ટિ ન ગઈ. તેણે મરેલા પક્ષીની પાંખો અને રોમ ઉખાડી નાંખ્યાં, બાકીનું શરીર આગમાં ભૂંજ્યું. સુવર્ણનો ભાર લઈને તે ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.

તે દિવસે દક્ષકન્યાનો પુત્ર રાજધર્મા મિત્ર વિરૂપાક્ષ પાસે જઈ ન શક્યો. એટલે વ્યાકુળ થઈને વિરૂપાક્ષ ચિન્તા કરવા લાગ્યો. બીજો દિવસ વીત્યો એટલે તેણે પોતાના પુત્રને કહ્યું, ‘આજે પણ રાજધર્મા આવ્યો નથી. તે બકરાજ નિત્ય પ્રાત:કાળે બ્રહ્માની વન્દના કરવા જાય અને ત્યાંથી પાછા વળતાં તે મને મળ્યા વિના ઘેર જાય જ નહીં, આજે બે દિવસ વીતી ગયા, પરન્તુ તે અહીં આવ્યો નથી. મારા મનમાં શંકા થવા માંડી છે, તું મારા મિત્રની ભાળ કાઢ. તે અધમ બ્રાહ્મણમાં વિદ્યા ન હતી, બ્રહ્મતેજ ન હતું, તેના પર મને વહેમ આવે છે. ક્યાંક તેણે મારા મિત્રને મારી તો નહીં નાખ્યો હોય ને! એનાં લક્ષણો પરથી તો તે મને દુરાચારી, દુર્બુદ્ધિ, નિર્દય લાગતો હતો. તે દેખાવે પણ લૂંટારા જેવો લાગતો હતો. તે અહીંથી રાજધર્મા પાસે ગયો હતો, એટલે મારા મનમાં અશાંતિ છે. હે પુત્ર, તું શીઘ્ર રાજધર્મા પાસે જા અને જાણી લાવ કે બકરાજ જીવે છે કે નહીં, વિલંબ ન કરતો.’

પિતાની આજ્ઞાથી તે રાક્ષસોને લઈને પેલા વટવૃક્ષ પાસે ગયો અને તેને રાજધર્માનું હાડપિંજર મળ્યું. બુદ્ધિમાન રાક્ષસરાજનો પુત્ર રાજધર્માની આ હાલત જોઈને રડી પડ્યો. અને ગૌતમને પકડવા બધા પ્રયત્નો કર્યા. થોડેક દૂર જઈને ગૌતમને પકડી પાડ્યો. એની પાસેથી રાજધર્માનું શબ પણ મળ્યું. ગૌતમને લઈને તેઓ મેરુવ્રજ ગયા. ત્યાં રાજાને રાજધર્માનું શબ દેખાડ્યું. પાપાચારી અને કૃતઘ્ન ગૌતમને પણ રાજાની સામે ઊભો કરી દીધો. પોતાના મિત્રને આ દશામાં જોઈને મંત્રીઓ તથા પુરોહિતોની સાથે રાજા પણ રડવા લાગ્યા. તેમના નિવાસમાં આર્તનાદ થવા લાગ્યો. સ્ત્રીઓ, બાળકો સૌકોઈ શોકમાં ડૂબી ગયા, બધા અસ્વસ્થ થઈ ગયા.

રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી, ‘આ પાપીને મારી નાખો, એનું માંસ રાક્ષસોને ભોજન માટે આપી દો. રાક્ષસો, આ પાપાત્મા છે, આતતાયી છે. એટલે તમારે એનો વધ કરવો જોઈએ.’

રાક્ષસરાજની આવી આજ્ઞા છતાં તેમણે એનું માંસ ખાવાની ઇચ્છા ન કરી, કારણ કે તે ઘોર પાપી હતો, તેમણે રાક્ષસરાજને કહ્યું, ‘મહારાજ, આનું માંસ દસ્યુઓને આપી દો. અમને એનું પાપ ખાવા ન કહો.’ બધાએ રાજાના ચરણોમાં મસ્તક નમાવી કહ્યું. રાજાએ એમની વાત માની લીધી, ‘આજે જ આ કૃતઘ્નને દસ્યુઓને હવાલે કરી દો.’ એ દસ્યુઓને પણ તેનું માંસ ખાવાની ના પાડી. માંસાહારી જીવો પણ એનું માંસ ખાવા તૈયાર ન હતા. બ્રહ્મહત્યારા, શરાબી, ચોર કે વ્રતભંગ કરનાર માટે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત છે પણ કૃતઘ્ન માટે કોઈ ઉપાય નથી. મિત્રદ્રોહી, નૃશંસ, નરાધમ તથા કૃતઘ્નનું માંસ કીડાઓ પણ નથી ખાતા.

ત્યાર પછી વિરૂપાક્ષે રાજધર્મા માટે એક ચિતા તૈયાર કરાવી, તેને રત્નો, સુગન્ધિત ચન્દન અને વસ્ત્રોથી સજાવી. પક્ષીરાજનું શબ ચિંતા ઉપર ચઢાવી અને વિધિવત્ તેનો અગ્નિસંસ્કાર કર્યો. તે સમયે દક્ષકન્યા સુરભિદેવી ત્યાં આવી અને તેની ચિતા ઉપર ઊભી રહી ગઈ. તેના મોઢામાંથી દૂધનું ફીણ નીકળ્યું અને રાજધર્માની ચિતા પર પડ્યું. એનાથી બકરાજ સજીવન થયો અને ઊડીને વિરૂપાક્ષ પાસે ગયો. તે સમયે દેવરાજ ઇન્દ્ર વિરૂપાક્ષના નગરમાં આવ્યા અને રાજાને કહ્યું, ‘તમારા કારણે પક્ષીરાજને જીવનદાન મળ્યું.’ ઇન્દ્રે રાજાને એક ઘટના સંભળાવી. બ્રહ્માએ રાજધર્માને શાપ આપ્યો હતો. એક સમયે બકરાજ સમયસર બ્રહ્માની સભામાં પહોંચી ન શક્યા. એટલે તેમણે શાપ આપ્યો, ‘તે મૂર્ખ અને અધમ બગલો મારી સભામાં ન આવ્યો. એટલે હવે તેને હત્યાની વેદના ભોગવવી પડશે.’ બ્રહ્માના વચનુસાર ગૌતમે તેનો વધ કર્યો. બ્રહ્માએ જ અમૃત દ્વારા રાજધર્માને જીવતદાન આપ્યું છે. ત્યારે રાજધર્માએ ઇન્દ્રની વંદના કરીને કહ્યું, ‘તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મારા મિત્ર ગૌતમને પણ સજીવન કરી આપો.’ એની વાત માનીને ઇન્દ્રે અમૃત છાંટીને ગૌતમને પણ સજીવન કરી આપ્યો. વાસણ, રત્નો, સુવર્ણસહિત ગૌતમ સજીવન થયો તે જોઈને બકરાજે તેને ગળે લગાડ્યો. ગૌતમને ધનસહિત વિદાય કરીને રાજધર્મ પોતાના ઘરમાં પ્રવેશ્યા. પછી વિધિવત્ બકરાજ બ્રહ્માની સભામાં ગયા અને બ્રહ્માએ તેનો આદરસત્કાર કર્યો. ગૌતમ પણ ભીલોના ગામમાં ગયો અને ત્યાં તે શૂદ્ર સ્ત્રી દ્વારા અનેક દુષ્ટ પુત્રોને જન્મ આપ્યો. તે દેવતાઓએ ગૌતમને શાપ આપ્યો, ‘આ પાપી કૃતઘ્ન છે, તે આ શૂદ્ર સ્ત્રી દ્વારા સંતાનોને જન્મ આપતો રહ્યો છે, એ પાપને કારણે તે નરકવાસી થશે.’


(શાંતિપર્વ, અધ્યાય ૧૬૨-૭)