ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મરુત્ત રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મરુત્ત રાજાની કથા

પ્રજાપતિ દક્ષને દેવતા અને અસુરો એમ ઘણા પુત્રો હતા, અને તે પરસ્પર સ્પર્ધા કરતા હતા. એ જ રીતે અંગિરાના બે પુત્ર સંવર્ત અને બૃહસ્પતિ, તે બંને પરસ્પર સ્પર્ધા કરવાથી જુદા જુદા સ્થાને રહેતા હતા. પરંતુ બૃહસ્પતિ અવારનવાર સંવર્તને દુઃખી કરતા હતા. જ્યેષ્ઠ બંધુ દ્વારા વારે વારે પીડા પામવાને કારણે સંવર્ત દિગંબર થઈને ધનસંપત્તિનો ત્યાગ કરીને વનવાસ માટે નીકળી પડ્યા. ઇન્દ્રે બધા અસુરોને જીતીને — મારીને ત્રણે લોકનું ઇન્દ્રત્વ પ્રાપ્ત કર્યું. પછી અંગિરાના મોટા પુત્ર બ્રાહ્મણશ્રેષ્ઠ બૃહસ્પતિને પોતાના પુરોહિત બનાવ્યા. અપ્રતિમ બળવાન, વીર્યસંપન્ન ઇન્દ્ર જેવા તેજસ્વી, ધર્માત્મા, સંશિતવ્રતી રાજા કરંધમ પહેલાં અંગિરાના યજમાન હતા. રાજન, ત્યાં વાહન, યોદ્ધા, વિવિધ દ્રવ્ય, ધ્યાન દ્વારા અને મુખવાયુ દ્વારા પ્રગટ થતાં હતાં. રાજાએ પોતાના ગુણોથી બધા રાજાઓને વશ કર્યા હતા. પોતાને ઇષ્ટ એટલા સમય સુધી જીવતા રહી સદેહે સ્વર્ગ ગયા. ત્યાર પછી યયાતિની જેમ ધર્મજ્ઞ, શત્રુનાશી અવિક્ષિત નામના તેમના પુત્રે પૃથ્વી પર અંકુશ જમાવ્યો, પોતાના પરાક્રમ અને ગુણો વડે પિતાની જેમ રાજ્ય કર્યું. ઇન્દ્ર સમાન વીર્યવાન મરુત્ત તેમના પુત્ર હતા. સમુદ્ર સમેત સમગ્ર પૃથ્વી તેમનામાં અનુરક્ત હતી. તે રાજા સદા દેવરાજ ઇન્દ્રની સ્પર્ધા કરતા હતા અને ઇન્દ્ર પણ તેમની સ્પર્ધા કરતા હતા. એટલું જ નહીં, ઇન્દ્રે અનેક પ્રયત્નો કર્યા પછી પણ તે ગુણવાન, પવિત્ર ચિત્તવાળા પૃથ્વીપતિ મરુત્ત કરતાં વધુ કશું પ્રાપ્ત કરી ન શક્યા. દેવતાઓ સહિત ઇન્દ્ર જ્યારે તેમનાથી આગળ વધી ન શક્યા ત્યારે ઇન્દ્રે બૃહસ્પતિને બોલાવીને કહ્યું,

‘હે બૃહસ્પતિ, જો તમે મારું કોઈ પ્રિય કાર્ય કરવા માગતા હો તો કોઈ રીતે મરુત્તરાજનાં પિતૃકર્મો અને દેવકર્મો ન કરાવતા. હે બૃહસ્પતિ, આ ત્રણે લોકનું રાજ્ય અને ઇન્દ્રત્વ મેં જ પ્રાપ્ત કર્યાં છે. મરુત્ત તો માત્ર પૃથ્વીપતિ જ છે. હે બ્રહ્મન, તમે અમર્ત્ય સુરપતિનું યજ્ઞકાર્ય કરાવીને મર્ત્ય રાજા મરુત્તનું યજ્ઞકાર્ય કેવી રીતે કરાવી શકો? તમારું કલ્યાણ થાઓ. તમે મને માત્ર તમારો યજમાન માનો અથવા મહીપતિ મરુત્તને સ્વીકારો, અથવા મરુત્તનો ત્યાગ કરીને મારો સ્વીકાર કરો.’

આમ સાંભળીને બૃહસ્પતિ ઘડી ભર વિચારમાં પડ્યા, પછી તેમણે કહ્યું, ‘તમે બધાં પ્રાણીઓના અધિપતિ છો. તમારા દ્વારા જ બધા લોક પ્રતિષ્ઠિત છે, તમે નમુચિ, વિશ્વરૂપ અને વલનો વધ કર્યો છે. હે વલસૂદન, હે અદ્વિતીય વીર, તમે ઉત્તમ સંપત્તિ મેળવી છે, તમે જ સદૈવ પૃથ્વી અને સ્વર્ગનું પાલન કરો છો. એટલે હે દેવગણેશ્વર (ઇન્દ્ર), હે પાકશાસન (ઇન્દ્ર) તમારો પુરોહિત થઈને હું કઈ રીતે મર્ત્ય મરુત્તનો પુરોહિત થઈશ? હે દેવેન્દ્ર, તમે નિશ્ચંતિ રહો, હું ક્યારેય મર્ત્ય મરુત્તના યજ્ઞમાં સુવા (યજ્ઞમાં ઘી જેના વડે હોમાય છે તે કાષ્ઠનું સાધન, સરવો) નહીં કરું, મારું આ વચન ધ્યાનમાં રાખજો. અગ્નિ શીતળ થઈ જાય, મેદિની(પૃથ્વી) ઊંધી થઈ જાય, સૂર્ય પ્રકાશ આપતો બંધ થઈ જાય તો પણ મારી વાત અસત્ય નહીં થાય.’

તે સમયે બૃહસ્પતિનું આ વચન સાંભળીને મત્સરસહિત થઈને શક્રે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.

દેવરાજ ઇન્દ્ર સમક્ષ બૃહસ્પતિની આ પ્રતિજ્ઞા સાંભળીને મરુત્ત રાજાએ એક ઉત્તમ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. વાક્કુશળ કરંધમપૌત્ર મરુત્ત મનોમન યજ્ઞનો સંકલ્પ દૃઢ કરીને બૃહસ્પતિ પાસે જઈને બોલ્યા, ‘હે ભગવાન, હે તપોધન, ગુરુ, મેં તમને પહેલાં પણ યજ્ઞનો પ્રસ્તાવ કહ્યો હતો, તમે મને આજ્ઞા આપી હતી. હવે હું એ યજ્ઞ કરવા માગું છું. તે માટે બધી સામગ્રી ભેગી કરી છે. હું તમારો યજમાન છું. એટલે આ બધી સામગ્રી ગ્રહણ કરીને યજ્ઞ કરાવો.’

બૃહસ્પતિએ ઉત્તર આપ્યો, ‘હે પૃથ્વીપતિ, હું તમારો યજ્ઞ કરાવવા માગતો નથી. દેવરાજ સમક્ષ મેં પ્રતિજ્ઞા લીધી છે. હું તેમનો પુરોહિત છું.’

મરુત્તે કહ્યું, ‘હું તમારા પિતાના સમયથી તમારો યજમાન છું, તમારું ખૂબ જ સમ્માન કરું છું. તમે મારા ઋત્વિજ નથી થયા એવું નથી. હું તમારી સેવા કરું છું, એટલે મને સ્વીકારો.’

બૃહસ્પતિ બોલ્યા, ‘હે મરુત્ત, હું અમર્ત્યનો યજ્ઞ કરાવીને મર્ત્યનો યજ્ઞ નહીં કરું. એટલે તમે જાઓ કે ન જાઓ, હવે હું મનુષ્યોના યજ્ઞકાર્યમાંથી નિવૃત્ત થયો છું. હે મહાબાહુ, હું તમારો યજ્ઞ કરાવી નહીં શકું. તમારે જેને ઉપાધ્યાય કરવા હોય અને જે તમારો યજ્ઞ કરવા સંમત થાય તેને સ્વીકારી લો.’

બૃહસ્પતિનું આવું વચન સાંભળીને નૃપતિ મરુત્ત અત્યંત લજ્જિત થયા અને ખિન્ન થઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં નારદ મળ્યા. દેવર્ષિ નારદને મળ્યા એટલે રાજાએ વિધિવત્ પ્રણામ કર્યા. નારદે કહ્યું, ‘હે રાજર્ષિ, તમે આટલા નિરાશ કેમ છો? હે નિષ્પાપ, તમે કુશળ તો છો ને! ક્યાં ગયા હતા? ત્યાં શું તમને અપ્રીતિનો અનુભવ થયો? હે રાજન્, હે પાથિર્વશ્રેષ્ઠ, જો મારે સાંભળવા લાયક હોય તો મને એ વિશે કહો. હું બધા પ્રયત્ન કરીને તમારું દુઃખ દૂર કરીશ.’

મહર્ષિ નારદની વાત સાંભળીને ઉપાધ્યાયના વિયોગની બધી વાત કરી. ‘હું અંગિરાના પુત્ર દેવગુરુ બૃહસ્પતિને યજ્ઞમાં ઋત્વિજ બનાવવા તેમના દર્શને ગયો, તેમણે મારી પ્રાર્થના અસ્વીકારી. હું મનુષ્ય છું એટલે ગુરુએ મને ત્યજી દીધો. હે નારદ, હવે જ્યારે ગુરુ દ્વારા દૂષિત અને ત્યક્ત છું તો જીવવાની ઇચ્છા મને નથી.’

રાજાની આ વાત સાંભળીને દેવર્ષિ નારદ અવિક્ષિતપુત્ર મરુત્તને પોતાની સંજીવની વાણીથી કહેવા લાગ્યા, ‘અંગિરાના પુત્ર ધાર્મિક સંવર્ત દિગંબર થઈને પ્રજાને મોહિત કરતા બધી દિશાઓમાં ભ્રમણ કરે છે. જો બૃહસ્પતિ તમને યજમાન બનાવવા માગતા નથી તો તમે એમની પાસે જાઓ, તે પ્રસન્ન થઈ તમારો યજ્ઞ કરાવશે.’

મરુત્તે કહ્યું, ‘હે વાગ્પટુ નારદ, તમારા આ વચનથી હું જીવિત થયો છું. પણ મને કહો કે સંવર્તનો મેળાપ ક્યાં થશે? અને મારે તેમની સાથે કેવો વર્તાવ કરવો? તેઓ મારો ત્યાગ ન કરે તે માટે શું કરવું? તેઓ જો મારો ત્યાગ કરશે તો હું જીવી નહીં શકું.’

નારદે ઉત્તર આપ્યો, ‘સંવર્ત વારાણસી નગરીમાં ઉન્મત્ત વેશે સુખપૂર્વક વિહાર કરે છે, ઉપાસના કરે છે. હે પૃથ્વીપતિ, તમે તે નગરીના દ્વારે ઊભા રહી ક્યાંક એક શબ મુકાવો, તે શબને જોઈને જે પાછા ફરી જાય તે સંવર્ત એમ માનજો. તે વીર્યવાન સંવર્ત જ્યાં જાય ત્યાં તેની પાછળ જજો, એકાંત સ્થાને હાથ જોડીને તેમને શરણે જજો. જો સંવર્ત તમને પૂછે કે મારું ઠેકાણું કોણે આપ્યું તો કહેજો કે નારદે આપ્યું છે. જો તેઓ મારી પાસે આવવા મારું ઠેકાણું પૂછે તો નિ:શંકપણે કહેજો કે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો છે.’

રાજર્ષિએ નારદની વાત સાંભળી ‘બહુ સારું’ કહી તેમની પૂજા કરી, અને તેમની આજ્ઞાથી વારાણસી ચાલ્યા ગયા. મહા યશસ્વી મરુત્તે વારાણસી નગરી જઈને નારદની વાત યાદ રાખીને એ નગરીના દ્વારે એક શબ ગોઠવી દીધું. વિપ્રવર્ય સંવર્ત થોડા સમયમાં પુરીના દ્વારે આવ્યા પણ શબ જોઈને ત્યાંથી જ પાછા વળી ગયા. અવિક્ષિતપુત્ર મહીપાલ (પૃથ્વીપતિ) મરુત્ત સંવર્તની નિકટ જઈને હાથ જોડીને તેમની પાછળ પાછળ ગયા. સંવર્તે મહારાજ મરુત્તને પોતાની પાછળ પાછળ આવતા જોઈને નિર્જન સ્થાને પહોંચી ધૂળ, કાદવ, થૂંક અને વિષ્ટા રાજા સામે ફેંક્યા. મહીપતિ સંવર્તે આમ અડચણો ઊભી કરી તો પણ હાથ જોડી તેમને પ્રસન્ન કરવા તેમની પાછળ ગયા. થોડા સમયે સંવર્ત થાકીને અનેક શાખાઓવાળા વડની શીતળ છાયામાં બેઠા.

સંવર્તે કહ્યું, ‘તમે મને કેવી રીતે ઓળખ્યો, કોણે મારો પરિચય આપ્યો? જો તમે મારા પ્રિય થવા માગતા હો તો બધું સાચી રીતે કહો, જો તમે સાચું કહેશો તો તમારા બધા મનોરથ સફળ થશે, અસત્ય બોલશો તો તમારા મસ્તકના સાત ટુકડા થઈ જશે.’

મરુત્તે કહ્યું, ‘તમારો પરિચય રસ્તે ભ્રમણ કરનારા નારદે આપ્યો. તેમણે મને તમારું સ્થાન બતાવ્યું. તમે મારા ગુરુપુત્ર છો, એ જાણીને મને વધારે પ્રીતિ થઈ છે.’

સંવર્ત બોલ્યા, ‘તે નારદ મને યાજ્ઞિકના રૂપે જાણે છે. આ તમે સત્યવચન કહ્યું. હવે એ કહો — તેઓ અત્યારે ક્યાં છે?’

મરુત્તે કહ્યું, ‘દેવર્ષિશ્રેષ્ઠે તમારો પરિચય અને તમારું સ્થાન કહી મને જવાની આજ્ઞા આપી અને પછી અગ્નિમાં પ્રવેશ કર્યો છે.’

સંવર્ત મરુત્તની આ વાત સાંભળી ખૂબ સંતુષ્ટ થયા અને બોલ્યા, ‘આ કાર્ય હું કરીશ.’

તે ઉન્મત્ત બ્રાહ્મણ કઠોર વાચા વડે મરુત્તની નિંદા કરી બોલ્યા, ‘હું વાયુરોગગ્રસ્ત છું. એટલે મારા ચિત્તમાં જે સમયે વિચાર આવે તે હું કરું છું. હંુ વિકૃતરૂપ છું. તું મારા જેવા પાસે શા માટે યજ્ઞ કરાવવા માગે છે? યજ્ઞકાર્યમાં સમર્થ મારા ભાઈ બૃહસ્પતિ ઇન્દ્ર દ્વારા સમ્માનિત છે, તેઓ ઇન્દ્રના યજ્ઞકાર્યમાં નિયુક્ત છે. તું એમની સહાયથી તારું કાર્ય સિદ્ધ કર. મારા મોટાભાઈ બૃહસ્પતિએ મારા આ શરીર સિવાય ઘરમાં જે કંઈ સામગ્રી હતી, ગૃહદેવતા હતા તે બધું છિનવી લીધું છે. હે અવિક્ષિતપુત્ર, તે મારા પૂજ્ય છે એટલે તેમની અનુમતિ વિના કોઈ રીતે તમારો યજ્ઞ કરી શકીશ નહીં, એટલે જો યજ્ઞ કરાવવા ઇચ્છા રાખતા હો તો બૃહસ્પતિ પાસે જઈને તેમની અનુમતિ લઈ આવો, પછી હું યજ્ઞ કરીશ.’

મરુત્તે કહ્યું, ‘હે સંવર્ત, હું તમારી પાસે બૃહસ્પતિનો વૃત્તાંત કહું છું તે સાંભળો. હું પહેલાં બૃહસ્પતિ પાસે ગયો હતો. ઇન્દ્રે તેમને ના પાડી છે એટલે મને યજમાન બનાવવા માગતા નથી. તેમણે મને કહ્યું, કે ઇન્દ્રે મને એવું કહ્યું: મારા જેવા અમર્ત્ય યજમાનને મેળવીને તમે મર્ત્ય મરુતનો યજ્ઞ ન કરાવતા. તે પાથિર્વ મરુત્ત હંમેશાં મારી સ્પર્ધા કર્યા કરે છે. વૃત્રાસુર અને વલને મારનારા ઇન્દ્રની આ વાતને તમારા ભાઈએ ‘ભલે એમ જ થશે’ કહીને એ વાત માની લીધી.

હે મુનિવર, તમે નિશ્ચય માનજો કે તેમને દેવરાજનો આશ્રય છે અને મને યજમાન બનાવવા માગતા નથી. એટલે જ હું સર્વસ્વ અર્પણ કરીને પણ તમારી પાસે યજ્ઞ કરાવવા માગું છું. તમારી પાસેથી મેળવેલા ગુણ વડે ઇન્દ્રને પણ અતિક્રમવા માગું છું. હે બ્રહ્મન્, હું વગર અપરાધે તે બૃહસ્પતિ દ્વારા અસ્વીકૃત થયો છું, એટલે મારું મન ફરી તેમની પાસે જવાની ના પાડે છે.’

સંવર્તે કહ્યું, ‘હે પાથિર્વ, જો તું મારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ તો તારાં બધાં કાર્ય ચોક્કસ પૂરાં થશે. હું જ્યારે તારા યજ્ઞકાર્યમાં જોડાઈશ ત્યારે બૃહસ્પતિ અને ઇન્દ્ર બંને અત્યંત ક્રોધે ભરાઈને મારો દ્વેષ કરશે, ત્યારે તારે મારા પડખે ઊભા રહેવું પડશે. તું મને સાથ આપીશ તેનો વિશ્વાસ મને કેવી રીતે આવશે? એટલે તું મારા મનનો સંશય દૂર કર. જો એમાં કોઈ ત્રુટિ રહી જશે તો હું ક્રોધે ભરાઈને તને બંધુજનો સાથે તને ભસ્મ કરી દઈશ.’

મરુત્તે કહ્યું, ‘હે બ્રહ્મન્, જો હું તમારો સાથ છોડું તો જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત રહે, સમસ્ત પર્વતો ટકી રહે ત્યાં સુધી મને ઉત્તમ લોકની પ્રાપ્તિ ન થાય. જો હું તમારો સાથ છોડી દઉં તો હું ક્યારેય આ જગતમાં શુદ્ધ બુદ્ધિ પામી ન શકું અને હું વિષયાસક્તિમાં જ રચ્યોપચ્યો રહું.’

સંવર્તે કહ્યું, ‘હે અવિક્ષિતપુત્ર સાંભળ, જેવી રીતે સત્કર્મોમાં તારો સુંદર મનોયોગ થયો છે તેવી રીતે મારા અંત:કરણમાં પણ તારો યજ્ઞ કરાવવાની ઇચ્છા થઈ છે. હે મહારાજ, હું તને ઉત્તમ અક્ષય દ્રવ્યપ્રાપ્તિનો માર્ગ દેખાડીશ અને તું ગંધર્વો — દેવતાઓ સહિત ઇન્દ્રને નીચો પાડી શકીશ. રાજ્ય કે ધનની મારી ઇચ્છા નથી, હું માત્ર ભ્રાતા અને ઇન્દ્ર બંનેની વિરુદ્ધ કાર્ય કરીશ. હું તને સત્ય વચન કહંુ છું કે નિશ્ચય તને ઇન્દ્રની બરોબરીનો કરાવીશ અને તારું પ્રિય કરીશ.

‘હિમાલયના પાછલા ભાગમાં મુંચવાન પર્વત છે. ભગવાન ઉમાપતિ ત્યાં નિત્ય તપસ્યા કરે છે. ત્યાંની વનસ્પતિઓ, વૃક્ષોની નીચે, ઊંચાં શિખરો પર, શૈલરાજની ગુફાઓમાં ઇચ્છાનુસાર સુખપૂર્વક શૂલપાણિ મહાતેજસ્વી ભગવાન મહેશ્વર અનેક ભૂતગણોથી ઘેરાઈને ઉમા સાથે નિત્ય નિવાસ કરે છે.

(પછી ત્યાં રહેતા નિવાસીઓનાં નામ, રુદ્રનાં અનેક નામ)

આમ મહાદેવને નમસ્કાર કરી, તેમના શરણાગત થઈને તું સુવર્ણ મેળવીશ. તમારા સેવકો ત્યાં સુવર્ણ લેવા જાય. ત્યાર પછી કરંધમના પૌત્ર મરુત્તે સંવૃતનું આવું સાંભળીને એમ જ કર્યું. અલૌકિક રૂપે યજ્ઞની બધી તૈયારીઓ કરી. તેમના શિલ્પીઓએ ત્યાં સુવર્ણમય પાત્ર તૈયાર કર્યા. પછી બૃહસ્પતિ મરુત્ત રાજાની દેવતાઓથી પણ વધુ સમૃદ્ધિની વાત સાંભળી અત્યંત સંતાપ કરવા લાગ્યા. બૃહસ્પતિ મનોમન, ‘મારો શત્રુ સંવર્ત અત્યંત ધનવાન થશે.’ એવી ચિંતા કરીને સંતપ્ત, વિવર્ણ અને અતિ કૃશ થયા. ત્યારે દેવરાજ બૃહસ્પતિના અત્યંત સંતાપની વાત સાંભળીને દેવતાઓને સાથે લઈ તેમની પાસે જઈ કહેવા લાગ્યા,

‘હે બૃહસ્પતિ, તમને સુખે નિદ્રા તો આવે છે ને? તમારી ઇચ્છા મુજબ પરિચારક ગણ છે ને? તમે દેવતાઓના સુખની કામના કરો છો ને? દેવગણ તમારું પાલન કરે છે ને?’

બૃહસ્પતિએ કહ્યું, ‘હે મહેન્દ્ર, હું નિરાંતે સૂઈ જઉં છું, મારી ઇચ્છા પ્રમાણે પરિચારકગણ છે, હું હંમેશાં દેવતાઓના સુખની કામના કરું છું અને દેવગણ પણ પરમ આદરથી મારું પાલન કરે છે.’

ઇન્દ્રે કહ્યું, ‘હે બ્રહ્મન્, તો પછી કયા કારણે તમને માનસિક અને શારીરિક દુઃખ થાય છે? આજે તમે શા કારણથી ઉદાસ અને વિવર્ણ છો? જે કારણે તમને દુઃખ થાય છે તે મને કહો. હું તે જ વખતે તમને દુઃખ પહોંચાડનારનો વધ કરીશ.’

બૃહસ્પતિએ કહ્યું, ‘હે મઘવા(ઇન્દ્ર), મેં સાંભળ્યું છે કે મરુત્ત ઉત્તમ દક્ષિણાઓવાળો મહાયજ્ઞ કરવાનો છે. એમ પણ સાંભળ્યું છે કે સંવર્ત તેનો યજ્ઞ કરાવે છે. મારી ઇચ્છા છે કે સંવર્ત આ યજ્ઞ ન કરાવે.’

ઇન્દ્રે કહ્યું, ‘હે વિપ્ર, તમારી ઇચ્છાનુસારના ભોગ તમારી પાસે છે. તમે દેવતાઓના મંત્રજ્ઞ ઉત્તમ પુરોહિત છો. જન્મ-મૃત્યુ બંનેને જીતી લીધાં છૈ, તો સંવર્ત શું કરી લેશે?’

બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, શત્રુઓની વચ્ચે કોઈને સમૃદ્ધ જોઈને દુઃખ થાય છે. અસુરોમાં તમે જેને વધુ સમૃદ્ધ જુઓ છો તેમના પર ભિન્ન ભિન્ન સ્થાને દેવતાઓને સાથે લઈને આક્રમણ કરો છો, તેમને મારી નાખવા માગો છો. દેવેન્દ્ર, એવી જ રીતે મારા શત્રુ સંવર્તને સમૃદ્ધ થતો સાંભળીને દુઃખે વિવર્ણ થયો છું. હે મઘવન્, એટલે તમે સર્વ ઉપાય કરીને તે સંવર્ત કે મરુત્તનું દમન કરો.’

બૃહસ્પતિનું વચન સાંભળીને ઇન્દ્રે અગ્નિને બોલાવી કહ્યું, ‘હે અગ્નિદેવ, અહીં આવો. મારો સંદેશ લઈ મરુત્ત પાસે જાઓ. બૃહસ્પતિને મરુત્તની પાસે તેમની સંમતિથી પહોંચાડી દેજો. ત્યાં જઈને કહેજો કે બૃહસ્પતિ તમારો યજ્ઞ કરાવશે ને તમને અમર કરી દેશે.’

અગ્નિએ કહ્યું, ‘હે મઘવન્, હું બૃહસ્પતિને મરુત્તની પાસે પહોંચાડવા તમારો દૂત બનીને અત્યારે ત્યાં જઉં છું. આમ કરીને હું બૃહસ્પતિનું સમ્માન વધારીશ અને દેવેન્દ્રનું વચન સત્ય કરીશ.’

ત્યાર પછી મહાત્મા ધૂમકેતુ અગ્નિદેવ, હિમાલયમાં ઇચ્છાનુસાર વહેનારા મહાવેગશાળી શબ્દાયમાન વાયુની જેમ બધી વનસ્પતિઓ અને લતાઓને કચડીને ત્યાંથી ચાલી નીકળ્યા.

મરુત્તે કહ્યું, ‘હે મુનિ, આજે હું એક વિસ્મયકારક ઘટના જોઈ રહ્યો છું. અગ્નિદેવ પોતાનું રૂપ લઈને અહીં આવી રહ્યા છે. એટલે તમે એમને આસન, જળ, પાદ્ય અને ગાય આપો.’

અગ્નિએ કહ્યું, ‘હે નિષ્પાપ, હું તમારા આસન, જળ અને પાદ્ય અભિનંદનપૂર્વક ગ્રહણ કરું છું. હું ઇન્દ્રની આજ્ઞાનુસાર તેમનો દૂત બનીને અહીં આવ્યો છું.’

મરુત્તે કહ્યું, ‘હે ધૂમકેતુ, શ્રીમાન દેવરાજ સુખે તો છે ને? તે અમારા પર સંતુષ્ટ છે ને? દેવગણ તેમની આજ્ઞા પાળે છે ને? હે દેવ, આ બધું તમે મને યથાવત્ કહો.’

અગ્નિએ કહ્યું, ‘હે પાર્થિવેન્દ્ર, દેવરાજ ઇન્દ્ર પરમ સુખે નિવાસ કરે છે, બધા દેવગણ તેમને વશ છે. તેઓ તમારી સાથે અખૂટ પ્રીતિ રાખવા માગે છે. તમે દેવરાજનો સંદેશ હવે સાંભળો. જે કામ માટે તેમણે મને મોકલ્યો છે તે સાંભળો. તેઓ મારી સાથે બૃહસ્પતિને મોકલવા માગે છે. હે રાજન્, તે ગુરુ તમારું યજ્ઞકાર્ય કરાવશે, તમે મર્ત્ય છો, તમને અમર બનાવશે.’

મરુત્તે ઉત્તર આપ્યો, ‘આ દ્વિજશ્રેષ્ઠ સંવર્ત જ મારું યજ્ઞકાર્ય કરશે. હું તે બૃહસ્પતિને હાથ જોડું છું, હવે મારે તેમનું કોઈ પ્રયોજન નથી, મહેન્દ્રનો યજ્ઞ કરાવીને મારા જેવા મર્ત્ય મનુષ્યનું યજ્ઞકાર્ય કરવામાં તેમની શોભા નહીં રહે.’

અગ્નિએ કહ્યું, ‘જો બૃહસ્પતિ તમારું યજ્ઞકાર્ય કરશે તો દેવરાજની કૃપાથી દેવલોકમાં જેટલા લોક છે તે બધા તમને સુલભતાથી પ્રાપ્ત થશે, તમે મહાયશસ્વી થઈને નિશ્ચય સ્વર્ગ પર વિજય પામશો. હે નરેન્દ્ર, બૃહસ્પતિ તમારું યજ્ઞકાર્ય કરશે તો મનુષ્યલોક, દેવલોક, સમસ્ત દેવરાજ્ય, પ્રજાપતિસર્જિત બધા લોક પર તમે વિજય પામશો.’

સંવર્તે કહ્યું, ‘હે પાવક, તમે મરુત્તની પાસે બૃહસ્પતિને લાવવા અહીં ક્યારેય ન આવતા. જો તમે આવશો તો ધ્યાન રાખજો કે હું ક્રોધે ભરાઈને દારુણ દૃષ્ટિથી તમને ભસ્મ કરી નાખીશ.’

ત્યારે ધૂમકેતુ અગ્નિદેવ ભસ્મ થવાના ભયથી વ્યથિત થઈ પીપળાના પાનની જેમ કાંપવા લાગ્યા, અને દેવતાઓ પાસે પાછા ગયા. મહાત્મા શક્ર હવ્યવાહન અગ્નિને જોઈ બૃહસ્પતિના દેખતાં જ પૂછવા લાગ્યા. ‘હે જાતવેદ, તમે બૃહસ્પતિને રાજા મરુત્ત પાસે લઈ જવા મારા કહેવાથી ત્યાં ગયા હતા, તેનું શું થયું? રાજાએ શું કહ્યું? તેમણે એ વાત સ્વીકારી કે નહીં?’

અગ્નિએ કહ્યું, ‘મેં મરુત્તને તમારો સંદેશ વારે વારે સંભળાવ્યો, પણ તે સંમત ન થયા. તેમણે બૃહસ્પતિને હાથ જોડીને પ્રણામ કહ્યા છે અને કહ્યું કે ‘સંવર્ત જ મારું યજ્ઞકાર્ય કરશે.’ તેમણે એમ પણ કહ્યું કે મનુષ્યલોક, સ્વર્ગલોક અને પ્રજાપતિના જે બધા ઉત્કૃષ્ટ લોક છે તેમને પામવા ઇન્દ્ર સાથે સમાધાન કરવું પડે તો પણ બૃહસ્પતિને યજ્ઞના પુરોહિત બનાવવા માગતો નથી.’

ઇન્દ્રે કહ્યું, ‘તમે ફરી મરુત્ત પાસે જાઓ અને મારા અર્થયુક્ત સંદેશથી તેને સાવધાન કરો. જો તે તમારા વચનનું પાલન નહીં કરે તો હું એના પર વજ્રપ્રહાર કરીશ.’

અગ્નિએ કહ્યું, ‘હે વાસવ(ઇન્દ્ર), આ ગંધર્વરાજ હવે દૂત બનીને જાય. મને ત્યાં જવાની બીક લાગે છે. બ્રહ્મચર્યસંપન્ન સંવર્તે તીક્ષ્ણ રોષથી મને કહ્યું છે, જો તમે બૃહસ્પતિને લઈને મરુત્ત પાસે ફરી કોઈ રીતે આવશો તો હું ક્રોધે ભરાઈને દારુણ દૃષ્ટિથી તમને ભસ્મ કરી દઈશ. ઇન્દ્ર, તેમની આ વાત સમજી લો.’

ઇન્દ્રે કહ્યું, ‘હે જાતવેદ, તમે બધાને પ્રજ્વલિત કરો છો, તમારા સિવાય કોઈ ભસ્મકર્તા નથી, તમારા સ્પર્શથી જ બધા ભય પામે છે. હે હવ્યવાહન (અગ્નિ), એટલે તમે જે કહ્યું તે હું માની શકતો નથી.’

અગ્નિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, તમે આત્મબળથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગલોક પ્રાપ્ત કર્યા છે, પરંતુ આમ રહેવા છતાં વૃત્રાસુરે કેવી રીતે તમારા સ્વર્ગનું અપહરણ કર્યું હતું?’

ઇન્દ્રે કહ્યું, ‘હે અગ્નિ, હું પર્વતોને ક્રોધ વડે જંગમ કરી શકું છું પણ શત્રુઓએ આપેલ સોમનું પાન નથી કરતો, નિર્બળ પર વજ્ર ચલાવતો નથી, તો પણ એવો ક્યો માનવી છે જે મને કષ્ટ આપવા મારા પર પ્રહાર કરે? હે અગ્નિ, હું કાલકેય જેવા અસુરોને આકાશમાંથી પકડીને પૃથ્વી પર પાડી શકું છું, સ્વર્ગમાંથી પ્રહ્લાદનું પ્રભુત્વ સમાપ્ત કરીશ, તો મર્ત્ય માનવોમાં કોણ છે જે મને દુઃખ આપવા મારા પર પ્રહાર કરે?’

અગ્નિએ કહ્યું, ‘હે મહેન્દ્ર, પહેલાં મહર્ષિ ચ્યવને રાજા શર્યાતિનો યજ્ઞ કરાવી અશ્વિનીકુમારોની સાથે એકલા સોમપાન કર્યું હતું. તમે એમના પર ક્રોધે ભરાઈને શર્યાતિના યજ્ઞનું નિવારણ કરતા રહ્યા, શર્યાતિના તે યજ્ઞનું એક વાર સ્મરણ કરો. તમે ઘોર વજ્ર લઈને ચ્યવન પર પ્રહાર કરવા તત્પર થયા હતા, તે વિપ્રે ક્રોધે ભરાઈને પોતાના તપોબળથી વજ્ર સમેત તમારો હાથ ગ્રહી લીધો હતો. ત્યાર પછી ક્રોધે ભરાઈને એક ભયાનક રૂપવાળો શત્રુ પેદા કર્યો, વિશ્વરૂપ ભયંકર મદ નામના અસુરને જોઈને જ તમે ત્યારે આંખો મીંચી દીધી હતી. તે વિશાળ દાનવનો એક હોઠ પૃથ્વી પર અને બીજો હોઠ સ્વર્ગમાં હતો, સેંકડો યોજન લાંબા તેના હજારો દાંત હતા, એટલે તે વિકરાળ દેખાતો હતો, એમાંથી ચાર દાંત ગોળ, મોટા અને રજતસ્તંભની જેમ શ્વેત અને બસો યોજન લાંબા હતા. તે મદ દાનવ તમને મારવા માટે દાંત કચકચાવીને ઘોર ત્રિશૂળ ઉઠાવી તમારી સામે દોડ્યો હતો. હે દાનવોના હર્તા, તે સમયે વિકરાળ અસુરને જોઈને તમે એવા થઈ ગયા કે બધા તમને જ જોવા લાગ્યા. ત્યાર પછી એનાથી ભય પામીને તે મહર્ષિ ચ્યવનની શરણાગતિ લીધી. હે શક્ર, ક્ષાત્રબળથી બ્રહ્મબળ ચઢિયાતું છે, બ્રાહ્મણથી ચઢિયાતી બીજી કોઈ શક્તિ નથી. એટલે બ્રહ્મતેજને સારી રીતે ઓળખ્યા પછી સંવર્તને જીતવાની ઇચ્છા કરતો નથી.’

ઇન્દ્રે કહ્યું, ‘એ વાત સાચી છે કે બધાં બળમાં બ્રહ્મબળ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણોથી શ્રેષ્ઠ કોઈ નથી. પરંતુ હું મરુત્તનું બળ કદાપિ સાંંખી શકીશ નહીં. તેના પર ઘોર વજ્રથી પ્રહાર કરીશ. હે ગંધર્વ ધૃતરાષ્ટ્ર, હવે તમે મારા દૂત બનીને સંવર્તને મળેલા એ રાજાને કહો કે તમે બૃહસ્પતિને આચાર્ય બનાવીને યજ્ઞની દીક્ષા લો. જો તમે એવું નહીં કરો તો ઇન્દ્ર તમારા પર ઘોર વજ્રપ્રહાર કરશે.’

ત્યાર પછી ધૃતરાષ્ટ્ર ગંધર્વે નરેન્દ્ર મરુત્ત પાસે જઈને ઇન્દ્રનો સંદેશ આપ્યો, ‘હે નરેન્દ્ર, હું ધૃતરાષ્ટ્ર, હું ગંધર્વ છું. ઇન્દ્રનો સંદેશ તમને પહોંચાડવા આવ્યો છું. લોકાધિપતિ મહાત્માએ તમારા માટે જે કહેવડાવ્યું છે તે સાંભળો, — તમે બૃહસ્પતિ પાસે યજ્ઞ કરાવો. જો આમ નહીં કરો તો હું તમારા પર ઘોર વજ્રપ્રહાર કરીશ.’

મરુત્તે કહ્યું, ‘તમે, પુરંદર(ઇન્દ્ર), વિશ્વદેવ, વસુગણ અને અશ્વિનીકુમારો — આ બધા જ જાણે છે કે આ લોકમાં મિત્રદ્રોહી પુરુષની નિષ્કૃતિ નથી થતી, બધા લોકો આમ જ માને છે. બૃહસ્પતિ દેવશ્રેષ્ઠ મહેન્દ્રનું યજ્ઞકાર્ય કરે અને મારું યજ્ઞકાર્ય સંવર્ત કરશે. અત્યારે બૃહસ્પતિ અને ઇન્દ્રનાં વચન મને રુચતાં નથી.’

ગંધર્વે કહ્યું, ‘હે રાજસિંહ, આકાશમાં ગરજતા ઇન્દ્રનો ઘોર નાદ સંભળાય છે. લાગે છે કે મહેન્દ્ર તમારા ઉપર વજ્રપ્રહાર કરશે. હે રાજન્, તમે તમારા કલ્યાણનો વિચાર કરો. આ જ સમય છે.’ મરુત્તે ધૃતરાષ્ટ્ર ગંધર્વની વાત સાંભળી અને આકાશમાં ઇન્દ્રનો ઘોર ધ્વનિ સાંભળ્યો, એટલે તેમણે તપોનિધિ, ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ સંવર્તને શક્રની આ વાત કરી.

મરુત્ત બોલ્યા, ‘હે વિપ્રેન્દ્ર, ઇન્દ્ર દૂરથી જ વજ્રપ્રહાર કરવા માગે છે, તે દૂર ઊભા છે એટલે દેખાતા નથી. હું તમારે શરણે છું. તમે મારી રક્ષા કરો, મને તમે અભયદાન આપો. એ વજ્રધારી ઇન્દ્ર દશે દિશાઓને પ્રકાશિત કરતા આવી રહ્યા છે અને તેમના ભયાનક, અમાનુષ ધ્વનિથી યજ્ઞશાળાના બધા સદસ્ય ભયભીત થઈ ગયા છે.’

સંવર્તે કહ્યું, ‘હે રાજસિંહ, ઇન્દ્રના ભયનું નિવારણ થશે. હું હમણાં જ સ્તંભિની વિદ્યા વડે તમારા આ ઘોર ભયનો નાશ કરીશ. તમે ધીરજ રાખો, ઇન્દ્રથી પરાજિત થવાનો ભય છોડો. હે નૃપ, તમે ઇન્દ્રથી ના બીશો. હું તેમને અત્યારે સ્તંભિત કરું છું. મારા સ્તંભનથી બધા દેવતાઓનાં અસ્ત્રશસ્ત્ર નિષ્ફળ થશે. દશે દિશામાં વજ્ર જાય, આંધી આવે, ઇન્દ્ર સ્વયં વર્ષા રૂપે અહીં જળ વરસાવે, સમસ્ત જળ આકાશમાં વ્યર્થ વહેશે. આ જે સૌદામિની (વીજળી) દેખાય છે તે વ્યર્થ છે, તમે ના ડરશો. ઇન્દ્ર, કામનાઓની વર્ષા કરે, તમારો વધ કરવા જે વજ્ર ઉગામ્યું છે, વાયુ વહેવડાવે છે તે બધું તેમના જ હાથમાં રહે. તમે ભય ન પામતા. અગ્નિદેવ તમારી ચારે બાજુથી રક્ષા કરો.’

મરુત્તે કહ્યું, ‘હે વિપ્રવર, અત્યારે વજ્રનો અને વાયુનો મહાભંયકર અવાજ સંભળાય છે, એટલે મારું હૃદય વારે વારે કાંપે છે, આજે મને શાંતિ નથી.’

સંવર્ત બોલ્યા, ‘હે નરનાથ, તે ઉગ્ર વજ્રનો ભય આજે ન ધરો. હું અત્યારે વાયુ થઈને વજ્રને નિષ્ફળ કરું છું. ભયમુક્ત થઈને તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો, વરદાન માગો, હું તમારી કઈ ઇચ્છા પૂરી કરું?’

મરુત્તે કહ્યું, ‘હે વિપ્રવર્ય, ઇન્દ્ર પ્રત્યક્ષ થઈને યજ્ઞમાં સહસા આવે અને પોતાનો હવિષ્ય ભાગ ગ્રહણ કરે, દેવગણ પણ પોતાના સ્થાને બેસી જાય, પોતપોતાનો યજ્ઞભાગ લે અને સોમપાન કરે. હું આ વરદાન માગું છું.’

સંવર્તે કહ્યું, ‘હે મહારાજ, સોમરસ પીનારા ઇન્દ્ર બધા દેવતાઓ સાથે અશ્વો જોડેલા રથમાં આ યજ્ઞ માટે આવી રહ્યા છે. મારા મંત્રો દ્વારા આજે આ યજ્ઞમાં તેમનું આવાહન કર્યું છે. જુઓ મંત્રબળથી તેમનાં શરીર ખેંચાઈને અહીં આવી રહ્યા છે.’

દેવરાજ ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ અશ્વોવાળા રથમાં બેસીને દેવતાઓ સાથે સોમપાનની ઇચ્છાથી અવિક્ષિતપુત્ર અપ્રમેયાત્મા રાજા મરુત્તના યજ્ઞમાં આવ્યા. દેવતાઓ સમેત ઇન્દ્રને આવતા જોઈ મરુત્તે સંવર્તની સાથે આગળ આવીને આવકાર આપ્યો. પ્રસન્ન ચિત્તે શાસ્ત્રાનુસાર ઉત્તમ રીતે તેમના કુશળ સમાચાર પૂછ્યા, તેમની પૂજા કરી, સંવર્તે દેવરાજ સાથે વાત કરી.

સંવર્ત બોલ્યા, ‘હે ઇન્દ્ર, તમારું સ્વાગત છે. આજે તમારા આગમનથી આ યજ્ઞ અત્યંત શોભી ઊઠશે. હે વલવૃત્રહર્તા, આજે મેં તૈયાર કરેલ સોમરસનું પાન કરજો.’

મરુત્ત બોલ્યા, ‘હે સુરેન્દ્ર, મારા નમસ્કાર, તમે કુશળ નેત્રે મને જુઓ. તમારા આવવાથી મારો યજ્ઞ અને મારું જીવન સફળ થયાં. બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત મારો યજ્ઞ કરાવે છે.’

ઇન્દ્રે કહ્યું, ‘હે રાજન્, તમારા ગુરુ બૃહસ્પતિના નાના ભાઈ અત્યંત તેજસ્વી તપોધન સંવર્તને જાણું છું. તેમના આવાહનથી જ આવવું પડ્યું છે. આજે હું તમારા પર અત્યંત પ્રસન્ન છું, તમારા પરનો મારો ક્રોધ હવે નથી.’

સંવર્તે કહ્યું, ‘હે દેવરાજ, જો તમે પ્રસન્ન થયા હો તો તમે સ્વયં યજ્ઞનું વિધાન કહો, તમે બધી રીતે કરો. હે સુરેન્દ્ર, આ બધા જ લોક જાણે.’

અંગિરાપુત્ર સંવર્તનું વચન સાંભળીને ઇન્દ્રે પોતે દેવતાઓને આજ્ઞા આપી, ‘તમે બધા ચિત્રવિચિત્ર સુંદર હજારો સભાગૃહ તૈયાર કરો. ગંધર્વો અને અપ્સરાઓ માટે શીઘ્ર સુંદર સ્તંભવાળા મંડપો તૈયાર કરો. ત્યાં ચઢવા માટે સીડીઓ બનાવો. યજ્ઞશાળાના જે સ્થળે હજારો અપ્સરાઓ નૃત્ય કરશે તે સ્થળને સ્વર્ગની જેમ સુસજ્જ કરો.’

દેવરાજે આમ કહ્યું એટલે દેવતાઓએ પ્રસન્ન થઈ તેમની આજ્ઞા પ્રમાણે બધું ઊભું કર્યું, પછી પૂજિત અને પ્રસન્ન ઇન્દ્રે મરુત્તને કહ્યું, ‘હે નરેન્દ્ર, આ સ્થળે તમારી સાથે મારા મિલનથી તમારા અન્ય પૂર્વજો અને અન્ય દેવતાઓ સંતુષ્ટ થઈ તમે ધરેલું હવિષ્ય ગ્રહણ કરશે. અગ્નિદેવ માટે લાલ રંગની અને વિશ્વદેવો માટે અનેક રૂપવાળી વસ્તુઓ આપો. બ્રાહ્મણ શ્રેષ્ઠ અહીં આવીને જેમના ચંચલ શિશ્નનો સ્પર્શ કર્યો છે તે નીલ રંગના વૃષભો સ્વીકારે.’

આમ મરુત્તનું યજ્ઞકાર્ય વૃદ્ધિ પામતું ગયું. તે યજ્ઞમાં બધા દે

વ પીરસવા લાગ્યા અને બ્રાહ્મણોએ પૂજેલા, ઉત્તમ અશ્વોવાળા ઇન્દ્ર આ યજ્ઞમાં સદસ્ય બનીને બેઠા હતા. બીજા અગ્નિ સમાન તેજસ્વી મહાત્મા સંવર્તે ઊંચા સ્વરે દેવતાઓનું આવાહન કર્યું. અને પ્રસન્ન ચિત્તે મંત્રો દ્વારા અગ્નિમાં ઘીની આહુતિ આપી. વલસૂદન ઇન્દ્રે અને બધા સોમપાન કરનારા દેવતાઓએ સુખપૂર્વક સોમપાન કર્યું. બધા તૃપ્ત, પ્રસન્ન, પ્રીતિયુક્ત થયા અને પછી બધા દેવતા મરુત્તની અનુમતિ લઈ જતા રહ્યા. શત્રુનાશી રાજા મરુત્તે પ્રસન્ન ચિત્તે ડગલે ડગલે સુવર્ણના ઢગલા કરાવી બ્રાહ્મણોને બહુ ધન આપ્યું. તે વેળા તેઓ ધનેશ કુબેર જેવા શોભતા હતા. જે ધન બાકી રહ્યું હતું તે બધું રાજાએ કોશમાં આપ્યું અને ગુરુઆજ્ઞાથી ત્યાંથી નિવૃત્ત થઈ સાગર સમેત વસુંધરા પર રાજ કર્યું.

(આશ્વમેધિક પર્વ, ૫-૧૦)